Avantinath Jaysinh Siddhraj - 4 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 4

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 4

અર્જુન ભટ્ટનો વંશજ!

બીજા દિવસે વહેલી સવારમાં જ ઉદયન, સોલંકી છાવણીની નજીક આવી પહોંચ્યો. છાવણીની છેલ્લી ચોકીનું તાપણું ત્યાં સ્પષ્ટ એની નજર સામે દેખાતું હતું. જંગલને અર્ધચંદ્રાકારે વીંટળાઈને પડેલી છાવણીમાં અનેક તાપણીઓ અત્યારમાં પ્રગટી ગઈ હતી. શિયાળા જેવી ઋતુ હતી અને ચોકીદારો ઠંડી ઉડાડવામાં પડી ગયા હતા. 

જંગલમાર્ગ છોડીને મેદાને આવતાં પહેલાં એક ક્ષણભર એ થોભી ગયો. એ મનમાં ને મનમાં વિચારી રહ્યો: ‘એક રીતે કૃષ્ણદેવે એને છેક છેલ્લી ઘડીએ ચેતવણી આપીને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધો હતો, તો બીજી રીતે એ પણ ઠીક થયું હતું. આ પ્રદેશ તજીને કુમારપાલ ચાલ્યો ગયો હતો, એટલે પોતાની સ્થિતિ હવે સ્પષ્ટ થઇ જતી હતી. અત્યાર સુધી તો એના ઉપર એક લટકતી તલવાર હતી! આ મોરચે પોતે આવી રહ્યો છે તો પોતાની મહત્તા એણે સ્થાપવાની રહી. એની સફળતા કે નિષ્ફળતા ઉપર પોતાનું મહત્વ વધે કે ઘડે. આડકતરી રીતે કુમારપાલનો ભવિષ્યનો માર્ગ એથી સરળ બનતો હતો. માત્ર એણે ઘણી જ સાવચેતી રાખવાની હતી.’

અત્યારે તો હઠીલાએ કુમારપાલને ક્યારનું જંગલ પાર કરાવી દીધું હોવું જોઈએ, એટલે પોતે આંહીં હવે શી રીતે પોતાની હાજરીનું મહત્વ સ્થાપવું એ જ એનો મોટામાં મોટો તાત્કાલિક પ્રશ્ન બનતો હતો. 

પોતે પાછો ચાલ્યો ગયો હોત તો શંકાથી પર થવાની પળ ગુમાવી હોત. 

એટલે પાછા ફરવા કરતાં તો સોલંકીસેના તરફ આગળ વધવામાં જ ફાયદો હતો. 

એના સ્મરણમાં કુમારપાલની લાંબી રખડપટ્ટીની ભાવિ આગાહી એક પળભર આવી ગઈ. 

એક દિવસ એણે રાજસિંહાસન મળવાનું હતું. પણ ભવિષ્યના અંધકારમાં છુપાયેલી એ આશાની રેખા કેટલી સાચી છે એ કોણે ખબર? ને એણે આધારે કાંઈ રહેવાય ખરું?

આંહીં તો કૃષ્ણદેવે કહ્યું તેમ નવી વસ્તુસ્થિતિ જન્મ લઇ રહી હતી. અને સામે જયસિંહદેવ જેવાનો દ્રઢ સ્વભાવ હતો! એક વખત મહારાજ નિર્ણય કરી બેસે, પછી એને ફેરવતાં આંખો ઓડે જાય. એવે વખતે હવે પોતે પાછો ફરે એ તો આપઘાત જ ગણાય; રાજદ્વારી આપઘાત. એટલામાં એના આ વિચારમાં વિક્ષેપ પડ્યો. જંગલમાંથી ચાલી આવતી એક બીજી પગદંડીએથી એના કાન ઉપર કોઈકનો અવાજ આવ્યો: ‘અલ્યા! કોણ એ અત્યારે આમ ખોડિયાર પેઠે ત્યાં ઊભું છે?’

બોલનારની જાડી પણ સચોટ વાણીએ ઉદયનને આશ્ચર્યમાં નાંખ્યો. ઉચ્ચારભેદે કોઈક ખેટકપંથનો લાગ્યો. જંગલનો ફરતો ચોકીદાર હોય તો એણે એને હમણાં જ જોયો હશે કે કાલ રાતનો પોતાની પ્રવૃત્તિ ઉપર એ ધ્યાન રાખતો હશે?

