Chinta, Stress, Depression Same Adbhut Aath Chavio! - 2 in Gujarati Short Stories by Dada Bhagwan books and stories PDF | ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન સામે અદ્ભુત આઠ ચાવીઓ! - 2

Featured Books
Categories
Share

ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન સામે અદ્ભુત આઠ ચાવીઓ! - 2

આપણે પહેલા અંકમાં સ્ટ્રેસમાંથી હેપ્પીનેસ તરફ લઈ જતી ત્રણ ચાવીઓ મેળવી. જેનાથી બાહ્ય પરિસ્થિતિમાં ફેરફાર થાય કે ના થાય, આપણને શાંતિ ચોક્કસ થઈ જાય છે. હવે મેળવીએ બીજી ત્રણ અદ્ભુત ચાવીઓ!

4) વર્તમાનમાં રહેવું:

જે ભૂતકાળમાં ખોવાઈ જાય અથવા ભવિષ્યના વધુ પડતા વિચારો કરે તેને ટેન્શન થાય. પણ ભૂતકાળ ઈઝ ગોન ફોરેવર! એક મિનિટ પહેલાં કોઈ આપણા ખીસામાંથી દસ હજાર પાઉન્ડ કાપી ગયો, એ થઈ ગયો ભૂતકાળ! કોઈ વ્યક્તિના નિમિત્તે મોટું દુઃખ પડયું કે ક્યાંક ધાર્યા પ્રમાણે સફળતા ન મળી એ બધું જ ભૂતકાળ. અત્યારે ફરી એ ભૂતકાળને ઉથામવો એ મૂર્ખાઈ છે, ભયંકર ગુનો છે.

બીજી બાજુ, ભવિષ્યકાળ આપણા તાબામાં નથી. ભવિષ્યમાં આમ થશે તો શું કરીશ? તેમ થશે તો શું કરીશ? દુકાળ પડશે તો? દીકરી ત્રણ વર્ષની થાય ત્યારથી તેને પરણાવવાની ચિંતા થાય. ગાડીમાં બેસીને જતા હોઈએ ત્યારે રસ્તામાં વિચાર આવે કે, “એકસીડન્ટ થશે તો?”. ભવિષ્યની વધારે પડતી ચિંતા એટલે અગ્રશોચ. એ ચિંતા માણસને ભયભીત કરી મૂકે છે. એટલું જ નહીં, ભવિષ્યનો વિચાર કરવા જતાં વર્તમાનનું સુખ તો ભોગવાતું નથી, પણ ભવિષ્યેય બગડે છે, એટલે વર્તમાનમાં રહેવું!

જે વર્તમાનમાં રહે તેને ક્યારેય ટેન્શન ન થાય, તે નિર્ભય રહે, મુક્ત ને મુક્ત જ રહે. પરિણામ જે આવ્યું તે આવ્યું, આપણે વર્તમાનમાં કારણો સુધારવા. બોર્ડની પરીક્ષામાં રિઝલ્ટ નબળું આવ્યું, તો તેમાં કશો ફેરફાર ન થઈ શકે, પણ નવી પરીક્ષા સુધારી શકાય.


5) મનોબળ કેળવવું:

મનમાં ધાર્યું હોય કે આ કાર્ય કરવું છે, પણ એ સફળ ન થતું હોય, ત્યારે આપણો જે મનોબળ (વિલપાવર) છે કે ‘આ કાર્ય સફળ થશે જ, કેમ ન થાય?’ તો એનાથી વહેલું-મોડું પણ કામ સફળ થાય છે. પણ મનોબળ તૂટી ગયું તો કામ સફળ નહીં થાય. પોતાનો વિલપાવર અને દુવા, બે ભેગું થાય તો કામ સફળ થાય., કોઈ દિવસ નિષ્ફળતા આવે જ નહીં. પણ વિલપાવર ન હોય તો દુવા કશુંય કામ ન કરે. ગમે તેવા દુઃખ હોય તોય મનોબળવાળો માણસ તેને પસાર કરી નાખે. ‘હવે મારું શું થશે’ એવું એ ન બોલે. હિંમત હારી જવાય એવા પ્રસંગોમાં ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ એવું બોલે ને, તો શૂરાતન ચઢી જાય.

પણ મનોબળ તૂટે છે શી રીતે? મુશ્કેલીના પ્રસંગોમાં બીજાના નેગેટિવ જોવાથી મનની શક્તિ તૂટી જાય છે. બીજાના દોષો જોવાની દ્રષ્ટિ બંધ કરતા જઈએ, અને બીજાના દોષો જોવાઈ જાય તો હૃદયપૂર્વક પસ્તાવો કરીએ તો મનની શક્તિ વધતી જાય છે. જેનું મનોબળ મજબૂત હોય એમની સાથે રહેવાથી, એમનું નિરીક્ષણ કર કર કરીએ તો પણ આપણું મનોબળ કેળવાય છે.

6) દુઃખની પરિભાષા બદલવી:

જ્યાં દુઃખ નથી, ત્યાં પોતે દુઃખ માને તેનાથી ટેન્શન થાય, અજંપો રહે અને હાર્ટ એટેક આવે. નેગેટિવ બુદ્ધિ દુઃખ ન હોય ત્યાંથી દુઃખ વહોરી લાવે છે. એટલે જેના ઉપાય જડે એના તો ઉપાય કરવા જોઈએ, પણ ઉપાય જ ન હોય ત્યાં શું કરવું? જેમકે, હાથની આંગળી કપાઈ ગઈ તો એ બીજી નથી આવવાની. એટલે ત્યાં રાડારાડી ન કરવી. પણ જો ફ્રેક્ચર થયું હોય તો એનો ઉપાય કરી શકાય, ખોટ ગઈ તો નવેસરથી સુધારી શકાય. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “જેના ઉપાય જડે એને દુઃખ કહેવાય. ઉપાય હોય તો જ દુઃખ કહેવાય. જેનો ઉપાય નથી એ દુઃખ જ ન કહેવાય.”

ખરેખર દુઃખ તો કોને કહેવાય કે ત્રણ દિવસ ખાવાનું ન મળે, પીવા માટે પાણી ન મળે, સૂવા ન મળે – તો એ બધા દુઃખો કહેવાય! કોઈનો પગ ભાંગ્યો હોય ને હોસ્પિટલમાં પ્લાસ્ટર લગાવીને પગ લટકાવ્યો હોય તો દુઃખ કહેવાય. દાઢ દુઃખતી હોય એને પણ દુઃખ કહેવાય. પણ ખાવા-પીવાનું, રહેવાનું બધું જ સારી રીતે મળતું હોય, છતાં આ દુષમ મન બધા દુઃખોને ભેળાં કરે અને દુઃખનો સ્ટોક કરે છે. આપણે જો દુઃખની પરિભાષા જ બદલી નાખીએ તો બધે સુખ, સુખ ને સુખ જ લાગે.

વધુ આવતા અંકે....