Avantinath Jaysinh Siddhraj - 22 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 22

Featured Books
Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 22

૨૨

કૃષ્ણદેવે શું કર્યું?

ઉદયન પાસેથી નીકળીને કૃષ્ણદેવ સીધો રણક્ષેત્રમા ગયો. પણ એના મનને શાંતિ થઇ નહિ. પોતાને હવે જેમ બને તેમ જલદી મહારાજને વાત કરવાની હતી. થોડી વાર પછી એ મહારાજની પાસે જ ગયો. મહારાણીબા  હવે આવવાનાં એ ચોક્કસ હતું. એમનો શબ્દ સમર્થ નીવડવાનો. પણ મહારાણીબાને તેડાવનાર ઉદયન જ હોવો જોઈએ, એ વાત મહારાજની નજર બહાર નહિ રહે. ઉદયન સાથે પોતાનું નામ જોડાય એ પણ સંભવિત હતું. એણે પાણી પહેલાં પાળ બાંધવામાં સલામતી જોઈ. ઉદયનની વાતે બરાબર હતી. એને માટે આનકરાજની યોજનાની વાત મહારાજ પાસે મૂકવાનો જ રસ્તો રહ્યો હતો. 

મહારાજ પાસે એ પહોંચ્યો. કુમાર-અભિષેકની તૈયારીની મંત્રણા અંદર ચાલી રહી હોય એમ એને લાગ્યું. તે બહાર થોભ્યો. થોડી વાર થઇ અને મહારાજની પાસેથી કેશવ બહાર આવ્યો. તેણે કૃષ્ણદેવને જોયો એટલે તે તેની પાસે આવ્યો: ‘ઉદયન મહેતા આવી ગયા?’ તેણે અચાનક પૂછ્યું. કૃષ્ણદેવ વિચારમાં પડ્યો. પણ તેણે તરત પ્રત્યુતર વાળ્યો: ‘અરે! ભૈ! તમારા મહેતા એ આંહીં સળગાવતા ગયા છે એ તમને ખબર નહિ હોય! એમ હવે એ જલદી ક્યાંથી આવશે? ઇંગનપટ્ટન કાંઈ માર્ગમાં પડ્યું છે? ને આંહીં પોતે ડુંભાણું કરીને જ ગયા છે, એટલે ભલું હશે તો આવવાનાં પણ ગલ્લાંતલ્લાં કરશે!’

‘કેમ એવું શું છે?’

‘હું એ સમાચાર મહારાજને દેવાને જ આવ્યો છું. મહારાજ હમણાં તમને બોલાવશે!’

‘શાના સમાચાર છે?’

‘આનકરાજના!’

‘શું?’

‘તે હમણાં સાંભળશો.’ કૃષ્ણદેવે વધારે મહિતી ન આપતાં મહારાજ પાસે જવા માટે પગ ઉપાડ્યો.  કેશવ ચાર ડગલાં આઘે નહિ ગયો હોય, ત્યાં એની પાછળ અનુચર દોડતો આવ્યો. મહારાજે એને બોલાવ્યો હતો. કેશવ વિચાર કરતો પાછો ફર્યો.

કેશવ અંદર ગયો તો મહારાજની મુદ્રા ઉપર એણે ફેરફાર જોયો. ઘડી પહેલા જ એ, ત્યાગભટ્ટનું કાલનું અભિષેકમુહૂર્ત જાળવી લેવાની વાત કરીને તો, બહાર નીકળ્યો હતો. મહારાજ ત્યારે પ્રસન્ન હતા. અત્યારે એમના ચહેરા ઉપર ગુપ્ત રોષ હતો. કૃષ્ણદેવે શી વાત કરી હશે એનો એ વિચાર કરવા બેઠો. ત્યાં મહારાજે કહ્યું:

‘કેશવ! તું આવી રીતે આનકરાજની ખબર રાખે છે? તને ખબર તો છે કે ત્યાગભટ્ટની વાત એને પસંદ ન હોય. એ આંહીં વિવેકની ખાતર આવ્યો છે. આપણને એ મદદ કરવામાં તો માનતો જ નથી. આવતીકાલે તો ત્યાગભટ્ટને જ અલોપ કરી દેવાનો છે!’

‘મને ખબર છે મહારાજ!’ કેશવે અત્યંત શાંતિથી કહ્યું ને એક વિજયભરી દ્રષ્ટિથી કૃષ્ણદેવને માપી કાઢ્યો. 

કૃષ્ણદેવ ચમકી ગયો. એના મનમાં બીજું તોફાન જાગ્યું. આને ક્યાંક ઉદયનની જ ખબર હોય નહિ! તો એની પોતાની વાત એને ફેરવી તોળવી પડે એવું થાય ત્યાં મહારાજે કહ્યું: ‘પણ તેં મને તો જો કહ્યું નથી?’

