Avantinath Jaysinh Siddhraj - 35 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 35

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 35

૩૫

બંને સામસામા

કાકભટ્ટ પ્રત્યે સેનાપતિ કેશવને હવે શંકા આવી ગઈ. એની પાટણભક્તિ ભલે અવિચળ હોય; એની મહારાજભક્તિમાં કાંકરી હતી. એ એના ઉપર નજર રાખી રહ્યો. એને ખાતરી થઇ ગઈ હતી કે આ સઘળા કોઈક એવો ભવિષ્યવ્યૂહ ગોઠવતા હતા કે ત્યાગભટ્ટ ત્રણ બદામનો બની રહે! માલવજુદ્ધને અંતે ત્યાગભટ્ટની વાત જ મહત્વનું રૂપ ધારશે એની પણ એને પ્રતીતિ થઇ ગઈ પણ એ પ્રતીતિ થઇ તેમ તેમ એ વ્યૂહને ભેદી નાખવાની એણી તમન્ના વધતી ગઈ. મહારાજ જયસિંહદેવ આ જાણતા ન હતા, તેમ ન હતું. પણ એક તો આંતરઘર્ષણ અટકાવવા માટે. બીજું, સોમનાથનું ભાવબૃહસ્પતિએ આપેલું વેણ; એમાં એમને અચળ શ્રદ્ધા લાગી. કેશવે પણ શાંત તથા જાગ્રત રહેવામાં જ હમણાં તો સાર દીઠો. ત્યાગભટ્ટનું કોઈ પગલું આગળ ન વધે, અને છતાં પાટણનું ગૌરવ તો સચવાઈ જ રહે – ઉદયનની એ રીતે જણાઈ. જે વસ્તુ એને કરવી હતી એ માર્ગે જ વસ્તુ ચાલતી રહે એટલે થયું! એ પોતે કામ પાર પાડતો, પાટણને આગળ વધારતો, પણ નીતિ એની સ્પષ્ટ હતી, ગજેન્દ્રને લઇ સૌ માલવ માર્ગે પડ્યા. હર પળની ચોકી રસ્તે ગોઠવતી હતી. દરેક મુકામે ગજેન્દ્ર તો પાછળ જ રહેતો. ને દિવસે પણ એનાં દર્શન ભાગ્યે જ થતાં. એને જંગલ માર્ગે લઈને જ મહાવતો આવતા હતા. 

પણ કાકભટ્ટને એક વાતનું આશ્ચર્ય લાગવા માંડ્યું. મહારાજનો મુકામ ધીમેધીમે જતો હતો. એક બીજી વાતની પણ એને નવાઈ લાગી. બર્બરક ને ત્યાગભટ્ટ – એ બંને કેમ દેખાતા જ ન હતા? કે પછી કુમારપાલની પાછળ તો ઊપડ્યા ન હોય? આ બધી ગતિ પણ એટલા માટે નહિ હોય?

ઉદયનનો હજી કંઈ પત્તો ન હતો. પણ એક મધરાતે કાકભટ્ટ પોતે ચોકી કરી રહ્યો હતો. અને એક સાંઢણી સવારે એની સામે જ ઝુકાવ્યું. કાકને નવાઈ લાગી. જુએ છે ત્યાં ઉદયન પોતે જ! 

‘પ્રભુ! તમે ક્યાંથી?’

‘કાકભટ્ટજી! હું આવું છું માલવદિશા ભણીથી. આંહીં તો બધું ઠીક છે નાં? આપણે ત્યાંથી ઊપડ્યા પછી રસ્તામાંથી જ મને શંકા પડી ને હું પાછો ફર્યો, કુમારપાલજીની પાછળ કોઈ દોડ્યું તો નથી નાં? તમે હવે આંહીં કોને રક્ષી રહ્યા છો?’

‘કેમ કોને પ્રભુ? ગજેન્દ્ર આંહીં સાથે છે નાં? કુમારપાલજીની વાત તો અત્યારે દટાઈ ગઈ લાગે છે!’

‘કાકભટ્ટજી! તમે કુમારપાલને ઉગાર્યા એનું મૂલ્યાંકન ચૂકવવાનું તમારે જેવું તેવું નહિ હોય! શુદ્ધ રાજનીતિની વાતમાં, તમારા ઉપર હવે કોઈ વિશ્વાસ મૂકે એ આશા ન રાખતા. એક રીતે ગણો તો તમે જાણે કે હવે કુમારપાલના પક્ષકાર છો, નામ તમારું કોઈ ઉઘાડેછોગ દેવાનું નથી; પણ મહત્વની તમારી કામગીરી, એની હવે સમાપ્તિ નથી ગઈ એમ જાણવું. તમે અત્યારે જ એ નહિ અનુભવતા હો? તમે કોને રક્ષી રહ્યા છો – શું કહ્યું તમે?’

