૭
મેળવ્યું કે ખોયું?
મલ્હાર ભટ્ટે તો કચકચાવીને ઉદયનનો ઘોડો ઉપાડી મૂક્યો હતો. પોતે ક્યાં જઈ રહ્યો છે એનું એને કામ ન હતું. ઉદયન ટાંટિયા ઠોકતો એણે શોધતો હશે એટલો જ સંતોષ એને માટે હતો. પાટણના રાજતંત્રમાં એણે જ્યાં ત્યાં જૈન મંત્રીઓનો જ ભેટો થતો રહ્યો હતો. પોતે હતો બ્રાહ્મણોત્તમ એટલે આજે એવો એકને છક્કા પંચા રમાડ્યાનો આત્મસંતોષ એને આગળ ને આગળ ધકેલી રહ્યો હતો. વેગમાં ને વેગમાં એણે કેટલો રસ્તો કાપી નાખ્યો એનું એણે કાંઈ ધ્યાન ન રહ્યું. પણ રણભૂમિના સૈનિકોનાં શિબિર તો ક્યારનાં દેખાતાં બંધ થઇ ગયાં હતાં. થોડી વારમાં તો ભૂમિ સજીવ વધારે લાગવા માંડી. પશુ, પંખી, માનવ દેખાવા માંડ્યા. કોઈ એક ઠેકાણે તો લીલાંછમ ખેતરમાં ખેડૂતો કામ કરી રહ્યા હતા. રણભૂમિથી એ ઠીક દૂર નીકળી ગયો હોય એવું એને લાગ્યું.
મલ્હાર ભટ્ટને વિચાર આવ્યો કે આમ ને આમ તો પોતે ઉજ્જૈની જાતો ઊભો રહેશે. ને મહારાજને મળવાનું તો બાકી જ રહી જશે.
પોતે ક્યાં છે એ જોવા એણે જરાક ઘોડાને થોભાવ્યો. તો એની બરાબર સામે જ, એક નાની સરખી ટેકરી ઉપર, કોઈ સુંદર શિવમંદિરની ધજા હવામાં લહેરાતી એણે જોઈ. મલ્હાર ભટ્ટે બે હાથ જોડીને એ બાજુ પ્રણામ કર્યા. તેજદેવ ભુવનેશ્વરીનું મંદિર કહેતો હતો તે આ હોવું જોઈએ તેમ એણે અનુમાન કર્યું. એવામાં રસ્તા ઉપર કોઈ કુંભાર ગધેડાં ઉપર માટી લઈને એ બાજુ જતો દેખાયો. મલ્હાર ભટ્ટે તેને પડકાર્યો:
‘અલ્યા એ! આ કોનું મંદિર છે?’
‘તારી કાકીનું!’ કુંભારે આડાઈમાં ને આડાઈમાં જવાબ આપ્યો. પછી ગધેડાને એકબે ડફણાં માર્યા.
મલ્હાર ભટ્ટને ખાઈ ગઈ. એણે તો ધબ દઈને તરત ઘોડા ઉપરથી પડતું જ મૂક્યું. રસ્તા ઉપરથી ખજૂરીનું લીલુંછમ એક સોટું કાપ્યું, અને સીધો કુંભારની ઉપર જ દોડતો ગયો. પણ કુંભાર માથાનો હતો. થડક્યા વિના જ એણે કોદાળી સામે ધરી. મલ્હાર ભટ્ટે ઝપ દઈને તલવાર ખેંચી: ‘બોલે છે કે પૂરી કરી નાખું? મંદિર કોનું છે બોલ, નહિતર પૂરો –’
‘હવે કર્યા કર્યા પૂરો! આ નોય તારું પેલાનું માળવું? કે જેમાં ભોજિયોય ધણી નહિ! આ ગઢ ધારાની બા’ર હવે કોની આણ વર્તે છે એની ખબર છે? આંહીં હવે મહારાજ સધરા જેસંગની આણ છે! આ ભવનેશરીના મંદિર દીમનો ગ્યો હશે કાકો, ને જો હમણાં આવી ચડ્યો તો, ભાગતાં ભોં ભારે પડશે! ઉપાડી જો ને સોટો! આવતીકાલે સાતમા પાતાળમાંથી તને ખોદી કાઢે મહારાજ જેસંગ પોતે! હું તો જૂનાગઢનો માર્યો છું ને આંહીં કામવા આવ્યો છું. પણ તારું બાપા! ક્યાંક આઘેનું મથાળ હશે તો આંઈ અંતરિયાળ કોઈ પાવળું પાણી પણ નહિ પાય! રાજ મહારાજ સધરા જેસંગનું છે. અન્યા કરતાં વિચાર કરજે!’
