૧૩
ચૌહાણોની દેરી!
ચૌહાણ રજપૂતોની કુલદેવી માતા આશાપુરી છે. જયસિંહ મહારાજના ચૌહાણ સૈનિકોએ પોતાની કુલદેવીનું એક નાનકડું થાનક ધારાગઢ મોરચે ઊભું કર્યું હતું. ત્યાં અવારનવાર તેઓ મળતા. ચૌહાણોમાં એક વર્ગ ધીમેધીમે એવી માન્યતા ધરાવતો થયો હતો કે જતે દહાડે પાટણનું રાજ ચૌહાણોનું થવાનું છે!
એ માન્યતાને ટેકો આપનારાઓની પણ ખોટ ન હતી. દરેક ગુરુશુક્રનું નામ જાણનારો પોતાની આંગળીને વેઢે એ વાત હોવાની ખાતરી આપતો. પૃથ્વી પરમારની હતી પણ ધરતી ચૌહાણોની હતી, એવી ગાંડીઘેલી માન્યતાએ ચૌહાણ સૈનિકોને પાટણ પ્રત્યે લોભથી જોતા કર્યા હતા. મહારાજ જયદેવ સોમેશ્વરને આંગળીએ વળગાડીને ફેરવતા એમાં એમની આ અભિલાષાના પડઘા સંભળાતા. કાંચનદેવીની એ જ ઈચ્છા હતી.
અણહિલપુર પાટણનું રાજસિંહાસન આનકરાજ માટે એક ઇન્દ્રજાળ સમું આકર્ષણ ઊભું કરી રહ્યું હતું. એટલો કુમારપાલનો પંથ વિકટ બનતો હતો. ઉદયનને એ ખબર હતી.
ચૌહાણોને મન તો કુમારપાલ અસ્પૃશ્ય જેવો થઇ ગયો હતો. એનું હીન કુળ, એ વાતને એમણે પણ મોટું રૂપ આપ્યું હતું, મહારાજની અને એમની વચ્ચે જેમ વિરોધ વધે તેમ એમનો ફાયદો હતો.
પણ પાટણના આ સિંહાસનની અને અજમેરની વચ્ચે અડગ ખડક સમા કોઈ ઊભા હોય તો એ પાટણના રાજમંત્રીઓ – દંડદાદાક, મુંજાલ, મહાદેવ, આશુક, સેનાપતિ કેશવ, મંત્રીશ્વર ઉદયન અને એ આખો સમૂહ.
એમને મન પાટણ પૃથ્વીનું કેન્દ્ર હતું, એની પરંપરા એ વેદઋચા હતી. એનું ગૌરવ એ જીવંત વસ્તુ હતું. પાટણ કોઈ નગર કે શહેર ન હતું, એ તો જે ભાવનાની પાછળ માણસો જીવે, લડે ને પ્રાણ અર્પણ કરે એવી ભાવનાનું પ્રતિક થઇ ગયું હતું.
એની અખંડિત પરંપરા – એ તૂટે જ નહિ, તૂટી શકે નહિ. મહારાજ મૂલરાજદેવના સમયથી, દોઢસો વર્ષથી, ચાલતી આવેલી એ ઈતિહાસકથા દરેક પટ્ટણીને મન, એ અમૂલ્ય વારસો હતો.
પણ ચૌલુક્યોના ઇતિહાસમાં કોઈ દિવસ નહિ ને આજે મહારાજ જયસિંહદેવ જેવાનાં જમાનામાં આ પ્રશ્ન આવીને ઊભો રહ્યો:
‘મહારાજ જયસિંહદેવ પછી... કોણ?’
મહારાજે સરજેલી હવા – એ વહન કરવાની તાકાત ન હોય તો – ગમે તેવાં શક્તિશાળીને ઘડીના છઠ્ઠા ભાગમાં પાટણના સિંહાસન ઉપરથી ઉઠાડીને ફેંકી દે!
