Avantinath Jaysinh Siddhraj - 28 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 28

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 28

૨૮

એક એવી ચિંતા!

કાકભટ્ટની વાત જાણ્યા પછી ઉદયનના દિલમાં એક નવી ચિંતા આવી ગઈ હતી. કાંતિનગરીમાંથી ગજેન્દ્ર લેવા માટે ગયેલ જયસિંહ મહારાજ ને યશોવર્મા ક્યાંક રસ્તામાં રોકે નહિ. 

કાકભટ્ટની વાતમાંથી એ જ સાર નીકળતો હતો. યશોવર્મા મદદ લેવાનું તો બાનું કરીને આવ્યો ન હોય! અને આંહીંથી હકીકત જાણી રસ્તામાં ગજેન્દ્રને રોકી રાખે. એને વાતનો તાગ લેવા જેવું લાગ્યું. કાંતિનગરી પહોંચીને પોતે મહારાજ સિદ્ધરાજને શી રીતે અને કયા નિમિત્તે મળવું એનો જ વિચાર કરી રહ્યો. વળી કુમારપાલજીના સાહસની પણ ચિંતા હતી. 

બંને જણા કાંતિનગરી તરફ ચાલ્યા, ત્યારે હજી આ વસ્તુનો નિર્ણય એ કરી શક્યો ન હતો. એટલામાં એને સાંભર્યું કે એનો લંગોટિયો ભાઈબંધ ધનદશ્રેષ્ઠી આમાં ઉપયોગી થઇ પડશે. બે-ત્રણ વરસે એ હીરામાણેક લઈને સ્તંભતીર્થમાં ઊભો જ હોય! પોતે તે પહેલાં કાંતિનગરી જોઈ હતી. એના વાસની ખબર હતી. એટલે એ તરફ ઘોડાં લીધાં.

પણ નગરીમાં પેઠા પછી સંભાળવાનું હતું. વિદેશી પ્રત્યે નગરજનોને અત્યંત દ્વેષ રહેતો. પોતાના એકાંત રક્ષિત સ્થળને એ એમ ને એમ સાચવી રાખવામાં માનતા હતા. રાજા મદનવર્માએ પણ એ જ રાજનીતિ રાખી હતી. એટલે તેઓ ત્વરિતગતિથી, કોઈની બહુ નજરે થયા વિના, ધનદશ્રેષ્ઠીને આવાસે પહોંચવા માગતા હતા. 

પણ કાકભટ્ટ તો આ આરસનગરી જોઇને દિગ્મૂઢ બની ગયો હતો. ચંદનછાંટ્યા વિશાળ માર્ગ ઉપર થઈને જતી ત્યાંની સુંદરીઓએ એનું મન હરી લીધું હતું. નગરીમાં ઠેકાણે-ઠેકાણે સરોવરો હતાં. સ્થળેસ્થળે ધવલગૃહો ઊભાં હતાં. સપ્તભૂમિપ્રાસાદ જેવા ગગનચૂંબી મહાલયોથી એના રસ્તા શોભી રહ્યા હતા. મોટાં પર્વતનાં શિખરો જેવી અનુપમ હવેલીઓ જોતાં એ ઘડીભર તો માની શક્યો નહિ કે આ તે સાચું નગર છે કે પોતાનું કોઈ સ્વપ્ન પોતે જોઈ રહ્યો છે.

ઉદયને એને પાછળથી કાનમાં કહ્યું: ‘ભટ્ટજી! ઉતાવળ રાખજો હોં! સીધો જ માર્ગ લ્યો. હમણાં ધનદશ્રેષ્ઠીનો આવાસ આવશે. લોકોને આપણા વિશે કુતુહલ જાગે એવું આપણે ન કરતાં! આ તો કાંતિનગરી છે. તમે જુઓ છો તે કંઈ નથી, એવાં ધામ પડ્યાં છે. પણ પહેલાં જ ઠેકાણું પકડી લઈએ!’ 