‘ગજરાજ!’

‘ત્યારે જુઓ, ત્યાં જ તમને અંધારામાં રાખ્યા છે! ગજરાજને લઈને તો બર્બરક ને ત્યાગભટ્ટ ક્યારના માલવરણભૂમિની સમીપ પહોંચી પણ ગયા છે!’

‘હેં પ્રભુ! શું કહ્યું? પહોંચી ગયા છે? પણ ગજરાજ પોતે આંહીં છે ને!’

‘ક્યાં?’

‘આંહીં – પાછળ જંગલમાં.’

‘સવારે જોજો ને! ખબર પડશે. પણ એ વાત તમારી પરિસ્થિતિ સમજવા માટે પૂરતી છે. પણ ચાલો, આપણે અત્યારે જ મહારાજને મળવાનું છે. તમારા વિશે બહુ ઊહાપોહ નથી થયો નાં? કેશવ ક્યાં હશે?’

‘ઊહાપોહ ખાસ થયો નથી, પણ મહારાજ જાણી ગયા છે. કેશવ તો આંહીં જ છે. પણ બર્બરક ને ત્યાગભટ્ટ દેખાતા નથી...’

એટલામાં સત્તાદર્શક અવાજ સંભળાયો: ‘કાકભટ્ટરાજ! કોણ છે તમારી સાથે?’

અવાજ કેશવનો જ હતો. ઉદયન ચમકી ગયો. તેણે જે કાકભટ્ટને કહ્યું હતું તે વાતનો આંહીં જ પ્રત્યક્ષ અનુભવ થયો: ‘કાકભટ્ટ! તમે આગળ થાઓ, હું આવું છું. ગજેન્દ્ર તમે જે મોકલ્યો છે એના ઉપર ભય તો છેક છેલ્લા મુકામે મૂકવાનું માલવીઓ લેવાના છે, એની જાણ થતાં તો હું દોડ્યો છું! ચાલો આપણે મહારાજની પાસે!’

ઉદયનને કેશવ સેનાપતિએ દીઠો અને એણે તરત પૂછ્યું: ‘ઓ હો હો! મંત્રીરાજ! તમે ક્યાંથી? ઇંગનપટ્ટનથી આવ્યા?’

કેશવને જવાબ આપ્યા વિના જ ઉદયને પ્રત્યુતર વાળ્યો: ‘સેનાપતિ! આપણે મહારાજને તરત મળવાનું છે!’

‘અત્યારે?’

‘આપણે જુદ્ધમાં છીએ, જુદ્ધનો જ એક ભયંકર દાવ મારા ધ્યાનમાં આવ્યો છે. હું એટલા માટે તો દોડતો આવ્યો છું. અત્યારે જ મળવું જોઈએ. ચાલો આપણે મહારાજની જ પાસે!’

કેશવ આગળ થયો. ઉદયન ને કાકભટ્ટ પાછળ ચાલ્યા. રસ્તામાં કેશવે ફરીને પૂછ્યું: ‘અત્યારે મળ્યા વિના નહિ ચાલે એવું છે મંત્રીશ્વર?’ 

‘સેનાપતિજી! તમારી મહેનત બધી ધૂળમાં જાશે. હું ઇંગનપટ્ટનથી નહિ – માલવદિશા તરફથી અત્યારે આવી રહ્યો છું. તમે ગજરાજ તો મોકલ્યો, માલવીઓએ જાણીજોઈને એને પસાર પણ થવા દીધો, શા માટે ખબર છે?’

‘શા માટે? સંધિને માન આપીને?’ કેશવે અધિરાઈથી ને આશ્ચર્યથી પૂછ્યું. એને માટે ઉદયનની જાણીતી ચાલનો આ એક નવો અનુભવ હતો. પણ એ બંને એક રીતે એકબીજાને જાણતા હતા. બંને અત્યારે હવે બોલ્યા વિના સામસામે હતા. બંને એ સમજતા પણ હતા. બંને જાણતાં હતા કે એમને ભવિષ્યમાં હવે સામસામે દાવ ખેલવાના છે.

‘કેશવરામજી!’ ઉદયને અચાનક કહ્યું, ‘કોઈ પટ્ટણી મર્યો નથી જે પાટણનું ગૌરવભંગ સહે. આપણે મત જુદાં હોય તો આપણી ધારેલી દ્રષ્ટિમાં ભલે ને જે કરવું હોય તે કરીએ.પણ આ પ્રશ્ન જુદો છે સેનાપતિજી! તમે આગળ થાવ!’

