૩૬
રણમોરચો સળગ્યો!
સમી સાંજનો વખત હતો. હજારો શંખનાદથી અચાનક ચૌલુક્ય છાવણી એ વખતે ગાજી ઊઠી. એ સાંભળીને એક પળભર ધારાગઢના દક્ષિણ દરવાજે ઊભેલા એક રૂપાળા જુવાન માલવી જોદ્ધાની મુખમુદ્રા ઉપર ચિંતાની એક રેખા આવી ગઈ. તેણે પોતાની પાસે ઊભેલા એક સશક્ત અને તેજસ્વી વયોવૃદ્ધ જોદ્ધા સામે જોયું: ‘કાકા! આ તો આમાં પણ પાર ઊતર્યો લાગ્યો છે સોલંકી, આપણે મોડા પડ્યા!’
‘ઊતરે બાપ! ઊતરે, કેમ ન ઊતરે! એની પડખે બાબરું રહ્યું’ વૃદ્ધે કહ્યું. ‘પણ આપણે આ શંખનાદનો પ્રત્યુતર આપો હવે. આપણે પણ રણભેરી જગાડો. એને જુદ્ધ કાલે પ્રભાતે કરવું હશે; તોપણ આપણે અત્યારે જ કરવું છે!’
‘અત્યારે કાકા? રાતે?’
‘હા બાપ! રાત ને દી હવે ક્યાં જોવાનાં રહ્યાં? હવે તો તમારે કાં ખપી ગયે છૂટકો, કાં સમય જાળવી લીધે છૂટકો. મેં મહારાજને પહેલેથી જ કહ્યું હતું કે જંગલરસ્તે જ એના હાથીને રોકી દો નહિતર એ પહોંચ્યો જ જાણો. પણ મહારાજે એને એક બે મુકામ બાકી રહે, ને આ પહોંચ્યા, આ પહોંચ્યા એમ થાય ત્યારે રોકવાનું રાખ્યું. હવે તો એ આવી પહોંચ્યો. આ શંખનાદ બતાવે છે. એ પણ જમાનાનો ખાધેલ છે. કાલે સવારે દક્ષિણ દરવાજા ઉપર એનો પહેલો જ હલ્લો આવશે. તમારા ઇંગનપટ્ટનના સપૂતે ધારાગઢની વાત વહેતી મૂકી છે ને સધરો કાંઈ ન જાણે એમ બને? હવે તો આપણે માટે એક રસ્તો છે!’
‘શો, કાકા?’
‘સંભારો ને પ્રભુ! એણે પ્રતિજ્ઞા લીધી છે એ. એને કાંતિનગરીથી આવતાં એટલી વાર થઇ જાય કે, ગજેન્દ્ર એનો આવે તોપણ એની પ્રતિજ્ઞા પ્રમાણે પળેપળ કામ ન ઊતરે ને કાં એને પ્રતિજ્ઞાભંગ કરી ક્ષત્રિયગૌરવ ખાવું પડે અથવાતો જળસમાધિ લેવી પડે, એવા ફાસલામાં એને ફસાવવો, એ પણ આપણી એક ધારણા હતી. એને એની જાતનું બહુ અભિમાન હતું એટલે આ ફાંસલો પણ ઠીક છે એમ નક્કી થયું હતું. એટલે તો આ સંધિની બંને પક્ષે કબૂલાત થઇ ગઈ. પણ એ એના મેળમાં હતો. જંગલરસ્તે બાબરું ભેગું રહ્યું ને એ રસ્તાનું બહુ જાણનારું, એટલે એ ભૂતડું આડેઅવળે માર્ગે તમે તેમ ગજેન્દ્રને અરણ્ય પાર કરાવી ગયું. આપણા કિરાતો પણ રખડતા રહ્યા, ને સધરો જમાનાનો ખાધેલ ફાંસલામાંથી ગમે તેમ કરીને એ છટકી ગયો. પણ હજી કાંઈ વાંધો નથી. હજી રસ્તો છે. એને કાલનો દિવસ બતાવે છે. તો આપણે કાલે જુદ્ધ એવું આપો કે આ દક્ષિણ દરવાજે પહોંચતાં એના દાંત ખાટા થઇ જાય! મને તો આ રસ્તો દેખાય છે પ્રભુ!’
