સૂરજને મુકવા માટે સુનીલે કહ્યું, પણ સૂરજનો એક વિદ્યાર્થી બહાર ગેટ પાસે જ રાહ જોઈ રહ્યો હતો. સુરજ આભાર વ્યક્ત કરતા ઘરની બહાર નીકળ્યો હતો.
સૂરજ ગયો કે તરત સંધ્યા પોતાની બાલ્કનીમાં ગોઠવાઈ ગઈ હતી. એ સૂરજને જતો હતો એ જોવા ઈચ્છતી હતી. સૂરજને પણ અંદાજો આવી જ ગયો કે, સંધ્યા બહાર બાલ્કનીમાં હશે જ! આંખોથી મનની વાત એ જાણી ચુક્યો હોય એમ બહાર ગેટ પાસે પહોંચીને નજર સંધ્યાની બાલ્કની જે તરફ હોય એ તરફ કરી, અને સંધ્યાને ત્યાં ઉભેલી જોય કે તરત સ્મિત એના ચહેરા પર છવાઈ ગયું હતું. સંધ્યા પણ હસી જ પડી! બંને એકબીજાને જ્યાં સુધી જોઈ શકે ત્યાં સુધી જોતા જ રહ્યા હતા. સુનીલ સંધ્યાની બાજુમાં ક્યારે આવીને ઉભો રહી ગયો એ સંધ્યાને ખ્યાલ જ ન રહ્યો. જેવો સૂરજ દેખાતો બંધ થયો કે એ રૂમ તરફ જવા ગઈ કે, સુનીલ સાથે ભટકાઈ જ ગઈ, એ સહેજ ગભરાઈ પણ ગઈ હતી.
"બીકણું સસલું." હસતા હસતા સુનીલ બોલ્યો.
"હું કંઈ થોડી તારાથી ડરું? જા ને તારું કામ કર ને!" મોં મચકોડતા સંધ્યા બોલી.
"તો સૂરજથી ડરે કે કેમ એમ મમ્મીને પૂછીને ખાતરી કરું? બોલ તો તું કે એમ કરું?
"અરે મારા લાડકા ભાઈ! હું તો મજાક જ કરતી હતી. તું શું ઘડી ઘડી મમ્મીને વચ્ચે લાવે છે?"
"એટલે બીકણું સસલું એ પાક્કું ને?"
"અરે ભાઈ! એ વાત મૂક અને અહીં બેસ અને એમ કહે કે, સૂરજ તને કેવો લાગ્યો?" મનની કૂતુહલને શાંત કરવા સંધ્યાએ મૂળવાત પૂછી જ લીધી હતી.
"એ ઠીક છે પણ હજુ એની બધી માહિતી થોડી આપણા પાસે છે? પણ મને એવું લાગે છે કે એ સારો જ હશે! પપ્પા તો જ એને ઘર સુધી આવવા દે."
"સાચે જ ભાઈ તને એવું લાગ્યું?"
"એ બસ હો.. જાજી ફુદકફુદક નહીં થા. મારાથી તો સારો નથી જ હો." ટીશર્ટના કોલર પર હાથ ફેરવતા સુનીલ બોલ્યો હતો.
"જા ને! અરીસામાં મોઢું જો."
"એ તું જો, ગાલ ગુલાબી તારા થયા છે મારા નહીં." હસતા બોલી ઉઠ્યો.
"તું પણ ભાઈ!..." શરમાઈ જતા નીચું મોઢું કરી એ પપ્પા પાસે ગઈ હતી.
"આજ ડિનર હું બનાવીશ. શું જમશો તમે પપ્પા?" સંધ્યાએ લાડથી પૂછ્યું.
"ખીચડી, શાક અને રોટલી બસ સાદું જ જમવું છે."
"ઓકે પપ્પા!"
કિચનમાં દક્ષાબહેન બધું જ શાક ગોઠવી રહ્યા હતા. સંધ્યા એની પાસે ગઈ અને બોલી, " મમ્મી તમે પપ્પા પાસે બેસો હું રસોઈ બનાવું છું. હું બધું જ કરી નાખીશ."
"અરે તને વાર લાગે બેટા!"
