Avantinath Jaysinh Siddhraj - 5 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 5

Featured Books
Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 5

કૃષ્ણદેવને ત્યાં!

ઉદયનને આખે રસ્તે પોતાના આ વિચિત્ર પણ મૂલ્યવાન સાથીના વિચાર આવતા હતા. એને હવે શી રીતે પોતાની પાસે કે કૃષ્ણદેવ પાસે જ રાખી લેવો, ને એની માહિતી સાચી હોય તો એનો પ્રથમ ઉપયોગ કરી લેવો, એ યોજના એ મનમાં ઘડી રહ્યો હતો. એક વખત સૈનિકોના ધામમાં પહોંચ્યા એટલે તો આ જુદ્ધરસિયો જીવ ઠરી ઠામ બેસે તેમ એને લાગ્યું નહિ. પણ એણે જે કુમારપાલ વિશે વાત કરી તે એને ફરીફરીને સાંભરી આવી. કૃષ્ણદેવ છેક સામે આવીને કુમારપાલને રવાના કર્યા પછી જ પાછો ફર્યો એ સૂચક હતું. એ કૃષ્ણદેવને લાગે કે મહારાજ જયસિંહદેવની નજર આ તરફ ઠીક નથી એટલે તરત એ બાજુ એ પૂંઠ જ ફેરવી જવાનો. કુમારપાલનો બનેવી છતાં કૃષ્ણદેવ શંકાથી પર ક્યાં હતો! અને પોતાના ઉપર તો તલવાર લટકતી હતી! કૃષ્ણદેવની ત્વરિત પક્ષ ફેરવી નાખનારી બુદ્ધિ જોતાં, એ પોતાને મિયાઉં કરી નહિ બેસે એની કાંઈ જ ખાતરી ન હતી. 

એટલે ઉદયન આ બ્રાહ્મણરાજનો ઉપયોગ કરીને મહારાજ પાસે પોતાની જાતને તાત્કાલિક શંકાથી પર કરી દેવા માગતો હતો!

એને અચાનક વાત સાંભરી. કુમારપાલ દક્ષિણ તરફ હોવાના સમાચાર આ બ્રહ્મદેવ આપે! અને પછી ધારાગઢની વાત કરે! તો એ વાત બંધાઈ જાય! અને પોતાના ઉપરથી શંકા દૂર થાય. આંહીં પોતાનું સ્થાન પણ થાય. 

એણે બ્રહ્મદેવનો ઉપયોગ કરવાનો નિશ્ચય કરી દીધો. અને તે આમ કે તેમ ડગલું માંડે તે પહેલાં જ એ છાવણી તરફ ત્વરાથી આગળ વધ્યો. રસ્તે મલ્હાર ભટ્ટની સાથે અલકમલકની વાતો માંડી. 

થોડી વાર થઇ અને સોલંકીસેનની રૂપરેખા સ્પષ્ટ દેખાવા માંડી. વહેલી પ્રભાતમાં પહોંચ્યા હતા છતાં એ વખતે અસંખ્ય ઘોડેસવારોની હારની હાર આમતેમ મેદાનમાં ફરી રહેલી એણે દીઠી. શંખનાદ થઇ રહ્યા હતા. રણવાજિંત્ર વાગી રહ્યાં હતાં. પડઘમ અને ઢોલના અવાજથી મેદાન ગાજતું હતું. સૈનિકોનાં ટોળેટોળાં પોતપોતાના જુદાજુદા કાર્યક્રમમાં રોકાઈ ગયાં હતાં. કોઈ  તલવારપટ્ટા ખેલતા હતા. ક્યાંક નિશાનબાજી ચાલી રહી હતી. એક ઠેકાણે ઘોડેસવારોનું કૃત્રિમ યુદ્ધ પણ થતું હતું. ઉદયન એ દ્રશ્ય ઉપર દ્રષ્ટિ ફેરવતો ફેરવતો તુરંગાધ્યક્ષની મુખ્ય શિબિર તરફ આગળ વધ્યો. રસ્તામાં એને હવે કોઈ રોકટોક કરે તેમ ન હતું. ઘણા ખરા સૈનિકોએ એને ઓળખી કાઢ્યો હોય તેમ જણાયું. આ તરફ સ્તંભતીર્થના સૈનિકો જણાયા. કૃષ્ણદેવની પટ્ટકુટી પાસે એ પહોંચ્યો. જોયું તે માનતો ન હોય તેમ એક ઘડીભર તો અવાકની જેમ એ જોઈ જ રહ્યો.