જુવાન માલવી જોદ્ધો વિચારમાં પડી ગયેલો જણાયો. દક્ષિણ દરવાજે જ સળગશે એ વાત એને મળી ગઈ હતી એટલે તો એ આંહીં અત્યારે રાતોરાત એવું રક્ષણ ગોઠવવા માગતો હતો કે એક કાંકરી પણ ન ખરે. શંખનાદનો જવાબ ન વાળતાં એ આ કામને વધુ મહત્વ આપતો હતો. એવો પ્રત્યુત્તર વાળવા એ જ તો હતો ત્યાં કોઈક ઘોડેસવારો આ બાજુ આવતા જણાયા, ‘કાં તો મહારાજ પોતે જ આ તરફ આવતા જણાય છે!’ વયોવૃદ્ધ દ્વારપાલ બોલી ઊઠ્યો. અને તેણે તરત બે હાથ જોડીને કહ્યું? ‘મહારાજ! મારી એક વિનંતી છે. પછી મહારાજ આવી પહોંચશે. કાલનો સમો ભારે કટોકટીનો હશે. આ દક્ષિણ દરવાજે મારી આ ત્રીજી પેઢીની ચોકીદારી છે, પ્રભુ! જુદ્ધને અંતે મહારાજ ગમે તે ફેરફાર કરે, પણ મારે આંહીં સૌથી પહેલાં મરવાનો વારસો મહારાજ એ જો ટાળી નાખશે, તો બીજું કાંઈ નહિ, પણ આ પરમાર દેવાધિદેવના ધોળામાં ધૂળ પડી જાશે! એટલી મારી વાત સાંભળજો. હું તમને એટલે કહું છું પ્રભુ! આ દરવાજાની આ ભાગોળ પાસે મારા દાદા મર્યા. એ ભાગોળે મારા બાપને મરતા આંહીં જોયા, મને પણ એ ભાગોળનું રક્ષણ કરતો મરવા દેજો! એટલે બસ, મહારાજ, બીજું કાંઈ મારે કહેવું નથી!
વૃદ્ધ દ્વારપાલના અવાજમાં કરુણ ધ્રુજારી આવી ગઈ. તેણે બે હાથ જોડી રાખ્યા હતા. એની દ્રષ્ટિ દક્ષિણ દરવાજા ઉપર હતી. એને ભય હતો કે હવે કટોકટીની પળે એને વૃદ્ધ જાણી કોઈ જુવાનડાને આ ચોકી મહારાજ સોંપી દેશે! મહારાજ કુમાર જયવર્મા એની તરફ પ્રેમથી જોઈ રહ્યો. એણે આ જુદ્ધમાં જ દેવાધિદેવને જુવાનને શરમાવે એવા શૌર્યથી ઘૂમતો જોયો હતો, દુર્ગધારાનો અજિત જ રહેવાનો. એ વાતની એને માત્ર ખાતરી ન હતી. જુગજુગ જૂની જાણે કે એની એ શ્રદ્ધા બની ગઈ હતી! જયવર્મા એની પાસે આવ્યો. એના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો: ‘પરમાર! દેવાધિદેવ! આ દક્ષિણ દરવાજે તમારી જ્યાં સુધી ચોકી છે, હું તો ત્યાં સુધી એને અજિત જ નિહાળું છું! તમારે ચોકીની કાંઈ ફેરફારી હોય? મહારાજ પોતે પણ એ સાહસ ન કરે!’
‘મહારાજ! આ દુર્ગધારાનો બાંધનારો એ રાજાવીર વિક્રમનો અવતાર હતો. આ કોટકાંગરામાંથી કાંકરી એક ખરે એમાં કાંઈ માલ નથી. સધરાને પેલાં ઇંગનપટ્ટિયાના કપૂતે દક્ષિણ દ્વારની તલેતલ માહિતી આપી છે. આપણને એ ખબર પણ મળી ગયા છે. ભલે એ આવતી કાલે આંહીં માથું કૂટી જોતો! ભગવાન મહાકાલની ધજા – એને નમાવનારો કોઈ આંહીંથી હજી તો પૂરોપાધરો ગયો નથી. આ નિર્વંશી પણ આંહીં તળ ફહેવાનો છે! જે મહાકાલ! મારા પ્રભુ! જે જે!’
