૨૦
મહારાણી આવ્યાં
અર્બુદાચલથી ધારાગઢ આવતા રાજમાર્ગમાં એક મંદિર હતું. એ મંદિર પાસે ઉદયન બીજે દિવસે સાંજે આવીને કાકભટ્ટની રાહ જોતો ઊભો રહ્યો. કૃષ્ણદેવને એ હજી મળી શક્યો ન હતો, પણ હઠીલા મારફત કહેવા જેટલું એને કહેવરાવી દીધું હતું. સારે નસીબે હજી કાક વિશે બહુ પૃચ્છા થઇ ન હતી. પણ કૃષ્ણદેવ આવી જાય તો અભિષેક વિશેની ને બીજી બધી ખબર મળી જાય, કૃષ્ણદેવ ઘણી સાવચેતીમાં રમનારો માણસ હતો, એ એણે મહારાજની વાતમાંથી જ પકડી લીધું હતું. વળી એણે આ મંદિરમાં મહારાણીબા માટે ઉતારા વગેરેનું તો હઠીલા મારફત ઉદયનને કહેવરાવી પણ દીધું હતું. એટલે એનાં પોતાના આંહીં આવવા વિષે ઉદયનના મનમાં ખાતરી ન હતી.
મંદિરથી દૂર એક વડ હતો ત્યાં ઉપર બેસીને ઉદયન બંનેના આવવાની પ્રતીક્ષા કરી રહ્યો હતો. કાકભટ્ટનો હજી કાંઈ પત્તો ન હતો.
આંહીં પોતે આ યુદ્ધક્ષેત્રમાં અક્સ્માત સમયસર આવી પહોંચ્યો હતો અને કુમારપાલને સહીસલામત દૂર કરી શક્યો હતો. એમાં કૃષ્ણદેવનો હિસ્સો પણ જેવો તેવો ન હતો.
ઉદયને વિચાર કર્યો કે કૃષ્ણદેવ એના પોતાના કાર્યની જે રેખા નક્કી કરી રહ્યો છે, એ રેખા ઉપર જ રમતો રહે એ વધારે યોગ્ય છે. આનકરાજને આંહીંથી વિદાય આપવામાં પણ કૃષ્ણદેવને માટે તો મહારાજનો વધારે વિશ્વાસ મેળવી લેવાય એ એના હિતમાં હતું.
થોડી વાર થઈને કૃષ્ણદેવ ત્યાં આવી પહોચ્યો. એની પાસે કાંઈક ઘણી અગત્યની વાત લાગી. ઉદયનને એણે નીચે આવવા નિશાની કરી. ઉદયન નીચે આવ્યો. એણે એક સાવચેતી ભરેલી દ્રષ્ટિ ચારે તરફ ફેરવી લીધી: ‘કોણ મહારાણીબા આવવાનાં છે?’ કૃષ્ણદેવે અત્યંત ધીમેથી પૂછ્યું.
‘હા.’
‘ક્યાં રહેશે?’
‘તમે કહો ત્યાં.’ ઉદયને જવાબ વાળ્યો.
‘તમને હઠીલાએ વાત તો કરી હશે નાં?’
‘કરી તો છે.’
‘આ મંદિર છે ત્યાં જ રોકો ને. ત્યાં સગવડ કરી છે. અને આંહીં તમને કોઈ જોશે નહિ. નહિતર તો વાત વહેલી પ્રગટ થઇ જાશે. તમને ખબર તો હશે નાં કે મહારાજે કાલે ત્યાગભટ્ટનો કુમારતિલક અભિષેક રાખ્યો છે!’
‘સમય?’
‘બે ઘટીકા વીત્યે, સવારમાં.’
‘તો તો, બરાબર. આનકરાજની આવી ગઈ પેલી સાંઢણી?’
‘એ તો હવે આવતી હોય કે પછી આવી ગયેલી હોય. એણે પણ ત્યાગભટ્ટને કાલ ને કાલ ઉપાડી લેવાની તૈયારી તો કરી રાખી છે!’
‘ક્યારે?’