‘પણ તો આ મંદિર ભુવનેશ્વરીનું છે કે કોનું છે, એમ બોલતા તને શું ભાર પડે છે?’
‘પણ આ ડુંગરડો દેખાય ત્યાંથી આગળ વધ્યો, તો તારો મફતનો ફજેતો થશે. બાકી લે ને, જવાબ આપ્યો. ભુવનેશ્વરીનું મંદિર છે. પણ ન્યાં ચકલુંય ફરકતું નથી! એનું શું?’
‘કેમ?’
‘ઈ જાણે મારો માલિડો! આંઈ તો આ માટી પહોચાડવાની છે, મહારાજની વાતુનો તું કોણ હિસાબ લેનારો?’
હવે તો કુમ્બર પાસેથી વાત કઢાવવાની મલ્હાર ભટ્ટને ચટપટી થઇ રહી. તેણે ધીમેથી પૂછ્યું: ‘પણ તું ત્યાં જાય છે તે ખબર તો હશે નાં? ત્યાં કોણ રહે છે?’
કુંભાર તો જવાબ પવને બદલે મોટેથી હસી પડ્યો. ધડબડ ધડબડ અવાજ થતો જોઇને મલ્હાર ભટ્ટે ચમકીને જ્યાં પાછળ જોયું ત્યાં તો ઘોડો પાણીવેગે પાછો ઊપડી જતો દેખાયો! દ્રષ્ટિ ગઈ ન ગઈ ત્યાં તો એ નજર બહાર નીકળી ગયો.
‘ઓત્તારીની!’ મલ્હાર ભટ્ટ તો દિગ્મૂઢ જેવો બની ગયો: ‘મારું બેતુ!’
‘હવે આના ઉપર સવારી કરજો – આ મારા માણેકડા ઉપર! આમ આવ! એલા માણેકડા! આમ આવ!’ કુંભારે મલ્હાર ભટ્ટને રસાસ્વાદની વાનગી આપવા માંડી! ;ક્યાંના છો બાપ? ભટ્ટરાજજી! ટારડું કોક ચોરાવ હતું કે શું?’
એટલામાં જ મંદિરની દિશામાંથી કોઈ ઘોડેસવાર આવતો હોવાના પડઘા સાંભળતાં કુંભાર શિયાંવિયાં થઇ ગયો. તેણે કહ્યું: ‘ભાગો, ભાગો, આંહીં તમે જો દેખાણા તો તમારું આવી બન્યું સમજજો મને ખબર નથી, પણ મંદિર કાં’ક સધરા જેસંગ મા’રાજના છોકરાવાળી વાત છે!’
એટલામાં તો આઘેના ડુંગરડાની ટોચ ઉપર એક ઘોડેસવાર દેખાયો. ગધેડાને એકદમ ડફણાં મારતો કુંભાર તો ભાગ્યો.
પણ મલ્હાર ભટ્ટને તો હવે બીજો કોઈ રસ્તો ન હતો. કોણ આવી રહ્યું છે એ નિહાળવા એણે ઝીણી દ્રષ્ટિથી રસ્તા ઉપર નજર માંડીને જોવા માંડ્યું. થોડી વારમાં તો ઘોડેસવાર એની વધારે પાસે આવી ગયો.