કેશવ આગળ થયો. અત્યારે મલ્હારભટ્ટ પણ એક અત્યંત અગત્યનો સંદેશો લઈને મહારાજની પાસે આવ્યો હતો, એ કેશવને ખબર હતી. ઉદયન પાસે એવું કાંઈક હોય તો મહારાજની પાસે વાત આવી ગયા પછી એ જાય એ ઠીક, એમ ધારીને કેશવ જરા ખોટી થઇ રહ્યો હતો. મહારાજના મુકામે દીપિકાઓ બળતી હતી. પાસે શસ્ત્રધારી બે કિરાત ખડા હતા. કેશવે નિશાની કરી. અંદર કોઈક હતું. ઉદયન ને એ બંને બહાર ઊભા રહ્યા.

‘અત્યારે કોઈ આવ્યું લાગે છે?’

‘એવું જણાય છે ખરું!’ કેશવે કહ્યું, ‘મંત્રીજી! તમે ઇંગનપટ્ટનની વાત તો કરી નહિ! દક્ષિણ દરવાજાનો પત્તો લાગ્યો?’

‘લાગ્યો!’

‘શું?’

એટલામાં મલ્હારભટ્ટ અંદરથી નીકળ્યો. તે ઉદયનને જોતાં જ નવાઈ પામ્યો. બંને ઇંગનપટ્ટન ના વ્યવહાર પછી આજે જ પ્રથમ મળતા હતા. ‘અરે મલ્હારભટ્ટ! તમે આવી પહોંચ્યા છો? મને તો ચિંતા તમારી થતી હતી. કિરાતનું ટોળું તો બહુ જ ભયંકર નીવડ્યું. તમે ક્યારે આવ્યા?’

‘હું? કાકભટ્ટ જાણે છે, મલ્હારે કહ્યું, ‘તમે પ્રભુ! હમણાં જ આવો છો?’

‘હા, હમણાં જ. પણ જુઓ ને મલ્હારભટ્ટ! સેનાપતિજી! આપણે ઉતાવળ કરીએ, ઘણું જ અગત્યનું કામ છે મારું એટલે અત્યારે હવે વાતમાં રોકાવાય તેમ નથી. આપણે પછી નિરાંતે મળીશું!’

‘એમ? ચાલો ત્યારે. પછી નિરાંતે વાત કરીશું.’

મલ્હારભટ્ટ નમીને ગયો. 

કેશવ ને ઉદયન અંદર દાખલ થયા. મહારાજને પ્રણમીને ઉદયન એક તરફ ઊભો રહ્યો: ‘ઉદા મહેતા!’ મહારાજે અચાનક કહ્યું, ‘શું છે ઇંગનપટ્ટનના સમાચાર? મલ્હાર નાસી છૂટ્યો ને તમે રહી ગયા એની આંહીં ચિંતા સેવાઈ રહી હતી. તમે ત્યાંથી જ આવો છો નાં?’

મહારાજ ઉતાવળમાં હતા. મલ્હારભટ્ટે ચોક્કસ માલવ મોરચા વિશે કાંઈક કહેલું હોવું જોઈએ. ઉદયને બે હાથ જોડ્યા: ‘પ્રભુ! આપનો ગજેન્દ્ર સહીસલામત તો જ પહોંચશે જો આહીંથી નિષ્ણાત કિરાતોને લઈને સેનાપતિજી તસુએ તસુ ભૂમિ જોશે તો! ઇંગનપટ્ટન કરતાં પણ વધુ મહત્વના આ સમાચાર માટે હું દોડ્યો છું! કિરાતો બહુ જ ભયંકર છે પ્રભુ!’

મહારાજે આશ્ચર્યથી તેની સામે જોયું: ‘તમે તો મહેતા, ક્યાંથી આવો છો?’

‘પ્રભુ! મેં ઇંગનપટ્ટનમા જાણવા જેવું જાણી લીધું. મલ્હારભટ્ટની પેઠે જ હું પણ ઘૂમ્યો. મહારાજને મળેલી દક્ષિણ દરવાજાની વાત અક્ષરશ: સાચી છે. એમાં મીનમેખ નથી. એની વિસ્તારી વાત પછી મોરચે થઇ રહેશે. અત્યારે તો માલવીઓએ ગજેન્દ્રને પહોંચવા દીધો છે, એમાં ભેદ છે, એની વાત છે. એ મેં જાણ્યું ને હું દોડ્યો છું. આપનો ગજેન્દ્ર છેલ્લા મુકામ લગભગ આગળ વધે, આપણે એ આવી પહોંચ્યો એમ જાણીને જરાક બેદરકાર હોઈએ, બરાબર તે સમયમાં, ગજેન્દ્રને ખાડામાં જ તળ રાખી દેવાની જુક્તિ ગોઠવાઈ ગઈ છે! સંધિસમો છે, માલવીઓ જુદ્ધ નહિ કરી. આપણને અંધારામાં રાખીને ખાડો ઊભો કરશે! એવા નિષ્ણાતો એને ત્યાં છે!’

