Avantinath Jaysinh Siddhraj - 14 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 14

Featured Books
Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 14

૧૪

પણ ઉદયને ફેરવી તોળ્યું!

ઉદયન આવી પહોંચ્યો ત્યારે કાકે ને કૃષ્ણદેવ બંને એની રાહ જોતા જ ઊભા હતા. કૃષ્ણદેવ ગંભીર હતો. કાક વિચારમાં હતો. 

‘તમને કોઈ મળ્યું રસ્તે?’ કૃષ્ણદેવે ઉતાવળે પૂછ્યું. 

‘મને? ના, કેમ? તમને?’

‘મલ્હારભટ્ટ મળ્યો હતો!’

બંને વિચારમાં હતો એનો ભેદ ઉદયનને હવે સમજાયો. મલ્હારભટ્ટે ઇંગનપટ્ટન જવાની વાત કરેલી હોવી જોઈએ. 

‘આપણે આંહીં કૃષ્ણદેવજીએ કહ્યું તેમ, ઘડી ઘડીના રંગ છે. એટલે વાત તમને કહેવાની રહી ગઈ હતી,’ ઉદયને તરત પ્રત્યુત્તર વાળ્યો, ‘પણ મારે ઇંગનપટ્ટન જાવું પડે તેમ છે. મહારાજની આજ્ઞા છે. દક્ષિણ દરવાજાની વાત ત્યાંથી વિજયાદિત્ય પાસેથી લાવવાની છે. મલ્હારભટ્ટે તમને એ જ કહ્યું નાં?’

‘કહ્યું તો એ જ. ને તમારે તરત નીકળવાનું છે; પણ ત્યારે આપણે આનકરાજને આ વાત કરી છે એનું શું? તમે તો આંહીં હશો નહિ!’

‘આપણે આ વાત ફેરવી તોળવી પડશે!’ ઉદયને જવાબ દીધો. 

‘જુઓ, મંત્રીરાજ!’ કૃષ્ણદેવ ગંભીર થઇ ગયો, ‘મને તો આ વાતમાં પહેલેથી જ કાંઈ સાર જણાયો ન હતો. તમે એક વસ્તુ સમજી રાખજો, જ્યાં સુધી હું મહારાજનો થોડોઘણો પણ વિશ્વાસ જાળવી રહ્યો છું, ત્યાં સુધી કુમારપાલજી માટે આશા છે!’

ઉદયન સમજી ગયો. કૃષ્ણદેવની ગંભીરતા શા માટે હતી. એને વાત પ્રગટ થઇ જવાનો ભય લાગતો હતો. કાકની ઉતાવળમાં એ સાહસ જોઈ રહ્યો હતો. 

‘કૃષ્ણદેવજી! આ વાત આપણે ફેરવી તોળવી છે!’

‘ફેરવી તોળવી છે એટલે?’ બંને એકીસાથે બોલી ઊઠ્યા. 

‘આ વાત ગુપ્ત રહેવા વિશે મને સંદેહ જણાયો છે. આપણે શંકા જરાય હોય તે ન કરવું, કાકભટ્ટજી! તમને કેશવે આ અશ્વ વિશે વાત હમણાં કરી કે તે પહેલાં કરી હતી?’

‘એ તો ઘણા વખત પહેલાં થઇ હતી. અને આનકરાજની ઈચ્છા મેં જાણી લીધી હતી. એ ઉપરથી જ આ યોજનામાં અમે આગળ વધ્યા હતા!’

‘ત્યારે તો બરાબર...’

‘શું બરાબર! ઉદયનજી! આંહીં તો ભુવનેશ્વરીના મંદિરમાં, મહારાજને ત્યાગભટ્ટ વિશે ખાતરી કરવી દેવાની પ્રેરણા ચાલી રહી છે. અમે રસ્તે ચાલ્યા આવતા હતા ત્યાં કોઈક બે સૈનિકો એ જ વાત કરી રહ્યા હતા – મહારાજના પ્રતાપી પુત્રની! મને તો કાંઈ સમજ પડતી નથી.’

‘પણ તમને સમજ પડતી નથી ત્યાં મને રસ્તો ચોખ્ખો દેખાય છે.’

‘શો?’

‘જુઓ, રાત થોડી છે, વેશ ઝાઝા છે. અત્યારે તો આનકરાજની રણભદ્રી હજી આવી નથી. એ આવે ત્યારે આપણે કરતાં હોઈએ તેમ કરવું. ને તમારે જ કૃષ્ણદેવજી! આ વાત પ્રગટ પણ કરી દેવી!’

‘પણ અંદર કાક નહિ સંડોવાય?’

‘એને કાઢી લેવાશે. પણ તમારો વિશ્વાસ વધશે તો આપણું કામ સરળ થાશે. એ પ્રગટ થતાં જ આનકરાજ ભાગી છૂટે એવો પણ મેળ ગોઠવવો. એટલે સોમેશ્વરનો પ્રશ્ન તો હમણાં પતી ગયો.’

‘પણ આ મહારાજની વાત છે ત્યાગભટ્ટની, તેનું શું થાશે?’

‘એનો પણ રસ્તો છે. ભુવનેશ્વરી મંદિરમાં કોણ કોણ હશે? તમે હશો કૃષ્ણદેવજી?’

‘ના. ત્યાં હશે દંડદાદાક, કેશવ, મહારાજ ને બહુ તો મહાદેવ! કેમ?’

‘થયું ત્યારે કાકભટ્ટરાજ! હું ત્યાં જવાનો છું. ત્યાં તમે પણ આવજો!’

‘શી રીતે?’