એટલામાં પેલા બે ઘોડેસવાર પાસે આવતા જણાયા. દેવાધિદેવ બોલતો બંધ થઇ ગયો. તે આવનારાઓને નિહાળી રહ્યો. એક મશાલચી પાસે દોડતો આવ્યો. આવનારા બંને ઘોડેસવારોનાં તેજસ્વી મોં ઉપર અનોખા પ્રકારની પ્રતિભા રમી રહી હતી. મશાલનું મોં ઉપર તેજ પડતાં જ દેવાધિદેવ પરમાર બે હાથ જોડીને નમન કરતો એકદમ આગળ વધ્યો. આગળ ઊભેલા ઘોડેસવારનું મોં તેજસ્વી પણ કાંઈક ચિંતામાં ઘેરાયેલું હતું. એની મોટી વિશાળ આંખો અને આખી મુખમુદ્રા એક વાત સ્પષ્ટ કહી જતાં હતાં. કદાપિ કોઈને પણ નમતું ન આપે અને સર્વનાશ નોતરે એવો મહા હઠીલો રજપૂતી વરસો એના લોહીના કણેકણમાં બેઠો હતો. એની આંખમાં તેજ હતું. મોં ઉપર અભિમાન હતું. હાથમાં સામર્થ્ય હતું.એણે ધીમા દ્રઢ અવાજે કહ્યું: ‘જયવર્મા આંહીં આવેલ કે શું?’
‘મહારાજ! આવ્યા છે ને. આંહીં છે, આ આવે!’
જયવર્મા એટલી વારમાં આગળ આવ્યો હતો. પિતા અને પુત્ર પાસે ઊભા હોય તો સરખામણી કર્યા વિના રહી શકાય નહિ એવી સમાનતા ત્યાં હતી. બંનેની મુખમુદ્રામાં એક વસ્તુ અસામાન્ય રીતે આગળ તરી આવતી જણાઈ – અણનમ સર્વનાશી અડગતા. બંનેની જાણે એમાં દ્રઢ શ્રદ્ધા દેખાતી હતી. માલવરાજ યશોવર્માની જરાક પાછળનો ઘોડેસવાર હજી દક્ષિણ દરવાજા તરફ દ્રષ્ટિ કરી રહ્યો હતો, તે અચાનક બોલ્યો: ‘મહારાજ કુમાર! સોલંકી આવી ગયો છે. એણે શંખનાદ કરીને રણભૂમિને જગાડી મૂકી એ તમે સાંભળ્યું? હમણાં હવે એનો દૂત આવ્યો દેખાડું! આપણે રાતોરાત આ દરવાજાને વધારે રક્ષણ આપી દેવાનું કરવું પડશે. કાલે વહેલી પ્રભાતે એનો પહેલો પ્રયત્ન આપણે રોળીટોળી નાખીએ તો આપણે જંગ અરધો જીતી ગયા મહારાજ!’
‘દેવધરજી! આ સધરો એમાંથી પણ રસ્તો કાઢે તેવો છે હો!’
‘તે તો કાઢશે. સોલંકીને એની ક્યાં નવાઈ છે? અને પાછા આની પાસે તો વાણિયા મંત્રી! પણ તો એની પ્રતિજ્ઞા જાશે. રાજાની પ્રતિજ્ઞા જાય એટલે એનું અરધું મૃત્યુ તો થઇ ચૂક્યું, મહારાજ! દેવધરે કહ્યું.
