Avantinath Jaysinh Siddhraj - 39 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 39

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 39

૩૯

હઠીલો રણસંગ્રામ

બીજે દિવસે પ્રભાતના ચોકીદાર કૂકડાએ હજી પોતાની નેકી પોકારી ન હતી, ત્યાં તો જુદ્ધના રણશંખોએ એક વાર ફરીને આકાશને ગજવી મૂક્યું. કાલના જુદ્ધ ઉપરથી જ જણાતું હતું કે માલવીઓ હવે તો મરણજુદ્ધ જ ખેલી લેશે. નમતું આપે એ આશા વ્યર્થ હતી. મહારાજ જયસિંહ પોતે અને સેનાપતિ કેશવ આખા સૈન્યને સજ્જ કરી દેવા, વહેલી પ્રભાતથી જ ઘોડા ઉપર સવાર થઇ નીકળી પડ્યા  હતા. એમણે રણક્ષેત્રને જાગતું કરનારી ‘જય સોમનાથ!’ની રણઘોષણા પાડતા સૈનિકોને તૈયાર જ દીઠા. એ પોતે બધી તરફના મોરચા સંભાળી જવા નીકળ્યા હતા. સૌથી ભીષણ જુદ્ધ દક્ષિણ દરવાજે થશે એવી વકી હતી. એ દિશા તરફ પદાતિ, ઘોડેસવારો, હાથીસેના, કિરાતો, ગોફણિયા, મર્કટીયંત્ર વાપરનારા, કિલ્લો ખોદનારા, દુર્ગ ભેદનારા, દુર્ગ દિવાલ ચડનારા, ગુપ્તચરો વગેરેનું સંપૂર્ણ સજ્જ સૈન્ય તૈયાર રાખ્યું. માલવીઓએ રાતમાં ને રાતમાં દુર્ગમાં આશ્રય લઇ લીધો હતો. 

મહારાજ ગઈ કાલના ધારાદુર્ગના પતનનો ઈતિહાસ સંભારીને જરાક ગ્લાનિમય બન્યા. ગમે તેમ પણ દુર્ગધારાને ગંગ પરમારે અજિત તો રાખ્યો. એ જ્યાં પડ્યો હતો ત્યાં થઈને મહારાજ આગળ વધ્યા. એટલી ભૂમિને એમણે બે હાથ જોડીને નમન કર્યું. એટલામાં ત્યાં બર્બરક દેખાયો. મહારાજે એણે નિશાની કરી. તે નીચે આવ્યો. મહારાજ આ જંગલીની રીતભાતે આશ્ચર્ય પામી ગયા. બર્બરક, ગંગ પરમારની કોઈ ને કોઈ સુંદર છત્રી ઊભી કરવાના વિચારવમળમાં ત્યાં ફરતો હતો. 

દક્ષિણ દરવાજાને ધ્યેય બનાવીને સોલંકી સેન ઊપડ્યું, બંને બાજુ ઉપર કેશવ ને ઉદયન રહ્યા. મહારાજનો ગજરાજ વચ્ચે હતો. એની પડખે યશ:પટહ ઉપર ત્યાગભટ્ટ બેઠો હતો. શામળ માવત ગજને આગળ ચલાવી રહ્યો હતો. મુંજાલ, મહાદેવ, કાકભટ્ટ, મલ્હાર જુદીજુદી દિશા સાચવતા હતા. દક્ષિણ દરવાજા  ઉપર સૈન્ય આવે છે એ જોઇને માલવીઓએ કોટકાંગરા ઉપર ચડીને તરત ભયંકર તીરમારો શરુ કીધો, ગોફણિયાને કિરાતોએ એમનો ઉગ્ર સામનો કર્યો. એ તકનો લાભ લઇ ને બીજું સૈન્ય આગળ વધતું જ રહ્યું. બંને પાંખો ઉપરના ઉદયન, કેશવ છેક જલભરી ખાઈ ઉપર પુલ નખાવવા માટે બર્બરકનો ઉપયોગ કરી રહ્યા હતા. ત્રણ પુલ થયા – ને ત્રણે માલવીઓએ ઉરાડી મૂક્યા. ત્યાં ઘમસાણ મચ્યું હતું. માલવપાટવી જયવર્મા પોતે ત્યાં કોટ ઉપર ઊભો ઊભો સૈનિકોને ઉત્તેજન આપી રહ્યો હતો. 