અજમેર હોય કે ગમે તે હોય, પાટણ એણે સિંહાસન ઉપર પગ મૂકવા દે એ વાતમાં કાંઈ માલ ન હતો.
ઉદયનને મનમાં એટલા માટે ધરપત હતી. અત્યારે તો એણે આનકરાજને સાધ્યો હતો. આનકરાજ એ સમજ્યો ન હતો, એમ ન હતું, પણ પછી દેખી લેશું કરીને પોતાનો મારગ કાંટા વગરનો કરવા એ તૈયાર થયો હતો. એને એનો સ્વાર્થ હતો. વળી પોતાને મહારાજ મુસાફરીએ મોકલે એટલે તે પહેલાં અત્યારે આ યોજનાનું રૂપ નક્કી ઘડાઈ જાય એ પણ આવશ્યક હતું. હઠીલાને અત્યારે જાણી જોઇને સાથે રાખ્યો ન હતો આનકરાજની વાત બંધાઈ જાય પછી હઠીલાને ખબર કરવી એવો નિર્ણય થયો.
ઉદયન અને કૃષ્ણદેવ બંને આડેઅવળે માર્ગે થઈને ચૌહાણની દેરી પાસે આવ્યા તો ત્યાં કોઈ કહેતાં કોઈ દેખાયું નહિ! એમના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. આનકરાજે બનાવ્યા કે શું એ વિચારથી ઘડીભર ઉદયન અવાક જેવો ઊભો રહી ગયો. કૃષ્ણદેવે એના કાનમાં કહ્યું: ‘કોઈ આવ્યું લાગતું નથી એ શું? હવે તો આંહીં ઊભા રહેવામાં પણ પૂરું જોખમ છે!’
પાછા વળી જવાનાં નિશ્ચય ઉપર એ આવ્યા ન આવ્યા ત્યાં કૃષ્ણદેવે ઉદયનના ખભા પર હાથ મૂક્યો: ‘સાંભળો તો!’
સ્પષ્ટ રીતે આ તરફ કોઈ ઘોડેસવાર આવી રહ્યાના ભણકારા હવામાં સંભળાતા હતા.
એમને ઝાઝી વાર થોભવું પડ્યું નહિ. બે પળમાં જ એક ઘોડેસવારે દેરી પાસે ઘોડો થોભાવ્યો. રાત અંધારી હતી, ને જમીન આડીઅવળી વાંકીચુકી ટેકરીઓથી ઢંકાયેલી હતી. ઝાડની ઘટા પણ ઠીકઠીક પથરાયેલી હતી, એટલે કોણ છે એ સ્પષ્ટ રીતે ન કળાય ત્યાં સુધી બંનેએ ઝાડની પાછળ ઊભા રહી જવામાં સલામતી જોઈ. ત્યાં એમને તરત કોઈ જાણી શકે તેમ ન હતું. બંનેએ સાવધાનીની ખાતર બુકાની તો બાંધી જ હતી.
ઘોડેસવાર કોઈકને શોધતો થોડી વાર ઊભો રહી ગયો હોય તેમ લાગ્યું. અંતે એણે એક વિચિત્ર અવાજ કર્યો. એ અવાજના જવાબમાં હોય તેમ બે-ત્રણ જણા દેરીની નીચેના ભાગમાંથી આવતા દેખાયા! કોઈ કેમ દેખાતું ન હતું એનું રહસ્ય ઉદયનને હવે સમજાયું. પણ આનકરાજ જેવાએ લીધેલી આ સાવચેતીએ એને વિચાર કરતો કરી મૂક્યો. ત્યાગભટ્ટનું અલોપ થવું એ જેમ સાધારણ વાત ન હતી તેમ એ વાત પ્રગટ થયા વિના રહે એ પણ એને હવે અશક્ય જણાવા માંડ્યું!
‘કેમ હજી કોઈ આવ્યું નથી નરદેવ?’ અવાજ આનકરાજનો હતો. ઉદયને એ તરત્ક પકડી લીધો. આવેલો સવાર એ એનો વૃદ્ધ વિશ્વાસુ રાતવાળો સૈનિક નરદેવ હોવો જોઈએ.