‘તમે અવંતીના મંત્રી છો એટલે એમ બોલો, પણ દેવધરજી! વિક્રમી સિંહાસનનો મહારાજ ભોજ જેવો વારસો બધે નિહાળો છો કે શું! આ સોલંકી – એનો ગૌરવી વારસો તો જુઓ! છે એમાં કોઈ ઠેકાણે રાજવંશી ગૌરવ? મૂલ્યરાજ – ભાગ્યો. ચામુંડ – ભાગ્યો. ભીમદેવ – વાણિયા મંત્રીને ગૌરવહીણ કર્યો અને સોમનાથ લૂંટાવ્યું. સધરાનો બાપ – એની શી આબરૂ? ને આ સધરો એની ભેગું કોણ? બાબરું?’ દેવધર જવાબ આપે તે પહેલાં સનન કરતું એક તીર ત્યાં આવીને પડ્યું.
‘એ તમને રાતનો વખત રહેવા નહિ દે. એ સધરો છે! જયવર્મા! આપણે પણ ચાલુ કરો. એને રાતની શરમ નથી તો આપણે શું? યશોવર્માએ ઉતાવળે કહ્યું.
મહારાજ યશોવર્માના જવાબમાં કોટકાંગરા ઉપર ઊભેલા સૈનિકોએ અંધકારને ભેદી નાખવા મથતા હોય તેમ કામઠાં ઉપર તીર ચડાવ્યાં. પણ એજ વખતે જાણે ત્યાં દરવાજા પાસેથી ઊઠીને ઊભો થયો હોય તેવો એક માણસ દેખાયો. તેણે સાદાં નાગરિકનાં વસ્ત્રો પહેર્યાં હતાં. ચહેરો એનો સૌમ્ય ને શાંત હતો. તેણે ઉતાવળે અવાજ આપ્યો: ‘થોભી જજો – પ્રભુ! તીરમાં કોઈક સંદેશો છે, જુઓ! એ આહ્વાન નથી. તમે ઉતાવળ કરશો એટલે જુદ્ધ શરુ થશે. સોલંકીને તો એ લાભમાં જ છે. રાતની રાત આપણે ખોશું.’ તે તીર પડ્યું હતું ત્યાં ગયો. તેણે તીર ઉઠાવી લીધું. ‘જુઓ! આ રહ્યો સંદેશો – મહારાજ –’ તેણે તીરને છેડે લટકતો વસ્ત્રલેખ છુટ્ટો કરીને યશોવર્માને બતાવ્યો, તે પાસે આવ્યો.
‘શું છે? વાંચો ને વામનસ્વામી!’
વામનસ્વામી પાસે દીપિકા આવી. તેણે મોટેથી કહ્યું? ‘એક જ વાક્ય છે પ્રભુ!’
‘શું છે દૂતકજી?’ જયવર્માએ ઉતાવળે પૂછ્યું.
‘मालंग मुख मृगराजरणाभिलाषम्’
‘ઓ... હો હો! મોટો સિંહ જોયો ન હોય તો!’ જયવર્મા બોલ્યો, ‘એને હમણાં ને હમણાં પ્રત્યુત્તર વાળો વામનસ્વામી! લખો... લ્યો આ મારા લોહીથી જ અક્ષર પાડો...’
‘પ્રભુ! એમ ન હોય.’ વૃદ્ધ દ્વારપાલ દેવાધિદેવ આગળ આવી રહ્યો હતો. એની આંગળીમાંથી તો લોહી ટપકતું હતું. ‘વામનસ્વામીજી! લખી લ્યો મહારાજ લખાવે તે! લોહી તો અમારું હોય!’
‘પરમાર! આ દરવાજે આ કેટલામી પેઢી?’ યશોવર્માએ પ્રેમથી પૂછ્યું.
‘ત્રીજી, મારા પ્રભુ! ને ભગવાન સાત કરાવશે!’
વામનસ્વામીએ એ મહારાજ કુમારનો શબ્દ ઝીલવા તેની સામે દ્રષ્ટિ કરી. પોતાની લેખણ તૈયાર રાખી. જયવર્માએ કહ્યું: ‘લખો –’
‘एषा ही में रणगतस्य द्रढा प्रतिज्ञा ।
दर्शयन्ति यन्न रिपवो जघन हयानाम ।।
‘એટલું બસ છે. એ કબાડી એટલું સમજે તો પણ ઘણું!’ વામનસ્વામીએ લેખ તીરને બાંધ્યો ને સનન કરતું એક તીર ચૌલુક્ય છાવણી તરફ ઊપડવાની તૈયારી કરી રહ્યું. પણ એટલામાં આકાશ વીંધતી ‘જય મહાકાલ!’ ની પ્રચંડ ઘોષણા સંભળાઈ ને સૌ ચમકી ઊઠ્યા.