મલ્હાર ભટ્ટે દૂરથી પણ સવારને ઓળખી કાઢ્યો. કેશવ સેનાપતિ હતો. એને એણે પાટણમાં રાજસવારીમાં સાથે નીકળતાં ઘણી વખત જોયો હતો. એની તીક્ષ્ણ આંખ એના પોતાના ઉપર જ વીજળીની રેખાની જેમ મંડાયેલી એણે દીઠી. એનો શ્યામ, ઉત્તુંગ, જાતવંત ઘોડો તો ગુજરાત-પ્રસિદ્ધ હતો. એણે એની ચાલને ત્વરિત કરી મૂકી હતી. મલ્હાર ભટ્ટને લાગ્યું કે હમણાં જ એની પડખે આવીને એ ઊભો રહેશે. એના વજ્જર જેવા કડક સ્વભાવ વિશે તો એણે પાટણમા જ ઘણી વખત સાંભળ્યું હતું. આ બાજુ એના નામની હાક વાગે છે એ વાત પણ એને કાને આવી ગઈ હતી. એણે ભીલોને જાણે મિત્રો બનાવી દીધા હતા. ખેટકમંડલમાં તો ઘેર ઘેર એની પ્રશંસા થતી મલ્હાર ભટ્ટે સાંભળી હતી. નાનાનાના તમામ મંડલેશ્વરોને ધારાગઢ રણમોરચે એણે જ ઊભા કરી દીધા હતા. આંહીં તે એનું નામ હરકોઈ સૈનિકના હોઠ ઉપર રમતું હતું. એટલે એને આંહીં મળવાની આમ તક મળી ગઈ એ જોઇને, મલ્હાર ભટ્ટનો ઘોડો ખોયાનો અસંતોષ કાંઈક મોળો પડ્યો. એટલામાં તો કેશવે રસ્તા ઉપર પોતાનો ઘોડો ઊભો રાખ્યો; એની ગરુડ જેવી દ્રષ્ટિ કરી દ્રઢ અવાજે પૂછ્યું: ‘કોણ છો તમે, ભટ્ટજી? પેલું ઘોડું તમારું દોડ્યું ગયું? સૈન્યમાં છો? લાટના કાકભટ્ટના પડાવમાં છો કે કચ્છના પડાવમા? ક્યા પડાવમાં છો?’
‘હું તો કોઈ પડાવમાં નથી, પ્રભુ!’
‘ત્યારે તમે આંહીં ક્યાંથી?’
‘હું તો પ્રભુ! ખેટકપંથમાંથી ચાલ્યો આવું છું. અર્જુન ભટ્ટનું નામ તો તમે સાંભળ્યું હશે!’
પણ એ નામને અત્યારે આ વાત સાથે કાંઈ સંબંધ ન હોય તેમ પોતાની દ્રષ્ટિ એના ઉપરથી લેશ પણ ઢીલી કર્યા વિના જ ઉપેક્ષાથી કેશવે કહ્યું: ‘હા, સાંભળ્યું છે. તમે ખેટકપંથમાંથી આવ્યા છો?’
‘હા પ્રભુ!’
‘ત્યારે પેલું ઘોડું તમારું હતું? આંહીં ક્યાં આવ્યા છો? ક્યાં ઊતર્યા છો? ક્યે રસ્તેથી આવ્યા? તમારું નામ શું?’
મલ્હાર ભટ્ટને આ પ્રશ્નાવલિ આકરી થઇ પડી.
‘સેનાપતિજી! મલ્હાર ભટ્ટે જરાક સાદ ઊંચો કર્યો, ‘જેના બાપદાદાએ પાટણના સિંહાસન પાસે મહારાજ ભીમદેવના સમયથી જાનન્યોછાવરી...’
કેશવે હાથ લાંબો કરીને બોલતાં અટકાવી દીધો; ‘તમારું નામ?’
‘મારું નામ મલ્હાર ભટ્ટ!’
‘ત્યારે જુઓ, મલ્હાર ભટ્ટજી! એ વાત તમારી તમે પછી કરજો, અત્યારે તો તમે આંહીં ક્યાં આવ્યા છો એ કહો.’
‘કૃષ્ણદેવજીને ત્યાં!’
‘કેમ?’
‘મારે મહારાજને મળવું છે!’
‘એટલા માટે આ બાજુ આવ્યા હતા? ઘોડો દોડ્યો ગયો તે તમારો હતો? કેમ દોડ્યો ગયો? કેળવ્યો નથી? પેલાં કુંભાર સાથે શી વાત થઇ તમારે? ઘોડો ઠેકાણે જ જાશે કે બીજે?’
મલ્હાર ભટ્ટને પ્રશ્નોનો માર વસમો પડવા લાગ્યો. પણ તેણે ટૂંકાણમાં પતાવી દેવામાં સાર જોયો.
‘ઘોડો તો હતો મંત્રીશ્વર ઉદયનજીનો!’
‘ઉદયનજીનો? એ આવ્યા છે સ્તંભતીર્થથી? તમે એની સાથે છો?’