‘કૃષ્ણદેવજી! અવાજ તો આનકરાજનો છે. આપણે આગળ જઈએ,’ ઉદયને ધીમેથી કહ્યું. બંને જણા આગળ વધ્યા.
એમને બેને જોઇને આનકરાજે તરત કહ્યું: ‘ઉદયનજી! કોણ છે તમારી સાથે?’
‘એ તો કૃષ્ણદેવજી!’
‘એ પણ આવ્યા છે?’ આનકરાજ પહેલાં તો ચોંકી ગયો પણ પછી એણે ધીમેથી ઉમેર્યું, ‘ઠીક થયું ત્યાં, એક કરતાં બે ભલા. પણ આપણે નીચે જ ચાલો. આ જમીન ઉપર તો ઊભા રહેવામાં પણ જોખમ જણાય છે. તમે જગદેવજી! અંદર ઊતરી પડો. સૌને લઇ જાઓ. નરદેવને રવાના કરીને હું આ આવ્યો!’
ઉદયન નામ સાંભળતાં ચોંકી ગયો. જગદેવજી તો આનકરાજનો પાટવી, એ આંહીં હતો? જગદેવજીના ચહેરા તરફ જોતાં એને નવાઈ લાગી. એનો કરડો, ભયાનક ને ખુન્નસભર્યો તીખો એ ચહેરો હતો કે દિવસે મળ્યો હોય તોપણ માણસ એ જોતાં ધ્રૂજી ઊઠે. એણે ઉદયનને બે હાથ જોડીને વિવેકભર્યા નમસ્કાર કર્યા. ઉદયન એની મોટી ભયંકર આંખો સામે એક પળ જોઈ રહ્યો. બાપદીકરાને મેળ ન હોય એમ ઉદયને સાંભળ્યું હતું. આજે તો આ ત્યાગભટ્ટને પ્રસંગે બંને ભેગા થઇ ગયા હોય તેમ જણાયું. આનકરાજે શા માટે એની વાત તરત સ્વીકારી લીધી એનો મેળ પણ ઉદયનને હવે મળી ગયો. એ ત્યાગભટ્ટને ઉપાડી લેવાની તૈયારી કરી રહ્યા હતા. નહિતર જગદેવ આટલી વારમાં ક્યાંથી દેખાય? પણ એ વાતે વળી ઉદયનને વધારે વિચારમાં નાખ્યો.
‘નરદેવજી! તમે ગયા નથી તેમ આવો. આપણી ‘રણભદરી’ ને જ હાજર કટો. પછી ભલે આખી સેના પાછળ પડે. ઊપડો ત્યારે, અને જુઓ, મારગ લેજો એવો કે ચકલુંય સામે મળે નહિ!’ આનકરાજે કહ્યું.
‘એમાં તે કાંઈ કહેવું પડે? કોણ હું પાછો આવું રણભદરીને લઈને કે કોઈને મોકલું?’
‘વાહ! નરદેવજી! વાહ! આટલા વર્ષ થયાં તમને પણ રણભદરીને ત્યારે તમે જાણી જ નહિ ને? તમારા પોતાના વિના એ માનીતું ડગલું ચાલે ખરી કે? એ તો તમારે જ આવવું પડશે! ને આંહીં પણ ખપ તો તમારો છે જ.’
રણભદ્રી આનકરાજની માનીતી સાંઢણી લાગી. ત્યાગભટ્ટને અલોપ કરી દેવાની આણે તો સાચ વાટીને માંડી હતી. પણ ઉદયનને હવે પરિણામની શંકા થવા લાગી! આનકરાજ તો અજમેર જઈને બેસી જાય. કૃષ્ણદેવ આડોઅવળો ભાગી છૂટે. પણ સ્તંભતીર્થ તો એણે ખોવું પડે ને સ્તંભતીર્થની એની તમામ સમૃદ્ધિ ખોવી પડે. અને વાગ્ભટ્ટ, આમ્રભટ્ટ એ બધા પણ રાખડી પડે. આ એક પગલું કેટલું જોખમ ભરેલું છે એનો ખરો ખ્યાલ એને હવે આવ્યો. કૃષ્ણદેવની સાવચેતીની વાત સમજવા જેવી લાગી. અને એ સાથે જ એ વધારે સાવધ થઇ ગયો. જગદેવની પાછળ ત્વરાથી જતાં એણે કૃષ્ણદેવના કાનમાં કહ્યું: ‘કૃષ્ણદેવજી! આપણે હવે જ ખરાખરીની છે હો!’
