Avantinath Jaysinh Siddhraj - 25 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 25

Featured Books
Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 25

૨૫

ત્રણ ઘોડેસવારો કોણ?

પોતે કોની પાછળ જઈ રહ્યો છે એ સવાર થયા પહેલાં ખબર પડે તેમ કાકભટ્ટને લાગ્યું નહિ. એણે અનુમાન ધાર્યું કે એક તો કેશવ સેનાપતિ હોય, પણ  બીજા બે કોણ હોઈ શકે તે કળવું મુશ્કેલ બન્યું. બીજા ગમે તે હોય, પણ એ ચોક્કસ પેલા ગજની શોધમાં નીકળ્યા હોય તે સંભવિત હતું. તો બીજા ત્યાગભટ્ટ અને ત્રીજો – કોણ દંડદાદાકજી હશે? કે મહાદેવ? કે મુંજાલ મહેતો? એમાં કોઈની શક્યતા ન લાગી. ત્યારે શું મહારાજ પોતે હશે?

મહારાજ પોતે હોય ને આ પ્રમાણે એને દેખે તો શું થાય?

એણે ધીમે ધીમે દિશા સાચવીને અંતર વધારવા માંડ્યું. એને લાગ્યું કે હવે આ વસ્તુનો છેડો લેવામાં મજા છે. કાંતિનગરીના કલ્પનાતીત સૌંદર્ય વિશે એણે સાંભળ્યું હતું. મહારાજે આ એક જબ્બર સાહસ ઉપાડ્યું હતું. ત્યાંથી હાથી લાવવો એ ખેલ ન હતો. મહારાજ પાસે સૈન્ય પણ ન હતું. કાકને થયું કે જે થવાનું હોય તે, પણ કાંતિનગરી તો જોઈ લેવી.

એમની વચ્ચેનું અંતર વધતું ગયું. પણ એણે દિશાની નોંધ બરાબર રાખી હતી. 

મોસૂઝણું થવા પહેલાંની વહેલી પ્રભાતે એણે ત્રણ આછા પડછાયાને એક ધાર ઉપરથી નીચે જતા જોયા. તેણે દિશા નોંધી રાખી. થોડી વારે એ ધાર ઉપર આવી પહોંચ્યો તો આઘે એક નાનકડા ગામડાની ભાગોળે મુકામ નાખીને એમને પડેલા દીઠા. એણે એ ગામડા તરફ જવાની સામેની બાજુ પકડી. ગામડે પહોંચ્યો તો ખબર પડી કે ગામનું લોકટોળું ધરમશાળા તરફ જઈ રહ્યું હતું. કાકભટ્ટને નવાઈ લાગી. એણે ઘોડાને ત્યાં મંદિરમાં રાખી દીધો. મહારાજ નીકળ્યા હોય તો આટલાં પ્રગટ રીતે તો ન જ નીકળે. લોક જતા હતા એ રસ્તે એ પણ ચાલ્યો.

એણે રસ્તે જતા કોઈ શ્રેષ્ઠીને પૂછ્યું: ‘શેઠજી! લોકો ક્યાં ઊપડ્યા છે? છે કાંઈ જોણું?’

‘કે’ છે માલવરાજ આવ્યા છે ને!’

‘કોણ! માલવરાજ યશોવર્માંજી?’

‘ભૈ! આ બધા કે’ છે. ખરી-ખોટી ત્યાં ગયે ખબર પડે. આવવું હોય તો તમે પણ ચાલો! તમે આંહીંના નથી લાગતા.’

‘ના...’ કાકે ટૂંકમાં પતાવ્યું ને તે આશ્ચર્યથી આગળ વધ્યો. 