પહેલાં તો થયું કે સોલંકીએ હલ્લો અત્યારે જ માંડ્યો છે કે શું? પણ આસપાસમાંથી તો પાંચસો ખુલ્લી શમશેર અંધારા રસ્તામાં આ તરફ આવતી ચમકી રહી હતી. એકસરખા અણનમ પાંચસો યોદ્ધા આ તરફ આવી રહ્યા હતા.
યશોવર્મા આશ્ચર્યથી એમના તરફ જોઈ રહ્યો. પાસે આવતાં જ એમણે શસ્ત્ર નમાવીને માલવરાજને અભિવંદન કર્યા: ‘આ શું માંડ્યું છે અલ્યા પરમારો? કોણ છે મોખરે?’
‘મોખરે મહારાજ! ગંગ પરમાર છે!’
‘ઇંગનપટ્ટનનો?’
‘હા, પ્રભુ!’
‘શું છે એને? એના વિજયપાલે તો આપણને દગો દીધો છે. બોલાવો આંહીં એને!’
એક ઓગણીસ-વીસ વર્ષનો જુવાન રૂપાળો દૂધમલ છોકરડો આગળ આવ્યો. એની માનો આ છોકરડાને અળગો કરતાં જીવ કેમ હાલ્યો હશે. એ વિચારે યશોવર્માનું અંત:કરણ જરા ભીનું થઇ ગયું. કુમળી, દૂધમલ, નિર્દોષ જુવાની ત્યાં રમી રહી હતી. એટલામાં તો પેલાં જુવાને મહારાજને અભિવાદન કરીને પોતાની ખુલ્લી સમશેર આગળ ધરી.
‘શું છે ગંગ પરમાર? ગંગ પરમાર તમારું નામ?’
‘હા મહારાજ!’
‘શું છે તમારે? આ પાંચસોએકનું ટોળું અત્યારે આમ ક્યાં ઊપડ્યું છે? કોની આજ્ઞાથી? ક્યાં છે ઉપગવ સેનાપતિ?’
‘મહારાજકુમાર જયવર્માજીએ એમને બોલાવ્યા છે, પ્રભુ!’ ગંગ પરમારે ઉત્તર વાળ્યો. ‘અમે સાંભળ્યું છે કે કાલે સધરો હલ્લો કરે ને અફળ જાય તો એણે જળસમાધિ લેવી રહી. એમાંથી એને ઉગારી લેવાનો રતો એના વણિક મંત્રીઓએ શોધી કાઢ્યો છે. કાલ સાંજ સુધીમાં એની પ્રતિજ્ઞા પૂરી ન થાય તો એક કાચી માટીનો ધારાદુર્ગ તૈયાર કરીને એના ઉપર એ સધરો હલ્લો કરશે!’
‘હા હા...હા...’ યશોવર્મા મોટેથી હસી પડ્યો, ‘અરે! ભાઈ! એ તોએ જ કરે નાં? સોલંકી બીજું શું કરે? જૂનાગઢમાં એણે શું કર્યું? હા, હા, સધરો! પણ ભલે ને એ છોકરીના જેવી હજાર રમ્મત કરતો. એમાં આપણે શું? તમે આ ટોળું શેનું મેળવ્યું છે?’