‘મેં તો તમને પહેલેથી કહ્યું હતું,’ કૃષ્ણદેવે ધીમેથી જવાબ વાળ્યો.
‘આપણે એમ કરો. આમને રસ્તો બતાવી આઘા ખસી જાઓ. લક્ષ્મીબા ક્યારે આવવાનાં છે? કાંઈ સંભળાય છે?’
‘એ પણ આવવાં તો જોઈએ જ.’
‘મેં તો આને જ કહ્યું છે કે, કાંચનદેવીના નામે ઝટ બોલાવો!’ આનકરાજ પાછળ આવી રહ્યો હતો એટલે બંને શાંત થઇ ગયા.
ચૌહાણોની આ નાની સરખી દેરીના વિશાળ ઓટલાની એક ભીંતમાંથી એ જમીનની અંદર જતાં પગથિયાં ઊતરી રહ્યા હતા. પગથી માંડ એક માણસને સમાવે તેવી હતી. ધૂળનો પણ એના ઉપર ઠીક થર જામ્યો હતો. રાત અંધારી હતી. જગ્યા અજાણી હતી. બધું ધ્યાન ધીમેથી પગમાં મૂકવામાં જ રોકવું પડે તેમ હતું. કોઈ કાંઈ બોલતું ન હતું.
કેટલાંક પગથિયાં ઊતર્યા પછી રસ્તો સાંકડી નેળ જેવો સીધો ચાલ્યો જતો જણાયો.
‘તમે આવી ગયા ઉદયનજી! એ ઠીક થયું.’ આનકરાજે પાછળથી લગોલગ આવી ચડતાં ધીમેથી ઉદયનને કહ્યું, ‘પણ આંહીં એટલી તો વાતો હવામાં ઊડે છે કે જો ઈ ધ્યાન ન રાખે તો એ હવામાં જ એનું તણખલું થઇ જાય! ને વધારામાં આ તમારું બાબરું! એ બોલતું એક શબ્દ નથી, પણ હરેકે હરેક વાત એની નજરમાં જાણે આવી જ જાય છે. એટલે મેં ઉપર ઊભા રહેવાની પણ નાં પાડી. વખત છે! આંહીં આગળ જતાં એક મજાનો ચોક આવે છે, ઉપરથી ઢાંકેલો, ધરતીના પેટાળનો, એટલે કોક સાચ વાટીને અંદર આવે તો જ પત્તો ખાય. આપણા બે માણસ ત્યાં પ્રવેશદ્વાર ઉપર ગુપચુપ બંને બાજુએ ઊભા રહી ગયા છે. બોલો, કૃષ્ણદેવજી! શું કરે છે પ્રેમલદેવીબા? આવવાનાં છે આંહીં? રજપૂતાણીઓને આ લડાઈઓ તો બતાવો, નહિતર પછી નગારું વાગતાં ધ્રૂજે એવાં થાશે!’
ઉદયને આનકની જાડી વાણી અસ્થાને લાગી. એણે કાંઈ પ્રત્યુતર ન વાળતાં આગળ ચાલવાનું કર્યું. પણ કૃષ્ણદેવ રહી શક્યો નહિ.
‘આનકરાજ! એંકાર તો ભૈ! રાજા રાવણને પણ ભારે પડ્યો હતો. હજી સુધી તો પાટણમાંથી રત્નો નીકળ્યાં છે!’