‘તે આપણે ગોઠવીશું. કાકભટ્ટજી! તમે હવે એ ગોઠવણમાં પડી જાઓ. હું પણ માર્ગ શોધું છું. આપણે ત્યાં રહીને નજરોનજર બધું જોવું છે!’

‘તમે વાત ભૂલી ગયા? તમારે માટે તો બે ઉત્તમ ઘોડા તૈયાર થયાં છે. મલ્હારભટ્ટ તમારી સાથે હશે. તમે આંહીં કેવા?’ કૃષ્ણદેવે કહ્યું.

‘હઠીલો તમારો વિશ્વાસુ છે નાં?’

કૃષ્ણદેવ વિચાર કરી રહ્યો. એને આ પ્રશ્નમાં કાંઈ ગતાગમ પડી નહિ. એણે કહ્યું: ‘હા, એ તો વિશ્વાસુ છે!’ 

‘થયું ત્યારે. મહારાજની પાસે એને કુમારપાલની તપાસમાં મોકલવાનું તમે કહ્યું પણ છે. એટલે એ આપણા મનથી આંહીં તો નથી જ.’

‘ના, નથી.’

‘હવે જુઓ. અમારે તો વેશ બદલીને ઇંગનપટ્ટન પહોંચવું છે. ઇંગનપટ્ટન કાંઈ રસ્તામાં પડ્યું છે?’

કાકે ધીમેથી હર્ષોદ્ગાર કર્યો: ‘આ હા! મંત્રીરાજ!...’

‘શું સમજ્યા તમે કાકભટ્ટજી?’ ઉદયનને કાકની ત્વરિત બુદ્ધિશક્તિનો વિશ્વાસ પડી ગયો હતો.

‘હઠીલો રસ્તામાંથી મલ્હારભટ્ટને જ  ઉપાડી લ્યે. એટલે તમે છુટ્ટા!’

‘હાં, હવે તમે સમજ્યા,’ ઉદયને જવાબ વાળ્યો. કૃષ્ણદેવ તો ચકિત થઇ ગયો: ‘અરે!’

‘રસ્તામાં તો અનેક લૂંટારું મળે,’ ઉદયન બોલ્યો, ‘અમારે તો છાને વેશે પહોંચવાનું છે. સાથે બીજું કોઈ છે નહિ, સમજ્યા કૃષ્ણદેવજી? તમતારે એ રસ્તે રાત-દી વહેલામોડા ફરતાં રહેજો ને. તમે કાકભટ્ટજી! ભુવનેશ્વરીના પ્રવેશનું કાંઈક શોધી રાખજો. હું નથી ગયો તેમ પાછો આવી રહ્યો છું. ત્યાં મહારાણી લક્ષ્મીબા પણ કાં તો આવે છે. આનકરાજે શબ્દ તો મોકલાવ્યો છે. ત્યાગભટ્ટનું નિરાકરણ મને ત્યાં દેખાય છે. મને તો આ રસ્તો સૂઝે છે. તમને? તમારા વિના હું એક ડગલું આગળપાછળ ભરું તેમ નથી, કૃષ્ણદેવજી હો! આંહીંનું તમારું વાજું, તમે એ ઘોળી પીધું છે!’

કૃષ્ણદેવને વાત ચોખ્ખી સમજાતી હતી. પણ એનો અભિમાની આત્મા એકદમ વાત કબૂલે તેમ ન હતો. ઉદયન એ સમજી ગયો. તેણે કાકના ખભા પર હાથ મૂક્યો: ‘ભટ્ટજી! આજે આપણને એક સાહસમાંથી કૃષ્ણદેવજીએ ઉગાર્યા છે. તમે હરપળે એને પૂછીને પાણી પીજો. ચાલો, ત્યારે હવે હું ઊપડું છું! મલ્હારભટ્ટ પાસેથી વાત જાણી લઉં! એ અમારો મિત્ર, બંધુ, સ્વજન અને શું શું નથી?’

થોડી વાર સુધી એણે કૃષ્ણદેવના કાનમાં વાત કર્યા કરી.

ઉદયન અને કાક બંને થોડી વાર પછી મલ્હારભટ્ટ તરફ જવા ઊપડ્યા. રસ્તામાંથી કાકે રજા લીધી: ‘ભટ્ટજી!’ ઉદયને કાકની શક્તિ જોઈ લીધી હતી, અને કૃષ્ણદેવની ઉપયોગિતા પિછાની હતી: ‘આ કામ મારું કે તમારું નથી, કુમારપાલજીનું છે. કુમારપાલજીનું પણ નથી, ભગવાન મહાવીરનું છે. પણ હમણાં આપણે કૃષ્ણદેવને ‘મોટો ભા’ કરજો. બાકી જવાબદારી તમારા ઉપર જેવી તેવી નથી. કોઈ નજરમાં છે?’

કાકે રજા લેતાં કહ્યું: ‘આંહીંનું તો બરાબર ઊતરશે. મલ્હારભટ્ટને જરાક સકંજામાં રાખજો ને. એ અડુકદડુકિયોઆવીને આડુંઅવળું કરી નાખે નહિ!’

‘એને વધારે આરામની જરૂર છે, એ આપણે ક્યાં સમજતા નથી? એ તો હવે ધીમે ધીમે આવશે. તમે તમારા મેળમાં રહેજો ને. આપણે ત્યાગભટ્ટને  ઉપાડવો નથી ને રહેવા દેવો પણ નથી. મંદિરમાં જોયા પછી વાત. ઠીક ત્યારે. જય જિનેંદ્ર!’

‘જય સોમનાથ!’ કાકે બે હાથ જોડ્યા.