૧૯
કુમારતિલક અભિષેક
માણસ, વિધિનું રમવા માટેનું એક રમકડું છે; એ રમકડા સાથે કોઈ કોઈ વખત એને પ્રેમથી રમવાનું મન થઇ આવે છે. ઉદયનને પણ આજે લાગ્યું કે એ શુકન પકવીને જ નીકળ્યો છે. એમ ન હોય તો કાંઈ ધનુરભટ્ટ કોઈ જાતની અનુજ્ઞા વિના, એનો પ્રવેશ થવા દે ખરો કે? પરંતુ એ પ્રવેશ થયા પછી પણ વિધિ એને આંગળીએ વળગાડીને રમાડશે એવો તો એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો.
એણે શિબિરમાં પ્રવેશ કર્યો. પછી જે તરફ એને વધારેમાં વધારે અંધારું જણાયું તે તરફ એ અટકળે ચાલ્યો. બહાર નીકળી જવાનો પણ એ જ માર્ગ હતો.
મુખ્ય ખંડના પ્રવેશદ્વાર પાસેથી એક બાજુ વળતા એ નાનકડી નેળ જેવા સાંકડાં પંથમાં એને મોટામાં મોટો ભય કોઈની સાથે ભટકાઈ જવાનો હતો. અને તો પ્રગટ થઇ જવું પડે.
એટલે એ સંભાળથી, પોતાનો હાથ લંબાવીને પટ્ટભિત્તિનો આધાર લઇ, આગળ વધી રહ્યો હતો. એનો વિચાર દંડદાદાકજીના વિશાળ ખંડના કોઈ પાછલા ભાગમાં જોગવાઈ થઇ જાય તો ત્યાં બેસી જવાનો હતો. ધનુરભટ્ટે એને માહિતી તો આપી હતી. એટલે એને ખાતરી હતી એક પાછળથી બહાર જવાય તેવું તો છે જ.
ત્યાં વળી કોણ દ્વાર ઉપર હશે, એ વખતે જોઈ લેવાશે, કહીને એ આગળ વધ્યો. એણે તો આખું જીવન આમ ઘડ્યું હતું. એટલે એને આમાં આનંદ પડ્યો.
આગળ જતાં પેલો સાંકડો માર્ગ વધારે સાંકડો થયો. મુશ્કેલીથી એક માણસ ચાલી શકે તેવું લાગ્યું. પણ એ માર્ગ હજી, વિશાળ બેઠકખંડના આસપાસના નાનાખંડોની પછવાડે થઈને જતો હોય તેમ જણાયું. વિશાળ બેઠકખંડનો એકાદ દીપક જલતો દેખાય તો પછી પોતે ગોઠવાઈ જવાનો વિચાર કરે.
એટલામાં તો એક માર્ગ જ એક નાની સરખી પટ્ટકુટીમાં પ્રવેશતો જણાયો. પછી તો ત્યાં જ એ બંધ થઇ ગયો. ઉદયન પણ એને અનુસરતો ત્યાં ગયો. એ ઠેકાણે નકામાં હથિયારોનો ઢગલો પડ્યો હોય તેમ જણાયું. એણે ચારે તરફ દ્રષ્ટિ કરી. આછો આભાસી પ્રકાશ એક તરફથી આવતો જણાયો. એ ક્યાંથી આવે છે એ જોવા એણે સંભાળથી એ તરફ જવા માંડ્યું.
એને ડગલે ડગલે ધ્યાન રાખવાનું હતું. આંહીં તમામ તૂટી ગયેલ, નકામાં હથિયારો ખડક્યાં હોય તેમ લાગ્યું. ઉદયનને બેસી જવા માટે તો આદર્શ જગ્યા લાગી; પણ દંડદાદાકજીનો વિશાળ બેઠકખંડ આંહીંથી જોવાય કે નહિ એ વિશે એણે શંકા હતી.
જે તરફથી ઉજાસ આવતો હતો તે તરફથી પટ્ટભિત્તિ તરફ એ ગયો; થોડી વાર કાન સરવા કરીને ત્યાં ઊભો રહ્યો.
પાસેના જ ખંડમાંથી માણસોનો અવાજ આવતો લાગ્યો.
