ઘર આંગણે લગ્નનો મંડપ બંધાઈ ચૂક્યો છે. બસ હવે લગ્નનાં ગીતો ગવાય અને શરણાઈનાં સૂર રેલાય તેટલી જ વાર છે.
મીત અને સાંવરી જે બંને એકબીજાને અનહદ ચાહે છે અને એકબીજાનાં પ્રેમમાં ગળાડૂબ છે તેમની મંઝિલ હવે તેમનાથી ખૂબજ નજીક આવી ગઈ છે. મીતની જીદને કારણે મીત અને સાંવરીના લગ્ન ધામધૂમથી નહીં પરંતુ સાદાઈથી કરવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે અને બંને પરિવારના ઈંતજારનો અંત પણ હવે આવી ગયો છે. લગ્ન માટે જે પૈસા ખર્ચ કરવાના હતા તે બધાજ પૈસા શહેરની કેન્સર હોસ્પિટલમાં દાન આપવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે.
સાંવરી અને મીત બંને જીવનની કઠીન પરિસ્થિતિમાંથી બહાર આવી ચૂક્યા છે તે બંને એકજ હતાં જીવનની આકરામાં આકરી કસોટી પણ તેમને દૂર કરી શકી નહોતી. જે આજે લગ્નના સાત ફેરા ફરીને પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે.
બંને પક્ષે લગભગ બધીજ તૈયારીઓ થઈ ચૂકી છે. મીત હજી તો પીઠીના આગલે દિવસે પણ પોતાની ગર્લફ્રેન્ડ કમ ફીયાન્સી સાંવરીને મળવા જવાની જીદ પકડીને બેઠો છે અને તેનાં મામા, મામી અને કઝીન સીસ્ટર જે બોમ્બેથી સ્પેશિયલ પોતાના સુપરફાસ્ટ રૂટિનને અલવિદા આપીને મીતના લગ્નમાં તો આપણે જવું જ પડે, ભલેને મનિષભાઈએ ધામધૂમ નથી કરી પરંતુ આપણે તો ઘરના કહેવાઈએ અને તેમાં પણ પાછો આ તો એકનો એક લાડકવાયો ભાણિયો મીત એટલે આપણે ગયા વગર ન જ ચાલે એવી મીતના મામી સુશીલાબેનની જીદ આગળ યતીનભાઈએ હા માં હા જ કરવાની રહી.
જેવો મીત પોતાની સાંવરીને મળવા જવા માટે બહાર નીકળવા જતો હતો કે તરત જ ખૂબજ શોખીન સુશીલાબેને ભાણિયા મીતનો કાન આમળ્યો અને કહેવા લાગ્યા કે, હવે મામાએ મોં મીઠું કરાવી દીધું છે આવતીકાલે પીઠી ચોળવાની છે હવે આજે વહુરાણીને મળવા ન જવાનું હોય હવે બંનેએ સીધું લગ્નના મંડપમાં જ એકબીજાના મોં જોવાનાં હોય. પરંતુ આખાયે પરિવારના લાડકવાયા મીતે પોતાનો કાન મામી પાસેથી છોડાવ્યો અને મામીના ગાલ ઉપર ટપલી મારી બોલ્યો કે, બસ આજે છેલ્લો દિવસ માય ડિયર મામી આવતીકાલે રજા અને પછી તો પરમદીવસથી હું એને મળવા નહીં જવું બસ..
સુશીલાબેન પણ ભાણીયાને પરણાવતાં પરણાવતાં અત્યંત હરખાઈ રહ્યાં હતાં અને મીતને કહી રહ્યા હતા કે, " પરમદિવસે તો આપણે જાન લઈને જવાનું છે એટલે એ કાગડોળે તારી રાહ જોઈને જ બેઠી હશે અને પછી તો એ આપણાં ઘરમાં જ આવવાની છે તો તારે ઓછું એને મળવા આમ ભાગવુ પડશે ? પણ મીત તો મામીના એકેય શબ્દો સાંભળવા અત્યારે તૈયાર જ નહોતો કે ત્યાં ઉભો રહેવા પણ તૈયાર નહોતો અને જતાં જતાં બોલ્યો કે, "જરા મારી સાવુને મળતો આવું અને તેનું મોં જોતો આવું." એટલું બોલીને પોતાની ફોર્ચ્યુનરની ચાવી હાથમાં ગોળ ગોળ ફેરવતાં ફેરવતાં બીજુ કોઈ તેને તેની સાવુને મળવા જતાં રોકે તે પહેલા ભાગ્યો અને તોય મામી તો બોલ્યા જ કે, " આ જો વહુઘેલો ભાગ્યો... " અને મામી સુશીલાબેન અને મમ્મી અલ્પાબેન બંને હસવા લાગ્યા.