‘મહારાજ! અમે પરમાર પાંચસો વીણીવીણીને ભેગા કર્યા છે. સાત-સાત પેઢીમાં જેમણે પરમારવંશના જુદ્ધરંગને મેલો ડાઘ બેસવા દીધો નથી, એ આ પાંચસો જણા છે. દુર્ગ માટીનો તો માટીનો, પણ ધારા નામનો કોઈ દુર્ગ, કોઈનાથી તોડી શકાય જ નહિ. અમે એ દુર્ગ પણ સોલંકીને તોડવા નહિ દઈએ. ધારાદુર્ગના નામ સાથે મશ્કરી કરનારની મા તો હજી કોઈ જન્મી નથી. અમને પ્રભુ! કાલે એવો પ્રસંગ થાય, તો અત્યારથી જુદ્ધની આજ્ઞા આપી રાખો. એ વખતે પછી પૂછવાનો વખત નહિ હોય! એ વખતે તો દોડવાનું હશે!’
પરમાર દેવાધિદેવ આ તરુણની વાણી પી રહ્યો હતો. એને એક રોમાંચકારી અનુભવ જાણે થઇ ગયો. એનું મન થનગની ઊઠયું. એને ફરી જુવાનીના કોડ થયાં. એને આ પાંચસોમાં પોતાનું નામ નોંધાવવાનો ઉન્માદ જાગ્યો. ગંગ પરમારની રજપૂતી ઉપર ન્યોછાવર થતો એ બે પળ ભક્તિમાં જાણે આંખો મીંચી ગયો. બંધ નેત્રે જ એ બોલી રહ્યો હતો: ‘વાહ! મારી મા! વાહ! હજી તો કોઈ પરમાર મોળો દીઠો નહિ! આબુબેસણું માનું છે ત્યાં સુધી તો પરમાર અવિચળ છે! વાહ! મા! વાહ! શો જુવાન છે! મન થાય છે કે એને અદ્ધર ઉપાડી લઉં!’ યશોવર્મા ગંગ પરમારની સામે જોઈ જ રહ્યો, એની એકદમ આકર્ષક કુમળી તરુણ અવસ્થાએ મહારાજની આંખ જરા ભીની થઇ. તેણે ધીમા શાંત અવાજે પૂછ્યું: ‘ગંગ પરમાર! તમે આ ઘેલછા આદરી છે, પણ માને પૂછીને આવ્યા છો કે એમ ને એમ?’
‘મહારાજ! જો આ ઘેલછા થાશે’ ગંગ પરમારે કંચન જેવો જવાબ વાળ્યો, ‘તો ડહાપણ કેવુંક હવે? અમને તો બીજા કોઈ ડહાપણની ખબર નથી. પણ મને પૂછ્યું ને માએ તરત કહ્યું કે, “છોકરા! આટલો કળજગ આવ્યો. તારા જેવડો છોકરો. અમારા જમાનામાં મને પૂછવા ઊભો ન રહેતો! એની માને રણક્ષેત્રમાં શોધવો પડતો!”’
યશોવર્માનું માથું માનમાં હોય તેમ નીચું નમી ગયું. તેણે ગંગ પરમારને બે હાથ જોડ્યા: ‘જુવાની, ગંગ પરમાર! તમારા જેવી કોઈ બસો-પાંચસો વરસે દેખા દે છે. તમારું જુદ્ધ જોવા હું આંહીં કોટકાંગરે ઊભો હોઈશ! તમારે કોઈને ન પૂછવું, જાઓ!’
‘જય મહાકાલ!’ની ઘોષણા સાથે ગંગ પરમારની પાંચસોની સેના ઊપડી ગઈ અને મહારાજ યશોવર્મા દક્ષિણ દરવાજાની મજબૂતી જોવા આગળ વધ્યા.
‘જયવર્મા! હાથી આવ્યો છે, એટલે સોલંકી હવે આવશે જોસમાં. કાલે આપણે દરવાજા બહાર પણ થોડું જુદ્ધ આપવું. સાંજ સુધીમાં એને આ દરવાજે પહોંચવા નથી દેવો. ક્યાં ગયા દેવાધિદેવ?’
ડોસો આગળ દોડ્યો: ‘પ્રભુ! હું તો ચોવીસે ઘડી આંહીં ખડો છું!’
એટલામાં કિરાતો, મજૂરો, કારીગરોનું ટોળું આવું પહોંચ્યું.
વધુ મજબૂતીમાં કામ ઊપડ્યું.