એને લાગ્યું કે ચોક્કસ આજ એને વિધિ પોતે હાથ પકડીને દોરી રહી છે કે પછી રમાડી રહી છે; કે પછી એ જ એનો લાડકવાયો બાળક છે?
એને મનમાં એમ પણ આશા પ્રગટી કે કુમારપાલજીનો સિતારો ચડતો ન હોય તો આ પ્રમાણે આજનો કાર્યક્રમ ઘડી જ શક્યો ન હોત. માટે ચોક્કસ એને વિધિ જ દોરી રહી છે. એક વખત તે પહેલાં, એ પાટણ આવ્યો ત્યારે, એ જ એને દોરી રહી ન હતી?
એ ગમે તેમ હોય, પાસેનો વિશાળખંડ જ દંડદદાદાકજીનો બેઠકખંડ હતો, એની એને ખાતરી થઇ ગઈ. એટલે હવે એણે બેસી જવા માટેની અનૂકુળ જગ્યાની શોધ કરવા માંડી. વિશાળ ખંડમાં વધારે દીપીકાઓ પ્રગટવા માંડી હતી. એમનો આભાસ આંહીં વધારે ઉજાસ આપતો જતો હતો. એ જગ્યા બેઠકખંડની વધારેમાં વધારે પાસે પણ હતી. એ ગુપચુપ ત્યાં જ બેસી ગયો. તેને કાને અંદરના ખંડમાં થતી વાતચીતના સ્પષ્ટ શબ્દો સંભળાતા હતા.
ઉદયનને લાગ્યું કે આમાં જૂનાં હથિયારો પડ્યાં પાથર્યા પડ્યાં જ લાગે છે, એટલે આંહીં કોઈ સંભાળ એવા આવતું નહિ હોય. બાકી બેઠકખંડની અટલે નજીકની જગ્યા રક્ષક વિનાની ન હોય.
એ પોતે તદ્દન શાંત રીતે ગોઠવાઈને બેસી ગયો. પછી તેણે કટાર કાઢી, એક નાનું છિદ્ર પટ્ટભિત્તિમાં પાડ્યું, એક આંખ બંધ કરીને બેઠકખંડમાં જોવાનો પ્રયત્ન કર્યો.
એને જે જોવા મળ્યું તેથી એના આનંદનો પાર રહ્યો નહિ!
દંડદાદાકની બેઠક બરોબર સામે દેખાતી હતી. એક અનુચર હરતો ફરતો દીપીકાઓમાં વધારે તેલ પૂરીને એને વધારે પ્રકાશમય કરી રહ્યો હતો. ત્યાં હજી બીજું કોઈ આવ્યું ન હતું.
મહારાજ હજી આવ્યા લાગતા ન હતા. એક-બે અનુચર સિવાય ખંડ આખો ખાલી હતો. ઉદયન ત્યાં થતી દરેક હિલચાલને સંભાળથી જોવા માંડ્યો.
થોડી વાર થઇ એણે પાસેના દ્વારમાંથી એક વૃદ્ધ પુરુષે ત્યાં પ્રવેશ કર્યો.
એ ગૌરવશાળી ધીમે પગલે આવી રહ્યો હતો. કોઈ મહાન ગજરાજ સમો એમનો પ્રભાવ હતો. એમની ભવ્યતા આંજી નાખે એવી હતી. પાટણનો મહાઅમાત્ય હોય તો કેવો હોય એનો જાણે કે પ્રત્યક્ષ આદર્શ હતો. એને માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો ગૌરવ એ જ વપરાય. એના પગલેપગલાંમાં ગૌરવ ભર્યું હતું.
દંડદાદાકને ઉદયને ઘણી વખત જોયા હતા, પણ આજના જેવા ગૌરવશીલ ને પ્રતાપી એ ક્યારેય લાગ્યા ન હતા. એનો સમર્થ, તેજસ્વી, વયોવૃદ્ધ પણ ભવ્ય ચહેરો, કોઈ પણ પ્રશ્નના નિકાલ માટે જાણે એ બોલે એટલે થઇ રહ્યું, એવો વિધીબોલ જેવો જણાતો હતો. એમણે ખંડમા ચારે તરફ એક દ્રષ્ટિ કરી, અનુચરને બોલાવ્યો: ‘ધનુરભટ્ટ ક્યાં છે?’
