Avantinath Jaysinh Siddhraj - 41 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 41

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 41

૪૧

યશોવર્મા

અવંતીને જે જોતા તે અવંતીની મહત્તાના પછી જીવનભર પ્રશંસક બની રહેતા – ભલે પછી એ અવંતીને હરાવવાનો કે વિજયનો ગર્વ લેતા રહે! મહારાજને અવંતીનાથમાં સરસ્વતીકંઠાભરણનો પરિચય કરાવવામાં, વામનસ્વામીની એ દ્રષ્ટિ હતી. સેનાપતિ ઉપગવે તો એ વાત ઉપર જ મદાર બાંધ્યો હતો. પછી તો અણીચૂક્યાની જેમ એક વખત ફરીને અવંતી ઊભું થવાનું! મહારાજ ભોજનું સરસ્વતીકંઠાભરણ એ અવંતી દેશનું એક મનોરમ જીવનસ્વપ્ન હતું. એમાં એક વખત પ્રવેશ કરનારો માણસ, કાં કવિ બની જતો, કાં ઘેલો થઇ જતો. એમાં જઈને ડાહ્યો રહેનારો મૂરખ કે જંગલી હજી સુધી તો અવંતીમાં કોઈ પાક્યો ન હતો, કે આવ્યો ન હતો. 

મહારાજ જયદેવ એ સરસ્વતીકંઠાભરણ નીરખે એ છાની અભિલાષા તો દરેક માનવીને હતી જ. એટલે જ્યારે ખબર પડી કે જયદેવ મહારાજ ત્યાં જવાના છે ત્યારે એક નાની સરખી પંડિત વિદ્વાન કવિજનોની મંડળી પણ ત્યાં હાજર થઇ ગઈ હતી. 

મહારાજનો ઉત્તુંગ ગજરાજ દેખાયો. સાથે મંત્રીશ્વર, સામંતો, સૈનિકો આવતા જણાયા. સૌ પંડિતો જરા ખિન્ન થયા, પણ છતાં આ નાની સરખી મેદની ઉત્કંઠાથી એમના આવવાની રાહ જોતી ત્યાં ઊભી રહી. વિજયી નૃપતિ તરીકે સરસ્વતીકંઠાભરણનો પ્રવેશ કોઈને માટે ન હોય – આ તો ભોજરાજનું સ્વપ્નમંદિર છે, એવી માન્યતામાં રાચતા વિદ્વજનોને મહારાજની યુદ્ધસવારીમાં જરાક અનાર્યતા દેખાઈ. પણ વિદ્યાધામ થોડે દૂર રહ્યું અને મહારાજનો ગજરાજ અટકી પડ્યો લાગ્યો. પાછળ આવતાં ઉદયન, કાક, મુંજાલ, કૃષ્ણદેવ, અશ્વરાજ સૌના આશ્ચર્યની વચ્ચે, મહારાજ જયસિંહદેવ પોતે થોડી વારમાં પગપાળા સરસ્વતીકંઠાભરણની દિશામાં ચાલી રહેલા દેખાયા! 

સવારી ત્યાં થંભી ગઈ હતી. તમામ હાથી-ઘોડા ત્યાં જ ઊભા રહી ગયા. મંત્રીઓ ટપોટપ પગપાળા થઇ. ગયા. આ અનુપમ દ્રશ્યે સરસ્વતીકંઠાભરણની પંડિતજણોની મેદની પાસે એક જયઘોષ કરાવ્યો: ‘મહારાજ પાટણપતિનો જય! મહારાજ અવંતીનાથનો જય!’ એમને માટે યશોવર્મા જ હજી અવંતીનાથ’ હતો. પણ દૂર ઊભીને મહારાજને આવતાં નિહાળી રહેલી પાટણની ત્યાંની સૈનિકોની છાવણીમાંથી આના પ્રત્યુત્તરમાં એક મહાઘોષ પડધો પડ્યો: ‘અવંતીનાથનો જય!’ ‘મહારાજ સિદ્ધરાજનો જય!’ એ પડઘાએ સૌ ચમકી ઊઠ્યા.  

