Avantinath Jaysinh Siddhraj - 23 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 23

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 23

૨૩

અણી ચૂક્યો

‘અણી ચૂક્યો’ એ કહેવત કાકે ઘણી વખત અનુભવી હતી. એટલે જ એ ઉદયન પાસેથી છાવણીમાં આવ્યો; પછી એને એક પળની પણ નિરાંત ન હતી. વહેલી પ્રભાતમાં તો એને બધું કામ પતાવી દેવાનું હતું. આનકરાજને રવાના કરી દેવાનું એના ઉપર હતું. ત્યાગભટ્ટની, સેનાપતિ કેશવને સોંપણી કરવાની હતી. મહારાણીબા આવે તે વખતની બરાબર, પ્રતીક્ષા તો કરવાની હતી જ. અને એ ઉપરાંત સંભવ ન હતો, છતાં મલ્હારભટ્ટ અચાનક આવી ચડીને તાલ બગાડી ન જાય એ વિશે પણ સંભાળ લેવાની હતી. 

એટલે એ તો બધો વખત પોતાના ઘોડા ઉપર જ રહ્યો હતો. આંહીંથી તહીં અને તહીંથી આંહીં એમ ફરતો જ રહ્યો. દરમિયાન મહારાજના મંત્રણા ખંડ પાસેના એક વિશાળ ખંડ તરફ દંડદાદાકજી, કૃષ્ણદેવ, મુંજાલ, મહાદેવ, કેશવ સેનાપતિ – એમને જતા-આવતા એણે જોયા. 

એ સમજી ગયો. ત્યાગભટ્ટ પ્રત્યેની રાજભક્તિ માટેની આ તૈયારી હતી. સોમનાથનું જલ લઈને દરેક જણ પ્રતિજ્ઞા લે એટલી પૂર્વભૂમિકા બાંધી લેવાની આ વેતરણ ચાલી રહી હતી. ત્યાર પછી મહારાજ રણસંગ્રામ માટે થઈને અનુષ્ઠાનમાં બેસવાના હતા. અને તેમાંથી ઊઠે એટલે માલવનું છેલ્લું જબરજસ્ત યુદ્ધ ચાલવાનું હતું. એ વાતના ભણકારા હવામાં એણે સાંભળ્યા હતા. એ ચોંકી ઊઠ્યો હતો. કારણ કે ત્યાગભટ્ટ માટે રસ્તો સ્વચ્છ કરી દેવાની તૈયારી પણ સાથેસાથે જણાતી હતી, એમ એને લાગ્યું. એણે એ વસ્તુ ઉપર પણ નજર રાખવાનો સંકલ્પ કરી લીધો. 

પણ અત્યારે તો એણે પોતાનું કામ પહેલું વહેલું ઉકેલવાનું હતું. એમાં ત્વરાની જરૂર હતી. 

એટલે એ પહેલાં તો આનકરાજ તરફ ગયો. ત્યાં એણે તૈયારી થઇ ગયેલી જોઈ. કેટલાક ઘોડેસવાર સૈનિકો આમતેમ ઘૂમતા હતા. એક બે સાંઢણી પણ ઊપડવાની તૈયારીમાં હોય તેમ અધીરાઈથી ઊભી રહી ગઈ હતી. આનકની પ્રખ્યાત રણભદ્રીને એણે ત્યાં ઊપડવા માટે તૈયાર ઊભેલી દીઠી. આનકરાજે તૈયારી તો સાચ વાટીને કરી હતી. 

એણે જઈને પોતાના આવવાના સમાચાર મોકલાવ્યા. ઉતાવળે એક અનુચર એને અંદર લઇ ગયો. કાકભટ્ટે આ પહેલાં એક વાત બરાબર જાણી લીધી હતી: બાપ-દીકરાને એવું વેર હતું કે આ સ્વાર્થ આવ્યો ન હોત તો બેમાંથી એક કોઈનું મોં જોવા ઊભા રહે તેમ પણ ન હતા. જગદેવ ખુન્નસ સ્વભાવનો, લોભી ને ઈર્ષાખોર હતો. એને રાજ મેળવવાની ઉતાવળ હતી. પણ આનકને કાંઈ મરવાની ઉતાવળ ન હતી. એટલે આ વેર વધી ગયું હતું. જગદેવને એના ઓરમાન ભાઈ સોમેશ્વર ઉપર પણ એમ જ હતું. આટલું આ પાટણનું કૌભાંડ ઊભું થયું તો બાપ-દીકરો જરા કામે વળગ્યા હતા. કાકભટ્ટે આ વાતનો લાભ લેવાનો મનમાં વિચાર કરી રાખ્યો હતો. એ વિના આનક ત્વરાથી નહિ ઊપડે. નહિતર તો એને મહારાજ તરફની આશા હતી. 