‘મલ્હારભટ્ટની પણ એ જ વાત હતી. આ કોણ કાક છે નાં સાથે?’

‘હા પ્રભુ! હું છું!’

‘ત્યારે કાક! તું ને મલ્હારભટ્ટ અત્યારે જ ઊપડો. કિરાત સાથે આવશે. મલ્હારભટ્ટને જંગલનો અનુભવ સારો છે. ગજેન્દ્રના રસ્તાની તસુએ તસુ જમીન જઈને માપી કાઢો. પહેલું એ કરો. બીજું કાંઈ છે કહેવાનું મહેતા?’

‘બીજી વાત પ્રભુ! રણમોરચો ઊઘડતાં થાય તેવી છે. અત્યારે તો આ મહત્વની વસ્તુ છે!’ 

‘ઠીક થયું, તમે પણ આવ્યા. મલ્હારભટ્ટ આપણો જબરો છે હો. એને આ વાતની અગાઉથી ખબર હતી! કાક! તું હવે હમણાં જ ઊપડવાની તૈયારી કરી લે! અમે કાલે ઊપડશું, અત્યારે તો હવે મોડું પણ થયું છે!’

ઉદયને માથું નમાવ્યું. એણે રજા લીધી. મહારાજે કેશવને જરાક રોક્યો; ઉદયન એ જોઈ રહ્યો.

‘કેશવ!’ ઉદયન ગયો એટલે મહારાજે કહ્યું. ‘તારે કાંઈક કહેવું હોય એમ લાગે છે!’

‘મારે પ્રભુ! ઘણું કહેવાનું છે!’ કેશવે બે હાથ જોડ્યા.

‘માલવમોરચા વિશે?’

‘એમ ગણો તો એમ; નહિતર પાટણ વિશે તો ખરું જ!’

‘ત્યારે તારે જે કહેવાનું છે તે હું સમજી ગયો છું. અત્યારે આપણે માલવમોરચો સંભાળવાની હવે તાલાવેલી છે. આ ઉદા મહેતાએ તને દુભવ્યો છે એ હું જાણું છું. એનું બહુમાન તને ખૂંચે છે. એણે રાજાજ્ઞાને ધોઈ પીધી છે. એણે પોતાની વાત ખરી કરી છે. એણે ત્રણ-ત્રણ વખત – તને પરાજય આપ્યો છે. પણ જો ભાવબૃહસ્પતિની શ્રદ્ધામાં આપણને સૌને શ્રદ્ધા છે. નહિતર – પછી જે સ્વપ્ન મારું છે તે પ્રમાણે, ત્યાગભટ્ટ જ મારો વારસ છે. તું છો, બર્બરક છે, કૃષ્ણદેવ છે, મલ્હારભટ્ટ છે, તમને સૌને આ ખબર છે. પણ આ વાણિયો જબરો છે. એને એક ધર્મશાસનની જાળ ફેલાવી છે; પાટણના શ્રેષ્ઠીઓ એક વાડો બાંધી, નૃપતિઓને હંફાવવામાં અભિમાન લે તેવાં છે. એ બધું છે, એટલે આપણે રાહ જોતા શીખવી જોઈએ કેશવ! જુદ્ધ પૂરું થયે તું જોશે. ત્યાગભટ્ટનું સ્થાન ત્યારે ક્યાં હશે તું જાણે છે?’

‘ક્યાં પ્રભુ?’

‘સ્તંભતીર્થમાં ઉદયન મહેતાના પોતાના જ સાંનિધ્યમાં, પણ હમણાં આપણે સૌ શાંત રહો, ઘર્ષણ થયાં વિના જ જે થાય તે કાર્ય અત્યારે તો તારે અને ઉદયને બંનેએ રણમોરચે એક કામ સંભાળવાનું છે! મેં તને એટલા માટે રોક્યો!’

‘શું મહારાજ?’

‘યશ:પટહ આગળ વધે – ત્યારે એની બંને પાંખ ઉપર તમે બંને રહેજો! ને સાથે જ આગળ વધતા રહેજો. કેશવ! કેટલીક વખત, સમય એ પણ એક મોટું શસ્ત્ર ગણાય છે. ખરું શસ્ત્ર જ એ છે. ત્યાગભટ્ટનો સમય આવે – ત્યારે તમે જાગ્રત રહેજો; અત્યારથી ગંભીરતા ભરેલી સાવધતા તો તમને જ પાડશે! જા હવે, ઉદયન તારી રાહ જુએ છે!’