‘તમારે ત્યાં ખાણ ખરી નાં!’ બોલનાર જગદેવ હતો.
ઉદયનને, આ રજપૂતોની મંડળી આડે માર્ગે ચાલી જાય, એ પોતાની જ હાનિ કરે એમ લાગ્યું. એણે તરત જ વાત બદલી:
‘આંહીં કોણ હશે મહારાજ? પરપોટો ફોડે એવો કોઈ અદકપાંસળીનો પેસી નથી ગયો નાં?’
‘અરે હોય કાંઈ? એમ તો હું પણ સમજું છું. ટપલી મારવી છે. પણ ઝાડને ઓથે રહીને!’
‘એ તો તમે આંહીં બેઠાં ઘડી રાખી છે યોજના, એટલે વાંધો નથી. કૃષ્ણદેવજી! તમે શું રસ્તો બતાવો છો?’
‘શાનો?’
‘ત્યાગભટ્ટને અલોપ શી રીતે કરવો?’
કૃષ્ણદેવ વિચાર કરી રહ્યો? ‘એક જ ઉપાય છે આનકરાજજી તમારી આ ‘રણભદ્રી’ આવે ત્યારે ભુવનેશ્વરી મંદિરને માર્ગે એને રાખો. ત્યાગભટ્ટ એ રસ્તે વહેલો-મોડે નીકળવાનો.’
‘એમાં જોખમ સો ટકાનું કૃષ્ણદેવજી!’
‘ત્યારે તમે કાંઈ વિચાર્યું છે?’
‘આપણે સૌ વિચાર કરીએ. આ ત્યાગભટ્ટ જેવો ગજનિષ્ણાત છે એવો અશ્વનિષ્ણાત થવા માગે છે. એમાં જો ક્યાંય પત્તો ખાય તો ખાય!’
ઉદયન બોલતો ન હતો, પણ એ ઊંડા વિચારમાં ચાલી ગયો હતો.
‘આજ આપણે જગ્યા અને સમય નક્કી કરો,’ ઉદયને કહ્યું, ‘ને પછી મંગળ સમો જોઇને કરો કંકુના! પણ આંહીં આપણો માણસ દરેક નાણી જોયેલ છે મહારાજ?’
‘બીજું કોણ છે? આ જગદેવ એ તો અમારા જ છે. નરદેવ ગયા તે. તમે છો. હું છું. કૃષ્ણદેવજી છે. આ એક નવા છે – પણ એ તમારા છે!’
‘નવો કોણ હશે?’ એ વિચાર ઉદયનને આવી ગયો.
પણ એટલામાં સૌ ચોકમાં આવી પહોંચ્યા. ત્યાં એક ભીંતના નાનકડા ગોખલામાં દેવીની મૂર્તિ હતી. તેની પાસે એક ઝાંખો દીવો બળી રહ્યો હતો. ઉદયને જોયું તો માત્ર એક જ માણસ નવો હતો. એ કોણ હોવો જોઈએ. એનું અનુમાન કરવા પ્રયત્ન કર્યો. એણે ઘણી હોશિયારીથી પોતાની જાતને છુપાવેલી લાગી. કૃષ્ણદેવે ઉદયનના ખભા ઉપર હાથ મૂક્યો, બહુ જ ધીમેથી કહ્યું: ‘આ કાક આંહીં આવ્યો જણાય છે! મંત્રીશ્વર! નવો માણસ તો એ છે.’
‘કાક?’ ઉદયન ચમકી ગયો. પોતે પહેલવહેલું આનકરાજનું નામ ભાવિ મદદગાર તરીકે એની સમક્ષ મૂક્યું, ત્યારે એ કાંઈક વિચારમાં પડી ગયો હતો એ એને હવે સાંભર્યું. પણ એટલી વારમાં આનકરાજની આ યોજનામાં ભળી જવાની એની તત્પરતા અને કાર્યસાધકતાએ ઉદયનના મોંમાં આંગળાં નખાવ્યાં; અથવા તો આ યોજના આંહીં વિચારમાં જ હોય! ગમે તેમ, આ યોજના સિદ્ધિ વિશે એને હવે વધારે આશંકા આવી. એને લાગ્યું કે આનકરાજે કાકને આ વિશે કદાચ અગાઉથી જ સાધી રાખ્યો હોય, જોકે બેમાંથી એકેએ એ વિશે ઉલ્લેખ કર્યો ન હતો.