બંને પક્ષે ઘરમાં ખૂબજ ખુશીનો માહોલ છવાયેલો હતો. સાંવરીના હાથમાં મીતના પ્રેમની લીલેરી મહેંદી મુકાઈ રહી હતી સાંવરી દેખાવમાં એકદમ શ્યામ અને સીધીસાદી હતી એટલે તેનાં મમ્મી પપ્પાએ ધાર્યું નહોતું કે તેને આવા કરોડપતિ ઘરનો હોનહાર અને પ્રતિભાશાળી છોકરો મળશે પરંતુ એમ બી એ થયેલી સાંવરીની બિઝનેસ આવડતથી તેણે મીતની કંપનીને દુનિયાભરમાં ફેમસ કરી દીધી હતી અને આ વર્ષનો વર્લ્ડ ફર્સ્ટ બિઝનેસમેનનો એવોર્ડ પણ તેને હિસાબે જ મીતને મળ્યો હતો.
મીત અને તેના પરિવારજનો સાંવરીથી ખૂબજ ખુશ હતાં અને એપ્રીસીએટ હતાં. એવું જરૂરી નથી કે બહારથી સુંદર દેખાવું તે જ ખરી સુંદરતા છે ખરી સુંદરતા અને ગુણો તો અંદરથી હોવા જોઈએ જે સાંવરીમાં હતા.
સાંવરીની નાની બહેન બંસરી ખૂબજ રૂપાળી હતી અને તેને તેના ક્લાસમાં તેની સાથે ભણતો કશ્યપ ખૂબજ ગમતો હતો બંને વચ્ચે પ્રેમ થયો અને સાંવરીએ જ સાથે રહીને કશ્યપ બીજી જ્ઞાતિનો હોવા છતાં પોતાના મમ્મી પપ્પાને સમજાવીને તેમનાં લગ્ન કરાવી આપ્યા અત્યારે તેમનાં ઘરે એક નાનકડી દીકરીએ જન્મ લીધો છે જેનું નામ તેની માસી સાંવરીએ હેત્વી પાડ્યુ છે.
મીતની ગાડીનો અવાજ સાંભળીને સાંવરી વિચારમાં પડી ગઈ અને બોલી કે, "મીત આવ્યો લાગે છે.." તેની વાત સાંભળીને બંસરી અને તેની મમ્મી બંને હસવા લાગ્યા કે, આને આખો દિવસ બસ મીતના જ ભણકારા વાગ્યા કરે છે અત્યારે થોડા એ આવે અને એમને અલ્પાબેન અત્યારે આવવા પણ ન દે...અને એટલામાં તો
મીત ગાડી પાર્ક કરીને અંદર ઘરમાં આવ્યો એટલે બધા ચૂપ થઈ ગયા અને મનમાં ને મનમાં મુસ્કુરાવા લાગ્યા..
મીતને જોઈને બધા જ રૂમમાંથી બહાર નીકળી ગયા મહેંદી મૂકવાવાળી છોકરીઓ પણ બહાર નીકળતાં હસતાં હસતાં કહેતી ગઈ કે, "જો જો અમારી મૂકેલી ડિઝાઇન બગડે નહીં.."
મીત પણ એમ ચૂપ રહે તેમ નહોતો તેણે પણ હસીને જવાબ આપ્યો કે, " બગડે તો ફરીથી મૂકી દેજો, ન બગડે તેવી કોઈ ગેરંટી નહીં..." અને મીતે રૂમનો દરવાજો બંધ કર્યો.. સાંવરી બબડતી રહી કે, " અત્યારે તું કેમ અહીંયા આવ્યો, મને પણ શરમ આવે છે બધાં કેવું વિચારે ? "
મીત: લે તારો પતિ છું.. હું ગમે ત્યારે તને મળવા આવી શકું અને આ મારી ડાર્લિંગને મળ્યા વગર મારે ચાલતું નથી એ તને ખબર છે ને ? જેને જે વિચારવું હોય તે વિચારે.. અને બીજું આપણે તો આ હોઠોનો મીઠો રસ પીધાં વગર પણ નથી ચાલતું તે પણ તને ખબર છે ને??