હઠીલો ત્યાં દ્વાર પાસે ઊભો ઊભો કોઈની સાથે વાત કરી રહ્યો હતો!

આ માણસ એટલી વારમાં કુમારપાલને જંગલ શી રીતે પાર કરવી શક્યો અને પોતાના પહેલાં આંહીં શી રીતે આવી ચઢ્યો એ એને મન એક કોયડો થઇ પડ્યો. એના મનને ચિંતા થઇ કે વખતે કાંઈક બન્યું ન હોય! તુરંગ સેનાપતિના શિબિરની સમક્ષ સોલંકીઓનો કુટકુટધ્વજ લહેરાઈ રહ્યો હતો. ઉદયન એ તરફ જ ગયો. 

એને દૂરથી જોતાં જ હઠીલો કાંઈ પણ બોલ્યા વિના અંદર દોડ્યો ગયો. એણે પોતાને ઓળખી કાઢ્યો હોય એમ ઉદયનને લાગ્યું. ઘોડાને ત્યાં ઊભો રાખીને તે નીચે ઊતર્યો.

બે ક્ષણમાં જ કૃષ્ણદેવ બહાર આવ્યો. તે ક્યાંક જવાની તૈયારીમાં જ હોય તેમ શાસ્ત્રાશ્સ્ત્ર સજીને જ આવી રહ્યો હતો, એનો ઘોડો ત્યાં અધીરો બનીને થનગની રહ્યો હોત. ‘આવો, આવો, મંત્રીશ્વર! આવો!’ ઉદયનને હમણાં જ મળતો હોય તેમ કૃષ્ણદેવ બોલ્યો, ‘અમને કહેવરાવ્યું પણ નહિ કે તમે આવવાના છો? અરે! હઠીલા? દોડ, દોડ, તેજદેવને કહી દે. મંત્રીરાજ માટે આ તરફની બે પટ્ટકુટ્ટી હમણાં ને હમણાં તૈયાર કરી દે! ક્યાં છે તમારા સૈનિકો? મહારાજ કાલે જ તમારી તરફના સમાચાર મેળવવા આતુર હતા!’

ઉદયન વાતનો મર્મ સમજી ગયો. એણે મનમાં શંકા હતી તે દ્રઢ થઇ. કુમારપાલ વિશે વધારે પૃચ્છા થતી જણાય છે!

‘અમારી તરફના? અમારી તરફ હમણાં તો કાંઈ સમાચાર નથી. હમણાં તો લાટ કર્ણાટ બધા શાંત છે!’

‘મહારાજને કોઈકે સમાચાર પાયા છે કે કુમારપાલજી ગજશાસ્ત્રમાં અતિ નિપુણ છે. મહારાજને ઈચ્છા થઇ કે આ મોરચે એમનો લાભ લેવાય, પણ કુમારપાલદેવજીનો પત્તો જ ક્યાં છે? એમને મુસાફરીનો અનહદ શોખ. એક ઠેકાણે થીર થાય તો એમનું ઠેકાણું મળે નાં? પણ મંત્રીશ્વર! અંદર તો આવો. પછી મારે તો હમણાં જ મહારાજને મળવા જાવાનું છે – આ ભટ્ટજી કોણ?’ કૃષ્ણદેવે કહ્યું તેમાં કેટલું આ નવા માણસને જોઇને કૃષ્ણદેવ બોલી રહ્યો હતો અને કેટલું પરિસ્થિતિનું સૂચક હતું. તે વિશે ઉદયન વિચાર કરી રહ્યો. કૃષ્ણદેવ આગળ ચાલ્યો. 