"ના મમ્મી વાર નહીં લાગે હું એકદમ ઝડપથી બનાવીશ. બે મિનિટ વાળી મેગીની જેમ."
"જોજે હો બેટા! જમવા જેવું બનાવજે હો! હસતા હસતા દક્ષાબેન બોલ્યા.
બંને હસી પડ્યા હતા.
દક્ષાબેન કિચનની બહાર નીકળ્યા અને સંધ્યાએ રસોઈ શરૂ કરતા પહેલા પેલ્ટફોર્મ પર પડેલ ચા નાસ્તાના વાસણ સાઈડ પર મુક્યા અને સૂરજના કપમાં સહેજ ચા પડી હતી એ કપ સીકમાં મુકતા સંધ્યાનો હાથ અટક્યો, એણે કપને નીરખીને જોયો, અને સૂરજની એઠી બચેલી ચા પોતે પીવા માટે કપને હોઠે અડાવ્યો, જેવો કપ સંધ્યાના હોઠે અડ્યો કે, સંધ્યાને જાણે સૂરજના હોઠને અડ્યા હોય એવો અહેસાસ થતા સંધ્યાના રોમે રોમમાં એક ઝણઝણાટી થઈ ઉઠી. એણે પોતાની આંખ બંધ કરી અને ચાના છેલ્લા ઘુટડાને એ પીવા લાગી. જેવી ચા પીધી કે આંખ એકદમ ખુલ્લી ગઈ, સંધ્યાને એકદમ જ યાદ આવ્યું કે, ચા માં ખાંડ જ નથી. ઘડીક તો એમ જ વિચારી રહી કે, આટલી કડવી ચા સૂરજ ચુપચાપ પી ગયો! સંધ્યાને થયુ ભગવાને મને સંકેત આપ્યો કે શું? આ પ્રશ્ન જ સંધ્યાને એટલી હદે રોમાંચિત કરી રહ્યો કે સંધ્યા ખુશ થઈને બંને હાથ ખુલ્લા કરી એક ઊંડો શ્વાસ લઈને ધીરે ધીરે ગોળ ફરતા ભગવાનનો આભાર માનવા લાગી હતી. સંધ્યાને વિશ્વાસ આવી જ ગયો કે, સૂરજ એનો જીવનસાથી જ બનશે. ભગવાને એના માટે જ સૂરજને અહીં જોબ માટે મોકલ્યો છે. આવું વિચારી એ ખુબ જ ખુશ થઈ ગઈ અને ફટાફટ બધું જ કામ કરવા લાગી. રસોઈ બધી બનાવી અને ડાયનિંગ ટેબલ પણ તૈયાર કરી નાખ્યું હતું. સંધ્યાએ ખરેખર એની મમ્મીએ કહ્યું એમ જ બધું ઝડપી બનાવી લીધું હતું.
સંધ્યાએ પપ્પા પાસે જઈને કહ્યું, "અત્યારે તમારી તબિયત કેવી છે? જમવાનું બની ગયું છે ભૂખ લાગી હોય તો ચાલો જમવા."
"અરે વાહ! આટલી વારમાં બનાવી પણ લીધું?" આષ્ચર્યથી દક્ષાબેન અને પંકજભાઈ બંને બોલી ઉઠ્યા હતા.
"હા બની ગયું છે. કહો ને પપ્પા તમને ચક્કર હવે આવતા નથી ને?"
"ના બેટા હવે ચક્કર નથી આવતા. આતો સારું થયું કે સૂરજ ત્યાં હતો. હું મારુ સંતુલન ગુમાવી જ બેઠો હતો, હું નીચે પડી જાવ એ પહેલા સૂરજે મને પકડી લીધો હતો."
"સારું થયું તમે પડ્યા નહીં!" દક્ષા બહેન ચિંતિત સ્વરે બોલી ઉઠ્યા હતા.
"પપ્પા! આ સૂરજ કેવો છે? સારું વર્ક કોલેજમાં કરે છે? તમને તો ખ્યાલ હશે ને!" મોકો જોઈને સુનીલે પંકજભાઈને પૂછી જ લીધું.