થોડી વારમાં જ માતાજીના ગોખલા પાસે દીવાને અજવાળે સૌ ગોઠવાઈને બેસી ગયા. ઉદયને કાકને સ્પષ્ટ રીતે ઓળખી કાઢ્યો. કાકે એને બે હાથ જોડીને પ્રણામ કર્યા. એમાં કાંઈક વધારે અર્થ હોવાનું ઉદયનને લાગ્યું. તે વિચાર કરે છે એટલામાં તો આનકરાજે ધીમા અવાજે વાત શરુ કરી: ‘અમારા ઉપર કે તમારા ઉપર શંકા ન જાય એમ કામ થાય તો આ કામ કર્યું કહેવાય, ઉદયનજી! શંકા જાય તો અમારા મનમાં એનો દખધોખો કાંઈ નથી.’ આનકરાજની વાણીએ એનું જાડું રૂપ ધારણ કર્યું, ‘રાજ પાટણનું અમારું હક્કથી છે એ તો મહારાજ પોતે જ કહે છે, અને એમાં આડે તમે સૌ ઊભા છો!’
‘અમે! મહારાજ! મેં તો તમને સ્પષ્ટ વાત નથી કરી? અમે તમારી આડે આમાં નથી!’
‘તમારી વાત ચોખ્ખી છે. અમારી વાત પણ ચોખ્ખી છે!’
‘પહેલાં આ પરણે એનું ગાવ ને!’ કાકે કહ્યું, ‘અને આપણે પાછું ઝટ ભાગવાનું છે.’ એણે ઉદયન સામે જરાક અર્થભરેલી દ્રષ્ટિ કરી. આનકરાજની યોજના આખી જાણી લેવાની એમાં તત્પરતા હતી. ઉદયનને નવાઈ લાગી.
‘ત્યારે જુઓ કાકભટ્ટરાજ! તમે આને કહ્યું છે તે પ્રમાણે ત્યાગભટ્ટને આ બાજુ તમે લાવી શકશો?’
ઉદયન કાંઈ સમજ્યો નહિ. એને લાગ્યું કે કાકે આનકરાજ સાથે આ વાતની મસલત કરેલી હોવી જોઈએ.
‘એ કામ મારા માથા ઉપર.’ કાકે કહું, ‘એ જેમ ગજનિષ્ણાત થયો છે, તેમ અશ્વનિષ્ણાત થવા માટે કેશવ સેનાપતિએ ભળાવ્યું છે. મેં માથે લીધું છે. તમારે મને મદદ કરવાની છે કૃષ્ણદેવજી!’
કાકની આ અજાણી વાતનો મર્મ કૃષ્ણદેવ એકદમ પકડી શક્યો નહિ. તે કાંઈનું કાંઈ કહેવા જતો હતો. પણ ઉદયને તેનો હાથ દબાવ્યો એણે બોલ્યા વિના ડોકું ધુણાવ્યું.
‘થયું ત્યારે. રણયુદ્ધમાં, ખરે વખતે દુશ્મનના અશ્વને નૃત્ય કરતો કેમ કરી દેવો, એ વાત જ્યારે એ શીખતો હોય, ત્યારે તમને તક મળે. પછી જેવી તમારી સાંઢણી ને જેવો સવાર!’
‘એ તો બરાબર.’ જગદેવે કહ્યું, ‘પણ જો આમાં કાંઈ આડું-અવળું થયું... તો?’
‘જુઓ જગદેવજી! આમાં જેટલો તમારો સ્વાર્થ છે, એટલો અમારો પણ છે.’ કાકે કહ્યું.
