Mrugjadi Dankh - 12 in Gujarati Short Stories by Kuntal Sanjay Bhatt books and stories PDF | મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 12

Featured Books
Categories
Share

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 12

પ્રકરણ ૧૨


હેમાએ સુરુચિને પોતાને ઘરે બોલાવી અને તરત જ એક વાત ઉપજાવી કાઢી. "તમે કવિતાથી દૂર જ રહેજો એને અને પરમભાઈનો કીટીને કારણે બહુ મોટો ઝગડો થયો છે. સાંભળ્યું છે કે કોઈ કીટી ફ્રેન્ડ કિક અને થ્રિલની વાતો કરતી હતી. તમને ખ્યાલ ખરો એ કોણ હશે?" સુરુચિ ગભરાઈને બોલી " ના રે ના, મને એવી કોઈ વાતમાં ઇંટ્રેસ્ટ જ નથી એટલે હું કાંઈ જાણુ નહિ." " તો સારું, નહિ તો એવી ફ્રેન્ડથી દૂર રહેજો, એવી ફ્રેન્ડ તો કાલ ઉઠીને કોઈના ઘર ભંગાવે. હવે બોલો ચા કે કોલ્ડ ડ્રિન્ક શું બનાવું?" સુરુચિ બોલી, " થેન્ક યુ પણ મને કંઈ નથી ફાવતું, એ તો હું એક કામે જતી હતી તો થયું કવિતાને જોતી જાઉં. પણ હવે નહિ, ચાલો બાય." કહી સીધી જ લિફ્ટમાં ભાગી ગઈ. હેમાએ જાણ્યું કે કવિતા બોલતી થઈ છે એટલે એ મિતેષ સાથે એને મળવા જશે એમ નક્કી કર્યું.


આલાપ પહેલા કરતા સ્વસ્થ હોય એવું લાગ્યું, એટલે એની મમ્મીએ જૈનિશ સાથે કૉલેજ જવાની મંજૂરી આપી દીધી હતી. પગ હજી ખોડંગાતો તો હતો જ પણ આમ માનસિક રીતે ઘણો સ્વસ્થ હોય એમ લાગતું હતું. જૈનિશ એને લેવા આવ્યો. આલાપ જેવો ઘરની બહાર નીકળ્યો કે જૈનિશે કહ્યું, "ચલ, ક્યાંક બેસીને વાત કરીએ. કૉલેજ નથી જવું." આલાપે મૂક સંમતિ આપી એટલે બન્ને એક વૉક વૅની બાજુએ આવેલાં બાંકડા પર બેઠા.


"હવે બોલ આલાપ, ખાખી ટેપનું શું કર્યું?" જૈનિશે પૂછ્યું.


"અમે જ્યાં દર વખતે મળતા હતા એ જ કૅફેમાં મળીશું એમ નક્કી થયું. માયા અને હું દર વખતે મોઢું ઢાંકીને જ આવતાં હતાં. એ દુપટ્ટો બાંધે અને હું માસ્ક અને ચશ્મા પહેરુ, પણ આ વખતે હું હેલ્મેટ પણ લઈ ગયો હતો. માયા પર મગજ બહુ જ ગરમ થયું હતું. તે દિવસે એ મારું ગમતું પિંક ટોપ અને લાઈટ બ્લૂ જીન્સ અને ઊંચી પૉની ટેઇલ બનાવી આવી હતી. એને જોતાં જ મારો બધો ગુસ્સો ગાયબ થઈ ગયો. શું કહું યાર એ છે જ એવી !" આલાપ અટક્યો.


" તો પછી એવો અકકલવગરનો વિચાર કેમ આવ્યો?" જૈનિશે સવાલ કર્યો.


"સાચું કહું તો તે ટાઈમે તો બસ એને કિડનેપ કરી, એનો વીડિયો બનાવી એના પતિ સામે ખુલ્લી પાડવાનો વિચાર હતો. એને ગભરાવવી હતી, એને તડપાવવી હતી, એને સતત ભયનાં ઓથાર હેઠળ જીવડાવવી હતી. એની પાસે મારી થવા સિવાય કોઈ ઑપશન બાકી નહોતો રાખવો, પણ ધાર્યું ન થયું ને બધું ઉંધુ થઈ ગયું." કહી આલાપે માથે હાથ પછાડ્યો.


"હેલો, જૈનિશ.." અવાજ સાંભળી બન્ને ચોંકી ગયા. સામે ડૉકટર આશુતોષ હતાં. જૈનિશ તરત ઉભો થઇ ગયો. અને ઓહો.." આશુભાઈ તમે અહીં?"