કાકે ઉતાવળ કરી. પણ જેમજેમ આગળ ગયો તેમતેમ અદ્ભુત મહાલયો આવવા માંડ્યાં. એક જુએ ને એક ભૂલે. એક ઠેકાણે શુભ્રહસ્તિદંત આરસમહાલયમાં તો દ્વાર ઉપર જ જાણે કોઈ અપ્સરા સોનેરી કમળ લઈને અતિથીનો સત્કાર કરતી ઊભી રહી હતી – કાકે એ દ્રશ્ય જોયું, ને ઘડીભર થંભી ગયો. સાંભર્યું ને તરત ઊપડ્યો તો ખરો, પણ આંખ તો જાણે ત્યાં જ રહી ગઈ!

એ તો સ્ત્રી હતી કે પ્રતિમા?’ એના વિભ્રમમાંથી ઉદયનના અવાજે જગાડ્યો ત્યારે એ આવ્યો: ‘ભટ્ટજી! આપણે આવી પહોંચ્યા છીએ ઠીક સમયસર. હજી અવરજવર થતી આવે છે. શ્રેષ્ઠીજી પણ ઘરમાં હશે – ડાબે હાથે પહેલું જ ઉત્તુંગ મહાલય!’

કાકભટ્ટે ઘોડાને ત્યાં રોક્યો. સ્ફટિકના એના સ્તંભમા પડતું પોતાનું પ્રતિબિંબ એ નિહાળે છે ત્યાં તો અંદરથી કોઈ શ્રેષ્ઠીને આવતો એણે દીઠો. ઉદયનનો કહેલો એ જ ધનશ્રેષ્ઠી હોવો જોઈએ, એમ એણે અનુમાન કર્યું. કાંઈક સ્થૂળ, પણ રૂપાળી, એવી એની બેઠા ઘાટની શરીરરચનામાં, એનું મોં એકદમ મધુર જણાતું હતું. એ આકર્ષી રાખે એવું સુંદર હતું. એના કાનમાં સાચા મોતીનું લંગર લટકતું હતું. કપાળમાં રૂપાળો કાશ્મીરી કેસરનો ચંદ્રક શોભી રહ્યો હતો. હાથમાં એણે બે સોનેરી હીરારત્નજડિત કડાં પહેર્યા હતા. કોઈ અજાણ્યા ઘોડેસવારને દ્વાર ઉપર જોતાં એ આગળ આવ્યો. પણ એની નજર તરત પાછળ ઉદયન ઉપર પડી ને એની મુખાકૃતિમાં અજબ જેવું પરિવર્તન થઇ ગયું: ‘ઓ હો હો હો હો! શ્રેષ્ઠીજી! – અરે શ્રેષ્ઠીજી શેના? અરે! પૃથ્વીનાથ! તમે આંહીં ક્યાંથી? અલ્યા એ ભિલ્લુ! –’

જવાબમાં એક અનુચર દોડતો આવ્યો. ધનદશ્રેષ્ઠીએ તેના તરફ સહેજ જોયું ને બંને ઘોડાં સંભાળી લીધાં.

ધનદશ્રેષ્ઠી સાથે ઉદયનને જૂની પિછાન હોય એવું કાકને લાગ્યું. શ્રેષ્ઠી એમને પાછળના ખંડમાં લઇ ગયો. ત્યાં સુખાસન ઉપર એમને બેસાર્યા. પોતે અંદર અનુચરને કાંઈક આજ્ઞા આપીને પાછો આવ્યો.

‘પ્રભુ! બોલો, આપણ આંહીં ક્યાંથી? આ ભાઈ આપણા જૈન...’ કાક તરફ જોઇને ધનદશ્રેષ્ઠીએ કહ્યું.

‘ના. એ તો માહેશ્વરી છે. એ આપણા મિત્ર છે.’

‘પાટણના છે?’     

‘હા.’

ધનદશ્રેષ્ઠીની ચિંતા ઉદયન કળી ગયો. પાટણ ને માલવા યુદ્ધમાં હતાં. આંહીં આ કાંતિનગરી તો યુદ્ધથી અલિપ્ત રહેનારી ભૂમિ હતી. દેખીતી રીતે આંહીં એ બે દેશના નિવાસીઓ માટે કાંઈક શંકા હોવી જોઈએ; કાંઈક પ્રતિબંધ પણ હોવો જોઈએ. તેણે ધનદશ્રેષ્ઠીને પોતાની પાસે બેસવા માટે બોલાવ્યા: ‘શ્રેષ્ઠીજી! આંહીં આવો – આંહીં મારી પાસે – મારે તમારું કામ પડ્યું છે. આપનો ધંધ ક્યાં હશે?’