પણ એટલામાં ધનુરભટ્ટ પોતે જ આવતો જણાયો. દંડદાદાક બે ડગલાં સામે ચાલ્યા અને હાથ જોડી ઊભા રહ્યા. ધનુરભટ્ટની પાછળ જ જયદેવ મહારાજ પોતે આવી રહ્યા હતા.
ઉદયને ત્યાં દ્રષ્ટિ કરી તો મહારાજ એકલા જ આવ્યા હતા. સામાન્યમા સામાન્ય માણસના જેવો એમને અત્યારે વેશ ધારણ કર્યો હતો. દેખીતી રીતે એ ભુવનેશ્વરીના મંદિરમાંથી પછી પોતાની રાત્રિચર્ચામા ગયા હોય અને ત્યાંથી જ સીધા આવતા હોય તેમ જણાયું.
એમના નિત્ય પડછાયા જેવો બર્બરક ક્યાં ઊભો રહી ગયો હતો એ જોવા ઉદયને દ્રષ્ટિ ફેરવી, પરંતુ આશ્ચર્યની વાત હતી કે, તે પણ અત્યારે ક્યાંય દેખાયો નહિ. મહારાજ રાત્રિચર્ચામાં એકલા જ ફરે છે, એ લોકવાયકા સાચી પડતી જણાઈ. એટલામાં દંડદાદાકે એમને આસન તરફ દોર્યા.
એ ત્યાં બેઠા અને એની બરાબર સામે થોડે દૂર દંડદાદાકે જગ્યા લીધી. આખા ખંડમાં હવે કોઈ લાગ્યું નહિ. ધનુરભટ્ટ ચાલ્યો ગયો હતો. અનુચરો પણ કોઈ ફરકતા ન હતા.
બે પળ એકદમ શાંતિ વ્યાપી ગઈ. પણ એ શાંતિમાં એટલી બધી વાણી ઉદયનને જણાઈ કે એ વ્યગ્ર થઇ ગયો. કોઈ ભવ્ય, ઉત્તુંગ, સંસાર સમસ્તને જાણનારો માણસ, પોતાની સામે બેઠેલા, પ્રમાણમાં જુવાનનો સંસારતાપ જાણતો હોય ને બોલીને એને જરા પણ કલેશ આપવા ન માગતો હોય, અને જેવું મૌન ત્યાં વ્યાપી રહે એવું મૌન આંહીં અત્યારે હતું. દંડદાદાકની આ સ્થિતિનું ગૌરવભરેલું વૃદ્ધ કુટુંબપદ ઉદયનને અકળાવી રહ્યું.
મહારાજ ઉપર એનો શબ્દ એટલો વધુ અસરકારક બની રહેશે. એ એમાંથી સ્પષ્ટ થતું હતું એટલામાં મહારાજ પોતે જ બોલ્યા:
‘પ્રતાપદેવી ને ચારુભટ્ટ આવી ગયા છે એ તો જાણ્યું નાં દાદાકજી?’
‘જાણ્યું. મળ્યા છે મહારાજ એમને?’ દાદાકે શાંતિથી પૂછ્યું.
‘હા મળ્યો. તે પહેલાં પણ મળ્યો હતો. ભાવબૃહસ્પતિએ સજ્જડ પ્રમાણ આપી દીધું છે.’
‘મુદ્રાનું?’
‘હા.’
‘તમને શું લાગ્યું?’
‘પ્રમાણ તો સોએ સો ટકા સાચું છે. રાજમુદ્રા જ છે.’
‘થયું ત્યારે; મહારાજે વિચાર કરવો રહ્યો, અને પછી નિશ્ચય કરવો રહ્યો. પણ જુઓ મહારાજ! જે કરો તે અચળ શબ્દની જેમ કરો. રાજના શબ્દની અચળતા ફરે – તો રાજ ચળે. એ સમજીને પછી જ મહારાજ આજ્ઞા કરે! રાજશબ્દ – એ નીકળ્યા પછી તો રાજશબ્દ થઇ રહેવો જ જોઈએ.’
‘બીજું તો નક્કી છે. માત્ર નિર્ણય સમયનો કરવાનો રહે છે. પેલો ઉદયન તમને મળ્યો? મહારાજે અચાનક કહ્યું.
ઉદયન ચમકી ઊઠ્યો. પોતાની હાજરી મહારાજને ખૂંચી હતી એનો આમાં ઉલ્લેખ હતો.