‘વહેલી પ્રભાતમાં જ. એ નદીએ સ્નાન કરવા જાશે, ત્યાંથી જ ઉપાડી લેશે. આપણા ફાયદામાં.’
ઉદયન વિચાર કરી રહ્યો. તેણે ધીમેથી કહ્યું:
‘પણ તમે મહારાજને આ વાત કરી?’
‘ના, હજી તો નથી કરી.’
‘તો તમે હવે તરત કરી નાખો. ને કાકભટ્ટ આ બાજુ આનકરાજને વાત કરે કે વાત આપણી ફૂટી ગઈ છે. એટલે એ ભાગ્યો સમજો. આપણે અત્યારે એટલું જ એનું કામ છે! કાકભટ્ટ આવે એટલે એ તરત ત્યાં પહોંચી જાશે.’
‘પણ મહારાણીબા જ નહિ આવે તો?’
‘ન આવે એવું ન બને. એમને હું ઓળખું છું તો. પોતાનું ગૌરવ પ્રગટ કરવાની એક પણ તક મહારાણીબા જવા દે તેવાં નથી. અને આ એવી તક છે – મહારાજ જવાબ આપતાં વિચાર કરે તેવી. એવી તક મહારાણી લક્ષ્મી જવા દે? પણ તમે મહારાજની વાત શી રીતે કરશો એનો વિચાર કર્યો?’
‘શી રીતે?’
‘કૃષ્ણદેવજી! તમને હું એક મહાનમાં મહાન મુત્સદ્દી માનું છું.’ ઉદયને પોતાની વાત કહેતાં પહેલાં કૃષ્ણદેવનું જરા અભિમાન પોષ્યું, ‘તમારી કુળને શોભે એવી રીતે વાત મૂકવી હોય તો મને જે સુઝે તે આ – તમારે બે હાથ જોડીને મહારાજને કહેવું: ‘મહારાજ! આ સ્તંભતીર્થથી મારવાડી આવ્યો છે, એ આપણા માટે ધ્યાન રાખવા જેવો છે. એણે સોમનાથસમુદ્રે શું કર્યું હતું તે સંભારો પ્રભુ! આંહીં પાછો એ જ કરવાનો. મેં સાંભળ્યું છે કે આનકરાજને એણે સાધ્યા છે. ત્યાગભટ્ટને જ એ અલોપ કરી દેશે. એની સાંઢણી તો આવી છે. સેનાપતિ કેશવને મોકલો ને પ્રભુ! બધી ખબર!’ તમે આ કેમ લાગે છે કૃષ્ણદેવજી?’
કુષ્ણદેવે ડોકું ધુણાવ્યું: ‘બરાબર છે! પણ હવે હું ભાગું! તમે કાકભટ્ટને તરત મોકલજો.’
હજી તેણે વાક્ય પૂરું કર્યું, ત્યાં ક્ષિતિજ ઉપર દૂરદૂર પશ્ચિમમાં ડૂબતા સૂર્યની સાથે જાણે ચિત્રમાં કોતરી ગઈ હોય તેવી એક સાંઢણી આવતી જણાઈ.
‘કાલે મહારાણીબા ત્યાં જ સીધાં આવશે. પણ હું હવે આંહીં નહિ હોઉં હોં? તમે છો એટલે મને નિરાંત છે. કાકભટ્ટને તમે બરાબર દોરજો. એ છે જરા ઉતાવળો. ને આ મેં કહ્યું તો – મહારાણીબાને મળો એ – તમને ઠીક લાગે છે?’
કૃષ્ણદેવના અભિમાનને બરાબર જાળવીને જુક્તિથી મહારાણીબાને અત્યારે એ મળે એમ કરવાનું હતું.
કૃષ્ણદેવે નકારમાં ડોકું ધુણાવ્યું ને થોડી વારમાં એ અદ્રશ્ય પણ થઇ ગયો.