ઉદયને મલ્હાર ભટ્ટના કાનમાં કહ્યું: ‘ભટ્ટજી! હમણાં જ મળવું છે મહારાજને? તો આ તક જેવીતેવી નથી... કૃષ્ણદેવજી સાથે જ જવાય કહો તો કહી દઉં કે આ જાણે છે. કુમારપાલજી વિશે!’

‘પણ હું ક્યાં જાણું છું?’ મલ્હાર ભટ્ટે કહ્યું.

‘પણ તમે ધારાગઢ વિશે જાણો છો ના – ? કુમારપાલના વિશે તો તરત મળાશે એટલું જ. બાકી આપણે ધારાગઢની વાત ન કરીએ? તમે કહ્યું તેમ મળવું હોય તોય ભલે! પણ એમાં જાશે વખત અને અત્યારે તો વહેલો તે પહેલો એવી વાત છે.’

મલ્હાર ભટ્ટને વાતમાં વજૂદ તો લાગ્યું, પણ તેનું મન ચિંતામાં પડ્યું હતું. 

‘બોલો, આ તો તમે કહેતા હતા મળવું છે તો આ વખત છે...’

‘હવે મળવાનું તો છે જ. ત્યારે –’

એના હોઠમાંથી શબ્દ બહાર નીકળ્યો ન નીકળ્યો તે પહેલાં તો ઉદયને મોટેથી કહ્યું:

‘કૃષ્ણદેવજી! કુમારપાલજીનો પત્તો આ અમારા ભટ્ટરાજને –’

‘હેં?’ કૃષ્ણદેવ આગળ જતો અટકી પડ્યો. તે સમજી ગયો. મહારાજને કુમારપાલના કાંઈ ને કાંઈ સમાચાર પહોંચાડી દેવા માંગતો હતો. કૃષ્ણદેવનું મન નિર્ણયમાં ડગુમગુ હતું. તે આગળ આવ્યો. ભટ્ટજી સામે ઊભો રહ્યો, ‘કોણ આ ભટ્ટજી? એ ક્યાંના છે?’

‘હું ખેટકપંથનો!’

‘એ છે ખેટકપંથના’ ઉદયને વાત આગળ વધારી, ‘આમ દક્ષિણાપથની જાત્રાએ ગયેલા, રસ્તામાં કોલ્હાપુર વતનમાં એમને કુમારપાલ વિશે માહિતી મળી ગઈ!’

‘હેં! જાતમાહિતી?’

‘હા, હા, જાતમાહિતીની વાત છે એટલે તો મેં એમને કહ્યું કે તમે આ સમાચાર મહારાજને આપતા જાઓ!’

‘હા, બરાબર છે. કુમારપાલજી છે ગજશાસ્ત્રનિપુણ. અને આંહીં હમણાં એવા માણસનો ખપ પણ છે!’

મલ્હાર ભટ્ટ અત્યાર સુધી સાંભળી રહ્યો હતો. એને કહેવાનું મન થઇ આવ્યું કે કુમારપાલને આંહીં જોયો છે જ ક્યે કાકે, પણ ત્યાં તો ઉદયને પૂર્તિ કરી દીધી: ‘આ કુમારપાલજીનું તો ઠીક, પણ ભટ્ટજી એક બીજી અગત્યની વાત જાણે છે!’

‘શી?’ કૃષ્ણદેવે ઉતાવળે પૂછ્યું.

‘એ મહારાજને પોતાને આપવાની છે,’ મલ્હાર ભટ્ટ બોલ્યો. અને પછી કૃષ્ણદેવ દેખે તેમ ઉદયનને બીજી કાંઈ વાત ન કહેવાની નિશાની કરી દીધી. પણ મલ્હાર ભટ્ટને હવે વાત આગળ ઉપડ્યા વિના છૂટકો જ ન હતો.

