Avantinath Jaysinh Siddhraj - 26 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 26

Featured Books
Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 26

૨૬

એક નવું આશ્ચર્ય

કાકભટ્ટે કચકચાવીને ઘોડાને ઉપાડી મૂક્યો હતો. પણ દિશા ફેર હોય કે વાતફેર હોય, ખેતર ઉપર ખેતર ને ઝાડ ઉપર ઝાડ આવતાં હતાં. ક્યાંક માણસ જણાતાં ન હતા. ઘોડેસવારનું તો નામોનિશાન પણ ન હતું. 

પોતાની સમજફેર થઇ છે એવી શંકા જન્મતાં એનો ઉત્સાહ નરમ પડવા માંડ્યો. એક ઝરણાને કાંઠે એણે થોડો સાથુ બનાવી પેટપૂજા કરી લેવાનો વિચાર કર્યો. ઘોડાને આરામ આપવા માટે એક ઝાડ સાથે એને બાંધ્યો. પોતે પાણીમાં ઊભા રહીને નજર ઘોડા ઉપર રાખીને બે છાંટા ઉડાડવા શરુ કર્યા. સંધ્યા કરવાનો વિચાર હતો પણ આંખ બંધ કરવાનું જોખમ આ અજાણ્યા પ્રદેશમાં એને વહોરવા જેવું લાગ્યું નહિ. એણે વિચાર કર્યો કે બીજી વખત પોતે બમણો સમય આંખ મીંચી રાખીને આનું સાટું વાળી દેશે.

પણ એણે આંખ ઉઘાડી રાખી એ જ ઠીક કર્યું. એણે બે-ચાર પાણીના છાંટા આમતેમ નાખી, દિશા જરાક બદલી કે એક માણસને પેલા ઝાડ ઉપરથી ઊતરીને એના ઘોડા પાસે જ ઊભો રહેતો દીઠો. કાકભટ્ટ સંધ્યા પડતી મૂકીને એકદમ દોડ્યો. તેણે નદીકાંઠે લૂગડાં ને હથિયાર પહેલાં કબજે કરી લીધાં. અને તરત એક પથરો હાથમાં ઉપાડ્યો. પણ એટલામાં તો પેલાં માણસે બૂમ પાડી: ‘તમારો કોઈ મિત્ર હશે, ઓળખો, ઓળખો!’

કાકભટ્ટને સ્વર પરિચિત લાગ્યો. પણ આંહીં અંતરિયાળ મિત્ર મળવાનો સંભવ ન હતો. તેણે ઉતાવળે ઉતાવળે લૂગડાં પહેર્યા. જલ્દીથી એની વાત જાણી લેવા ઊપડ્યો. 

પેલો પથરો એણે હજી છોડ્યો ન હતો. 

‘ઓળખો છો?’ એક કોઈ કિરાત જેવો આદમી એને બોલાવતો હોય તેમ લાગ્યું.  

‘કોણ તમે?’ કાકભટ્ટે દૂરથી બૂમ પાડી. ‘ઘોડા પાસેથી આઘા ખસીને પછી વાત કરો.’ મલ્હારભટ્ટે ઉદયનનો ઘોડો ઉપાડી મૂક્યો હતો એ અનુભવ કાકને સાંભરી આવ્યો.

‘ન ઓળખ્યો મને?’ પેલા માણસે પાસે આવતા કહ્યું, ‘એક વખત જગત આખું મને ઓળખતું હતું અને હું જગતને ન ઓળખતો. આજ આ સમો છે. મને કોઈ ઓળખતું નથી. ઓળખતું હોય એ પણ જાણે નથી ઓળખતું!’

‘અરે! અરે! મહારાજ! કુમારપાલજી...’

કાકે અવાજ, કદ, દેખાવ ઉપરથી તરત એને ઓળખીને કહ્યું. છતાં કિરાતનો વેશ તો આબેહૂબ હતો.

જવાબમાં કુમારપાલે એને એકદમ ચૂપ રહેવા નિશાની કરી. ‘કાક્જી! અત્યારે એ કાંઈ ન બોલતા. તમારા મહારાજને થોડોક સાથુ મળે તેમ છે? આજે ત્રીજો દી છે!’

કાકભટ્ટે પેલો પથરો ફેંકી દીધો, તે એકદમ આગળ વધ્યો. એનો કંઠ ભાવભીનો થઇ ગયો: ‘અરે! મારા મહારાજ!...’

‘કાકભટ્ટ! તમે સાવધ લાગતા નથી. મને થોડો સાથુ આપો. હું મારે રસ્તે પડી જાઉં!’

‘પણ ક્યાં જવું છે, પ્રભુ!’

કુમારપાલે ચારે તરફ દ્રષ્ટિ કરી. આસપાસનાં ઝાડ ઉપર જોયું: ‘તમે ક્યાં જાઓ છો? કાંતિનગરી?’

‘હા, પણ તમને કેમ ખબર પડી?’

‘મેં કાલ રાત્રે આ રસ્તે બર્બરકને જતો જોયો. એની પાછળ ત્રણ ઘોડેસવારો હતા. આ ઝાડ નીચે રાતવાસો રહ્યા!’

‘હેં!’ કાકભટ્ટને વાતનો તાલ મેળવતાં ભારે આશ્ચર્ય થયું. તે ગમે તે વખતે એક જૂથ ને બદલે બીજા જૂથની પાછળ થઇ ગયો હોય તે લાગ્યું. યશોવર્માં ને એ પણ ત્રણ જણા હતા.

‘કોણ કોણ હતા?’

‘એક તો મોટા કાકા...’

‘કોણ મહારાજ?’

‘હા. કેશવ બીજો. ત્રીજાને હું ઓળખી શક્યો નહિ. વાતચીતમા ચારુભટ્ટ નામ સાંભળ્યું!’

‘આહા! ત્યારે તો મેળ મળ્યો. ત્રણે સવારોને મેં જોયા તે ભ્રમ નહિ. ક્યાં ગયા એ?’

‘કાંતિનગરી, ગજેન્દ્ર લેવા ગયા છે. કાકભટ્ટ! ગજેન્દ્ર એ મેં જોયો છે. ત્રણ હજાર હાથીમાંથી પહેલાં તો એને શોધી કાઢવો જ મુશ્કેલ છે!’

કાકભટ્ટને હવે સાંભર્યું કે એ વાતમાં રસ લઇ રહ્યો હતો, પણ આંહીં કુમારપાલને ત્રણ દિવસના કડાકા હતા. તે દોડતો પાણી લઇ આવ્યો. એક લૂગડામાં સાથું લીધો. થોડુંક ગોળનું પાણી કર્યું. બે પળમાં પાસેના ખાખરાનું પાન તોડીને તેમાં કુમારપાલજીનું ભોજન મૂક્યું: ‘મહારાજ! આજે તો આ...છે...!’ એની આંખમાં આંસુ આવી ગયાં.

કુમારપાલે એનો હાથ પકડી લીધો: ‘કાકભટ્ટજી! આવા મોંઘા અન્ન પાસે આંસુ ન સારતા. મને અમૃત જેવું લાગે છે!’