ધંધરાજ શ્રેષ્ઠીનો પુત્ર હતો. પણ એ મહાવિચક્ષણ ને સોમાં સોંસરવો હતો. એના જેવો ભાગ્યવાન કે અભાગી રત્નમાણેકનો જાણકાર, ભારતવર્ષમાં કોઈ હતો નહિ. એ દેખીતી રીતે તમારી આંગળીમાં રત્નમુદ્રિકા પહેરાવે, પણ એમાં નંગ એવું જડ્યું હોય કે તમારું ધનોતપનોત કરી નાખે! એ કહેતો કે રત્નના જાણકારો તો મહારાજ્યો ઘડે છે ને અળસાવે પણ છે. આંહીં રાજમાં એની ભારે લાગવગ હતી. 

‘ધંધ આવતો હશે – કાં હમણાં આવશે. પ્રભુ મારા જેવું કામકાજ?’

‘શ્રેષ્ઠીજી! કુમારપાલજી તે પછી બીજી વખત આંહીં આવ્યા હતા?’ એક વખત કુમારપાલ કાંતિનગરીમાં હસ્તિઓની પરીક્ષા માટે આવ્યો હતો. ઉદયનને એ ખબર હતી. તે વખતે ધનદશ્રેષ્ઠી ઉપર ભલામણ એણે જ કરેલી. 

‘ધનદશ્રેષ્ઠીએ કાક સામે જોયું. ‘એ કુમારપાલજીના મિત્ર છે!’ ઉદયને કહ્યું, ‘એમના સમાચાર ઉપર તો હું આંહીં આવ્યો છું. કુમારપાલજી આંહીં આવ્યા હતા?’

‘આવ્યા નથી!’ ધનદશ્રેષ્ઠીએ કહ્યું.

એટલામાં બહારથી એક રૂપાળો જુવાન આવી ચડ્યો. તેણે આવતાંવેંત ઉદયનને હાથ જોડ્યા: ‘ઓ હો! પૃથ્વીનાથ! કહેવરાવ્યું પણ નહિ કે તમે આવવાના છો?’

‘કહેવરાવ્યું નથી પણ ધંધરાજ! અમે તમારી જ રાહ જોઈ રહ્યા છીએ. તમારા વિના આંહીં ક્યાં ડગલું ભરાય તેવું છે? તમે એક રત્ન એવું વળગાડી દ્યો કે સાત પેઢી સાફ! તમારાથી સૌ કોઈ ડરે. વિદ્યા – વિદ્યા પણ તમને ભારે વરી છે હો! પેલી વાપીની ગાથા તમે પછી જોઈ કે?’

‘કઈ?’

‘પેલી સિદ્ધસેનજીવાળી!’

‘હાં. હાં, પેલી ભવિષ્ય ભાખે છે એ? હા. હા. હવે તો માહેશ્વરીઓએ એમના વાડામાં એ વાળી છે. પણ હજી જવાય તેમ છે. એ મેં પછી જોઈ નથી.’

‘ત્યારે જુઓ, ધંધરાજ! અમે તમારે ત્યાં બે-ત્રણ દિવસ રહેવા આવ્યા છીએ!’ ઉદયને કહ્યું, ‘અમારે તમારા જેવું કામ પણ છે.’

‘આંખમાથા, ઉપર પ્રભુ!’ ધંધરાજે કહ્યું.

‘એમ નહિ, પાટણ ને માલવા જુદ્ધમાં છે; તમારે ત્યાં એ બે દેશવાસીઓ પ્રત્યે કાંઈક પ્રતિબંધ હોય જ. અમે લોકનું ધ્યાન ખેંચવા માગતા નથી. પાછળ વરંડામાં પેલી વાપી છે ત્યાં અમે રહી જાશું. ત્યાં ઠંડક પણ સારી છે. પણ તમે આ અમારા ભટ્ટરાજ કાકભટ્ટને જરાક કાંતિનગરી બતાવી દેજો. કાકભટ્ટજી! ધંધરાજ સાથે તમારે જરાક ચક્કર મારવું હોય તો કાંઈ વાંધો નથી. સન્યાસી આશ્રમ પાસે જ પેલી વાપી છે, કાં ધંધરાજ?’