‘હું છું ખેટકપંથનો,’ એણે કૃષ્ણદેવને કહ્યું, અને પછી ઉમેર્યું, ‘અર્જુન ભટ્ટને ઓળખો?’

કૃષ્ણદેવે ઉદયન સામે જોયું. ઉદયને જરાક નેણ નીચે ઢાળ્યું, કૃષ્ણદેવ સમજી ગયો – વાત જાણતાં હોવ તેમ ન રાખવાનું હતું.’

‘વાહ! અર્જુન ભટ્ટને તો પાટણનું છોકરુંય ઓળખે છે! કેમ એમ બોલ્યા અર્જુન ભટ્ટને ઓળખો?’ કૃષ્ણદેવે ઝડપથી જવાબ વાળ્યો, એ સમજી ગયો કે આ ભટ્ટરાજની મારફત જ કુમારપાલની લોકવાર્તાનો મેળ મેળવવાની વેતરણમાં ઉદયન હતો. અને ભટ્ટરાજને મહારાજને મળવાની ઉતાવળ લાગી. 

ઉદયન અને કૃષ્ણદેવે શિબિરના અંદરના ખંડમા પ્રવેશ કર્યો. કૃષ્ણદેવે બેસતાંવેંત જ તાલી પાડી. તેજદેવ દેખાયો.

‘તેજદેવ! મંત્રીશ્વરની પટ્ટકુટી પાસે ભટ્ટરાજનો પણ મુકામ રાખવાનો છે. એમનો તુરંગ...’

‘તુરંગ એ રાખતા નથી...’

‘હા... પણ ત્યારે આપણે ત્યાંથી એ પસંદ કરે. પણ એ તો પછી થઇ રહેશે. તમે ભટ્ટરાજ! તૈયાર થવું હોય તો તેજદેવ તમારી સાથે આવે. જરાક સ્નાન સંધ્યા પ્ર્વારો. ત્યાં હું પણ મંત્રીશ્વરનો બંદોબસ્ત કરાવી દઉં! પછી આપણે જઈએ!’

મલ્હાર ભટ્ટ થોડી વાર પછી બહાર નીકળ્યો. તે સમજી તો ગયો હતો કે પોતે જેને બે ચોપડી હતી તે આ સ્તંભતીર્થનો ઉદયન જ છે. પણ હજી એ વિશે નક્કી કરવાનું રહી જતું હતું. ત્યાં તેજદેવ જ બોલ્યો: ‘તમે ઉદયન મંત્રીશ્વરની સાથે કેટલુંય થયાં છો?’

મલ્હાર ભટ્ટ વિચાર કરી રહ્યો. પણ એણે એક વાતમાં પ્રવેશ કરી લીધો હતો. હવે અત્યારે તો એ તંતુને આગળ જ વધારી શકે, તોડી ન શકે. એને પ્રત્યુતર આપવો પડ્યો: ‘સારો વખત થયો!’

મલ્હાર ભટ્ટ ગયો કે તરત ઉદયને કૃષ્ણદેવને કહ્યું: ‘કૃષ્ણદેવજી! આ ભટ્ટજી છે ખેટકપંથનો. આપણને તો આપણા ઉપરનું વાદળ દૂર કરવા એ મળી ગયો એમ સમજવું. એની પાસે મહારાજને આપવા જેવી ધારાગઢ વિશેની અગત્યની વાત છે, ને એ મહારાજને તત્કાલ મળવા માગે છે, ભેગાભેગું આ કુમારપાલનું હમણાં પૂરતું પતી જાય તેવું છે!’

‘એ તો હું સમજ્યો. પણ એ તમને મળ્યો ક્યાં મંત્રીશ્વર? આપણી વાત એણે જાણી નહિ હોય? આ જંગલનું પંખીએ પંખી હઠીલાની જાણમાં છે. તમે જોયું નાં – કુમારપાલજીને એણે જંગલ પસાર કરવી દીધું ને પાછો આંહીં આવી પણ ગયો. હઠીલા ઉપર સોએ સો ટકાનો વિશ્વાસ ન હોય તો હું સાહસ કરું નહિ. આંહીં તો મહારાજ જયસિંહદેવ છે ને શિરસાટેની આ વાત છે. તમે ઓળખો છો આને કે પછી રસ્તાનું જ ઓળખાણ છે?’