‘ના. મળ્યો નથી. કેમ?’
‘એ સ્તંભતીર્થથી આંહીં આવ્યો છે – એમાં એનો વિચાર કાંઈક ઘર્ષણ ઊભું કરવાનો હોય એમ લાગે છે. મેં હમણાં તો એને મોકલ્યો છે વિજયપાલ પાસે!’
‘પણ એ ગયો છે ખરો?’
ઉદયન સાંભળતાં જ ધ્રૂજી ગયો. દાદાકજીએ સાવચેતીનું વાક્ય કહ્યું હશે કે કે કાંઈ જાણતા હશે? એને કાંઈ સમજ પડી નહિ. એટલામાં મહારાજે કહ્યું:
‘ગયો છે ને. એક મલ્હારભટ્ટ પણ સાથે છે!’
ઉદયન વધારે સાંભળવા એકકાન થઇ ગયો.
‘થયું ત્યારે.’
દંડદાદાક વિચાર કરતાં થોડી વાર થોભ્યા.
‘જુઓ મહારાજ! જે કરો તે નિશ્ચયથી કરો. બે વસ્તુ સંસારમાં ઈશ્વરીસત્તા જેવી છે: એક રાજસત્તા; બીજી વિદ્યા. એ બંનેને વારસા વિના જે સોંપે છે એ રૌરવનરકનો અધિકારી થાય છે. અધિકારી ન મળે તો વિદ્યાને દાટી દેવાનું બ્રાહ્મણોને કહ્યું છે. એવા સંજોગમા રાજને તજી દેવાનું હું કહું છું. બીજા અધિકારી મેળવી લેશે. અનધિકારીને સોંપનારો તે પછીના સર્વનાશની જવાબદારી લેનારો થાય છે. એટલે જેને સોંપો તેને – આજથી, એને – પાટણના ગૌરવનો ભક્ત બનાવવો પડે! ચારુભટ્ટ એ માટે યોગ્ય છે?’
‘બીજો કોણ છે?’ મહારાજે કહ્યું.
‘મહીપાલ. કીર્તિપાલ, કુમારપાલ, કોઈ નહિ?’
‘મહીપાલ નિર્માલ્ય છે. કીર્તિપાલ એનાથી વધારે નિર્માલ્ય છે. કુમારપાલનું જોર જડનું છે. સંસ્કાર – એને શુદ્ધ શબ્દોચ્ચાર પણ આવડતો નથી. હીનકુલને પાટણનું સિંહાસન મળે? ન મળે! એ કરતાં તો ભલે એ સિંહાસન ન હોય! વિક્રમનું સિંહાસન છેવટે તો આકાશમાં ચાલ્યું ન ગયું?’
‘પણ મહારાજ! પાટણ નગરીએ કૈંક ચૌલુક્યો જોયા છે. તમારે ભૂમિકા માંડવી પડશે મહારાજ, નહિતર આ નગરી કોઈની શરમ રાખે તેમ નથી અને એમાં પાછા પાટણના જૈન મંત્રીઓ ને જૈન શ્રેષ્ઠીઓ તમને પડિયામાં ભૂ પાશે! મહારાજ ભીમદેવ જેવાને એમણે હથેળીમાં નચાવ્યા’તા!’
‘તમે શું રસ્તો સૂચવો છો દાદાકજી? ઘર્ષણ ન થાય ને ભૂમિકા તૈયાર થતી રહે!’
‘હમણાં આપણે કુમારતિલકનો અભિષેક કરો. યુવરાજપદની વાત પછી.’
‘કુલસદગુરૂ એ જ કહે છે.’
‘આપણે હજી એક વિચાર કરવો રહી ગયો!’
‘શાનો?’
‘આનકરાજનો. એનો સોમેશ્વર છે. મહારાજે પોતે જ એને આશાતંતુ આપ્યો છે. એ આ સહન કરશે? અને આંહીં આપણે આ રણમોરચે ભારે નહિ પડે?’
‘દાદાકજી! સિંહાસન પાટણનું મલોબાનું માળખું નથી કે આમ તેમ ગમે તેને આપી દેવાય. સોમેશ્વર નાનો છે. અને સોંપતા પાટણનું ગૌરવ હણાય તેમ છે. પાટણ જાણે અજમેરનો ભાગ બને છે. એટલે સોમેશ્વરનો સવાલ ઊભી થતો જ નથી! મેં એ વિચાર કરી જોયો છે.’