કાક સમજી ગયો. કુમારપાલ આવ્યો હતો કે શું થયું તે જાણી લેવાની જરૂર હતી. એના સાહસિક સ્વભાવે એ આંહીં, મહારાજ પાસે હસ્તિપરીક્ષા માટે આવીને ક્યાંક ઓડનું ચોડ વેતરશે, એ ભય હતો. ત્યાગભટ્ટ હજી કેવો નિષ્ણાત નીકળે છે એ ખબર ન હતી. કાક જવાબ આપે તે પહેલાં જ ધંધરાજ બોલ્યો: ‘એમ કરો પ્રભુ! આંહીં અમારે ત્રણ દિવસ પછી મહોત્સવ છે. તે વખતે મહારાજ પોતે રાજમહાલયમાં આવવાના છે! કાંતિનગરી ને બધું એક સાથે રાખી લ્યો. ગુર્જરેશ્વરને પણ મહારાજ ત્યારે મળશે! એક હસ્તિ માટે મહારાજ આવ્યા છે નાં? એ હસ્તિપરીક્ષા પણ ત્યાર પછી જ થાશે.’

‘મહારાજ ત્યારે આવી ગયા છે એમ? હજી રસ્તામાં હશે. એમ વિચારીને મેં તમને વાત ન કરેલી. કાકભટ્ટે મને કહ્યું તો હતું, પણ મને પૂરી પ્રતિતી નહિ થયેલી,’ ઉદયન બોલ્યો, ‘ત્યારે કાકભટ્ટજી! તમારી વાત સાચી નીકળી મહારાજ પણ આંહીં છે. માલવરાજ પણ આવ્યા છે. આપણી જવાબદારી વધતી જશે! મહારાજ ગુર્જરેશ્વર ક્યાં ઊતર્યા હશે? ખબર છે કાંઈ ધંધરાજ?’

‘એ છે રાજવાટિકામાં.’

‘અને માલવપતિ!’

‘અવંતીનાથ જે કામે આવ્યા હતા, તેનો સેનાધિપતી સજ્જનદેવે જ જવાબ આપી દીધો. યુદ્ધ માટે મદદ માગવા આવનારને તો મહારાજ મળતા જ નથી. એમનો પ્રત્યુત્તર મળી ગયો, ને એ ગયા પણ ખરા – કે જવાની તૈયારી હશે!’

ધંધના ઉત્તરથી ઉદયનને સંતોષ થયો નહિ. માલવરાજ એમ જાય તો આવે જ શું કરવા? એને કાંઈક ભેદ લાગ્યો. શ્રેષ્ઠી ધનદ એને કળી ગયો: ‘પ્રભુ!’ એણે ઉદયનને કહ્યું, ‘ આ અમારો ધંધરાજ એને તમે કોઈ સાધારણ વ્યક્તિ ન સમજતા હો. જેવી રત્નની ઊંડી સમજ એની પાસે છે એવી માણસની પણ છે અને આપણા ધર્મની પણ છે. મહારાજ જયસિંહદેવ અમારા મહારાજને મળવા આવ્યા છે, પણ આઠ દિવસ સુધી તો એનો પત્તો ખાત નહિ, સદભાગ્યે મહોત્સવ છે, એટલે એમાં મહારાજ દેખાશે! માલવરાજને આંહીં યુદ્ધમાં કાંઈ સાર જેવું મળે એમ લાગ્યું નહિ હોય – ને એ ગયા જ હશે. આંહીં તમે વહેલી પ્રભાતે આવ્યા દ્વાર એક પણ બંધ હતું?’  

‘ના!’ ઉદયને આશ્ચર્ય પામતાં કહ્યું, ‘એમ કેમ?’