એણે અંદર પ્રવેશ કર્યો ત્યારે આનક જગદેવને કાંઈક ઉતાવળે ઉતાવળે કહી રહ્યો હતો. બાપ-દીકરાની કંઈક સંતલસ ચાલતી હતી. કાકને એણે જોયો ને તરત પૂછ્યું: ‘કેમ? આવવાના છે નાં સ્નાન માટે?’

‘આવવાના તો છે, પણ...’ કાકે જરા ધીમેથી કહ્યું ને અટકી ગયો.

‘શું પણ?’ આનકે ઉતાવળે કહ્યું, ‘બોલો, કહી નાખો જે હોય તે.’

જગદેવ જતાં જતાં થોભી ગયો હતો. તેના તરફ કાકે એક સાશંક દ્રષ્ટિ નાખી. પોતાની વાત એની હાજરીને લીધે અટકાવવી પડતી હોય તેમ એ જરાક નીચું જોઈ ગયો. 

આનકરાજે ઉતાવળે, સહેજ કર્કશપણે કહ્યું: ‘જગદેવજી! તમતમારે જાવ ને. આપણું કામ ચાલતું કરો. હું આ તમારી વાંસોવાંસ આવ્યો!’

જગદેવ ઊપડી ગયો.

કાકભટ્ટ એને જતો જોઈ રહ્યો. એ અદ્રશ્ય થયો, એટલે આંકર રાજ તરફ ફરીને એણે  હાથ જોડ્યા: ‘મહારાજ! ઘર ફૂટ્યે ઘર જાય એવી વાત થઇ ગઈ છે! તમને ખબર હશે નાં?’

‘શું છે કાકભટ્ટ? આપણે અત્યારે પળે પળ કીમતી છે. આ જગદેવ ગયો છે, પણ મારા વિના પગલું નહિ માંડે, હઠીલો છે ને વહેમીલો પણ છે. ત્યાગભટ્ટ નાહવા તો આવવાનો છે નાં?’

‘નાહવા તો આવવાનો છે. ને તમારે ત્યારે ઉપાડી લેવાનો છે. તમારી તૈયારી પણ મેં જોઈ છે. અમારે પણ વચ્ચેથી વગર મહેનતે એક સાલ જાય તેવું છે. પણ મેં કહ્યું તેમ થયું છે – વાત ફૂટી ગઈ છે!’

‘ફૂટી ગઈ છે? કેમ જાણ્યું? કોણે કહ્યું! તમને કોણે મોકલ્યા છે? માંડીને વાત કરો તો ખબર પડે. ઉતાવળ કરજો. મારે જગદેવની વાંસોવાંસ જવાનું છે!’

‘એ જગદેવજીની જ આ મોંકાણ છે પ્રભુ!’ કાકે એના શબ્દો ઉપર વિચાર કરતાં ધીમેથી ઉમેર્યું ને પછી પોતાને કોઈ સાંભળતું તો નથી નાં, એવી શંકા પડી હોય તેમ, ચારે તરફ એક સાશંક દ્રષ્ટિ ફેરવી રહ્યો.

‘ત્યાં કોઈ નથી. એ તો ગયો. પણ શી વાત છે?’ આનકરાજે ઉતાવળે કહ્યું. 

‘પ્રભુ! મહારાજને કાને આ વાત આવી ગઈ છે. જે વખત જાય છે તેમાં સેનાપતિ કેશવ આ તરફ આવ્યો બતાવું. મને એના તરફથી આવેલો જણાઓ. પહેલાં આવતાંવેંત તમારી રણભદ્રી ઉપર એનો હાથ પડશે!’

‘રણભદ્રી ઉપર હાથ પડશે? એટલે? આંહીં બધા ચૂડલી પહેરીને બેઠા હશે!’

‘મહારાજ! આ સમય કાંઈ અમારે જુદ્ધનો નથી. આ તો અણી ચૂક્યો સો વર્ષ જીવે એવી વાત છે. ખબર પડી ગઈ છે. અત્યારે તો આપણે હમણાં વાત પડતી મૂકો. બીજી વખત વાત! દીના ક્યાં દકાળ છે? અને અમે આંહીં બેઠા તો છીએ જ નાં?’

‘પણ તમે કહો છો ખબર પડી ગઈ છે – તે શેની ખબર પડી ગઈ છે?’

‘તમે રણભદ્રી ઉપર ત્યાગભટ્ટને ઉપાડી જવાનાં છો એની. એ હું જાણું છું. મહારાજને ખબર પડી ગઈ એટલે તો હું આવ્યો છું. આમાં તમને અમારા સ્વાર્થે દોર્યા એટલે તમને ચેતવવાનો અમારો ધર્મ છે. અને અમારી પોતાની પણ એમાં સલામતી ક્યાં નથી? અમે પણ સંડોવાઈએ નાં? એટલે હવે મહારાજને ઠીક પડે તેમ કરે. સમયે ઘણો જ ટૂંકો છે – માંડ ખંખેરી મૂકવા જેટલો. હરેક પળ તમારો જાતભય વધારી રહી છે! એમ જ સમજો ને કે એ ભય આ પળે નિવારી શકાશે. બે પળ પછી તમારે ભાગતા ભોં ભારે પડશે!’