"યસ, હું અહી રોજ વૉકિંગ માટે આવું છું. જિમ ઘરે અને વૉકિંગ ખુલ્લામાં જ કરવું જોઈએ એવું હું માનું છું."

ડૉકટર આશુતોષે જવાબ આપ્યો. પછી આલાપ સામે જોતાં પૂછયું, "આ..?"


જૈનિશે કહ્યું, " મારો દોસ્ત આલાપ છે, અમે લગભગ નર્સરીથી હમણાં સુધી સાથે ભણીએ છીએ." આલાપે સ્મિત આપી નમસ્કાર કર્યા. એમણે પણ એક મર્માળું સ્મિત આપ્યું હોય એવું આલાપને લાગ્યું! પછી જતા જતા જૈનિશની સામે જોઈ કહ્યું, "તારું એક કામ છે જૈનિશ તું સાંજે ઘરે આવજે." "ઓકે ભાઈ." કહી જૈનિશ ફરી આલાપ પાસે બેસી ગયો. જૈનિશે આલાપને કહ્યું "એ ડૉકટર છે અને મારાં મામીનાં ભાઈના દીકરા છે. હું એમનાથી બહુ જ ઈમ્પ્રેસ, જો ને કેવી ડેશીંગ પર્સનાલિટી! એમની હોસ્પિટલ પણ ધમધોકાર ચાલે છે. ધૂમ રૂપિયો છે છતાં ડાઉન ટુ અર્થ પર્સન છે. હોસ્પિટલનું નામ આવતાં આલાપનાં મગજમાં ચમકારો થયો. પણ હવે એને એ બધું કંઈ જ વિચારવું નહોતું.


"હમ્મ.. તો પછી બોલ આલાપ આગળ શું થયું?" જૈનિશે પૂછ્યું અને આલાપે ફરી વાતનો તંતુ પકડ્યો, " જે કપલબોક્સમાં જીવનનાં મીઠાં સપનાઓ જોયાં હતાં, એ કપલબોક્સ સાલું જિંદગીની કડવામાં કડવી ક્ષણો માટેની યાદગાર જગ્યા બની ગઈ. અમે સામસામે બેઠાં, પછી એણે મારો હાથ પકડ્યો અને એનાં હોઠે લગાડ્યો પણ હું દાઝયો હોઉં એમ મેં ખેંચી લીધો. અને એના હાથ જોરથી પકડીને એને મારી સાથેના છળનું કારણ પૂછ્યું અને યાર એનું કારણ તો જો, સા…ને એકધારી લાઈફમાં થ્રિલ જોઈતી હતી, એનો પતિ રૂપિયા કમાવામાં બિઝી તો કોઈ ટેમ્પરરી રોમેન્ટિક પાર્ટનર જોઈતો હતો! એના પ્રેમનાં નાટક જોઈ હું સાચે ફસાઈ ગયો હતો યાર. જ્યારે મેં એને મમ્મીને મળાવવાની વાત કરી ત્યારે એ ગભરાઈને પાછળ ખસી ગઈ. કેવી આ માયા! મેં ફરી ગુસ્સાથી દાંત પીસી ને પૂછ્યું કે તે મારો જરાક પણ વિચાર ન કર્યો? મારા અરમાનો..મારી લાગણીઓની કોઈ કિંમત જ નહિને તારાં મનમાં?" કહી ફરી આલાપની આંખમાં દુઃખ અને ગુસ્સા મિશ્રિત પાણી આવી ગયાં.


"ઓહઃ…જબરજસ્ત બાઈ!" જૈનિશ વચ્ચે બોલ્યો.


" એણે કહ્યું હું તને પ્રેમ તો કરું છું બટ સૉરી મારે મારી લાઈફ પણ જોવાની હોય ને? મારી દીકરી અને મારો પતિ મને બહુ પ્રેમ કરે છે. એ લોકોને હું કયા વાંકની સજા આપું? એટલે મારી છટકી મેં એનો હાથ મચકોડયો અને પૂછ્યું..સા.. નરાધમ બાઈ તું મને શેની સજા આપી રહી છે હેં? એ રડી પડી, હાથ છોડાવ્યો પછી હું પણ શાંત પડ્યો અને વિચાર્યું કે હું જે કામ માટે આવ્યો છું એ કરવું જોઈએ. મેં કહ્યું, જે થયું એ ચાલ, હવે તું મારાં પ્રેમની અને મારી તડપની કિંમત આપ. એમ કહી સટાક કરતો ઉભો થઈ એની ખુરશીની પાછળથી એને મોઢે ટેપ મારવા ગયો. ટેપ તો પહોળી હતી એટલે તરત લાગી તો ગઈ પણ એણે ઉંધા હાથે એટલી જ સ્પીડથી મને ધક્કો માર્યો. હું નીચે પડતો બચ્યો પણ મને એક ખભામાં જબરદસ્ત વાગ્યું. મેં એના બન્ને હાથ પાછળ ખેંચી ટેપ લગાવવાની કોશિશ કરી, ખેંચાખેચી કરતાં એના એક હાથમાં સેન્ડવિચ નાઈફ આવી ગયો. તો એણે મને ઘૂંટણ અને સાથળ પર ઝીંકી દીધો."