બીજે મોરચેથી પણ સમાચાર આવી રહ્યા હતા કે તમામ ઠેકાણે માલવીઓએ સખ્ત સામનો કર્યો છે. એટલામાં દંડદાદાકજી મહારાજ જયદેવ પાસે આવ્યા. તેમની સાથે કોઈ જોગણ જેવી બાઈ હતી, તેણે રુદ્રાક્ષની માળા પહેરી હતી, એની જટામાં ભસ્મ ભરી હતી, એની ડોકમાં કાપલિકોને શોભે એવો ભીષણ શૃંગાર હતો. જુદ્ધમાં એણે આવવાની હિંમત કરી એ નવાઈ જેવી વાત હતી. પણ દાદાકજીને એમાં ભેદ લાગ્યો હતો. એટલે એને આંહીં રખડતી પકડી મહારાજ પાસે લાવ્યો. યોગિનીએ જયદેવને આશીર્વાદ આપ્યો: ‘મહારાજ ગૂર્જરપતિ! તારે પુત્ર જોઈએ છે – હું એટલા માટે રણક્ષેત્રમાં તને શોધતી આવી છું!’

‘તું કોણ છે નારી?’ મહારાજે કંઈક ઉપેક્ષાથી પૂછ્યું. 

‘હું – હું એ છું – જે તને તારું મનોવાંછિત ફળ આપી શકું છું. તું ધારા લેવાનું છોડી દે, મને સાથે લઇ લે. એક વર્ષમાં તારે ત્યાં પુત્ર ન આવે તો મને દેહાંત દેજે!’

મહારાજ હસી પડ્યા: ‘દાદાકજી! આ સ્ત્રી એમ જાણતી લાગે છે, કે નગરને માટે જીવન ન્યોછાવર કરનારા આંહીં અવંતીમાં જ હશે! બાઈ! તું તારે રસ્તે જા – અથવા રહો. એને રોકી રાખો. એ ગુપ્તચર પણ હોય. ત્યાગભટ્ટ! ગજસેના આગળ ધપવા દ્યો. જુઓ, માલવીઓએ તીરમારો શરુ કર્યો લાગે છે!’

‘તું અવંતીનાથ થવાનું છોડી દે, જયસિંહદેવ! હું તને હમણાં જ – આ રણભૂમિમાં, આ પળે, આ જ ક્ષણે, ભગવાન મહાકાલનું પ્રત્યક્ષ વેણ અપાવું. ન અપાવું તો તારી તલવાર – મારું આ માથું લે...’ જોગણીએ હિંમતથી પોતાનું શીર્ષ આગળ ધર્યું. 

‘પણ એ તો હું અવંતીનાથ ન બનું ત્યારે નાં? – જોગણી! – પુત્ર કે અપુત્ર – હું તો મારા બિરુદ અવંતીનાથના વીરવિક્રમી સ્વપ્નને વર્યો છું. મારે મન એ બિરુદ જ મારો પાટવી છે. જા! હું ધારા વિના પાછો ફરું તેમ નથી!’

‘રે! કીર્તિલોભી રાજા! તું અપુત્ર રહેશે – તો ધારા લેશે, તો અવંતીનાથ થશે. પણ તું કોને માટે આ કરે છે? તારી પાછળ કોણ? હું તો તને આ પળે પુત્રવરદાન અપાવું છું!’     