‘કાંચનબાને પૂછ્યું?’
‘ના. રાજાને માટે રાજ અને પ્રજા પહેલાં, સંબંધી પછી. કાંચનદેવીનો આમાં અવાજ ન હોય.’
‘મુંજાલને પૂછ્યું?’
‘ના.’
‘કેશવ સેનાપતિ –’
‘એ ચારુભટ્ટ માટે જનન્યોછાવરી કરશે.’
‘મંત્રી આશુક –’
‘મુંજાલના પગલે જાશે.’
‘તો તમે મહારાજ! મુંજાલ મહેતા, આશુક, કૃષ્ણદેવ, ઉદયન અને બને તો કેશવ સેનાપતિ – એ સૌની સંમતી પહેલાં મેળવી લ્યો.’
‘અને એ સંમતિ ન મળે તો?’
‘તો?’
‘તો તમે શું કરશો? મારે જાણવું છે!’
‘હું? હું શું કરું એ જાણવાથી શો ફાયદો છે, મહારાજ? તમે જે કહ્યો તે જ હું કરું. મારું અને મહારાજનું સ્વપ્ન જુદું ક્યાં રહ્યું છે? જાણવાનું તો બીજા વિશે હોય. પણ ગુજરાત માલવા જીતે, ત્યારે શું જીતે છે એ એણે સમજવું જોઈએ. એ ભારતનું નેતૃત્વ જીતે છે. એ રાખવું અઘરું છે. એક બળવાન સમર્થ શાસન વિના અને એક કોઈ પણ મહાન પ્રતીકની પાછળ જાનન્યોછાવરીનો સિદ્ધાંત સ્થાપ્યા વિના હવે પછી આવનારા આક્રમણ સામે કોઈ ટકી નહિ શકે એ મહારાજ પણ માને છે. હું પણ એ જ માનું છું. જૈનોએ આંહીં એક શાસન સ્થાપ્યું છે એ ખરું. પણ એમના એ એકશાસનની અતિશયતાએ પ્રજામાં બળ મૂકવાને બદલે ગાંડી ધર્મઘેલછાનાં વેવલાવેડાના બીજ મૂકવાં શરુ કર્યા છે. કુમારપાલને એ સંસ્કારનો વારસો મળ્યો છે. એ હીનકુલ છે; વિદ્યાવિહીન પણ છે. એનું બળ એ એક એવા મલ્લનું બળ છે કે જે બળમાં બળની ખાતર રાચે છે. એનામાં રાજાની ઉદારતા નથી. રાજાનું ગૌરવ પણ નથી. એટલે ચારુભટ્ટ યોગ્ય અધિકારી હોય તો, કુમારપાલનું કોઈ જે સ્થાન પાટણમાં હવે હોઈ શકે નહિ. મારી આ દ્રઢ માન્યતા છે. ભાવબૃહસ્પતિનું સોમનાથી સંસ્કાર મંદિર. ભગવાન સોમનાથનું એક સમર્થ પ્રતિક વિદેશીને પણ ગુજરાત જીતવા માટે, સોમનાથપાટણ સુધી લંબાવું જ પડે, એવી એની પાછળ પ્રજાકીય ભાવના હશે તો આપણે જીવીશું; નહિતર ફના થઇ જાશું. મહારાજ અજિત ભીમદેવનો સમય ફરીને જોવો ન હોય, તો મહારાજે આટલું કર્યે જ છૂટકો છે. ત્યાર પછી બીજી વાત. ચારુભટ્ટ સમર્થ હોય, અધિકારી હોય, મહારાજને એના વારસા વિશે શંકા ન હોય તો, કેવળ અક્સ્માત એ રાજરાણીપુત્ર નથી, એ વસ્તુએ વચ્ચે આવવું ન જોઈએ. અને ચારુભટ્ટ યોગ્ય હોય તો પછી કુમારપાલનું કોઈ જ સ્થાન આંહીં હોઈ શકે નહિ એ વિશે મહારાજે હવે તાત્કાલિક નિર્ણય કરી લેવો જોઈએ. મારું તો આ સ્પષ્ટ મંતવ્ય છે. નિર્ણય મહારાજે લેવાનો છે.’