ઉદયન વિચાર કરી રહ્યો. પોતે જે ભૂમિકા આંહીં હવે તૈયાર કરવા માટે બેસી જવાનો હતો તેમાં કૃષ્ણદેવની મુખ્ય સહાય લેવાની હતી. કૃષ્ણદેવની વાત સાચી હતી. 

‘આમાં જરાક ભૂલ થાય તો થઇ રહ્યું!’ કૃષ્ણદેવે કહ્યું, ‘એ તો અમારા જેવાને ખબર છે, આંહીં શું વીતે છે!’

‘પણ આપણે આને નાણી તો જોઈએ. ઉપયોગમાં આવે તેમ હોય તો?’ ઉદયન બોલ્યો, પછી તરત ઉમેર્યું: ‘તમારે જવાનું થાય ત્યારે જ એને સાથે લઇ જવો!’

‘પણ મહારાજને પોતાને જે માહિતી આપવાની છે એ શાની છે? મને તો બીજો ડર છે. એણે આપણને જોયા તો નહિ હોય નાં? એ તમને ક્યાં મળ્યો? આ મહારાજ આંહીં બેઠા રુદ્રમહાકાલના સ્તંભેસ્તંભનું શિલ્પ જાણે પોતે જ સરજાવી રહ્યા હોય તેટલો રસ એમાં લે છે, ને ધારા ઉપરની વ્યૂહરચના પણ એટલી જ ઝીણવટથી પોતે સંભાળી રહે છે. આવી એની શક્તિ છે, ઉદયનજી! પગલું એક જરાક પણ ઉતાવળું લીધું કે સામે જયસિંહદેવ છે હો!’ 

મહારાજ વિશે કૃષ્ણદેવે કહ્યું તે તો બરાબર હતું, પણ કૃષ્ણદેવના અભિમાનનો ટંકારવ હતો એણે ક્યાં અનુભવ્યો ન હતો? આ પ્રસ્તાવમાં પણ પોતે જ આવા મહારાજનો વિશ્વાસ સંપાદન કરી શકે, એ જ પ્રધાન શબ્દ હતો. ઉદયનને અત્યારે તો પોતાના ઉપર ફરતું વાદળ દૂર કરવાનું હતું. એક વખત એ થાય એટલે પછી એ રાજા હતો. આટલી વાતમાં જ કૃષ્ણદેવનો ખપ હતો. પછી જોઈ લેવાશે. 

‘કૃષ્ણદેવજી! તે બોલ્યો, ‘તમે આંહીં હો નહિ ને હું આમ આવું નહિ. આ ભટ્ટજી પાસે જે માહિતી છે તે ધારાગઢની છે. એ જંગલનો પણ રાજા છે. હઠીલાના જેટલી જ એને જંગલરસ્તાની માહિતી હોય તેમ જણાય છે. પણ આપણે એને પહેલાં નાણી જોઈએ. એનો ઉપયોગ તમે કરી શકો માટે આ કુમારપાલજીની વાત આણી છે. હવે તમને ઠીક લાગે તેમ કરો!’

‘જુઓ,મંત્રીશ્વર! આંહીં જેવાતેવાનો ગજ વાગે તેમ નથી!’

‘એ મારાથી ક્યાં જાણ્યું નથી, કૃષ્ણદેવજી? પણ તમે જાણો છો, મારે શું કરવાનું છે. આપણે હમણાં તો કેવળ રાહ જોવાની છે. પણ તૈયારી એવી રાખવાની છે કે ગમે તે પળે ગમે તે થાય – વિજય કુમારપાલજીનો જ હોય! હઠીલો તો વિશ્વાસુ છે નાં?’