મહારાજે દ્વાર ઉપર આવીને બે પળ બહાર ઊભા રહીને ભોજરાજના  સ્વપ્નને પહેલાં તો ભક્તિથી નીરખ્યું. દૂરદૂર હરિયાળી ટેકરીઓ ઉપર, વૃક્ષનાં ઝુંડ શોભતાં હતાં. હરિયાળી વનકુંજો આઘે આઘે ડોકિયાં કરી રહી હતી. વિદ્યાધામની જે કલ્પના પોતે પાટણ માટે કરી હતી, તે કલ્પનાને આંહીં મૂર્તિમંત ઊભેલી જોઇને એમણે હાથ જોડ્યા, પંડિતોને નમસ્કાર કર્યા, અને પછી ભોજરાજાની સ્વપ્નનગરીમાં પ્રવેશ કર્યો. ત્યાં સ્થળેસ્થળે વિદ્યાની. કવિતાની, વાણીની, સુંદર મનોરમ પંક્તિઓ શિલાલેખમાં કોતરેલી એમની દ્રષ્ટિએ પડી. માલવના કલ્પનાવૈભવનું જાણે કોઈ સ્વર્ગીય પારિજાતઉદ્યાન ત્યાં શોભી રહ્યું હતું. 

‘ઉપગવજીને જોયા?’ વામન કેશવને ધીમેથી પૂછી રહ્યો હતો. 

‘મહારાજનો ભંડાર, દંડનાયક મહાદેવને સોંપાય છે, ત્યાં હશે. કેમ?’

વામનસ્વામીના પગ ભાંગી ગયા. પણ તે મહારાજ પાસે જવા માટે આગળ વધ્યો. વધારે પૃચ્છા થાય તેમ તો ન હતું. એટલામાં તો મહારાજની સાથે ચાલી રહેલા કવિ ધારાષેણે કહ્યું: ‘પ્રભુ! આ મહારાજ મુંજ!’

મહારાજ જયસિંહદેવ ત્યાં થંભી ગયા.

ત્યાં બીજા પણ હતા. કવિ ધનપાલ હતો. કવિરાજ પરિમલ હતો. ધનિક હતો. અવંતીસુંદરી સીતા અને તિલકમંજરી હતાં ત્યાં. મુંજ અને ભોજ સમા નૃપતિઓ પણ કવિજન તરીકે હતા. ત્યાં પોતે જેની સામે જુદ્ધ કર્યું હતું, તે નરવર્મદેવ પણ હતો. જોદ્ધાઓની અને કવિઓની જાણે અવંતીમાં રત્નખાણ હોય એવા કૈંક રત્નો ત્યાં શોભી રહ્યાં હતાં. માનવવાણીમાં જે કોઈ ઉત્તમ રીતે કહી શકાય એ સઘળું જ ત્યાં હતું. ત્યાં ઊભનારો જો એક પણ પણ કવિ ન બને તો સમજવું કે એ માનવ રાજ્યો નથી! મહારાજ આશ્ચર્યચકિત થતાં આગળ ચાલ્યા. એક પછી એક માલવરાજાઓની પ્રતિમાઓ આવતી ગઈ. કવિરાજો, વિદ્વાનો, વિદુષીઓ, પંડિતો, શિલ્પાચાર્યો – એમની પ્રતિમાઓ સામે શોભી રહી હતી. મહારાજ મુંજના જમાનાથી આજ સુધીના જમાનાની એક જીવંત સભા જાણે હજી ત્યાં ઊભી હતી, અને કાવ્યરસચર્ચા કરી રહી હતી! મહારાજ સિદ્ધરાજ પોતાના પાટણ માટે જે સ્વપ્નમાં જોઈ રહ્યા હતા, જેને માટે એમનો આત્મા તલસી રહ્યો હતો, તે આંહીં તાદ્રશ દિલ ડોલાવનાર ચિત્રમાં ખડું ઊભું હતું! મહારાજ જોતા ગયા, ડોલતા રહ્યા, એમનું મન સ્વપ્નહિંડોળે ચઢ્યું. એમને થયું કે અવંતી એ અવંતી! વ્યાકરણ, કવિતા, નાટક, મહાકાવ્યો, શિલ્પસમૃદ્ધિ ઠેરઠેર દેખાતાં હતાં.