‘ત્યાગભટ્ટ! રણનો શંખ ફૂંકો!’ મહારાજ જયસિંહદેવે પોતે હોદ્દામાં ઊભા થઈને, સૈન્ય તમામને આગળ વધવાની આજ્ઞા આપતો, પોતાનો રણધવલ શંખ ફૂંક્યો. તરત સૈન્ય બમણી ત્વરાથી આગળ વધ્યું. ‘દાદાકજી! હવે તમે એ જોગણીને નજરમાં રાખજો, અને ત્યાં દક્ષિણ દરવાજા ઉપર જ સૌ ધસો! મુંજાલ ક્યાં છે?’

‘મુંજાલ તો મહારાજ! કિલ્લા ભેદવાવાળા સાથે લઇ કોટની દીવાલો તરફ ઊપડ્યો છે!’

‘ત્યાગભટ્ટ! યશ:પટહને હવે ઉપાડો –’ મહારાજને પોતાની પાસે ચાલતા ગજ ઉપરથી એક છલાંગ મારી યશ:પટહ ઉપર જ બેઠક લીધી. ગજ આગળ વધ્યો. 

દક્ષિણ દરવાજાને પહોંચવા ન પહોંચવાનું તુમુલ જુદ્ધ શરુ થયું. બંને પક્ષોના સેંકડો માણસો તસુ તસુ જમીન માટે પડવા લાગ્યા. કેશવ, ઉદયન ને મુંજાલ પડખે રહીને દિવાલ સુધી પહોંચી ગયા હતા. ત્યાં સેંકડો કિરાતોએ દોરડાની નિસરણી ફેંકી ઉપર ચડવાનો યત્ન આરંભ્યો. દિવાલના પાયામાં મોટાં બાકોરાં પાડવા માટે કેટલાંક તીક્ષ્ણ હથિયારો વડે ખોદવા લાગ્યા.. પણ મુખ્ય રસ્તાને માલવીઓએ હજી પ્રાણને ભોગે ટકાવી રાખ્યો હતો; સાંજ પડવા આવી પણ મચક આપી નહિ. મહારાજને ખાતરી હતી કે આજે જ જો જુદ્ધ અધૂરું રહેશે – તો એ અધૂરું જ રહેશે. એટલે કોઈ પણ રીતે જુદ્ધ આજે પૂરું જ કરવાનું હતું. દક્ષિણ દરવાજાને ભેધ્યા વિના એ પૂરું ન થાય. 

ધીમે પણ મક્કમ રીતે ગજસેના દક્ષિણ દરવાજા તરફ આગળ વધતી જ રહી. એમની સામે ગજસેના ઉતારવાનો માલવીઓનો સંકલ્પ હવે નકામો હતો. ગજસેનાની સામે કોઈ ટકે તેમ ન હતું. કોટકાંગરાના તીરંદાજોને મહારાજના ગોફણિયા સાફ કરી રહ્યા હતા. ગોધ્રકપંથકના ભીલોને લઈને કેશવ પોતે કોટકાંગરે પહોંચી ગયો. કેટલાંક કિરાતો તો અંદર ઘૂસી ગયા હતા. મુખ્ય મોરચો પણ છિન્નભિન્ન થતો યશોવર્માએ દીઠો.

તે પોતે દક્ષિણ દરવાજે આવી પહોંચ્યો. ઘમસાણ વધી ગયું હતું. દેવધરે એને જોયો અને તેને એક તરફ લીધો: ‘મહારાજ! આપણે આંહીં સપડાવું નથી!’

‘પણ આ દક્ષિણ દરવાજો....’

‘બીજો કોઈ ઉપાય નથી પ્રભુ!?’ દેવધરે કહ્યું, ‘પણ માલવા જુદ્ધ જીતે છે. જુદ્ધ જીતાવીને – એ આપણી પરંપરા સજીવન કરવી હોય તો આપણે આંહીંથી ઊપડો...’

‘ઊપડો? રણક્ષેત્ર તજીને? દેવધર! તું રાજપૂત નથી લાગતો!’

‘મહારાજ! હું રજપૂત નથી. હું મહારજપૂત છું. હું સમજુ છું કે આ સધરો આંહીં ટકી શકવાનો નથી. આપણે આવતી કાલે એને કાઢી મૂકીશું. આંહીં દુર્ગમાં એના હાથમાં સપડાવાનું કાંઈ કારણ? મદનવર્માજી?’ 

જયવર્મા દોડતો આવ્યો: ‘મહારાજ! યશ:પટહને સિદ્ધરાજ પોતે હાંકી રહ્યો છે. એના એક ધક્કાએ આપણી ભોગળનો કડાકો થતો સંભળાયો છે!’

‘જયવર્મા! તું દેવધર સાથે જાય! પેલાં એયસ દુર્ગમાંથી – સરસ્વતીકંઠાભરણના પાછલા ભાગમાંથી – રસ્તો જાય છે. તમને ખબર છે. રાજકુટુંબને લઈને તું જા – હવે વખત નથી – આ... હા! એ પડ્યો!’

બહારથી એક જબરજસ્ત કડાકો થઇ ગયો હતો. પણ દક્ષિણ દરવાજે મચક ન આપી! હતો તેમ એ ઊભો રહ્યો. દરવાજાની પાસે દેવાધિદેવ પરમાર ઊભો હતો. બીજા સૈનિકો હતા. પહેલો જે પ્રવેશ કરે તેને જનોઈવઢ કાપી નાખવાનો એમનો સંકલ્પ હતો. 

‘જયવર્મા! વખત નથી,’ યશોવર્માએ ઉતાવળે કહ્યું.

‘મહારાજ! હું તમારા વિના ડગલું નહિ ભરું. કાં તો  હું પણ આહીં દરવાજે જ મરું – આ દેવાધિદેવ પરમારની પાસે જ –’

‘અરે! પણ ગાંડાભાઈ! – આ વખત છે વાત લંબાવવાનો?’

‘વખત નથી, મેં તમને કહ્યું છે મહારાજ!’ દેવધર બોલ્યો. 

એ જ વખતે બહારથી એક એવો જબરજસ્ત ધક્કો આવ્યો કે આખું દ્વાર જાણે ખળભળી ઊઠયું. પણ હજી દરવાજો મચક ન આપતાં એમ ને એમ મક્કમ ઊભો રહ્યો. એની લોહભોગળમાં અજબ તાકાત લાગી. પણ હવે દક્ષિણ દરવાજો પડશે એ સમયનો સવાલ હતો. બે પળમાં મહારાજ યશોવર્મા પાસે એક ઊંચો પડછંદ આદમી આવીને ઊભો રહ્યો. તેના ચહેરા ઉપર ખુન્નસ ભરી હઠીલાઈ બેઠી હતી. તે કડક, કરડો ને ઉગ્ર જણાતો હતો. તે માલવનો સેનાપતિ હતો. 

‘ઉપગવ! શું છે?’

‘મહારાજ! હવે સવાલ સમયનો છે!’

‘સમયનો?’

‘બંને રીતે પ્રભુ! દુર્ગ પાડવામાં જયદેવને થોડો વખત લાગશે; તો આપણને જયદેવને પાછો ઉથલાવવામાં વખત લાગશે; મહારાજ ભલે અદ્રશ્ય થઇ જાય – યુદ્ધ આંહીં ચાલશે!’

‘હું રણક્ષેત્ર છોડું –?’

‘છોડવાની વાત નથી પ્રભુ! ફરી સજ્જ થવાની વાત છે – અને હવે વખત પણ નથી. કોટકાંગરે સધરાના કિરાતો આવી ચડ્યા છે. નીચે આપણું સેન છે – હજી ઊતરવા દીધા નથી. પણ ચારે તરફથી હલ્લો છે. મહારાજ અત્યારે તક જાળવે તો જ અમારા જેવા રણક્ષેત્રને જાગતું રાખે – નહિતર શેના ઉપર રણક્ષેત્ર જાગતું રહે?’

‘મહારાજ! હવે વખત નથી –’ દેવધરે ફરીને કહ્યું:

‘પ્રભુ!...’

‘પણ...’

‘પ્રભુ! આપણે માલવનૃપતિઓએ અનેક વખત હારીને જે જુદ્ધ જીત્યાં છે, એ જુદ્ધે અરિને મોંમાં આંગળી નખાવી છે. સંભારો પ્રભુ! ઉદયાદિત્ય મહારાજ ને – હાર્યા અને જીત્યા!’

જયવર્માએ એકલા જવાની હઠીલી ના પાડી દીધી હતી. બીજો ઉપાય ન હતો. દક્ષિણ દરવાજેથી મહારાજ  યશોવર્મા અને જયવર્મા ઉતાવળે રણવાસમાં ગયા. દેવધર સાથે ગયો. ઉપગવ સૈન્યને ઉત્તેજતો મોરચો સંભાળવા ગયો. યુદ્ધ ચાલતું રહ્યું, પણ સોલંકીઓએ કોટકાંગરા ઉપર હવે હકૂમત જમાવવા માંડી હતી. કિરાતોએ દોરડાની નિસરણી વાપરીને કોટની રાંગનો કબજો લીધો હતો. માલવી સૈન્ય કોટની નીચેથી સામનો કરવા માંડ્યું હતું. પણ ધીમેધીમે બીજે મોરચેથી પ્રવેશતા ચૌલુક્યોનું બળ વધવા માંડ્યું. દક્ષિણ દરવાજા સિવાય બીજો સામનો પડવા માંડ્યો હતો. ઘણાખરા સૈનિકો કોઈ બીજી ભાંજગડમાં હોય એમ જણાવા માંડ્યું. એટલામાં કર્ણોપકર્ણ વાત ચાલી કે મહારાજ પોતે હાથ આવે તેમ નથી!

‘જખ મારે છે ત્યારે!’ સૌને થયું, ‘જુદ્ધ તો હજી હાલ્યા જ કરશે!’

પણ એ સમાચારે સૈનિકોનો જુસ્સો ઊતરવા માંડ્યો.

રણવાસ સિવાય ક્યાંય કોઈની અણનમ વૃત્તિનો ઝોક દેખાયો નહિ.

આ બાજુ દક્ષિણ દરવાજા બહાર યશ:પટહ ઉપર મહારાજ પોતે બેઠા હતા. દક્ષિણ દરવાજાને પડવો સહેલો ન હતો, એમાં ભયંકર સીધા ખીલા હતા. એના દ્વારને કોઈ ધક્કો મારીને જીતી જાય એવું ન હતું, ત્યાગભટ્ટે હાથીના પાછલા ભાગને લોહબખ્તર સજ્જ કરીને  હાથીને પાછલે પગે ચલાવ્યો, એના એક ધક્કાથી દરવાજો ખળભળી ઊઠ્યો, પણ એ મચક આપે તેમ લાગ્યું નહિ. ધક્કો નકામો ગયો. 

બીજી વખત એ હાથીને વધારે દૂર લઇ ગયો. સેંકડો સૈનિકો હવે પ્રેક્ષકો બની ગયા હતા. લોહનું ને લોહ જેવા યશ:પટહનું જુદ્ધ જામ્યું હતું. બીજું જુદ્ધ જાણે થંભી ગયું હતું!

બીજા ધક્કાએ દરવાજો ખળભળ્યો. ભોગળનો કડાકો સંભળાયો. ઉપલા ભાગમાં કડેડાટી બોલી ગઈ. પણ મચક આપ્યા વિના દરવાજો તો હતો એમ ને એમ ઊભો રહ્યો. હાથી ઉપર બેઠેલા ત્રણે જણ આ ધક્કાથી પડતા રહી ગયા હતા. પ્રયોગ ફરીને નિષ્ફળ નીવડ્યો.