મહારાજ થોડી વાર સુધી કાંઈ બોલ્યા નહિ. ઉદયને જોયું કે દંડદાદાકની રાજનીતિને પણ એ જાણે પોતાના મનમાં તોળી રહ્યા હતા. જયસિંહદેવની ખરી મહત્તાનો અત્યારે બે પળમાં ઉદયનને જેવો ખ્યાલ આવ્યો – એવો આખા જીવનમાં ક્યારેય આવ્યો ન હતો.
અંતે એણે શાંત ધીમા અવાજે કહ્યું: ‘ચારુભટ્ટ યોગ્ય છે તો એનો અધિકાર લઇ લેવાનો મને પણ હક્ક નથી, એટલે હવે તમે છો, મહાદેવ છે, કેશવ છે, કૃષ્ણદેવ છે – સૌ સંમત થાઓ.’
‘તમે કૃષ્ણદેવને કહ્યું મહારાજ? તમે એને નાણી જોયો છે? મને એના વિશે શંકા છે.’ દાદાકે કહ્યું.
‘તેજોદ્વેષથી પ્રેરાયેલાને નાણવાની જરૂર નહિ, દાદાકજી! આપણે જાણીએ નાં. એનું મન જ એને આરામ ન લેવા દે. કુમારપાલ પોતાના કરતાં વધે એ કૃષ્ણદેવથી કદી ન સહેવાય. એણે ઘણી વખત એ વસ્તુની ખાતરી આપી દીધી છે!’
ઉદયનને કૃષ્ણદેવની લાગવગની કૂંચી હવે મળી ગઈ. એ સાંભળી રહ્યો. મહારાજ હજી આગળ બોલતા હતા:
‘ઉદયન આંહીં હશે તો કુમારપાલ ક્યારેક પણ ભટકાઈ જાશે – એ વાત એની સાચી છે. કુમારપાલ આપણા હાથમાં હોય તો કોઈ પ્રકારનું પાછળથી ઘર્ષણ જ ઊભું ન થાય. એટલે ઉદયન હવે આંહીં જ રહેવાનો!’
ઉદયન ચમકી ગયો. એની માન્યતા ખરી પડતી હતી. એને માટે હવે આંહીંથી જવાનું શક્ય ન હતું. જોકે એને પણ એ જ જોઈતું હતું.
‘મહારાજ! આ બધું ઠીક છે. પણ મને ક્યાંય ચેન નથી. કહો ન કહો, પણ મારો અંતરાત્મા એક વાત હજી પણ કહી જાય છે!’
‘શી?’
દંડદાદાક થોડી વાર સુધી મૌન થઇ ગયા.
‘શું દાદાકજી?’
દાદાકજી કાંઈ બોલી શક્યા નહિ. એમની આંખ આંસુથી ભરાઈ ગઈ. કંઠ રૂંધાતો હતો.
રાજા અને દાદાકજી વચ્ચેનો આ સંબંધ ઉદયન જોઈ રહ્યો. એને વધારે ખાતરી થઇ ગઈ. આ ડોસો ધારશે એ સિંહાસને આવશે. એનામાં એવી કૌટુંબિક પ્રીત રાજા પ્રત્યે વસી રહી હતી.
મહારાજ જયસિંહદેવ પણ પળ બે પળ પૃથ્વી ભણી નિહાળી રહ્યા.
દંડદાદાકે ગળું ખંખેર્યું, અવાજ જરાક ચોખ્ખો કર્યો, ધીમેથી કહ્યું: ‘મહારાજ! જમાનો ગયો કે શું થાય? રઘુકુળની જેમ ચૌલુક્યોની અણીશુદ્ધ પરંપરા કેમ ન ચાલે? તે વિના મહાન સ્વપ્નાં પાર પડે ખરાં? કાં આપણે નાનાં થયાં, કાં જમાનો નાનો થયો. કુલસદગુરૂ, સોમનાથને પ્રત્યક્ષ કરીને આપણને કારણ આપે! મારે ગુરુ પાસે એ માગવું છે!’
‘કુલસદગુરૂને શ્રદ્ધા છે દાદાકજી!’
‘છે? હા છે!’