મહારાજ મુંજની પાસે એનો જીવનસમર્પણી મહાઅમાત્ય રુદ્રાદિત્ય ઊભો હતો – જાણે પોતાની તેજસ્વી વાગ્ધારા હમણાં કહેશે તેવો. મહારાજ એની તરફ જોઈ રહ્યા! દંડદાદાકજી તરફ એમણે દ્રષ્ટિ કરી: ‘દાદાકજી!’ વધારે કહ્યું નથી. એ આગળ ગયા. 

દાદાકજી સમજી ગયા. પાટણમાં મહાઅમાત્યોની મહાકવિઓની, મહાજનોની, મહાનૃપતિઓની એક પરંપરા સ્થપાય – દેશ તો જ જીવે, તો જ જીવી શકે, એ વિશે આ ઉલ્લેખ હતો. 

ઉદયનજી દાદાકજી પાસે જ ચાલી રહ્યો હતો. તેણે ધીમેથી દાદાકજીના કાનમાં કહ્યું: ‘પ્રભુ! આ આપણા અશ્વરાજ કહે છે તે તમે સાંભળ્યું? મને એ વિચારવા જેવું લાગે છે. મહારાજ આગળ વધતા જાય છે... પણ...’

‘શું પણ?’ દાદાકે ધીમેથી પૂછ્યું, ‘શું છે અશ્વરાજજી? કાંઈ દગાની ગંધ લાગે છે?’

‘ગંધ નથી, પણ કોને ખબર? હજી તો જુદ્ધની હવા છે! આપણું સૈન્ય તો આ સ્થળેથી દૂર છે. આપણે જાગતા ન હોઈએ એ ઠીક નથી થાતું!’

દાદાકજી સમજી ગયા. વાત અશ્વરાજની સાચી હતી, ‘અશ્વરાજજી!’ તેમને કહ્યું, ‘મહારાજ જ્યાં સાચી મહત્તા જુએ છે ત્યાં રાચી રહે છે એ ખરું, આંહીં એ થયું છે. પણ એમનું હ્રદય એમનું પોતાનું જ રહે છે. પાટણમાં આવી ગૌરવભરી પરંપરા સચવાય એ વિચાર અત્યારે પણ એમના દિલમાં ચાલી રહ્યો છે. છતાં તમે કહ્યું તે જ બરાબર છે. આપણે સૌ મહારાજની પાસે જ રહો – ને સચેત પણ રહો. અને અશ્વરાજજી! તમે તો ત્યાં જ રહો! મહારાજની સંમુખમાં જ!’

અશ્વરાજે દ્રષ્ટિ કરી. મહારાજ, કવિ ધનપાલની પ્રતિમા જોઈ રહ્યા હતા. અવંતીનાથ મહાન ભોજરાજની સરસ્વતીની વાણીનો જાણે ત્યાં ઝંકાર સંભળાઈ રહ્યો હોય તેમ પળ બે પળ – સૌ એ ઠેકાણે ધ્યાનમગ્ન બની ગયા હતા. કવિ ધારાષેણ બોલી રહ્યો હતો. જેમાં તે હિમાલયથી મલય પર્વત સુધી ભોજરાજે રાજ કર્યાનો ઉલ્લેખ કરી રહ્યો હતો.  

અવંતીનાથ ભોજરાજની પ્રતિમાને, એમને જ કરાવેલી મહાન શિલ્પી મંઘરની સરસ્વતીની પ્રતિમાને નિહાળતા જયદેવ મહારાજ ત્યાં બે પળ ઊભા રહ્યા! એક રાજવી કરતાં એક કવિને નિહાળતા હોય એમ એ એના તરફ જોઈ રહ્યા હતા! એમના મનમાં એક વિચાર પણ આવી ગયો: કોણ મહાન? કવિરાજ કે ભોજરાજ? એમણે આસપાસ એક દ્રષ્ટિ કરી. ત્યાં મંત્રીઓની મુખમુદ્રા ઉપર એક પ્રકારની ચિંતારેખા એમણે જોઈ. એમણે અશ્વરાજને પોતાની વધુ પાસે ને પાસે આવતો જોયો. યશોવર્મા હજી અપ્રગટ રહ્યો છે એ વિચારનો પડદો સઘળે વ્યાપી ગયેલો મહારાજે દીઠો. 