‘પૂછો બાપુજીને!’ ઉદયને ઉમેર્યું.
‘બાપુજી છે ભોળા ને તમે સહુ રહ્યા આંહીંના મારવાડી વાણિયા!’ જગદેવે હસતાં હસતાં કહ્યું. ઉદયને જોયું કે એને હસતાં પણ આવડતું નથી. પોતે મોટો કુમાર હતો એટલે અજમેર ખાતે રાજ સંભાળે, ને નાનકડો સોમેશ્વર પાટણમાં હોય તો વહેલે મોડે પાટણ ગલી જવાય, એટલા માટે એણે આ સ્વાર્થી ઉતાવળી ચાલ આરંભી હોય એમ એને લાગ્યું. ઉદયન એના પ્રત્યુત્તરમાં મોટેથી હસી પડ્યો: ‘વાત એમની સાચી છે કાકભટ્ટરાજ! રણભદ્રી દેખાય ને તરત જ જો ઊપડી જાય તો આ વાતની સલામતી!’
‘એટલે તો આ જે હું જાણું છું, એ મેં તમને તરત બતાવ્યું. આ બાજુ ઉપર ત્યાગભટ્ટ આવી ચડે એટલું મારા માથા ઉપર!’
‘તો એ તરત જ ઊપડી જાય એ કરવાનું મારા માથા ઉપર! પછી શું?’ જગદેવ બોલ્યો.
‘ને આ ઠરી ચૌહાણોની દેરી, એમાં હજાર આવે ને હજાર જાય. એટલે આપણે સૌ છુટ્ટા!’
ઉદયનને કાકની વાતમાં રસ પડ્યો. એ સાંભળી રહ્યો.
‘એક વાતનું ધ્યાન રાખજો. વાત લંબાવતા નહિ,’ તેણે ધીમેથી ઉમેર્યું.
રણભદ્રી આવે એને બીજે જ દિવસે કાક, ત્યાગભટ્ટને આ બાજુ લાવે એ નક્કી થયું. જગદેવજીએ ત્યાગભટ્ટને ઉપાડી લેવા ને સાંઢણી ઉપર ખંખેરી મૂકવા એ પણ નક્કી થયું. આનકરાજ તો આંહીં રણક્ષેત્રમાં જ રહેવાના હતા એટલે શંકા-કુશંકાનું સમાધાન થઇ જતું હતું.
વાતનું રૂપ નક્કી થયું. દિવસ પછી નક્કી કરવો એમ ઠર્યું. સૌ ઊપડવા તૈયાર થયા. કાકને સૂચના અપાઈ ગઈ. ઉદયનને લાગ્યું કે આ યોજના આંહીં ઘણા વખતથી તૈયાર થઇ હતી. કાકને એમાં રસ હતો. ઉદયનને એની મહત્તા હવે જણાઈ. કૃષ્ણદેવ કરતાં પણ એનું મૂલ્યાંકન એને વધતું જણાયું.
પણ જ્યારે સૌ છૂટા પડી ગયા, અને એ એકલો મુકામે જવા નીકળ્યો ત્યારે એ કાંઈક ઊંડા મનોમંથનમાં ચાલી રહ્યો હતો.
એને લાગ્યું કે આમાં ક્યાંક કોઈ મહત્વની કડી જ તૂટે છે.
એ કડી કઈ? એ કડી શોધવાનું મંથન કરતો એ પોતાની પટ્ટકુટી તરફ જવા નીકળ્યો.
રસ્તામાં એક જગ્યાએ ઊભોઊભો મોટેથી હસી પડ્યો: ‘એ તો એમ જ! કૃષ્ણદેવે કહ્યું તેમ આંહીં ઘડી ઘડીના રંગ છે. આનકરાજની વાત આપણે જ હવે પ્રગટ કરવી પડશે- સમય આવ્યે!’
કૃષ્ણદેવ ને કાક એની રાહ જોતા હોવા જોઈએ. એ ઉતાવળે પોતાના મુકામ તરફ ઊપડ્યો.