‘મહારાજને આ વાત કરી કોણે?’

‘કરવાવાળાએ,’ કાકભટ્ટે ટૂંકો સૂચક જવાબ વાળ્યો. ‘અમારો આમાં સ્વાર્થ છે. તમારે ત્યાં કોઈ હશે નાં – જેને રાજગાદીની ઉતાવળ હશે – એણે આ વાત આડીઅવળી ગમે તેમ પહોંચાડી દીધી! તમારા ઉપર તરવાર ઊતરે તો એને નિરાંતે!’

‘ત્યારે તો જગદેવડે એમ કહો ને!’ આનકરાજનો તિરસ્કાર પ્રગટ થઇ ગયો. કાકભટ્ટને પોતાનું બાણ સફળ લાગ્યું. ‘કે પછી તમે પટ્ટણીઓએ ફોડ્યું છે?’ આનકરાજે અચાનક તરત પૂછ્યું. 

‘એમ ગણો તો એમ!’ કાકભટ્ટે સીધો જવાબ વાળ્યો, ‘પણ તમારી જાતસલામતી માટે દલીલનો કે તર્કનો વખત નથી, મહારાજ! કેશવ હમણાં આવશે અને એના માણસો એક વખત આંહીં ચારે તરફ વીંટળાઈ વળશે – પછી ભાગતાં ભોં ભારે પડશે. બાકી મારું માનો પ્રભુ! તો જગદેવનો હવે વિશ્વાસ ન કરતાં!’

‘ભૈ! એ ઓટીવારે ત્યારે આ તાલ બગાડ્યો – મોંમાં આવેલો કોળિયો જાય છે! પણ ત્યારે તમે સંભાળી લ્યો – જો તમારે ત્યાં મુંડકાનો મુંડકો – કુમારપાલ – કોઈ પણ સમે ગાદી ઉપર આવ્યો છે તો, આટલું નોંધી લેજો કે, પાટણ પાધર થાશે. મહારાજનું રાજ હવે હક્કદાવે અમારું છે, અને અમને એ મળવું જોઈએ. મહારાજે એ વલણ બતાવ્યું પણ છે. પણ તમે ભામણાં ને વાણિયાં જો અમને છેડશો તો તેમાં ભલીવાર નહિ નીકળે. નરદેવજી!’ આનકરાજે ઊભા થઇ જતાં ઉતાવળે હાકલ કરી. 

બહારથી નરદેવજી પણ દોડતો જ આવી રહ્યો હતો. ‘સૈનિકોની હેરફેર બહુ જણાય છે! મહારાજ!’ તેણે આવતાંવેંત બે હાથ જોડીને કહ્યું, ‘મને કાંઈક દગો લાગે છે પ્રભુ!’

‘એની પાટણને ક્યાં નવાઈ છે નરદેવજી! મૂલરાજ સોલંકીના વખતથી એ થતું આવે છે. ક્યાં છે, આપણી રણભદ્રી? આપણે અત્યારે જ ખંખેરી મૂકવાં છે; રાહ નથી જોવી. ઝેરનાં પારખાં ન હોય. પછી દેખી લેવાશે. જગદેવને કહેવરાવી દ્યો કે તમે માણસ લઈને આવજો. અમે જઈએ છીએ. ચાલતો ત્યારે! ઠીક કર્યું કાકભટ્ટ! તમે ચેતવ્યા તે. અમે નાહકના ફાંસલામાં ફસાત. બાકી મેં કહ્યું છે એમાં મીનમેખ નહિ થાય. તમતમારે સો ઘોડા કરી લેજો! લ્યો ત્યારે જયસાંબ!’ 

રણભદ્રી તરફ જતાં આનકે ઉતાવળે કહી નાખ્યું. 

આનકરાજને લાગ્યું કે, નક્કી વાતમાં કાંઈક પણ આડુંઅવળું થયું છે. એ પોતે આવા ફાંસલા ગોઠવવામાં કુશળ હતો. એટલે એને આમાં તરત ભયંકર સત્ય જણાયું. દગાખોર માણસ બધે દગો દેખે એ ન્યાય સફળતાએ કામ કરી ગયો હતો. એણે તો બીજી જ પળે રણભદ્રી ઉપર ખંખેરી પણ મૂક્યાં.

કાકને અત્યારે એક રીતે સંતોષ થયો. એને લાગ્યું કે ધાર્યા કરતાં વાત વહેલી પતી ગઈ. કોઈ ન દેખે તેમ એ થોડી વારમાં ત્યાંથી પાછો ફરી ગયો. પાછાં ફરતાં એણે જગદેવને પણ તૈયાર થતો જોયો. કેશવના મોકલેલા સૈનિકો તે પછી તરત આવતા જણાયા. 

તે પોતે મહારાજના શિબિર તરફ હવે મહારાણીની પ્રતીક્ષા કરવા ઊપડ્યો.