પોતે સચેત થઇ ગયા. ભોજરાજની પછી તરત મહારાજ ઉદયાદિત્યની વીરપ્રતિમા દેખાઈ. પૃથ્વીનો જાણે ઉદ્ધાર કરવા માંગતો હોય એણે એક મહત્વાકાંક્ષી ક્ષત્રિય ત્યાં ઊભેલો મહારાજે દીઠો. મહારાજે એના તરફ – ને ભોજરાજ તરફ – એક બે વખત દ્રષ્ટિ કરી. 

ઉદયને એ જોયું. એણે કાકને પકડ્યો: ‘કાકભટ્ટ! આ તમે જોયું, - મહારાજ શું જોઈ રહ્યા છે તે?’

‘શું જોઈ રહ્યા છે? ઝીણવટથી જોવા જેવી આંહીં બુદ્ધિ રહે તેવું ક્યાં છે  મંત્રીશ્વર? આંહીં વિદ્યા છે. વૈભવ છે. વીરશ્રી છે અને શું નથી? આંહીં તે શું જોઈએ ને શું ન જોઈએ? જોદ્ધાને પણ કાવ્ય લખાવે એવી આ હવા જ છે, જુઓ ને!’

‘મહારાજ એ જ શોધી રહ્યા છે કાકભટ્ટજી! ભોજરાજની પ્રતિમા પાસે – અને ઉદયાદિત્યની પ્રતિમા પાસે જુઓ!’

‘શું છે?’

‘એ હું તમને પછી કહીશ. પણ અત્યારે મહારાજને આંહીંની વિદ્યાસભાનું મનોરમ સ્વપ્ન ડોલાવી ગયું છે. મહારાજને આખું અવંતી પાટણને આંગણે ઊભું કરવું છે, આંહીં દંડનાયક આવી પણ ગયો. એ તમે સાંભળ્યું નાં?

‘પણ યશોવર્મા હજી છુટ્ટો છે મંત્રીશ્વર! એનું શું?’

‘યશોવર્મા પણ આવી જશે. અત્યારે સૌને એ જ ચિંતા થઇ રહી છે: આમાંથી ક્યાંક દગો તો નહિ નીકળે? મહારાજ તો આત્મવિશ્વાસે આગળ ધપી રહ્યા છે. તમે હવે તમારું સ્થાન મહારાજ પાસે સાંભળી લ્યો. કોઈ પળે મહારાજને વિદ્યાપ્રીતિની વાત કરવાની ઈચ્છા થાય તો બે ડગલાં આગળ ભરીને, એક મહાન વિદ્વાન, સાધુ  હેમચંદ્રાચાર્યનું નામ દઈ દેવાનું છે. એ મારે તમને સંભારી દેવાનું હતું. આ હવા છે. ને આ સમય પણ છે!’

‘અલ્યા હા... પ્રભુ! એ બરાબર!’

‘આપણે પછી વાત કરીશું કાકભટ્ટ! જુઓ, મારી રાહ જોવાય છે!’

મહારાજે પાછળ દ્રષ્ટિ કરી હતી. એમણે ઉદયનને જ બોલાવ્યો. ઉદયન એકદમ ઉતાવળે ત્યાં ગયો.

જયદેવ મહારાજ ઉદયાદિત્યની સ્વપ્નોદ્ધારક વીરમૂર્તિ જોઈ રહ્યા હતા. એણે બનાવેલા નીલકંઠેશ્વર મહાદેવના મંદિરનું નાનકડું પ્રતિક આંહીં જોતાં એ થંભી ગયા હતા. એમાં દુનિયાના તમામ પથ્થરની સુંદરતા જાણે કોઈકે સંગ્રહી લીધી હતી!