‘એ આ રાજ છે પ્રભુ!’ ધંધે કહ્યું, ‘અમારી આંહીંની રાજનીતિ સ્પષ્ટ છે. આંહીં અમારે પૃથ્વીનાથ! યુદ્ધ નથી; ને યુદ્ધ જોઈતું પણ નથી. આંહીં ચોરી નથી. આંહીં કોઈ ભિખારી નથી. તમે સ્વધર્મબંધુ છો, તમારું કામ અમારે મન ધર્માજ્ઞા છે. બાકી મદનવર્મા મહારાજની આજ્ઞા સ્પષ્ટ છે – ઉત્તેજન કોઈ યુદ્ધાર્થીને કોઈ જાતનું નહિ. એટલે માલવરાજ ગયા હશે – કાં જશે. આંહીં રહીને પછી શું કરે? પ્રભુને કેમ એમાં વિશ્વાસ ન બેઠો?’

‘એ તો ધંધરાજ! હું બીજી વાત વિચારી રહ્યો હતો. તમે કહ્યું એમ જ કરીએ. ત્રણ દિવસ પછી મહોત્સવ પ્રસંગે જ બધું રાખીએ. પણ તમે સ્વધર્મબંધુ છો એટલે તમને કહું છું. અમારે તો પેલી ગાથા જોવી છે!’

‘તે પ્રભુ! જોઈશું જ જોઈશું! બસ. તો તો નક્કી. હવે હું જાઉં. ત્રણ દિવસ પછી મળીશ. મદનવર્મા મહારાજ ને જયદેવ મહારાજની પ્રીતિભેટ થશે. પણ અમારા મહારાજના ગજ ત્રણ હજાર – એમાંથી ગજેન્દ્રશ્રેષ્ઠને શોધી કાઢનારો એવો નિષ્ણાત તમારે ત્યાં કોણ? છે – કોઈ?’

ઉદયન ને કાક ચમકી ગયા. વાત તો કુમારપાલજીએ કરી હતી ત્યાં આવીને જ આ અટકતી હતી. પણ ધંધ ઉતાવળમાં હતો: ‘ત્યારે તો મહોત્સવને દિવસે જવું છે નાં? નગરી પણ ત્યારે જ જોજો. આંહીં અમારે પ્રભુ! કોઈને નગરીમાં બહુ પ્રવેશ મળતો નથી. વિદેશીને આઠ પ્રહરથી વધારે થોભવાનું હોય તો જણાવવાનું રહે છે યુદ્ધદેશનો તો કોઈ નહિ. એટલે તમે હમણાં બે-ત્રણ દિવસ થાક ઉતારો. હું બરાબર સમયે મારી મેળે જ આવી જઈશ!’

થોડી વાર પછી ધંધ ગયો. પાછળના વરંડામાં આવેલી વાપીમાં બંને માટે બરાબર બંદોબસ્ત કરીને ધનદશ્રેષ્ઠી પણ ગયા. કાકને તો આ નગરીની બધી વાત કલ્પનાતીત લગતી હતી. તેણે ઉદયનને કહ્યું: ‘આ નગરી આપણે જોઈએ કલ્પનાતીત છે. પણ મંત્રીશ્વર! એ એવી શી રીતે રહી શકશે?’

‘એ જ સમજાતું નથી. પણ ધંધે વાત કરી ત્યારની મને એક નવી ચિંતા થાય છે!’

‘શી?’

‘એક તો આ ગજનિષ્ણાત વિશે. ત્યાગભટ્ટનું માપ ઓછું નીકળ્યું તો? કુમારપાલજીનું ભવિષ્ય ચમકે ખરું? એક તો એ ચિંતા છે. બીજું, કુમારપાલજી આંહીં છે. મહારાજ આંહીં છે. મલ્હારભટ્ટ હવે તો ચોક્કસ આંહીં જ હોવો જોઈએ. એમાં કુમારપાલજી સપડાશે તો? અને ત્રીજું, આ ગજેન્દ્ર તો મળશે – પણ મહારાજ એને પહોંચાડશે શી રીતે?’  

‘કેમ શી રીતે?’

‘માલવરાજ આંહીં આવી ગયો. અને એ પોતે જ વાત પણ જાણી ગયો. કદાચ એ માટે જ એ આવ્યો નહિ હોય? મદદનું તો બાનું હોય. તમારો રસ્તો રોકતો એ પડ્યો નહીં હોય? તમે જોગી-સાધુસન્યાસીનાં ટોળાં દીઠાં;સાથે હથિયારધારી કિરાત પણ દીઠા; એ બધા કોઈ જગ્યાએ તમારા પાછા ફરવાની રાહ નહિ જુએ? અને તમારો રસ્તો વિંધ્યાચળમાં છે! ગજ જેવો ગજ કાંઈ એમ જાવા દેશે?’