‘હા. આંહીં કૃષ્ણદેવજીને ત્યાં ત્યારે એ છે. હું પણ ત્યાં છું. આ બાજુ નીકળ્યો એટલે એના ઘોડાને ધમારવા લાગ્યો. થોડુંક ફરવા નીકળ્યો તો મંદિર જોઇને મન થયું દર્શન કરવાનું. પણ કુંભાર જરા વાંકાબોલો નીકળ્યો. એને સીધો કરવા ગયો – ત્યાં ઘોડું ભાગી ગયું!’
કેશવ હસી પડ્યો. પણ એણે વાતનો દોરેદોર ધ્યાનમાં રાખી લીધો હતો.
‘પણ તમે તો કહ્યું, તમારે તો મહારાજને મળવું હતું ને?’
‘જુઓ પ્રભુ! હું તો અર્જુન ભટ્ટનો વંશજ છું. આંહીં આ રણમોરચે આવ્યો છું. મહારાજની નામના સાંભળી છે. જિંદગીના દી’ ગણ્યાગાંઠ્યા છે. હમણાં ત્યાં કાંઈ જુદ્ધબુદ્ધ છે નહિ, આંહીં નીકળી આવ્યો છું!’
‘તો તમને ક્યાં – કૃષ્ણદેવજીને ત્યાં શોધવા?’
‘ના. મને... ક્યાં... આ પેલું ઝાડ દેખાય છે એની નીચે.’ મલ્હાર ભટ્ટે જવાબ વાળ્યો.
કેશવને લાગ્યું કે કાં બ્રાહ્મણ વિચિત્ર છે, કાં મશ્કરી કરે છે. તેણે પૂછ્યું:
‘કેમ એમ બોલ્યા? કૃષ્ણદેવજીને ત્યાં...’
‘ત્યાં મને ભામણભાઈને નહિ ફાવે. ત્યાં મંત્રીશ્વર ઉદયનજી પણ છે...’
કેશવ વિચાર કરી રહ્યો. અત્યારે બરાબર જે વખતે મહારાજનો કોક પુત્ર હોવાની વાત થતી ત્યારે આ ઉદયનજી સાથે આવી રહ્યો હતો.
‘તમારો સરસામાન...’
‘આ શરીર ઉપર બધો આવી ગયો. અમારે સરસામાન હોય નહિ. પણ મારી પાસે મહારાજને ખુદ આપવાની એક વાત છે. મહારાજ મને ક્યાં મળશે?’
કેશવ સાંભળી રહ્યો. વાતમાં બ્રાહ્મણે કાંઈ કૃત્રિમતા કરી હોય તો તેમ લાગ્યું નહિ એટલે એને લાગ્યું કે હવે આને રેઢો મૂકવો ઠીક નથી. પણ એ આ બાજુ રખડતો હતો. ભુવનેશ્વરીના મંદિરની જ તપાસમાં હતો. ઉદયનજી સાથે આવ્યો છે. જે હોય તે, એને નજરમાં તો રાખવો જ જોઈએ.
‘તો તમે એમ કરો, મલ્હાર ભટ્ટજી! અમારા શિબિરમાં ચાલો. ત્યાં મંત્રીશ્વર મુંજાલ પાસેથી વાત મળશે. તમને ઓળખે છે મુંજાલ મહેતા?’
‘વખતે ઓળખે, અર્જુન ભટ્ટનો મહિમા તો મંત્રીશ્વરથી ક્યાં અજાણ્યો છે?’
‘તો તમે ચાલો, મલ્હાર ભટ્ટજી! તમે જૂનાગઢના જુદ્ધમાં ખરા કે?’
‘હા. ત્યાં ખરો, તે મહારાજ બર્બરકને વશ કરવા ગયા ત્યાં પણ ખરો. પણ તે દી અમે શિખાઉ!’
‘ત્યારે તો જુદ્ધનો રસ!’
‘આ – એ રસમાં ને રસમાં તો હમણાં પણ આ પંથ ખેડ્યા!’
‘ક્યે રસ્તે થઈને આવ્યા?’
‘કેમ ક્યે રસ્તે?’
‘રસ્તો ગોધ્રકપંથનો તો ફક્ત સેનામાં હોય એવા જોદ્ધા માટે છે ને તમે તો સેનમાં નથી!’
‘હું તો આવ્યો, પ્રભુ જંગલરસ્તે!’