કાકભટ્ટને નવાઈ લાગી. પોતે જે ત્રણ સવારોઓ સોલંકી છાવણીમાંથી જ પીછો પકડ્યો હતો એ શું માલવાના હતા? અંધારામાં કાંઈ પિછાન થઇ નહિ કે શું? પણ તો તો આ ખબર કહેવા એણે તરત જ પાછું ફરવું પડે! કે પછી લોકસમજ ખોટી હતી? કે પોતે પેલા સોલંકી સવારોને અંધારામાં ગુમાવીને બીજા કોઈની પાછળ આવી ચડ્યો હતો? હમણાં એણે જોયા એ સવારો માલવાના આંહીં હોય, ને પેલા સવારો આગળ વધી ગયા હોય ને પોતે ભ્રમમાં પડ્યો હોય, એમ તો નહિ બન્યું હોય?

જે હોય તે, કાકભટ્ટ લોકટોળામાં ભળી ગયો. ગામને પાદર પાન્થાશ્રમ તરફ એ ગયો, તો ત્યાં વડના એક મોટા ઝાડ નીચે, બે-ત્રણ માણસો બેઠા હતા. કાકના રામ રમી ગયા! ઓત્તારીની! આ તો કોક બીજા છે! ત્યારે પેલા સોલંકી સવારો ક્યાં ગયા? પોતે અંધારામાં એમને ખોયા ને બીજાની પાછળ પડ્યો  કે શું? એ તો વિચારમાં પડી ગયો. 

લોકોની પેઠે એણે ટીકીટીકીને જોવા માંડ્યું: ત્રણે મોટાં શ્રેષ્ઠી જેવા જણાતા હતા. એમાંના એકે કાંઈક ઉદારતા, કોઈ ગામડિયા પ્રત્યે બતાવી હશે, એમાંથી તરત આ વાત વધી ગઈ લાગી, ને માલવાના મહારાજ આવ્યા છે, એવી ગપ કોઈએક ચલાવી હતી. કાકભટ્ટને વાતવાતમાં આ ખબર પડી. 

પણ કાકને ધીમે ધીમે પ્રતીતિ થઇ કે, કહો ન કહો, આ લોહી કોઈ રાજવંશીનું છે, એ ચોક્કસ! શ્રેષ્ઠી આમ બેસે નહિ.

એણે પોતાની પાસે કોઈ વણિક વ્યાપારી ઊભો હતો એને કહ્યું: ‘પૂછો ને ક્યાં જવા નીકળ્યા છે?’

‘હીરા લેવા જાય છે કહ્યું ને એમણે!’

‘પણ સાથે કોઈ સથવારો નથી. જોખમ હશે.’ 

‘સથવારો હમણાં આવશે!’

એટલામાં ‘જય ભોલેકી’ કરતું કેટલાક સાધુ-સન્યાસી જોગીઓનું તોળું બીજી દિશામાંથી આવી ચડ્યું. એમની સાથે કેટલાક હથિયારબંધ કિરાત પણ હતા, ઘોડાં હતાં. હાથી હતાં, એક પછી એક ‘જય ભોલેકી’ કહીને એમણે મુકામ નાખવા માંડ્યો. 

કાકભટ્ટને ખાતરી થઇ ગઈ કે, કહો ના કહો, આ માલવરાજ પોતે જ લાગે છે. 

પણ તો એ આમ ક્યાં જતો હોય?

મહારાજ સિદ્ધરાજ જતા હોય તો આમ ક્યાં જાય?

કાકભટ્ટના અંતરમાં દીવા જેવું અજવાળું થઇ ગયું. ચોક્કસ આ પણ જાય છે કાંતિનગરી. કાં ત્યાંના મદનવર્માની મદદ માગવા, કાં મહારાજની પેલી ગજયોજના અફળ કરવા. બેમાંથી એક વાત હોવી જોઈએ. દિવસે જોગીઓ મુકામ કરે, રાતે મુસાફરી કરે, એવો એમનો સંકેત લાગ્યો. કાકને એક-એક પળ કીમતી લાગી. એને લાગ્યું કે એણે એક મહાન તક મેળવી છે. એણે જોયેલ સોલંકી ઘોડેસવારો બીજે રસ્તે વળી ગયા જણાય છે. તેણે ઉતાવળે લોકટોળામાંથી પોતાનો રસ્તો કાઢવા માંડ્યો.