‘હઠીલો! કૃષ્ણદેવને બહુ વીતી છે, ઉદયનજી! કુમારપાલજીને તમે તો આશ્રય દીધો એટલું જ. પણ મારો તો એ સગો. મારો સ્વાર્થ દેખીતો. જયસિંહદેવ મહારાજ જેવાનાં મનમાં જરાક પણ શંકા થાય તો આ તુરંગાધ્યક્ષ જેવું જોખમભર્યું કામ એક પળ પણ મારી પાસે રહે ખરું કે? તમે વિચારો. મંત્રીરાજ! આ પદ સાચવવું – ને કુમારપાલની વાત સાચવવી... એ તો એક મારું મન જાણે છે! મારે એક પાંદડું હલે તોપણ સંભાળવાનું છે. આને આપણે મહારાજ પાસે લઇ જઈએ, અને ન કરે નારાયણ, ને  કુમારપાલની બીજી જ માહિતી મહારાજ પાસે હોય તો? તો શું થાય?’

ઉદયને એક ક્ષણમાં વાત પકડી લીધી. કૃષ્ણદેવનું આ ગજું ન હતું. આ કૃષ્ણદેવ તો અમુક કૂંડાળામાં જ રમવાની શક્તિ ધરાવનારો!

‘પણ તો... એમ કરીએ...’ ઉદયને વાત ફેરવી નાખી, ‘આને હમણાં તો આપણી પાસે રાખીએ, પછી જોઈ લેવાશે!’

‘તે બરાબર છે!’

‘તો તમે જઈ આવો મહારાજ પાસે. હું ત્યાં પરવારી લઉં! હઠીલાએ તો બરાબર ઉતાર્યું નાં?’

‘અરે! ભૈ... એ તો અમે જાણીએ, એટલે આ પાર પડ્યું. બાકી...’

‘બાકી તો કોઈ હિંમત પણ કરે નહિ, કૃષ્ણદેવજી!’ ઉદયને પૂરું કર્યું ને મનમાં ને મનમાં એના અભિમાન ઉપર અને અશક્તિ ઉપર હસી રહ્યો!

પણ અભિમાની હતો – છતાં એ તલવારી વારસો ધરાવતો હતો. અત્યારે તો પોતે ધાર્યું હતું તેમ જ બન્યું હતું. આ કૃષ્ણદેવ પવન પ્રમાણે જ ચાલનાર હતો. મહારાજ પાસે કુમારપાલની જાણે વાત જ કાઢવા માગતો ન હતો. કદાચ પોતાને આંહીં એણે આમંત્ર્યો છે એમાં પણ સમજાવટ તો ન હોય કે કુમારપાલના એક પક્ષકારને એ કબજામાં રાખી રહ્યો છે!

એ ગમે તે હોય, ઉદયનને તો હવે અત્યારે તે વાત દાટી દેવા જેવી લાગી. પછી જોઈ લેવાશે, કહીને તે ઊઠ્યા.

‘ત્યારે તમે જઈ આવો, કૃષ્ણદેવજી! હું પણ મહાઅમાત્યજીને જ મળી આવું. આવ્યા પછી ન મળવામાં તો હજાર ટકાની હાણ છે!’

‘બરાબર. પણ જોજો, ઉદયનજી...’

‘તમે નિશ્ચિંત રહેજો, કૃષ્ણદેવજી! મને ખબર છે. તમારા આધાર વિના આંહીં કૂદકા મારું એવો હું મૂરખ નથી!’

‘હાં... બસ મારું કહેવાનું હવે તમે સમજી ગયા. અરે ભૈ! અમારું મન જાણે છે. જુઓ આ પેલો કૃપાણ આવ્યો. અત્યારમાં જ મહારાજને શો પખ પડ્યો હશે? તમે ઉદયનજી! હું આવું ત્યાં સુધી રોકાજો. પરવારો ત્યાં હું આવ્યો. પછી ભટ્ટજીની વાત. શું એનું નામ કીધું?’

‘મલ્હાર ભટ્ટ!’

કૃષ્ણદેવ બહાર જવા નીકળ્યો.