કાકભટ્ટ સમજી ગયો. તે પણ મૂંગા જેવો થઇ ગયો. આ વસ્તુ મહારાજને વહેલામાં વહેલી પહોંચાડી દઈને જ પોતાની અને ઉદયનની હાજરી સાર્થક કરી શકાય. તેણે થોડી વારે કહ્યું: ‘પ્રભુ! આપણે રાજમહાલય વખતે જ મળે તો, હવે પહેલી તક પકડી લેવી! કુમારપાલજી ગજપરીક્ષા પહેલાં તો પ્રગટ નહિ જ થાય. એટલે એ ચિંતા નથી. 

પણ ત્રણ દિવસ જેમ તેમ કાઢ્યા વિના છૂટકો ન હતો. બહાર ફરવા નીકળે ને મહારાજને કાને એ વાત હમણાં જાય, એ ઉદયનને ઠીક લાગ્યું નહિ. હજી ગજેન્દ્ર મેળવવા વિશે કાંઈ નક્કી થઇ ગયું ન હતું. એટલે બંને જણા મહોત્સવદિનની રાહ જોતા બેસી રહ્યા. 

ત્રીજે દિવસે એમને બંનેને રાજમહાલય તરફ લઇ જવા માટે ધંધ વખતસર આવી ગયો હતો. વયમાં નાનો હતો, પણ ધંધરાજ વાતને એના મૂળમાંથી પકડી લેતો. એ સમજી ગયો હતો કે મંત્રીશ્વર ઉદયન આવેલ છે એ મહારાજ સિદ્ધરાજને ખબર ન પડે એવી ખાસ કાળજી આ બંને રાખી રહ્યા હતા. એને લાગ્યું કે આ બંને કુમારપાલની શોધમાં, એને કાંઈક ચેતવણી આપવા માટે જ, આવ્યા છે. કદાચ કુમારપાલ ગજનિષ્ણાત હોઈ પ્રગટ થવાનું જુવાન સાહસ કરી ન બેસે માટે આ સાવચેતીમાં પગલાં લેવા આવ્યા હોય. ને દૂરથી બધું પતતું હોય તો પ્રગટ થવા માગતા નથી. ધંધે વાત બોલ્યા વિના જ એમને એવે રસ્તે લીધા કે જ્યાં રાજપુરુષોની ઓછામાં ઓછી અવરજવર હોય. એને પણ કુમારપાલની વાતમાં રસ હતો.

ઉદયને તો કાંતિનગરી જોઈ હતી. પણ કાકભટ્ટે તો માત્ર સુભાષિતોમાં ‘नगरिषु कान्ति’ એમ સાંભળ્યું હતું. આ નગરી જોવાનો પહેલો પ્રસંગ હતો. એમાં પાછો આજે તો મહોત્સવ હતો એટલે નગરીમાં ઠેકાણે-ઠેકાણે આનંદજનક દ્રશ્યો દેખાતાં હતાં.

વિશાળ સરોવરમાં ફરતી વિહારનૌકાઓમાંથી પવનની પાંખે ચડીને આવતા મધુર સરોદ વાતાવરણની ઊર્મિએ ઊર્મિ જાણે નાચી રહી હતી. ઠેકાણે ઠેકાણે ઉદ્યાનમાં પ્રગટાવેલી દીપાવલી પુષ્પછોડની સાથે જાણે પ્રેમગોષ્ઠિમાં પડી ગઈ હતી. સરોવરમાં બેઠેલા પોયણાંઓએ આંખો ઉઘાડીને નગરસુંદરીઓનાં રૂપને પીવા માંડ્યું હતું! સોનેરીરૂપેરી ઘૂઘરીઓના રણકારથી રોમાંચિત થયેલા રાજમાર્ગે, પોતાના અંતરની પ્રેમકવિતાને, આજે વાણી આપી હતી. સપ્તભૂમિપ્રાસાદની દીપાવલીઓએ આકાશના અસંખ્ય તારાઓની સ્પર્ધા કરવા માંડી હોય તેમ. એમની તમામ કાવ્યકણિકાઓને વીણીને, જાણે કે આંહીં પૃથ્વીને આંગણે ઉતારી લીધી હતી. કાકભટ્ટ તો નગરીની આ અદ્ભુત સુંદરતા જોવા આગળ વધ્યો. પળભર તો પોતે પૃથ્વીમાં છે કે પોતાના જ કોઈ સુંદર સ્વપ્નની મનોરમ વાટિકામાં ચાલી રહ્યો છે, એનો જ એને વિભ્રમ થઇ ગયો!

ઉદ્યાનમાં ક્યાંક કોઈને રસિક સ્ત્રી-પુરુષો એકબીજાને મદ્ય આપતાં પાસા ખેલી રહ્યાં હતાં; તો ક્યાંક સંગીત ને ઢોલકે વનકુંજને જગાડી દીધી હતી. કોઈ ઠેકાણે નૃત્યાંગનાઓએ આકાશી અપ્સરાઓને મોહિત કરે તવું નૃત્ય માંડ્યું હતું. તો કોઈ બીજે સ્થળે સુંદરીઓએ ગીતાવલિથી, વનકુંજોની કોકિલાઓને પણ, વસંતઋતુની ભ્રાંતિ થાય એવી મધુર સુરાવલી રેલાવી હતી. કોઈ જગ્યાએ નાગરિકા સુંદરીઓના રત્નકંકણ રણત્કારી હાથની તાલીએ તાલીએ, સ્ફટિક સ્તંભ ઉપર બેસીને, સોનેરી ઘૂઘરીએ નાચતા મયૂરને જોવા મેદની જામી પડી હતી. તો બીજે સ્થળે કાંતિનગરીનું અનુપમ કાવ્યવર્ણન કરતી મેનાને સાંભળવા લોકમેદની માતી ન હતી!

કાકભટ્ટના ખભા ઉપર ઉદયને હાથ મૂક્યો: ‘કાકભટ્ટજી! જોજો હો, આપણે રાજમહાલયની પાસે જ આવી ગયા છે. આ સામે રાજમહાલય દેખાય, જુઓ...’

ઉદયને કહ્યું હતું ત્યાં કાકભટ્ટે જોયું. રાજમહાલયના વિશાળ રાજદ્વારની બંને બાજુએ અસંખ્ય હાથીઓની હાર એની દ્રષ્ટિએ પડી. ઉત્તમ નગરનો, શ્રેષ્ઠીઓ ને રાજમંત્રીઓ એમના ઉપર આવી ગયા હોય તેમ જણાતું હતું. રાજદ્વારમાં અંદર દ્રષ્ટિ કરતાં તો કલ્પના થંભી જાય એવી સુંદર સૃષ્ટિ નજરે ચડતી હતી. અંદરની એક વિશાળ પુષ્પવાટિકામાં થઈને સીધો ચાલ્યો જતો રાજમાર્ગ આંહીંથી નજરે પડતો હતો. એ રાજમાર્ગને છેડે સેંકડો સોપાનની પરંપરા દાખવતો ઉત્તંગ રાજમહાલય ઊભો હતો. એની સહસ્ત્ર સ્ફટિક સ્તંભની હારાવલિ જોતાં બે પળ તો મન, એને આ પૃથ્વી પરનું દ્રશ્ય ગણવા જ ના પડે, એવી મનોહર એની શોભા હતી. એનું આ સપ્તભૂમિપ્રાસાદ ગોપુરમ આખું અત્યારે લાખો દીપિકાઓથી ઝળહળી ઊઠયું હતું. અને જલતરંગમાંથી સ્ફટિક સ્તંભમાંથી ધવલગૃહમાંથી, આરસમહાલયમાંથી આવતાં, એનાં કરોડો પ્રતિબિંબો જોતાં, એક પળભર લાગે કે આકાશ આખું તારાઓને લઈને નીચે રમવા આવ્યું છે. 

અનેક જણ એ જોઈ રહ્યા હતા. અને અનેક જણ એ તરફ જઈ રહ્યા હતા. ઉદયન અને કાક પણ એ માણસ – ટોળામાં ભળીને આગળ વધ્યા.