કૃષ્ણદેવ ગયો ન ગયો, ત્યાં કાકભટ્ટનો સાંઢણીને ઝોકારવાની સૂચના કરતો અવાજ સંભળાયો. ઉદયન તરત આગળ આવ્યો. તેણે બે હાથ જોડ્યા. મહારાણીબાને નમન કર્યા, હજી અજવાળું તો હતું. પણ મહારાણીબા એને ઓળખ્યો હોય તેમ લાગ્યું નહિ.
‘કોણ છે?’ એમણે પૂછ્યું પણ ખરું.
ઉદયન બે હાથ જોડીને વધુ નમતો આગળ વધ્યો: ‘મહારાણીબા! એ તો હું છું – હું ઉદો મહેતો!’
‘એમ? ઉદયન મહેતા! તમે છો?’
‘મહારાણીબા! શું કરું? ન આવું તો કાચું વેતરાય. ને આવું તો આખો મુલક જુએ. એટલે તો આ ભવાઈ કાઢી છે! કાકભટ્ટ! તમારી બહુ પૃચ્છા થઇ રહી છે હો!’ તેણે કાકને કહ્યું ને એને એક બાજુ લીધો.
થોડી વાર પછી કાક મહારાણીબા પાસે આવ્યો. એણે બે હાથ જોડ્યા: ‘મહારાણીબા! ત્યારે હું તો આંહીંથી જ વિદાય લઉં છું!’
‘કેમ કેમ? એવું શું છે?’
‘મહારાણીબા! આંહીં પાસે મંદિર છે. ત્યાં બધી સગવડ થઇ ગઈ છે. હું સાથે આવું છું. કાકભટ્ટજી જાય તો સારું. એમના વિશે પૃચ્છા થઇ રહી છે.
કાકભટ્ટ થોડી વારમાં જ નમીને ગયો. એટલે મહારાણીબાને મંદિર ભણી દોરતો ઉદયન ત્યાં એકલો જ રહ્યો.
મંદિરમાં તમામ પ્રકારની સગવડ થઇ ગયેલી હોય તેમ જણાયું. ઉદયનની એક ચિંતા ગઈ. એને કૃષ્ણદેવ વિશેનો પોતાનો અભિપ્રાય થોડો બદલવા જેવો લાગ્યો. મોટોભા એને રાખ્યો હોય તો યોજના ઘડનારો એ અજબ જણાયો.
મંદિરમાં એક બાજુ મહારાણીબાની બેઠક રાખી હતી. ત્યાં એક બે અનુચર એમની હાજરી ઉઠાવવા ખડે પગે હતા.
થોડી વાર પછી મહારાણી લક્ષ્મીબા પરવારે એટલે ઉદયન એની પાસે જવા માંગતો હતો. તે ત્યાં એક તરફ બેઠોબેઠો આકાશના તારા જોઈ રહ્યો હતો. મહારાણીબાનું મન હજી એણે જાણ્યું ન હતું. એણે એક અનુમાન ખેંચ્યું હતું કે મહારાણીબાને આવી વાત ન જ રુચે. પોતે સોમનાથ સમુદ્રદ્વારે, ભુવનેશ્વરી વિશે જાણ્યું હતું. એ ભુવનેશ્વરીનો આ છોકરો એટલે એકદમ આવ્યાં તો હતાં, પણ હજી ઉદયનને એમને પોતાને ધારેલે માર્ગે તૈયાર કરવાનાં હતાં.
ઉદયન એ વિશે વિચાર કરતો મહારાણીબાને મળવાની પ્રતીક્ષા કરતો ત્યાં બેઠો.
એટલામાં એક અનુચરે એને બોલાવ્યો.
ગુજરાતનું ભાવિ ઘડવા માટે જતો હોય એમ ઉદયન એક પળ ખંડની બહાર થોભી ગયો. પછી એણે પોતાના ઉપવસ્ત્રથી જરાક ગરમી ઓછી કરવા હવા નાંખવા માંડી. એક સ્થિર દ્રષ્ટિથી અંદરનો ખંડ જોયો. અને બે હાથ જોડીને નમન કરતાં જ એણે ખંડમાં પ્રવેશ કર્યો.