‘ઉદયન! આ જોયું? આ નીલકંઠેશ્વરનું મંદિર અને આ સરસ્વતીકંઠાભરણ!’

‘પ્રભુ! આ તો વિદ્યાનું ધામ છે ને!’

‘દાદાકજી!’ મહારાજે કહ્યું, ‘તમે છો, કુલસદગુરૂ છે, શ્રીપાલ છે, આપણે પાટણમાં એક વિદ્યાધામ રચાવો. ભારતવર્ષનું એ કીર્તિકેન્દ્ર બને. આંહીં જેમ મહાકાલેશ્વરની ધજા ફરકે છે – અને તમામ ધજાઓ એ વખતે ગૌણ થઇ રહે છે, આપણે પાટણમાં પણ રુદ્રમહાલયના ધ્વજને એ ગૌરવ આપો.’ ઉદયન ચમકી ગયો લાગ્યો, પણ તે ધ્યાનથી સાંભળી રહ્યો હતો... ‘વિદ્યા – અને વિક્રમ – એ બે વિના તો દાદાકજી! – ત્યાગભટ્ટ ક્યાં છે?’

ત્યાગભટ્ટ ત્યાં પાસે જ ઊભો હતો. મહારાજે ઉદયાદિત્યની વીરમૂર્તિ એને બતાવી. એટલામાં વયોવૃદ્ધ શિલ્પી લક્ષ્મીધર આવતો દેખાયો. મહારાજે શિલ્પીના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો: ‘લક્ષ્મીધરજી! તમે હજી અવંતીનાથ ન બતાવ્યા હો. આ ભોજરાજ એ કવિરાજ છે. મુંજ મહારાજ તો રસકવિને જાણે દીઠા. વીરશ્રી જેવા આ મહારાજ ઉદયાદિત્ય છે. પણ તમે કલ્પેલા ‘અવંતીનાથ’ ક્યાંય નથી!’

‘મહારાજ!’ લક્ષ્મીધરે બે હાથ જોડ્યા. ‘અવંતીનાથ’ કલ્પેલ છે – એ કલ્પના આ રહી પ્રભુ!’

ઉદયાદિત્યની પાસે જ લક્ષ્મદેવ – માલવાના અદ્ભુત રણોત્સાહી વીર નૃપતિની એક પ્રતિમા ઊભી હતી. ‘આ હા!’ મહારાજ મનમાં જ ઘા ખાઈ ગયા. જયદેવ પરમાર ત્યાં હતો. માલવીઓનો રણઘેલો લક્ષ્મદેવ. તેણે મુંજાલ સામે જોયું: ‘મહેતા!... પરમાર... એ જ નહિ હાં?’

મુંજાલ પણ જોઈ રહ્યો. તેણે માથું નમાવ્યું: ‘એ જ છે પ્રભુ!’

જગદેવ પરમાર ત્યાં હતો. એનો અશ્વ એની મુખમુદ્રા, એનું સ્વપ્ન, એની વીરશ્રી, એની જીવનકથા – સઘળામાંથી ‘અવંતીનાથ’ ઊભો થતો હતો. જ અવંતીનાથ શિલ્પીએ કલ્પ્યો હતો. તેમાં વિદ્યાપ્રીતિ ને વિક્રમી સત્વ કરતાં પણ એક અદ્ભુત વસ્તુ રહી હતી – પરદુઃખભંજન. શિલ્પીએ એ મહાન માની હતી. ‘અવંતીનાથ’ પદ એની સાથે પરંપરાથી જોડાયેલું હતું. 