આટલા બધા સાધુ સન્યાસી જોગી લોકોનો જમાવ જોઇને લોકોને વધારે રસ પડ્યો. કોઈ ખસતા ન હતા. કોઈ એમના ઘોડા માટે ઘાસ લાવતા હતા. કોઈ આવી રહેલા હાથી માટે લોટ લાવવા માગતા હતા. કેટલાક જોગીઓને પગે પડવા આવ્યા હતા. કાકને લાગ્યું કે જોગી લોકો હવે પાછો રાતે મુકામ ઉપડશે. એણે પાછા ખસવા માટે ઉતાવળ કરી. એટલામાં કોઈ વૃદ્ધ સૈનિક જેવાનો અવાજ એને કાને અથડાયો: ‘તું લાગે છે આંધળો!’ પેલો કોઈ બિનઅનુભવીને કહી રહ્યો હતો. ‘હું આંધળો નથી. નથી જોતો? આ જુવાન રૂપાળો, જોગીરાજ, આપણે જયવર્માજી જોયા હતા, એનો જ આજે અણસારે અણસારો! જોને જરાક આંખ ઉઘાડીને! મેં તો ઉજ્જેણીમાં બે દસકા ગાળ્યા છે!’ લોકોનું ધ્યાન ખેંચાય છે એમ લાગતાં એ ચૂપ થઇ ગયો. 

‘ભાઈ! એ જ લાગે છે, તમે કહ્યું તે!’ કાકે ધીમેથી એની પાસે જઈને અંદર તાલ પુરાવ્યો.

‘લે, જો – છે નાં?’ ડોસાએ કહ્યું, ‘વેશ, લીધો એટલે શું થઇ ગયું? એ તો એ જ રાજકુમાર છે!’

‘કોણ જયવર્માજી?’ પેલો હજી માનતો ન હતો. 

‘હા હા, ચોક્કસ.’

‘આમ નીકળ્યા છે કામે.’ કાકે ધીમેથી મમરો મૂક્યો. પેલાં ડોસાએ બોલ્યા વિના ડોકું ધુણાવ્યું. કાકે ઉતાવળે પોતાને મુકામે દોડ મૂકી. એને લાગ્યું કે માલવરાજ યશોવર્મા પોતે આમાં ચોક્કસ હોવો જોઈએ, તે મદનપાલવર્માને મળવા જતો હોવો જોઈએ, કાંતિનગરીના ભૂપતિની મદદથી એ ગુજરાતને પાછું હઠાવવાનો આ છેલ્લો પ્રયત્ન કરતો હોય. પંદર દિવસના આરામની વાત એણે કેમ તરત કબૂલી લીધી એનો ભેદ એ પામી ગયો, પણ એની પાસે હવે એવી મૂલ્યવાન માહિતી હતી કે એણે તરત દોડવું જ જોઈએ. 

પણ એ ક્યાં દોડે?

મહારાજ ક્યાં હશે? કેશવ ક્યાં હશે? પેલા ત્રણ સવારો એણે જોયા એ ભ્રમ કે આ શ્રેષ્ઠી જોયા એ ભ્રમ?

એ પળ બે પળ કાંઈ નિર્ણય કરી શક્યો નહિ. એણે નાનપણમાં સ્વરોદયનો અભ્યાસ કર્યો હતો. પોતાની નાસિકાએ એણે હાથ ધર્યો પણ તલવાર બાંધ્યા પછી નાસિકા હવે એને કાંઈ કહેવાને તૈયાર હોય તેમ લાગ્યું નહિ.

તેણે આંધળુકિયાં કર્યા.

જય સોમનાથ કરીને કાંતિનગરીની દિશામાં ઘોડો મારી મૂક્યો. 

કાં તો પેલાં ઘોડેસવારો મળે છે ને નહિતર પોતે મૂર્ખ બને છે?