‘મહારાજ! એમાં કાંઈ કહેવા જેવું હતું નહિ! વિખ્યાત એની રણભદ્રી આંહીં અવી ગઈ, એને જોઈ, અને તરત જ અમે સમજી ગયા કે અજમેરિયા કોઈને ઉપાડવા માગે છે. અને એમને ઉપાડવાનો સ્વાર્થ – ત્યાગભટ્ટ સિવાય બીજા કોને માટે હોય? અને એમની એ યોજના સફળ થવા માટે નિર્માણ થઇ ચૂકી છે.’

કૃષ્ણદેવે છુટકારાનો દમ ખેંચ્યો. પણ હજી એના મનમાં ઘડભાંગ તો હતી. એ સાવધ થઇ ગયો. એટલામાં મહારાજ બોલ્યા: ‘પણ કૃષ્ણદેવ તો બીજી જ વાત લાવ્યા છે એનું શું? ઉદયન આનકરાજને ચડાવતો ગયો છે. તે પોતે તો આપણે કામે ગયેલ છે એટલે કોઈને શંકા ન પડે!’

‘ત્યાગભટ્ટ પૂરતી તો આનકરાજજીને પોતાને જ પડી છે? એમાં આનકરાજજીને ચડાવવા પડે તેમ નથી મહારાજ!’ કેશવે કહ્યું, અને ઉમેર્યું: ‘સોમેશ્વર રાજકુમારજીનો લાભ જે કોઈ ઝૂંટવી લ્યે, એ આનકરાજજીનો કુદરતી દુશ્મન થાય જ.’

‘એટલે તે શું કર્યું છે? તને ખબર છે? ના, મારે તો આવતી કાલથી અનુષ્ઠાન-સપ્તાહ શરુ થાય છે!’

‘કાલે મહારાજ જાણશે જ. આપણે આ રણમોરચે એની હાજરી જ શું કરવા જોઈએ?’ એટલે એને રવાના જ કરી દેવો. અને કોઈની કાંઈ મદદમાં તો એ આવેલ નથી. મોટાભા થવા આવેલ છે.’

‘પણ આપણું મુહૂર્ત કાલે છે...’

‘મહારાજ એ વિશે નિશ્ચિંત રહે. એ સચવાશે જ!’

‘થયું ત્યારે! કૃષ્ણદેવ બોલ્યા, ‘આનકરાજને આપણે કાંઈ અત્યારે ઊભા કરવા નથી!’

‘ઉદયન આવી ગયેલ છે કૃષ્ણદેવજી?’ મહારાજે અચાનક પૂછ્યું. 

‘મહારાજ! એણે તો આ સળગાવ્યું છે. હમણાં તો એ આવતા હશે તોય બે દી મોડા આવશે!’

કૃષ્ણદેવે એ પ્રત્યુત્તર આપ્યો, અને પછી ધીમેથી ઉમેર્યું: ‘હમણાં આપણે તો એનું જાણતા છતાં, જાણે જાણતા નથી એમ રાખ્યું છે, મહારાજ! એને અદાહારે કોઈક દી કુમારપાલજી પણ આવી ચડે. પણ કેશવ સેનાપતિ! તમે જાગ્રત રહેજો!’

કેશવે કૃષ્ણદેવને પગથી માથા સુધી માપી જોયો. કાંઈક કટાક્ષમાં કહ્યું: ‘દરેકનું માપ કૃષ્ણદેવજી! મહારાજ પાસે છે જ. તમારું ને મારું કાલે જ નીકળશે?’

‘મહારાજથી શું અજાણ્યું છે? કાલે મહારાજ! મારે શું કરવાનું છે?’

‘સૌથી પહેલો કેશવ સોમનાથ સાક્ષીએ ત્યાગભટ્ટનો સ્વીકાર કરશે, પછી તમે, પછી મુંજાલ, એ પ્રમાણે છે.’

‘મહારાજે આજ્ઞા કરી એ તો આંખ માથા ઉપર, પણ પ્રભુ! હું ગમે તેમ મોઢરેકનો સ્વામી. હું પહેલો કેમ નહિ? મારે ક્યાં પાછળથી કહેવું છે? સેનાપતિજીની સમક્ષ મૂકું છું તો – સૌથી પહેલો ત્યાગભટ્ટનો સ્વીકાર કરનાર હું કેમ નહિ?’

‘સેનાપતિજીનું આમાં પહેલું કામ હોય, કૃષ્ણદેવજી!’

‘મહારાજની આજ્ઞા માથા ઉપર ને આંખ ઉપર. પણ આ તો માપ કાઢવાની વાત થઇ, એટલે મારે કહેવું પડ્યું. રાજભક્તિમાં પાછળ રહેવામાં અમે માનતા નથી.’