‘મહારાજ!’ વૃદ્ધ શિલ્પી નમી રહ્યો, ‘વિદ્યા, એનો વિલાસ રાજદરબારોમાં એક કરતાં બીજે વિશેષ એમ મળ્યા જ કરશે; વિક્રમ – એ પણ રાજગૌરવનો વિષય; પરંતુ મહારાજ! જે માટે આબુના અગ્નિકુંડમાંથી વસિષ્ઠ ઋષિએ પરમારને ઊભા કર્યા, એનું તો ગૌરવ આમાં રહ્યું છે: ‘પરદુઃખભંજન!’ એ જ્યાં સુધી નહિ ત્યાં વિદ્યા એ ફીફાં; વિક્રમ એ પણ ફીફાં; રાજગૌરવ – ફીફાં, ચક્રવર્તીપદ, સમ્રાટપદ – બધું જ ફીફાં! મહારાજ! આ ધરતીએ સમ્રાટો અનેક દીઠા છે. પણ સમશેર અવંતીનાથ લક્ષ્મદેવે ધારી – એ એમણે જ ધારી જાણી. પરદુઃખભંજની અવંતીનાથ, એ જ લોકના મનનો ‘અવંતીનાથ’ છે; વિદ્વાનોને ગમે તે હોય! મેં મારો ‘અવંતીનાથ’ એવી રીતે આંહીં કલ્પ્યો છે. મહારાજ લક્ષ્મદેવ!’

મહારાજ જયસિંહદેવ, પોતાની પાસે વસી ગયેલા – અને પછી આકાશી કલ્પના પેઠે ઊડી ગયેલા – માલવનરપતિ લક્ષ્મદેવની પ્રતિમા જોઈ રહ્યા. એમાંથી ઊભો થયેલો જગદેવ પરમાર – એ તો ઘર ઘરનો એક અદ્ભુત કાવ્યકથાનો નાયક બની ગયો હતો. મહારાજ જયસિંહદેવ પોતે શિલ્પી લક્ષ્મીધરને બે હાથ જોડીને નમી પડ્યા. શિલ્પીએ કાંઈક એવું કહ્યું હતું, જે એમણે પોતે પોતાના અંતમાં વર્ષોથી સ્વપ્નરૂપે સંઘરી રાખ્યું હતું, જે એમણે પોતાનું જ ગણ્યું હતું. ઉદયાદિત્યની માલવોધ્ધારક પ્રતિમાની પડખે જ એના જુવાન કુમારની જણ જણ ઉદ્ધારક પ્રતિમા, ભગવાન શંકરની પડખે ઉભેલા કાર્તિકસ્વામી જેવી, અનોખી દીપ્તિથી પ્રકાશી રહી હતી. 

મહારાજના ચહેરા ઉપર એક સહેજ આછી શોકછાયા જાણે ફરી વળી હતી. પોતાના પછી પોતાની પરંપરા જાળવનાર જગદેવની શોધમાં એમણે એક દ્રષ્ટિ કરી. ત્યાગભટ્ટ ત્યાં ઊભો હતો! એના ચહેરા ઉપર વીરશ્રી તો એ જ હતી; પણ મહારાજે ચારે તરફ ઊભેલા પાટણના બળવાન મંત્રીઓ તરફ જોયું – ને ઘર્ષણથી નબળા બનતા પાટણની કલ્પનાથી એ ધ્રૂજી ઊઠ્યા. તેમણે વિનમ્રતાથી પિતાપુત્રને માથું નમાવ્યું. આગળ ચાલ્યા.

નરવર્મદેવ ત્યાં હતો. એની પાસે જ લક્ષ્મીધર જેને છુપાવવા માગતો હતો એવો એક સર્વનાશનો, પતનનો માણસચહેરો જણાતો હતો. મહારાજ એ તરફ ચાલ્યા. ‘આ તમારા યશોવર્મા લક્ષ્મીધર...’

પણ મહારાજ એક શબ્દ બોલ્યા ન બોલ્યા અને જેમ આકાશમાંથી વીજળી પડે તેમ, એક કોઈ જોદ્ધો યશોવર્માના પૂતળા પાછળથી કૂદી પડ્યો હતો. એની કટાર સીધી મહારાજની છાતી ઉપર જ જાણે ઘા કરતી દેખાઈ. પણ એ દ્રશ્યે ગભરાઈ ઊઠેલા મંત્રીઓ આમતેમ જરાક નજર હરેફરે તે પહેલાં તો યશોવર્માના હાથ ઉપર જ મહારાજનો સિંહપંજો દેખાયો. અને એ જ વખતે વિદ્યુતવેગે ઠેકીને જયવર્માને હાથભુજાથી બાંધીને તેના ઉગામેલા હથિયારને અદ્ધર જ રાખી દેતો અશ્વરાજ દેખાયો. 