"ઓહ માય ગોડ…હિંમત પણ કેવી એની!" જૈનિશ પણ વાત સાંભળી ચોંકી ગયો.


"ઝપાઝપી કરતાં એનાં હાથ પર તો મેં ટેપ મારી જ દીધી હતી. પણ પછી એણે પગ મારાં પગમાં માર્યો. એનાથી હું બાજુની ખુરશીમાં ફસડાઈ ગયો.એ બહાર નીકળવા જતી હતી એટલે મેં એ જ નાઈફથી ગળે ઘસરકા કર્યા એટલે એ સીધી મારાં હાથમાં પડી અને અનાયાસે એને ઝીલવા બીજો નાઈફ વાળો હાથ ઊંચો થયો તો એ નાઈફ એને ખભાની પાછળની બાજુ ખૂંપી ગયો. હે…ભગવાન.." કહી બે હાથે એણે જોરથી ચહેરો ઢાંકી દીધો.


"ઓહ બાપ રે… સ્વ બચાવમાં જ થઈ ગયું એમ ને? તો પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ. પછી તું બહાર કઈ રીતે નીકળ્યો? ત્યાં કોઈને અવાજ ન આવ્યો?" જૈનિશે ઉશ્કેરાટમાં ઉપરા ઉપરી સવાલો કર્યા.


"સાંજનો સમય હતો એટલે ત્યાં લાઈવ મ્યુઝિક ચાલતા હોય વળી, કપલબોક્સમાં થોડા ઘણાં ફર્નિચરનાં અવાજો બીજાં કારણોસર નોર્મલ હોય. અને તે દિવસે કોઈનું બર્થડે સેલિબ્રેશન પણ હતું એટલે ભીડ બહુ હતી." આલાપે જવાબ આપ્યો.


"હા.. હા…પણ પછી શું થયું એ બોલ." જૈનિશને તાલાવેલી થઈ આવી.


"હું ગભરાઈ ગયો પણ ખબર નહિ કેમ કરતાં મગજ ચાલ્યું. એ ઓઢીને આવેલી એ દુપટ્ટો ખાસો લાંબો અને જાડો હતો અને સાથે લાવેલી બેગમાં સ્વેટર પણ હતું. મેં દુપટ્ટો ગળાની ફરતે અને સ્વેટર ખભાની નીચે મૂકી દીધું. મારા ટી શર્ટ પર લાગેલાં લોહીનાં છાંટાને છૂપાવવા, મેં હેલ્મેટ સાથે ટેબલ પર મૂકેલું જેકેટ પહેરી લીધું. બેગ આગળની તરફ ભેરવી અને હેલ્મેટ પહેરી સડસડાટ નીકળી ગયો. ઓહહહ ઓહહહ…એ દિવસની બાઈકની સ્પીડ હજી યાદ છે. મને ઘૂંટણ પર અને સાથળ પર થયેલાં ઘા પર મેં ઘરે જ ફર્સ્ટ એઇડ બોક્સની મદદથી પાટાપિંડી કરી દીધાં. આખી રાત જાગતો રહ્યો, ચોંકતો રહ્યો અને પોલીસવૅનનાં સાઇરનની ભ્રમણામાં ધ્રૂજતો રહ્યો. મમ્મી નાઈટ શિફ્ટ કરી સવારે આવી એટલે મેં કહ્યું એક્સિડન્ટ થયો છે. બધું પતી ગયું છે, કોઈ કાર્યવાહી નથી થઈ. વાંક સમેવાળાનો જ હતો. સામેવાળાનું લોહી ટી શર્ટ પર હતું એટલે મેં મશીનમાં નાંખી દીધું છે. એકી શ્વાસે હું બોલી ગયો. યાર, મમ્મીથી ઘણું છુપાવ્યું હતું પણ આટલી હદનું ખોટું પહેલીવાર બોલ્યો." કહી આલાપે વાતને વિરામ આપ્યો.



ક્રમશ: