Avantinath Jaysinh Siddhraj - 38 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 38

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 38

૩૮

ગંગ પરમાર!

દંડદાદાકજીના મનમાં એક મહાન પ્રશ્ન ખળભળી રહ્યો હતો: મહારાજની પ્રતિજ્ઞાનું શું?

આજ સાંજ પહેલાં એ પ્રતિજ્ઞા પળાવી જોઈએ. સાંજ પહેલાં એ પ્રતિજ્ઞા પળાશે નહિ એ ચોક્કસ હતું. મહારાજનો પ્રતિજ્ઞાભંગ એ ભારતવર્ષના તમામ રાજાઓની વચ્ચે એમની ઠેકડી ઊડવાનો પ્રસંગ હતો. યશોવર્માએ કાં ગજરાજ ખાડામાં જ તળ રાખી દઈને, અને નહિતર મહારાજની લંબાતી માર્ગવિટંબનાનો આધાર લઈને, બેમાંથી એક રીતનો ફાંસલો ગોઠવ્યો હતો. આ બીજો ફાંસલો હતો. આ જ સમય કસોટીનો હતો. જેમજેમ દિવસનું યુદ્ધ લંબાતું ગયું તેમતેમ ખાતરી થઇ કે દક્ષિણ દરવાજો આજ તો અજિત રહેશે! કાલની વાત કાલ!

દાદાકજી એ ચિંતામાં હતા. તેમણે દ્રષ્ટિ કરી પણ મુંજાલ મંત્રીનો ક્યાંય પત્તો ન હતો. અશ્વરાજ તો આગળ છેક મહારાજ પાસે ઘૂમતો હતો. ઉદયન ને કેશવ પણ એ તરફ હતા. એણે એક સંદેશો મોકલાવ્યો. રણક્ષેત્રમાંથી રસ્તો કાપતો માણસ પહોંચ્યો પણ ખરો. થોડી વારમાં ઉતાવળો મુંજાલ આવી પહોંચ્યો: ‘પ્રભુ! દાદાકજી! કેમ મને યાદ કર્યો? ત્યાં હરપળે જુદ્ધનો રંગ બદલાય છે. મારું કામ ત્યાં છે!’

‘મુંજાલ મહેતા! આમ તો આવો, આમ. આપણે બે પળ વિચાર કરવાનો છે. ત્યાં થોડે દૂર – આપણે જઈએ!’

રણક્ષેત્રના એક ખૂણામાં પીપળાના ઝાડ પાસે બંને ઊભા... દાદાકજીએ મુંજાલ મહેતાના ખભા ઉપર હાથ મૂક્યો: ‘મહેતા! મહારાજ કર્ણદેવ બળવા તૈયાર થયા હતા એ તમને સાંભરે છે? દેવપ્રસાદજીએ તો અગ્નિસ્નાન કર્યું પણ હતું. પણ રાજમાતા મીનલદેવીના પિતૃગૃહે પણ પ્રતિજ્ઞા માટે જયકેશી મહારાજે પ્રાણ આપ્યાની વાત તાજી જ છે. એ વારસો મહારાજ જયદેવનો છે. તમને કાંઈ વિચાર આવે છે? સાંજ હમણાં પડશે – દક્ષિણ દરવાજો આજ નહિ પડે – પછી?’ 

‘પ્રભુ! પણ મહારાજની પ્રતિજ્ઞા છે – આપણે સાંજ પહેલાં ધારાદુર્ગનો એક ભાગ પણ પાડવો જ પાડવો!’

‘મુંજાલ મહેતા! તમે કહો છો એ હું સમજુ છું, પણ એ ન થયું – આવા હઠીલા જુદ્ધમાં કાંઈ પળેપળ સચવાય? – તો? અપકીર્તિ મારી ને તમારી થાશે. દેશભરમાં કહેવાશે કે આવા વૃદ્ધ મંત્રીઓ સાથે હતા છતાં આપદ્ધર્મમાંથી રસ્તો કાંઈ ન શોધી શક્યા! ઉદયન પણ ત્યાં છે. કેશવ તો મહારાજ પાસે જ છે. આપણે રસ્તો કાઢો, નહિતર બે ઘડી પછી વાત હાથમાં નહિ હોય!’

મુંજાલ વિચાર કરી રહ્યો. દાદાકજીએ અચાનક કહ્યું: ‘એક રસ્તો છે મહેતા! આમ આવો. આ સામે શું દેખાય છે તે જુઓ!’

‘ત્યાં તો ખાખરાનાં વન પ્રભુ! – પલાશ વન – છે કેમ એમાં શું છે?’ માટીકોટ બનાવ્યો છે. આબેહૂબ જાણે ધારાદુર્ગ જોઈ લ્યો. એક દોરા વા તો ફેર હોય? મહારાજ જયદેવ સાંજ પહેલાં એ તરફ વળે – ને મુંજાલ મહેતા! આપણે આપદ્ધર્મે એ દુર્ગ ઉપર હલ્લો કરો! મહારાજની પ્રતિજ્ઞા નહિ પળે – તો આપણાં સૌનાં મોં ઉપર શરમની મેંશ ઢળી પડશે. દેશભરમાં મશ્કરી આપણી થાશે. કાવ્યો એના જોડાશે, દોહા એના થાશે. મુંજાલજી, હવે તો વખત પણ નથી. તમે દોડો, મહારાજ તરફ પહોંચો, કેશવનો કાન ફૂંકો, આશારાજને કહો, જુદ્ધ ભલે ચાલતું રાખે – પણ મહારાજને પલાશવન તરફ દોરો. આ એક જ રસ્તો છે!’

પ્રભુ! રસ્તો એ એક જ છે. આશારાજને પહેલાં પકડીએ. તમે આવો તો ફેર પળે. એ પળ હઠીલો રાજપૂત રંગ પકડે – તો વખત હવે નથી. સૂરજ ભાગવા માંડ્યો છે!’

બંને જણાંએ ઘોડાં ઉપાડ્યા. પળ બે પળમાં આશારાજની પડખે આવી ગયા. જરાક તક મળી ને દાદાકજીએ કહ્યું: ‘મુંજાલ મહેતા કહે છે તે સાંભળ્યું! આપણે પહેલાં હવે મહારાજની પ્રતિજ્ઞા સંભાળવાની છે. એનું કરો જુદ્ધ તો કાલે પણ થાશે!’

‘પ્રભુ! બે પળમાં તમે જોશો. હું હમણાં આ ઊપડ્યો! અમારા નડૂલના ચાહમાન ઘોડેસવારો ત્યાં તૈયાર ઊભા છે. પેલાં પલાશવનમાં જ છે!’

દાદાકજી ચમક્યા. ‘પલાશવનમાં? ત્યાં શું કારણ? ક્યાં ઉપડવાનાં છે?’ તેમણે ઉતાવળે પૂછ્યું. 

‘જુદ્ધમાં એમનો હલ્લો એ  છેલ્લો જ હલ્લો હશે પ્રભુ!’ અશ્વરાજે ઉતાવળે કહ્યું, ‘પેલા પલાશવનની પાછળથી જેમ ગોફણમાંથી પાણો છૂટે એમ. પળ બે પળમાં એ ઘોડેસવારો છૂટવાના છે. સંદેશો હું હમણાં મોકલું કે શંખનાદ કરું એટલી જ વાર છે. એ છૂટતાંની સાથે જ હાથી, ઘોડેસવારો, પદાતિ બધાંની ભેળંભેળાં થઈને નાસભાગ થઇ સમજો. અને તરત ત્યાગભટ્ટજી યશ:પટહને દક્ષિણ દરવાજે હંકારી મૂકવાના છે...’

‘અરે પણ આશારાજજી! એ ઘોડેસવારો હમણાં ભલે ત્યાં જ રહ્યા. મારું માનો. અરિદળનો આવો હઠીલો સંગ્રામ એક દોરાવા આમ કે આમ નીકળે જ. એમાં વખત નહિ સચવાય. આપણી ધારણા ધૂળમાં મળી જાશે. મીનલદેવીબાના પિયરની પ્રતિજ્ઞાનો વરસો આ મહારાજ જયદેવ પાસે છે, એ તમને ક્યાં ખબર નથી! મહારાજ જયકેશીએ એક પોપટને કારણે પ્રાણ તજ્યા હતા. એ સંભારો ને! મહારાજ પછી વાળ્યા નહિ વળે, અને આપણાં સૌનાં મોં ઉપર મેંશ ફરી વળશે. આપણે હવે તો મહારાજને જ એ પલાશવન તરફ ઉપાડો. ત્યાં બર્બરકે રચેલો માટીનો ધારાદુર્ગ છે. સાંજ પહેલાં આપણે એ તોડી નાખો. એટલે મહારાજની પ્રતિજ્ઞા સચવાઈ જાય! વિચારવાનો વખત નથી, આશારાજજી! તમે મહારાજને એ તરફ લ્યો – અને અમે આ ઊપડ્યા. એક ઘોડેસવાર મોકલો. તમારા ગોફણિયા ક્યાંક ઉતાવળ ન કરી બેસે!

‘પણ દાદાકજી! આ તો અમારું નાક – નેક – ટેક –‘

‘જુઓ મહારાજ! જુદ્ધ તો મહાભારતના જમાનાથી આપત્તિ ધર્મે ચાલે છે. ખોટી વટમાં તો આપણે જુદ્ધ પણ હારીશું ને જીવન પણ હારીશું; તમારો બોલો મહારાજ અત્યારે નહિ ઉથાપે – એટલે તમે ઊપડો એમ કહું છું. બોલવાનો વખત રહ્યો નથી. અબઘડીની વાત છે. જયદ્રથ ને અર્જુનને સમીસાંજના જેવો આ કિસ્સો થયો છે. ઉપડો – અને મહારાજના કાનમાં વાત મૂકો -! અને મહારાજને ત્યાં જ દોરો!’

આશારાજજી સમજી ગયો. વાત તો દાદાકજીની સાચી હતી. બે પળમાં તે મહારાજ તરફ ઊપડ્યો. થોડી વાર પછી દાદાકજીએ મહારાજને ઘોડેસવાર લઇ પલાશવન તરફ જતા જોયા. એમણે ઊંડો આત્મસંતોષ અનુભવ્યો. બોલવાનો તો વખત ન હતો. એમણે મુંજાલને એક નિશાની આપી. તે તરફ જવાની આજ્ઞા કરી, આ તરફ જુદ્ધ જોસમાં આગળ વધતું જ રહ્યું. મહારાજ સાથે ઘોડા સૈનિકો, મંત્રીઓ ને આશારાજજી પલાશવન તરફ ફાંટતા ગયા. દાદાકજી એ તરફ ઊપડ્યા.

પણ મહારાજ ફંટાયા ન ફંટાયા ને તરત જ દુર્ગધારાના કોટ ઉપરથી એ જ સમે ‘જય મહાકાલ’ની ગગનભેદી ઘોષણા સંભળાઈ. શંખનાદ થયો, રણભેરી વાગી, ને પળ બે પળમાં તો ડુંગરાઓમાંથી પડધા પાડતા ઘોડેસવારોનો પલાશવન તરફ જતો વેગીલો અવાજ આવ્યો! દાદાકજી, મુંજાલ સૌએ પણ ઘોડાં મારી મૂક્યાં, સૂરજ આથમવાની તૈયારી હતી અને રણભૂમિમાં ઊડેલી દૂલની ડમરીથી આકાશ એવું છવાઈ ગયું હતું કે કોણ ક્યાં છે એ કહેવું મુશ્કેલ બન્યું હતું. આશારાજ સમજી ગયો કે માલવીઓ પલાશવન તરફ જ આવે છે. તેણે ત્વરા કરી, પણ જેમ આછા અંધકારમાં ગગનભેદી મેઘગર્જના ઊઠે ને તેની પાછળ થઇ રહેલા વીજળીના ચમકારા હવાને ભેદી આંખને આંજી નાખે, તેમ પાંચસો પરમારના ગગનભેદી ઘોડેસવારોના પડધા પહાડમાંથી ઊઠ્યા ને તેની પાછળ તરત જ ‘જય મહાકાલ’ની ભીષણ ઘોષણા ફરીને સંભળાઈ. વીજળી જેવી પાંચસો તલવારો ધૂળની ડમરી ભેદીને ચૌલુક્યોની આંખને ચમકાવતી વારંવાર ચમકવા માંડી. બીજી એક પળમાં તો એક્વેગે દોડ્યા આવતા પાંચસો પરમારના ઘોડાના દાબડાથી જાણે પલાશના વન ધ્રૂજી ઊઠ્યાં! ‘જય મહાકાલ’ની ઘોષણાની તીવ્રતા વધતી હતી. ગગન ને પૃથ્વીને, હવાને, પહાડોને, ને વનને ધ્રુજાવી દેતો વેગીલા ઘોડાઓનો જાણે ખળભળાટી પ્રવાહ એકલો સંભળાતો હતો. 

એની સામે તરત અશ્વરાજે પોતાનો રણશંખ ફૂંક્યો. નડૂલના ચાહમાન ઘોડેસવારો એકદમ જાગ્રત થઇ ગયા. 

‘જય સોમનાથ’ના અવાજથી ધરા ધ્રૂજી ગયા. 

‘દુર્ગધરાના પરમારો! દુર્ગધારોનો, આ સધરો, માટીનો દુર્ગ તોડવા જાય છે, પણ એને હતો ન હતો કરી નાખો! ગઢધારા તો અજેય છે – પછી એ ગમે ત્યાં હોય! પરમાર જોદ્ધાઓ! ઊપડો હવે! ગંગ પરમાર બોલી રહ્યો. 

બે પળમાં તો અંધાર- ઉજાસના જુદ્ધ સાથે જ અશ્વરાજના ચાહમાન જોદ્ધા ને ગંગ પરમારના પાંચસો જુવાનોનું પલાશવનમા જ જુદ્ધ જામી ગયું. 

અશ્વરાજ, મહારાજ જયદેવ ને મંત્રીઓ દોડતે ઘોડે ધારાદુર્ગનો માટી-કિલ્લો ભેદવા ઊપડ્યા.

પરમારો એક પળમાં જ બે ભાગમાં વિભક્ત થઇ ગયા. એક ભાગ પલાશવનમાં ચાહમાનો સાથે જુદ્ધ જમાવતો ત્યાં જ રહ્યો. બીજો ભાગ દુર્ગરક્ષણનો ભાર સંભાળી લેવા ઉપડ્યો. માટીનો ધારાદુર્ગ, પણ હતો તો ધારાનો નાં? એ પણ કોઈનાથી એમ ન તૂટે. પરમાર ગંગ એમની મોખરે હતો. આજે જોદ્ધાઓ સાથે એજ જંગ લેવા ઊપડ્યો. એની આંખમાં અગ્નિવાસ હતો, હાથમાં જમદંડ હતો. એના દેહમાં ભગવાન રુદ્રનો વાસ હતો. એક પળભર એ અંધારામાં દૂરથી દેખાતા ધારાદુર્ગ તરફ જોઈ રહ્યો. ‘જય મહાકાલ!’ની ભીષણ ઘોષણા એણે ઉપાડી. અને બીજી જ પળે પરમાર ઘોડેસવારો પૂરવેગમાં જાણે હવામાં ઊપડ્યા! એમના દેહ ધૂળની ડમરીમાં છવાઈ ગયા. આભમાં વીજળી ચમકે તેમ એમની સમશેરો હવામાં ચમકી રહી!

અશ્વરાજ એમને જતા જોઈ રહ્યો. એણે પોતાના બીજા ચાહમાન સૈનિકો આ તરફ આવતા જોયા. ગંગ પરમારની પછવાડે તરત અશ્વરાજ, મહારાજ જયદેવ અને સૈનિકો પણ ઊપડ્યા. 

પળ બે પળ ત્યાં, દુર્ગધારાને પહોંચવાની હરીફરી જામી ગઈ. ગંગ પહેલો પહોંચ્યો અને પહોંચતાંવેંત એક પળમાં એણે એ માટીના દુર્ગને રક્ષતા સૈનિકો ગોઠવી દીધા. દરવાજે એ પોતે ઊભો રહ્યો. એના હાથમાં નાગી તલવાર હતી. એના માથા ઉપર કોટને કાંગરે પરમારોનો સર્પ – ગરુડી ધ્વજ ફરકી રહ્યો હતો.

ભીષણ અને કૃતનિશ્ચયી પરમારો માટીના ધારાદુર્ગને પણ રક્ષતા ઊભા રહ્યા.

ચૌલુક્યો આવ્યા કે આવતાંવેંત એમને આહ્વાન આપતો ગંગ પરમારનો ભયંકર શબ્દપડઘો સંભળાયો: ‘કોણ આવે છે એ? પરમારોના દુર્ગની છાયામાં કોણ અત્યારે રક્ષણ લેવા આવ્યો છે? જે હોય તે આમ આવે! ગંગ પરમારની સમશેર અનાથને માટે પણ છે. આમ આવો ભા! જે હો તે!’

‘આ તો લોહના ભાલા છે પરમાર! પેલાં અજમેરિયા ઉપાડી ગયા હતા નાં, તમારા સેનાપતિરાજને, સાંઢિયાને ઢીંઢે બાંધીને, એના જ આ તો વજ્જરબંધુ નડૂલના ચૌહાણ અશ્વરાજના માણસો છે. આઘેરા ખસો પરમાર! પછી નાહક ઘરવાળી રાહ જોશે!’

‘ત્યારે તો તું ચાહમાન છો કાં? તમારો આનક તો હમણાં જ ભાગ્યો નાં? તમારે ક્યારે ભાગવું છે? હજી ભાગવું હોય તો ભાગો, પછી ઘા ગંગ પરમારનો! કાળમીંઢ શિલા વિના બીજાનાં તો ભડદેભડદા ઉડાવી દે બાપ! જાવ તમારી રજપૂતાણી રાહ જોતી બારણે ઊભી રોતી હશે!’

‘અરે રોવાવાળીના દીકરા!...’ એક ગર્જના સાથે ચાહમાનો તૂટી પડ્યા.

મહારાજ જયસિંહદેવ ઉત્તર દ્વાર તોડીને કિલ્લામાં પેઠા હતા. જુદ્ધે એવું હઠીલું રૂપ ધર્યું કે એક નાનકડા કોટકાંગરાના આકાર પાસે જોદ્ધાઓની તલવારો અફળાવા માંડી. ઘોડાઓનું ઘમાસાણ થઇ રહ્યું. જનોઈવઢ ઘા થવા માંડ્યા. થોથા ઊડવા માંડ્યા. મડદાં જાણે હમણાં બેઠા થાશે એમ આમથી તેમ રખડવા માંડ્યા. ચૌલુક્યો, ચાહમાનો ને પરમારો સામસામે જીવસટોસટનું જુદ્ધ ખેલવા માંડ્યા. 

સૌથી ભયંકર  જુદ્ધ તો અશ્વરાજ ને ગંગ પરમાર વચ્ચે દક્ષિણ દરવાજે ઊપડ્યું હતું. ક્યારે તલવાર ઊપડે છે, ક્યારે પડે છે, ક્યારે ઘા ઝીલાય છે, ક્યારે પગ કામ કરી જાય છે, કાંઈ દેખાતું ન હતું. કેવળ વીજળીના ચમકારા જેવી, અંધારામાં ઉડતી અગ્નિની જીહ્વા જેવી. દોડી જતી પાણીરેલા નાગણી જેવી તલવાર દેખાતી હતી. એનો સબકારો સંભળાતો હતો, ઢાલ ઉપર પડવાનો અવાજ આવતો હતી. ન કળી શકાય એવો ક્યારેય કોઈકનો ઉપાલંભી ખડખડ હાસ્યશબ્દ કાને પડતો હતો. સબસબ તલવારો જ ચારે તરફ વીંઝાઇ રહી હતી. ‘જય સોમનાથ!’ ને ‘જય મહાકાલ!’ના અવાજથી આકાશ ગાજી ઊઠયું હતું! એવામાં શંખનાદ સંભળાયો. ‘પરમારો! આ મહારાજ યશોવર્માએ શંખનાદ કર્યો, સાંભળો!’ ગંગે એવા વેગમાં પણ બોલ કહ્યો.

મહારાજ જયસિંહદેવે ઉત્તર દરવાજો ભેદીને ધારાદુર્ગને સોંસરવો વીંધી નાખ્યો હતો. તે વીજળી જેવી ત્વરાથી દક્ષિણ દરવાજે આવ્યા હતા. કુમળી વયનો તરુણ ગંગજોદ્ધો એમની નજરે પડ્યો. મહારાજ એની ચપળતા એનું જુદ્ધ, એનો રણરંગ બે પળ જોઈ રહ્યા; પછી આગળ વધ્યા. 

‘અલ્યા! એ ગંગ પરમાર! એ છોકરા! હજી ભાગ – હજી ભાગ – તારી મા રાહ જોતી હશે! હજી તારા મોં ઉપર દૂધનું ફીણ છે, જા, હજી જા!’ ગંગની સામે દ્વદ્વજુદ્ધ ખેલતા અશ્વરાજે એક ઉપાલંભ આપ્યો. અશ્વરાજે પોતાનો ભયંકર ભાલો હાથમાં લીધો ને તેણે હવામાં તોળતાં ચેતવણીનો અવાજ ફરીને આપ્યો. પણ એક ભયંકર અટ્ટહાસ્ય સાથે, ‘ડોસલા! સંભાળજે! તારા છોકરા બિચારા રખડશે!’ એમ કહેતાંકને ગંગ પરમારનો લોખંડી ભાલો એની ઢાલની પકડને  હચમચાવી મૂકતો, જાણે ગજરાજનું મસ્તક અફળાયું હોય, તેમ ઢાલમાં અફળાયો! અશ્વરાજ નમી ગયો પણ તરત ઊભો થઇ ગયો.

‘લે ત્યારે છોકરા! ગંગ...’ અશ્વરાજનો લોખંડી ભાલો હવામાં વીંઝતો યમદંડ જેવો તોળાયેલો દેખાયો. 

‘અશ્વરાજજી! ગંગ પરમારને બચાવજો – ફેંકતા નહિ!’ એક અવાજ આવ્યો. 

સામેથી આવી રહેલા મહારાજ જયસિંહદેવનો એ અવાજ કાને પડ્યો ને એક પળ અશ્વરાજનો ભાલો જરાક આમતેમ થયો, પણ આગળથી થયેલા સંકલ્પબળે એટલું બધું ચેતન જાણે એમાં મૂક્યું હતું કે, મહારાજનો છેલ્લો અક્ષર આવ્યો, ન આવ્યો, ત્યાં તો ગંગની ઢાલ એક તરફ ઊડી પડી હતી, ભાલો એના શરીરને વીંધતો જમીનમાં પેસી ગયો હતો, અને અશ્વરાજ પોતે પોતાના બળથી ગોઠણભેર થઇ ગયો હતો. 

મહારાજ જયદેવ ગંગની પાછળ એને ટેકો દેવા દોડ્યા – પણ તે પહેલાં તો પરમાર ગંગનું શરીર ‘જય મહાકાલ! જય ધારાદુર્ગ! બોલતું પૃથ્વી ઉપર ઢળી પડ્યું હતું. 

જયસિંહ સિદ્ધરાજ મહારાજની આંખમાં આંસુ વહી રહ્યા! ગંગ પડતાં જ એક ક્ષણમાં યુદ્ધ બંધ થઇ ગયું. 

અપ્રતિમ વીર જુવાનને અભિવાદન આપવા એક પળમાં સૌ ત્યાં આસપાસ ઊભા રહી ગયા. જુદ્ધ જુદ્ધને ઠેકાણે રહી ગયું, દુશ્મનો ને મિત્રો – સૌનાં મોંમાં ગંગ પરમારના અમર મૃત્યુની બાની સંભળાવા માંડી!

મહારાજ જયસિંહદેવ પોતે એને અભિવાદન આપવા બે હાથ જોડીને આગળ આવ્યા. ગંગ પરમારને એ નમી પડ્યા: ‘અશ્વરાજજી! આવાં રત્ન તો મા ધરતીના ગણાય. એ માલવાનાં પણ નહિ, અને પાટણનાં પણ નહિ! સવાર સુધીના જુદ્ધવિરામનો ઘોષ કરવી. આપણે એમની ચંદનચિતા ખડકાવો. મહારાજ યશોવર્માને સંદેશો મોકલો. કહેવરાવો, મહારાજ પોતે આંહીં પધારે!’