મહારાજ જયસિંહદેવે પાછળ જોયું. ભયંકર અણીવાળા લોખંડી ખીલા ઉપર સીધો પ્રહાર થાય તેમ ન હતું. એમ કરનાર જીવી શકે તેમ ન હતું. વચ્ચે ઊંટડું મૂકતા જે બળનો ધક્કો આવે તે સીધા બળની તોલે ન આવે એટલે દરવાજો મચક ન આપે. દક્ષિણ દરવાજાને કોઈએ કોયડારૂપ બનાવ્યો હતો. 

મહારાજ વિચારમાં પડી ગયા. બળ- સામેથી બળ આવે તો જ દરવાજો મચક આપે. અને સામેથી બળ આવે – એ અશક્ય. પણ એમણે ઝીણી દ્રષ્ટિએ કાંઈક જોયું લાગ્યું. અને એ હાથી ઉપરથી જાણે કૂદ્યા હોય તેમ નીચે ઊતર્યા. સૌના હોશકોશ ઊડી ગયા. મહારાજ જાણે હાથી ઉપરથી ઉથલી પડ્યા હોય તેમ લાગ્યું. પણ એટલી વારમાં તો એમની સીધી દરવાજા ઉપર જ દોટ દેખાણી! ‘અરે! અરે! મહારાજ!’ ત્યાગભટ્ટ હોદ્દા ઉપરથી બોલતો ઊભો થઇ ગયો હતો. પણ મહારાજ જયસિંહદેવ નીચે જઈ દોડી, દરવાજા પાસેની ભોં ઉપર સૂઈ જઈ, દરવાજાની નીચે જરા દેખાતી એક સહેજ જેટલી જગ્યા નજરમાં રાખી લીધી. અને હજી શું થાય છે એ કોઈ જાણે તે પહેલાં તો એ  હાથીને પાછલે પગે ચડી આવ્યા.

‘ત્યાગભટ્ટ!’ તેમણે તરત કહ્યું, ‘યશ:પટહને સંમુખ લે...’

‘મહારાજ! સંમુખ?’ ત્યાગભટ્ટના હોશકોશ ઊડી જતા લાગ્યા. આ તો મૃત્યુને ભેટવાની વાત હતી. 

‘સંમુખ? મહારાજ!’

‘હા હાથીનો પાછળનો ભાગ નહિ – કુંભસ્થળ દરવાજા ઉપર આવવા દે!’

ત્યાગભટ્ટે દરવાજાની સંમુખ હાથીને લીધો. સેંકડો સૈનિકોના કંઠમાંથી ‘જય સોમનાથ’ રણઘોષ ઊઠ્યો.

મહારાજે કુંભસ્થળ ઉપર સહેજ હાથ ફેરવ્યો. હાથીએ સૂંઢ ઊંચી કરી. મહારાજે પ્રેમથી એના ટેરવા ઉપર જરાક આંગળી ફેરવી. દરવાજા નીચે સહેજ જગ્યા હતી – તેમાં હાથીની સૂંઢને પ્રેરવાનું મહારાજે જાણે નિશાનથી સૂચવ્યું. બીજી જ ક્ષણે હાથીની સૂંઢ લંબાતી દરવાજાના દ્વાર નીચે કાંઈક શોધી રહી. 

પળ બે પળ થઇ – ને એક જરાક જગ્યા મળી જતાં યશ:પટહે દરવાજાને નીચેથી અતુલ બળ વડે ઊંચો કરવાનું કર્યું. મહારાજ હોદ્દા ઉપર ઊભા થઇ ગયા હતા. ત્યાગભટ્ટ પ્રેમથી હાથીને સ્પર્શીને ઉત્તેજન આપી રહ્યો હતો. શામળે જરાક હસ્તિને હકીકત કર્યો. હાથીએ અતુલ બળથી ફરીને યત્ન કર્યો; અને કડકભૂસ કરતી દરવાજાની ભોગળ અંદર ભાંગી પડી. અને પડતાંની સાથે જ ખળખળી ઊઠેલો દરવાજો પણ વાંકો ત્રાંસો ઠરડો થઈને જગ્યા બતાવતો, પડું પડું થતાં, નીચે જઈ પડ્યો! હુડુડુ માણસોએ અંદર પ્રવેશ કર્યો. 

