૩૩
યશ: પટહ
કોઈ વખત જંગલમાં ફરતાં કોઈક એવું તો વૃક્ષ નજરે ચડે છે કે જાણે એ વૃક્ષ હોય એમ લાગતું જ નથી. એની માનવતા અને એનું દેવત્વ એટલાં સ્પષ્ટ દેખાય છે કે જાણે આપણે એના જૂના પરિચિત સ્વજન હોઈએ, અને એ આપણું સ્વજન હોય! કોઈક અશ્વને જોતાં પણ એમ જ થઇ આવે છે. કોઈ વખત કોઈ પ્રાણીમાં પણ એવી અદ્ભુત વિશિષ્ટતા દેખાઈ આવે છે. બીજે દિવસે પ્રભાતે જ્યારે હસ્તિશાળામાં મહારાજ જયદેવે પ્રવેશ કર્યો ત્યારે પણ હજાર હસ્તિઓની અભિવાદન કરતી, ત્યાં ઊભેલી પંક્તિ જોઇને, એક પળભર તો એ આશ્ચર્યમુગ્ધ થઇ ગયા: આવડી મોટી બળવાન ગજસેના! અને છતાં રાજા મદનવર્મા બેઠો રસગોષ્ઠિ જ કરે! એના દિલમાં ભારતનું એકચક્રી, વીરવિક્રમી, પરદુઃખભંજની શાસન કેમ વસતું નહિ હોય? મહારાજને એ વિચાર આવી ગયો.
એણે ત્રણે હજાર ઊંચે થયેલી સૂંઢોને, પોતે વીર સૈનિકોને નમતા હોય તેમ, નમતા નમતા જ મહારાજ જયદેવ આગળ વધ્યા. એમને મન આ હસ્તિઓ નહિ, યુદ્ધવીરો દેખાતા હતા. એમની પાસે આટલાં ને આવા અદ્ભુત હોય તો એમની નિંદ્રા નાશ પામે! એમની પડખે, શાંત, ધીમાં ડગ ભરતો આવી રહેલો ત્યાગભટ્ટ, એમાંના દરેકેદરેકનો જાણે જૂનો દોસ્ત હોય તેમ એક-બે મીઠાં વેણ કહેતો, ચાલી રહ્યો હતો! એ દરેક ગજરાજને સૂક્ષ્મતાથી નિહાળી રહ્યો હતો. જે ગજ એમને જોઈતો હતો તે આ પંક્તિમાં ક્યાંક હતો! ક્યાં હતો, એ એમને શોધવાનું હતું. એ ત્વરા કરી રહ્યો હતો, પણ સાવધ હતો.
મહારાજ જયદેવ મદનવર્માની આ અદ્ભુત ગજસેના જોઈ જ રહ્યા. એમાંના એકને બીજાથી જુદો પાડી શકાય તેમ ન હતું. મહારાજ ચિંતાતુર નેત્રે ગજપરંપરા નિહાળતા આગળ વધ્યા. કોઈ ઉત્તુંગ શિખરાવલી સમી ઉન્નત સૂંઢોની પરંપરા ત્યાં દેખાતી હતી. સેનાપતિ કેશવ ને મલ્હારભટ્ટ ત્યાગભટ્ટના પગલે પગલાને, એની દરેકેદરેક હિલચાલને, જોઈ રહ્યા હતા. મદનવર્માનો સેનાપતિ સજ્જનદેવ એક તરફ ઊભીને ગજનિષ્ણાતો સાથે કાંઈક ચર્ચા કરી રહ્યો હતો. એ સૌની દ્રષ્ટિમાં કુતૂહલ, ઉપેક્ષા, અભિમાન અને આશ્ચર્ય દેખાતાં હતાં. યશ:પટહને આ ત્રણ હજારની એકસરખી ગજપંક્તિમાંથી જુદો તારવી કાઢવો એ કોઈ બચ્ચાંનો ખેલ ન હતો. વર્ષોની રાજવંશી શુદ્ધ પરંપરાની ઉપાસના આ ગજપંક્તિની પાછળ પડી હતી; ત્યારે આવા ત્રણ હજાર ગજ ભેગા થઇ શક્યા હતા. એ સઘળાં જ જાણે યશ:પટહ હતા. એમનો એક ગજ બીજાથી જુદો દેખાતો જ ન હતો ને! યશ:પટહ આમાં નહિ હોય તો? ને હશે તો નહિ કળાય તો? એમણે ત્યાગભટ્ટ તરફ એક દ્રષ્ટિ કરી. એ હજી કાંઈ નિર્ણયાત્મક સંદેશો આપતો ન હતો. દરેક ગજની આગળ-પાછળ, ચારે તરફ એ ફરતો હતો – તે ઉતાવળે આગળ વધી રહ્યો હતો.
પોતાની તમામેતમામ શક્તિ કેન્દ્રિત કરીને ગજની ઝીણામાં ઝીણી વિગતને એ જોઈ રહ્યો હતો. એમ ને એમ બે હજાર નવસો નવાણું ગજરાજ એ તપાસી ગયો. ક્યાંય યશ:પટહ ન હતો.
એક પળભર એની આત્મશ્રદ્ધા ડગતી લાગી. કેશવ સેનાપતિની ચિંતા વધી ગઈ. મહારાજ જયદેવનો પગ જરાક ઢીલો થયો. ગજનિષ્ણાતોની મંડળીમાં એક છૂપું છાનું ઉપેક્ષાહાસ્ય આવી બેઠેલું દેખાયું. એટલામાં તો છેક છેલ્લો હાથી આવી ગયો. પણ તેની પાસે આવીને ત્યાગભટ્ટ સ્થિર થઇ ગયો. એણે એ જોતો જ રહ્યો. થોડી વાર એમ એકીનજરે એણે જોયા કર્યું. એના ચહેરા ઉપર અચાનક પ્રસન્નતાની એક રેખા પ્રગટી નીકળી. એ મનમાં ને મનમાં કાંઈક સંભારી રહ્યો. એના ધીમે બોલતા સ્વરમાં હર્ષની ધ્રુજારી જણાતી હતી. એણે એને ફરી ફરીને નિહાળ્યો. અને છેવટે તે પોતે બે હાથ જોડીને, કોઈ મહાન જોદ્ધાને અભિવાદન કરતો હોય, તેમ પ્રેમથી નમી રહ્યો. એણે મહારાજ સામે એક વિજયદ્રષ્ટિ કરી. એની આંખ ભક્તિમાં જાણે મીંચાતી હોય તેમ બે પળ મીંચાઈ ગઈ; એના મોંમાંથી કાવ્યપંક્તિઓ આપોઆપ આવી રહી હતી.
તેણે જરાક આગળ વધીને ગજરાજની નીચે નમેલી સૂંઢ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો. મદનવર્માના ગજનિષ્ણાતો તરત આગળ આવ્યા. તેમને ત્યાગભટ્ટની શક્તિનું માપ જોઈ લીધું હતું. જે ગજ એમનો ઉત્તમોત્તમ હતો – બરાબર એ જ યશ:પટહ ગજ ત્યાગભટ્ટે શોધી કાઢ્યો હતો.
શંખ, ભેરી, દુંદુભી ને વિજયી નાદથી આકાશ ગાજી ઊઠ્યું.
સજ્જનદેવ પોતે વિદાય લેતા ગજરાજની પૂજા કરવા આગળ આવ્યો.