આ બધું એટલી ઝડપથી ને એવી તો વેગીલી પળ વિપળમાં બની ગયું કે કાંઈ સમજી શકાયું નહિ. લક્ષ્મીધર ફિક્કે ચહેરે ત્યાં ઊભો હતો. રાજદૂત વામનજી નીચે મોંએ પૃથ્વીભણી જોઈ રહ્યો હતો. એણે યશોવર્માંને આ ખોટા સાહસે સર્વનાશ તરફ જતો જોયો. લક્ષ્મીધરની ‘સર્વનાશ’ની મુખમુદ્રા એને યાદ આવી ગઈ. મહારાજ જયદેવ આંહીં આવે. એ વખત પ્રગટ થઈને પ્રીતિભેટ એકબીજા વચ્ચે મૈત્રી સંબંધનો ઉઠાવાય તેટલો લાભ અત્યારે ઉઠાવી લેવાની યોજના વિશે વાત હતી. સેનાપતિ ઉપગવે પણ આવી ગાંડી સાહસવાત કરી ન હતી. એટલામાં તો ત્યાં તુર્ત ચારે તરફથી સશસ્ત્ર મંત્રીઓ ને સામંતોની દોડાદોડી થઇ રહી. ત્યાગભટ્ટે શંખ ફૂંક્યો ને સોલંકીસેનનાં ઘોડાં બે પળમાં તો વિદ્યાધામમાં આવીને ઊભાં રહ્યાં.

યશોવર્મા અને જયવર્માને તરત જ બંધનમાં નાખી દેવામાં આવ્યા. રાજદૂત વામનજીને આવા ખોટા સાહસની જાણ ન હતી. બે હાથ જોડીને મહારાજને વિજ્ઞપ્તિ કરવા આવ્યો, પણ એને મંત્રીઓએ પહેલાં બંધનમાં મૂકી દીધો. 

પણ એટલામાં તો મહારાજે આજ્ઞા આપી: ‘એક પણ સૈનિક વિદ્યાધામમાં રહે નહિ.’ બીજી જ ક્ષણે આખું લશ્કર ત્યાંથી પાછું ફરી ગયું. યશોવર્માને મહારાજના પોતાના મુકામ પાસે પટ્ટકુટીમાં રાખવાની આજ્ઞા થઇ. રાજકુટુંબીજનો થોડી શોધ થતાં, ગુપ્તમાર્ગમાંથી મળી આવ્યા. લક્ષ્મીધરનું કોઈ અપમાન ન કરી બેસે એની મહારાજે ખાસ આજ્ઞા આપી હતી. શિલ્પી તો તદ્દન નિર્દોષ હતો. મહારાજે પોતાને હાથે શિલ્પાચાર્યનું બહુમાન કર્યું. એક વખત રુદ્રમાળ જોવા આવવાની વિજ્ઞપ્તિ પણ કરી અને એને તરત મુક્ત કર્યો. 

યશોવર્મા અને જયવર્મા બંધનમાં હોવાના સમાચાર ધારાદુર્ગમાં ફેલાઈ ગયા. પણ એ વખતે તો તમામ સ્થળે સોલંકી સેનાની ચોકી બેસી ગઈ હતી. દંડનાયક મહાદેવ ને સેનાપતિ કેશવ લોકોને આશ્વાસન ને વિશ્વાસ આપતા ચારેતરફ ફરવા લાગ્યા. 

કેવળ એક જ માણસ હાથતાળી દઈને નાસી જઈ શક્યો હતો: સેનાપતિ ઉપગવ એટલેકે ઉબક.