કૃષ્ણદેવને લાગ્યું કે મહારાજનો પોતે વધારે વિશ્વાસ મેળવ્યો છે. પણ હજી કેશવનો એનો ભરોસો ન હતો. તેણે ને કેશવે થોડી વાર પછી વિદાય લીધી. રસ્તામાં કેશવે કહ્યું: ‘આ વાત હતી કૃષ્ણદેવજી! કાકભટ્ટે આ વસ્તુ તો અમને જણાવી હતી. ને એને પોતાને જ આનકરાજની યોજના અફલ કરવાનું કામ પણ સોંપાઈ ગયું છે!’

કૃષ્ણદેવને તો આનંદ આનંદ થઇ ગયો. તે સમજી ગયો. ત્યારે કાકભટ્ટે ઉદયન પાસેથી આવીને પહેલું કામ જ આ કર્યું લાગતું હતું, એની ત્વરિત શક્તિ માટે માન થાય. પોતાની ઉપર કોઈ ડાંગ લટકતી નથી એટલે નિશ્ચિંત બન્યો. 

એણે ચાલતાં ચાલતાં કેશવને પૂછ્યું: ‘મહારાજ કાલથી અનુષ્ઠાન સપ્તાહમાં બેસે છે? શાનું અનુષ્ઠાન છે’

‘ભાવબૃહસ્પતિએ એક-બે સપ્તાહની મર્યાદા આંકી છે. હોય તે ખરું એને અંતે જ જુદ્ધ પણ રંગ લેશે!’ 

કૃષ્ણદેવ વિચાર કરી રહ્યો: એને સમજમાં આવ્યું નહિ કે આ અનુષ્ઠાન શાનું હતું. કેશવને પૂછવાનું ફળ ન હતું. થોડી વાર પછી બંનેના મારગ જુદાં પડ્યા. 

કેશવની રાજા લઇ એ પોતાના માર્ગે વળ્યો. 

થોડેક ગયો હશે ત્યાં કાકભટ્ટ કેટલાક ઘોડેસવાર સૈનિકો ક્યાંક લઇ જતો એને સામે મળ્યો: કૃષ્ણદેવે એને જોયો: કાક એની પાસે આવ્યો: એના કાનમાં એણે કહ્યું:

‘કૃષ્ણદેવજી! મહારાજને મળી આવ્યા? હું પણ આનકરાજને કહેવા જાઉં છું!’

‘શું?’

‘કે પરોઢ પહેલાં ભાગી જાજે, નહિતર ક્યાંક સપડાઈ જઈશ. મહારાજ પાસે વાત પહોંચી ગઈ છે. ચૌહાણોની દેરી, પાછળનું જંગલ તે એની છાવણી – અત્યારથી જ ઘોડાં ગોઠવવા માંડ્યાં છે. એટલે સવારે એ ચોક્કસ ભાગવાનો!’

કૃષ્ણદેવે એને ધીમેથી કહ્યું: ‘પણ મહારાણીબા તો આવી ગયાં છે નાં?’

‘હા, હા, ચોક્કસ કાલે સવારે આંહીં. અભિષેક-ક્રિયા તો બહુ જ થોડા વિશ્વાસુ સેનાપતિઓ, મંત્રીઓ – એમની સમક્ષ થવાની છે. ત્યાં મહારાણીબા અહીંયા, પછી તો અણીચૂક્યા જેવી થાશે. મહારાજ તો તરત અનુષ્ઠાનમાં બેસવાના છે!’

‘પણ અનુષ્ઠાન શાનું છે?’

‘ખબર નથી પડતી! પણ ગજની વાત કાંઈક હોય કે પછી ત્યાગભટ્ટની.’

‘ત્યાગભટ્ટને લઇને જવાની?’

‘હાસ્તો. એમાં દી ભાંગશે. એનું અનુષ્ઠાન. નહિતર તો માલવી કાંઈ ઓછા છે. રાજા વિનાના સેનમાં તો કપટ કરવા કૈક દાવ નાખે! સંધિનો દાવ આવ્યો છે ને!’

‘એમ છે? સાથે બીજું કોણ જવાનું છે?’

‘કેશવ સેનાપતિ તો હશે જ. વખતે દંડદાદાક પોતે હોય. જે હોય તે ખબર પડશે. બર્બરક ચોક્કસ.’

‘પણ કાલે મહારાણીબા આવશે બરાબર સમયસર?’

‘એક વિપળ પણ મોડું નહિ થાય. સુખાસન તૈયાર રખાવ્યું જ છે. એ ઉપરાંત સાંઢણી પણ છે. તમે હઠીલાના મોકલેલા ચાર ભીલો હશે. રાણીબાને શરીરે ઠીક પડે તે સાધન વાપરીને પણ આવી શકે, એવી બધી તીયારી તો તમે રાખી જ છે.’

કૃષ્ણદેવ વિચાર કરી રહ્યો. પોતાનો વારો આવે અને મહારાણીબા આવી પહોંચ્યા હોય – તો – પોતે બચી જાય.

એટલામાં કાકે રજા લીધી.