‘હેં? ખરેખર? કોઈ મળ્યું નહિ? ઉદયનજી ત્યારે તમારી સાથે નહિ?’
‘ના. ના એ તો મને જાતા મળ્યા છેક છાવણીમા!’
કેશવ વિચારમાં પડી ગયો. આંહીં આ ભટ્ટ હતો. એની પાસે કંઈક મહત્વની વાત હતી. થોડી વાર રહીને તેણે કહ્યું: ‘એમ કરો મલ્હાર ભટ્ટજી! તમારે રહેવા કરવાનો બંદોબસ્ત થઇ જાશે. અને મહારાજને મળવાનું પણ થાશે. એક સારો ઘોડો તમારે માટે મેળવવો પડશે. આ મોરચે અમારે અત્યારે દરેકે દરેક માણસનો ખપ છે!’
‘પણ મારે તો મહારાજને મળવું છે, જ્યાં રહેવાથી એ વહેલું પતે ત્યાં મારે જાવું છે!’
‘તો તો તમે મારી સાથે જ ચાલો! તમારે મહારાજને કાંઈ તાત્કાલિક અગત્યના સમાચાર દેવાના છે?’
‘હાસ્તો, તે વિના મારા ટાંટિયા ક્યાં વધારાના છે?’
‘શું સમાચાર છે?’
‘ઘણા જ ઉપયોગી!’
‘તોપણ?’
‘યુદ્ધને લગતા છે!’
‘તો તો મલ્હાર ભટ્ટ! આપણે તરત જ મળવું રહ્યું. પણ ત્યારે તમે જે રસ્તે આવ્યા તે રસ્તે તમને કોઈએ પડકાર્યા જ નહિ?’
‘પડકારે ક્યાંથી? અમારો રસ્તો એ અમારો રસ્તો છે, સેનાપતિજી!’
કેશવ સેનાપતિને માણસ જંગલનો ભારે જાણકાર લાગ્યો. પોતે ઝાડેઝાડને ઓળખતો, છતાં આ માણસ જે રસ્તે આવ્યો હોય એ રસ્તાનો એને કાંઈ ખ્યાલ આવ્યો નહિ. પણ ઉદયન સાથે એ આવ્યો એમાં હજી એને ભેદ જણાતો હતો.
‘મંત્રીજી તો આંહીં આવતાં છાવણીમાં મળ્યા કેમ?’
‘હા.’
‘કહ્યા એણે કાંઈ સમાચાર સ્તંભતીર્થના? આંહીં અમારે અત્યારે તો ગજનિષ્ણાતોનો ખપ જાગ્યો છે. કુમારપાલજી ટાંકણે અદ્રશ્ય થઇ ગયા છે.’
કેશવ બોલીને મલ્હાર ભટ્ટ સામે જોઈ રહ્યો, મલ્હાર ભટ્ટને શંકા પડી. પણ એણે જવાબ ન વાળવામાં અત્યારે પોતાની વાત સચવાતી જોઈ. કેશવ આગળ વધ્યો. મલ્હાર ભટ્ટ તેની પાછળ ચાલ્યો. રસ્તે ચાલતાં કેશવ સેનાપતિએ ભટ્ટને વિશ્વાસમાં લેવા પ્રયત્ન કરી જોયો. પણ મલ્હાર ભટ્ટને તો મહારાજ સિવાય બીજા કોઈનો ભરોસો ન હોય તેમ એણે વાતને આગળ ન વધારી.
શિબિર આવ્યો ત્યાં કેશવે એને એક સારો ઘોડો કઢાવી દીધો; રહવા કારવવાનો બંદોબસ્ત કરી દીધો; પોતે પછી મળશે કહીને રવાના થયો. ત્યાં રસ્તામાં એક સૈનિક મળતાં એને બોલાવ્યો.
‘ત્યાં પેલી પટ્ટકુટ્ટીમાં ખેટકપંથનો એક બ્રાહ્મણ ભટ્ટરાજ છે. એની દરેકેદરેક હિલચાલ જોતો રહેજે. સાંજે એને મહારાજ પાસે રજૂ કરવાનો છે!’
કેશવના ગયા પછી મલ્હાર ભટ્ટે પોતાની પેટપીડાનું પાનું પહેલું ઉઘાડવામાં હવે સલામતી જોઈ.