મહારાજ જયસિંહદેવ એકદમ વીજળીગતિથી નીચે કૂદ્યા. ત્યાગભટ્ટ બીજા હાથી ઉપર કૂદી ગયો. શામળ ઠેકડો મારી આઘો ખસી ગયો. કોઈ કાંઈ સમજી શક્યું નહિ. પણ અત્યંત બળે તૂટી પડેલો હાથી નીચે ઢગલો થતો જતો હતો!

એના પડવાના જબરજસ્ત અવાજે સૌને ભયગ્રસ્ત કરી મૂક્યા. ઢળી પડેલાં કોઈ મહાન ગિરિરાજ સમા હાથીને નિહાળીને મહારાજ ક્ષોભ પામી ગયા. શોકઘેરા અવાજે એમણે ત્યાં ઊભેલા ત્યાગભટ્ટને કહ્યું: ‘ત્યાગભટ્ટજી!’

‘મહારાજ! એ રત્ન ગયું લાગે છે!’ ત્યાગભટ્ટ પડેલા હાથીને પ્રેમથી હાથસ્પર્શ કરી રહ્યો હતો. 

દુર્ગની અંદર ઊઠતી ‘જય મહાકાલ’ની રણઘોષણાએ મહારાજને તરત પરિસ્થિતિનું જ્ઞાન આપ્યું: હજી સામનો થઇ રહ્યો હતો. મહારાજ ગજરાજને નમીને એક પ્રેમભરેલા હસ્તસ્પર્શે તેને સ્પર્શી, એકદમ કિલ્લા તરફ જવા ઊપડ્યા. સૈનિકોની ‘જય સોમનાથ’ની ઘોષણાએ આકાશ ગજવ્યું.

દરવાજામાં પ્રવેશ કરતાં જ ‘મહારાજ! આ તરફ વળો પ્રભુ! જય અવંતીનાથ! કરતોક ને ઉદયન જ પહેલો સામો મળ્યો. 

‘ઉદયન! કોણ કોણ છે અંદર? કેશવ ક્યાં છે? મહાદેવ, મુંજાલ? બીજી ચોકીઓ હાથ કરી? કોઈ ભાગી જાય નહિ. નહિતર આપણું જુદ્ધ પૂરું નહિ થાય!’

‘મહારાજ! ચારે તરફ આપણું સૈન્ય અંદર પ્રવેશી ચૂક્યું છે. સામનો રણવાસ જવાનાં માર્ગ ઉપર છે. ત્યાં સીધે માર્ગે દેવાધિદેવ પરમાર ગાંડાની માફક તૂટી પડ્યો છે – આપણે આ બાજુથી જઈએ પ્રભુ! લોકવાયકા પ્રમાણે માલવરાજ પોતે ક્યાંય નથી! આપણે પડખેને આ માર્ગે આગળ વધો. ત્યાં સામનો થોડો છે. સામે દેવાધિદેવ ગાંડાની માફક ઘૂમે છે!’

‘મહેતા! શું કહ્યું તમે? માલવરાજ ભાગી ગયો છે? પેલો મલ્હારભટ્ટ નથી? એને કહો, માણસો લઈને તપાસ કરે! માલવરાજ જાય ક્યાં?’ એટલામાં તો બહારથી વધુ ને વધુ સૈનિકો સોમનાથની ઘોષણા કરતાં ધારાગઢમાં પ્રવેશ કરી રહ્યા હતા.