અને મીત સાંવરીને ચીપકીને તેની બરાબર બાજુમાં બેસી ગયો અને સાંવરીને પોતાની તરફ ખેંચી લીધી અને પછી તેનાં સ્હેજ બ્રાઉની સુંદર હોઠ સાંવરીના આછાં ગુલાબી હોઠ ઉપર ચુસ્તરીતે ગોઠવાઈ ગયા.. તેણે સાંવરીને પૂરેપૂરી પોતાના આલિંગનમાં કેદ કરી લીધી.. સાંવરી બૂમો પાડતી રહી કે મારી મહેંદી.. મારી મહેંદી..અને મીત જવાબ આપતો રહ્યો કે.. ફરીથી મૂકાવજે.. ભલે લુછાઈ ગઈ.. બોલ બોલ ન કરીશ..ફરીથી મૂકાવજે.. બંને એકબીજાનાં હોઠનો રસ પીવામાં તલ્લીન થઈ ગયા અને એકબીજામાં ખોવાઈ ગયા.
મીતના ગાલ ઉપર મહેંદી લાગી ગઈ હતી પરંતુ બંને એકબીજાના આલિંગનમાં એટલાં બધાં તો ખોવાઈ ગયા હતા કે બે નહીં પણ જાણે એક જ હતાં..અને વર્ષોની તપસ્યા પછી જાણે એકબીજાને મળ્યાં હોય તેમ એકબીજાને છોડવા તૈયાર નહોતાં..
એટલામાં સાંવરીની નાની બહેન બંસરી બારણાં ઉપર ધીમેથી નૉક કર્યું અને બંનેની મશ્કરી કરતાં બોલવા લાગી કે, " સુહાગરાત અત્યારે જ મનાવી લેવાની છે કે શું ?? કે પછી સુહાગરાત માટે કંઈ બાકી પણ રાખશો ?? " અને સાંવરીએ ધીમેથી ખૂબજ પ્રેમથી મીતને જરા પોતાનાથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને તે મીતના આલિંગનમાંથી વિખૂટી પડી અને બારણું ખોલવા માટે ઉભી થઈ.
મીત પણ શરમનો માર્યો કંઈજ બોલી શકે તેમ નહોતો અને કંઈજ બોલ્યા વગર હાથમાં પોતાની ફોર્ચ્યુનરની ચાવી લઈને રૂમની બહાર નીકળવા લાગ્યો.. બંસરીની નજર તેનાં ગાલ ઉપર પડી તેનાથી બોલ્યા વગર ન રહેવાયું, " જીજુ દીના હાથની મહેંદી તમે ગાલ ઉપર લગાવી દીધી ? " અને મીતે ગાલ ઉપર પોતાનો હાથ ફેરવ્યો તો હાથમાં મહેંદી લાગી પછી સામે રાખેલા દર્પણમાં નજર કરી તો સાંવરીની મહેંદીનો રંગ તેનાં ગાલ ઉપર ચઢ્યો હતો એટલે તે જોઈને નાની સાળી બંસરીને તો બોલવાની મજા પડી ગઈ હતી, " જાવ જાવ હવે એ રંગ તો નહીં જાય મારી દીના સાચા પ્રેમનો રંગ તમને ચઢ્યો છે અને સાંવરી તેમજ મીત બંને મનમાં ને મનમાં હસી રહ્યા હતાં અને શરમાઈ પણ રહ્યા હતા..મીત કશુંજ બોલ્યા વગર ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયો અને તેના સાસુમા એટલે કે સાનીયાના મમ્મી સોનલબેન બૂમો પાડતા રહ્યા કે, "ક્યાં ગયા જમાઈરાજા ? આવ્યા છો તો એમનેમ ન જવાય તમને ભાવતી મારા હાથની આદુવાળી ચા પીને જાવ"
હવે મીત સાસુમાના હાથની ચા પીવા માટે રોકાય છે કે નહિ તે આપણે આગળના ભાગમાં જોઈશું... હવે આગળનાં ભાગમાં ગણેશ સ્થાપન મીત અને સાંવરીની પીઠી અને પછીથી બંનેનાં લગ્ન છે તો આપ દરેકે તેમાં અચૂક હાજરી આપવાની છે તો પધારજો.... આપણાં મીત અને સાંવરીની પ્રેમ કહાની પરાકાષ્ઠાએ પહોંચવા જઈ રહી છે તો આપ સૌને તે ગમ્યું ને..?? મને આપનો અમુલ્ય પ્રતિભાવ જરૂરથી આપતા રહેજો. આભાર 🙏.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
12/10/23