"હા સૂરજ ખુબ જ સારું વ્યક્તિત્વ ધરાવે છે. એકદમ લાગણીશીલ અને ઉમદા સ્વભાવનો છે. થોડા જ દિવસોમાં સ્ટાફમાં તો ઠીક પણ વિદ્યાર્થીઓમાં પણ ફેવરિટ સર બની ગયો છે. એનો મિલનસાર સ્વભાવ બધાનું મન જીતી લે એવો છે. મારે અને સૂરજને સારી એવી એકબીજાની ઓળખાણ પણ થઈ ગઈ છે."
"હા, એ તો એને મળીને જ લાગ્યું હતું."
સંધ્યાને એક પછી એક સૂરજની વધુ માહિતી મળતી હોવાથી એ અતિ આનંદમાં હતી. સુનીલને તો સંધ્યાનો હરખ જોઈને ખુબ મજા આવી રહી હતી. આટલી ખુશ સંધ્યાને એણે ક્યારેય જોઈ જ નહોતી. સુનીલ માટે સંધ્યાની ખુશીથી વધુ કાંઈ જ નહોતું. એ સંધ્યાના હરખને જોઈને હરખાઈ રહ્યો હતો. સંધ્યાએ પણ જોયું કે સુનીલ પણ ખુશ છે. હવે સંધ્યાએ પોતાના નેણ ઊચ્ચા કરીને ઈશારામાં જ પૂછ્યું કે, શું વિચારે છે? માથું હલાવી કઈ જ નહીં ના સંકેત સાથે હળવા હાસ્ય સાથે સુનીલને સંધ્યાને મૌન ઈશારામાં જવાબ આપ્યો.
દક્ષાબેન બોલ્યા, "ચાલો જમવા મને ખુબ ભૂખ લાગી છે."
બધાએ સાથે ભોજન પતાવ્યું. કામ બધું પતાવી સંધ્યા પોતાના રૂમમાં ગઈ હતી. પંકજભાઈ અને દક્ષાબેન ટીવી જોઈ રહ્યા હતા. સુનીલને આ સમય સંધ્યા સાથે વાત કરવાનો યોગ્ય લાગ્યો હતો. એ સંધ્યાના રૂમમાં ગયો હતો. સંધ્યાએ આજે એના ઘરે જ જે સૂરજનો ફોટો પાડ્યો એ જોઈ રહી હતી. સુનીલ ધીરેથી એની પાસે ગયો અને એની નજીક જઈને બોલ્યો, "એ ગાંડી!"
"શું ભાઈ! ડરાવી દીધી."
"હવે તો ખબર પડી ગઈ ને કે હું જ છું બીકણું સસલુૃ" કહી હસવા લાગ્યો.
"તને તો જાણે ક્યારેય બીક જ ન લાગતી હોય! એમ તું હોશિયારી કરે છે."
"ના લાગતી હતી ને! સૂરજનો રીવ્યુ કેવો આવશે એ ડર હતો મને! એનો રીવ્યુ ખરાબ હોત તો આ આટલો હરખાતો ચહેરો કેવો ઉદાસ થઈ જાત! મને ખુબ ડર હતો."
"અરે ભૈલા!" કહી સંધ્યા સુનીલને વળગીને રડી પડી હતી.
"અરે ગાંડી! શું રોવા લાગી?"
સંધ્યા કાંઈ બોલી શકે એવી સ્થિતિમાં નહોતી. એ ચુપચાપ બંધ આંખે રડી રહી હતી.
સુનીલને એ રડતી હતી એ ગમતું નહોતું આથી એ બોલ્યો, "જો સંધ્યા! તને ખરેખર દુઃખ થતું હોય અને મને મૂકીને જવું ન હોય તો તું લગ્ન ન કરતી હું તને પ્રેમથી અહીં રાખીશ. પણ તું આમ રડે તો વળી મને એમ થાય કે, બેન ને પરણાવી જ નથી." ચીડવતા સુનીલ બોલ્યો હતો.
સંધ્યા તરત એનાથી સહેજ આઘી થઈને સુનીલના ચહેરાને ગુસ્સાવાળી નજરોથી જોઈ રહી હતી.
શું હશે સૂરજના પોતાના રૂમ પર પહોંચીને હાલ?
શું હશે ભવિષ્યના ભૂગર્ભમાં?
મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