એક સપ્તાહ સુધી ધારાદુર્ગમાં ઠેકાણે-ઠેકાણે ફરીને મહારાજે પોતે – ‘અવંતીનાથ’ વિશેની શિલ્પી લક્ષ્મીધરની કલ્પના સાર્થક કરતાં હોય તેમ – વ્યવસ્થા ને શાંતિ સ્થાપવા માંડી. સૌથી પહેલાં તો એ શૂરવીર ગંગપરમારની માને મળ્યા! માલવીઓમાં એક વાત પ્રચલિત થવા માંડી. વીર વિક્રમનો આ રાજા અવતાર છે. ને વૈતાળ બર્બરકરૂપે આવ્યો છે.  વાતાવરણ જ્યારે શાંત થતું જણાયું. ત્યારે એક પ્રભાતે સોલંકી સેનાને પાટણના પંથે ફરવાની આજ્ઞા થઇ. કાષ્ઠના પિંજરમાં યશોવર્મા ને જયવર્મા એક ગજ ઉપર સાથે હતા. 

એક બે મુકામ થયા એટલે એક રાતે ઉદયને કાકભટ્ટને ઊંઘમાંથી જગાડ્યો. અત્યારે પોતાનો શો ખપ પડ્યો એ કાકભટ્ટ કળી શક્યો નહિ: ‘કાકભટ્ટરાજ! તમારું સ્થાન જાળવવું હોય તો હવે તમો સ્તંભતીર્થમાં પહોંચો!’ કાકભટ્ટ કાંઈ સમજ્યો નહિ: ‘સ્તંભતીર્થમાં? ત્યાં શું છે?’

‘ત્યાં તમારી વહુ છે. એ બિચારી માંદી છે. આજે જ સમાચાર મળ્યા છે. મહારાજની રજા લઈને ઊપડો!’

કાકભટ્ટ એકે અક્ષર સમજ્યો નહિ. તે હસી પડ્યો. તેણે કહ્યું: ‘પણ મંત્રીરાજ! મારે વહુ જ નથી એનું શું? પછી એ સ્તંભતીર્થમાં માંડી ક્યાંથી હોય?’

‘વહુ ન હોય તો કરવી પડે ભા! આ તો રાજના મામલા છે!’

‘એટલે?’

‘એટલે એમ કાકભટ્ટ! તમે સ્તંભતીર્થના માર્ગે મારી મૂકો. જૈનમુનિઓ વાહન વાપરતા નથી. સ્તંભતીર્થથી પાટણ પહોંચતાં વાર લાગશે. મહારાજનું હવે જે સ્વપ્ન છે, મેં તમને શું કહ્યું હતું સંભારો, તે દોરનાર પુરુષ આપણે ત્યાં છે – સાધુ હેમચંદ્રાચાર્યજી! પ્રવેશમહોત્સવ સમયે એમને ત્યાં લાવી મૂકો. મારી વતી વિજ્ઞપ્તિ કરજો. એ એક વાક્ય બોલશે – ને મહારાજનું અંતર ડોલી ઊઠશે. આપણા માટે એનું રાજનૈતિક મૂલ્યાંકન ઓછું નથી. આપણા કુમારપાલજીનું એમાં કામ થશે કાકભટ્ટજી! આપણા માટે હવે આ માર્ગ છે – સૌને હંફાવવાનો. મહારાજ ભલે ત્યાગભટ્ટને સ્તંભતીર્થ મોકલતા. એ ત્યાં કાં કપાઈ જવાનો – અને કાં દટાઈ જવાનો. આટલાં માટે હું તમને કહું છું કે, તમારું જે બૈરું તમે પરણ્યા નથી, તે મરવા પડ્યું છે. તમારે માટે એ બિચારું ઝૂરે છે. તમારે દોડવું પડે છે. પ્રવેશમહોત્સવે તમે આવી જવાના. બોલો, હવે તમારું બૈરું માંદુ છે કે નથી. – ’

‘છે, છે,’ કાકભટ્ટે હસતાં-હસતાં કહ્યું, ‘મારી વહુ માંદી છે ને મરવા પડી છે. મારે દોડ્યા વિના છૂટકો જ નથી!’