દંડદાદાકના ઉત્સાહી રણકાએ ઉદયનમા પણ નવો વિચાર પ્રેર્યો હતો. એને આ વસ્તુમાં પોતાને માટે પણ આશાનું નવું કિરણ દેખાયું.
એક પળ વધુ થઇ અને તેણે કેશવને ધીમે પગલે પ્રવેશ કરતો જોયો. તેણે આવીને મહારાજના કાનમાં કાંઈક કહ્યું. મહારાજ જરાક અસ્વસ્થ થઇ ગયા લાગ્યા. ઉદયનને તરત લાગ્યું કાં મલ્હારભટ્ટના સમાચાર હોય કાં મહારાણીબાના હોય – પણ એને હવે વિધિ ઉપર વધારે પડતો વિશ્વાસ રાખવો ઠીક નથી.
તે તરત બેઠો થઇ ગયો; ચારે પગે થઈને ધીમેધીમે પાછળને રસ્તે જવા માંડ્યો.
એને મોટામાં મોટી ચિંતા એ હતી કે દ્વાર ઉપર વળી કોણ હશે?
એ આગળ વળ્યો. દ્વાર પાસે આવીને અંદરથી જ એણે નજર કરી. કોઈ અજાણ્યો માણસ ત્યાં ઊભો હતો. પણ એની સામે ઊભો રહીને ધનુરભટ્ટ ગપ્પાં લગાવતો સંભળાયો.
હવે! હવે શું થાય? આ તો કરી કમાણી ધૂળમાં મળે એવું લાગ્યું.
રાહ જોતા ઊભા રહેવાનો કોઈ અર્થ ન હતો. તે કાંઈક રસ્તો શોધવા માંડ્યો. એટલામાં એણે જોયું કે દ્વારપાલ બે ટાંટિયા પહોળા કરી, જરા મૂછોને તાવ દેતો પોતાની કોઈ પ્રિયતમાની યાદમાં હોય , તેમ જરાક આકાશ તરફ ડોક કરી રહ્યો હતો.
ઉદયને પોતાની તક પકડી. એ જરાક આમ કે તેમ થયો કે તરત એણે એક નિશાની કરી.
ધનુરભટ્ટે એ પકડી હોય તેમ જણાયું.
એ પણ એ જ ચિંતામાં હોય તેમ જણાયું. એણે ઉદયનને જવા તો દીધો પણ પછી કાચું કપાય તો? એટલે એ પોતે જ આંહીં ગપ્પાં મારતો ઊભો રહ્યો. ને એના પાછા નીકળવાની રાહ જોતો રહ્યો.
ઉદયનને લાગ્યું કે એ પણ તક પકડી લેવા માગતો હતો. એટલામાં પેલા બીજાએ કહ્યું: ‘સૌ વાતો કરે છે, પણ આપણને વશવાસ બેસતો નથી!’
‘શાની વાત કરો છો જોધાજી?’
‘આ જુદ્ધ પૂરું થવાની. મારે તો ખેતર ખળું થઇ ગયું હશે!’
‘આવો આવો જુદ્ધ ક્યારે પૂરું થાશે તે હું બતાવું....’ ધનુરભટ્ટ એને જરાક એક બાજુ ઉપર લઇ ગયો. તેણે એને. આકાશના તારા બતાવવા માંડ્યા: ‘જુઓ! આ દેખાય છે સપ્તર્ષિ, એની બરાબર સીધાણમાં... એ પણે...’
ઉદયન ધીમેથી એક બાજુ સરીને બહાર નીકળી ગયો હતો.
ધનુરભટ્ટે એ જોયું અને છુટકારાનો દમ ખેંચ્યો.
‘ક્યાં?’ પેલો સૈનિક હજી એને પૂછી રહ્યો હતો.
‘અરે! આંધળા! તારે આંખો જ ક્યાં છે? તારા જોવા હોય તો આંખો જોઈએ આંખો. આંખો તો એક હતી ત્રિભુવનપાલજીની – અંધારી રાતે કુતરું છે કે બિલાડું આટલે છેટેથી એ કહી દે!’
ત્રિભુવનપાલજીને નામે ધનુરભટ્ટ વધારે ખીલવાના એ ચોક્કસ. પણ ઉદયનને એમના રસિક વાર્તાલાપનો વધારે લાભ લેવો અત્યારે પોસાય તેમ ન હતો.