એક ક્ષણભર ઉદયનને ક્ષોભ થઇ આવ્યો. જયદેવસિંહ ગમે તે વાત મેળવી લે છે એ લોકોક્તિનો જાણે આ પ્રત્યક્ષ અનુભવ થતો જણાયો. તેણે બોલ્યા વિના પેલાને પાસે આવવાની નિશાની કરી.

બોલનાર પાસે આવ્યો. ઉદયન એના વેશ સામે જોઈ રહ્યો. ટૂંકું કચ્છ વાળેલું ધોતિયું. એના ઉપર કસકસીને બાંધેલ ભેટ અને કેડિયા ઉપર લટકતી પિછોડી, કેડમાં ભયંકર તલવાર, ખભે ભરવેલાં તીરબાણ, આખી, કડક વીંધી નાખે એવી ઝીણી પણ તેજસ્વી આંખ!

ચોકીદાર કરતાં કોઈ સાહસ કરવા નીકળી પડેલો હોય એવો એ જણાયો. એના કાનમાં બે સોનેરી કુંડળ લટકતાં હતાં. એમાં લંકાનાં પાણીદાર મોતી ચમકી રહ્યાં હતાં. શરીર પણ બળવાન, આકર્ષક અને કસાયેલું હતું. ખેટકપંથ તરફનો કોઈ રણજોદ્ધો જણાતો હતો. 

‘કેમ ક્યાંથી ખેટકપંથમાંથી આવ્યા છો?’ ઉદયને એને પૂછ્યું. 

‘હોવે; તમે?’ એની સીધી, જાડી, બેદરકારી રીતભાતથી ઉદયન આશ્ચર્ય પામ્યો. એણે આવીને બે હાથ પણ જોડ્યા ન હતા. 

‘હું પણ એ બાજુથી!’

‘હોય નહિ; તમે તો સ્તંભતીર્થના લાગો છો!’

‘એ બધું એનું એ નાં?’

‘સ્તંભતીર્થમા તો પેલો મારવાડી જૈન છે – ઉદયન મહેતો. કહે છે, એણે મહારાજનો ગુનો કર્યો છે – કુમારપાલને આશ્રય આપવાનો. એનું શું થયું પછી?’

ઉદયન વિચારમાં પડી ગયો: આ અક્સ્મતી સવાલ હતો કે હેતુસર મૂકેલો પ્રશ્ન હતો? તેણે પ્રત્યુત્તર વાળ્યો: ‘એનું શું થાય? મહારાજે તપાસ કરવી, પણ કુમારપાલ ત્યાં હોય તો મળે નાં?’

‘પણ એમ તે કાંઈ મળે? અમારા જેવાને સોંપે તો સાતમે પાતાળથી ઊભો કરી દઈએ!’

ઉદયનને માણસ આખાબોલો, સાહસિક અને રસ લેવા જેવો લાગ્યો. તેણે એનું માપ કાઢવાનો નિશ્ચય કર્યો. પણ પહેલાં તો એ કોણ છે ને આંહીં ક્યાંથી આવેલ તે જાણી લેવાની જરૂર હતી. 

‘જુઓ મહારાજ! તમે જાણે ખેટકપંથના છો ત્રિપુંડ છે, એટલે બ્રાહ્મણ લાગો છો. પણ તમને ખબર લગતી નથી કે તમે ક્યાં ઊભા છો!’

‘કેમ વળી? ક્યાં તે આ જંગલમાં... એમાં શી મોટી ખબર રાખવાની હતી?’

‘પણ આમાં સેનાપતિની પરવાનગી વિના પંખી પણ સંચરે નહિ એવી રાજઆજ્ઞા છે એની તમને ખબર લગતી નથી!’

‘ખબર છે, હોવે, કેમ નો’ય? એટલે તો આ વગડાઉ પંથ લીધો. તમારા જેવું ટારડું સાથે હતું તે કાઢી નાખ્યું, ને મૂક્યાં આડેધડ વે’તાં, તે વહેલું આવે ધારાનું પાદર! હવે તો કેટલુંક હશે? બહુ તો ઢેફવા!’

માણસ પહેલવહેલો જ આ તરફ સાહસ કરવા આવતો હોય એવું જણાતાં ઉદયનને એનામાં વધારે રસ પડ્યો. અને જરાક શાંતિ પણ થઇ. પોતાને આવા થોડાંક મેળવવા તો પડશે જ – તો આનાથી જ ગણેશાય નમઃ કરવા જેવું લાગ્યું. 

‘પણ તમારું નામ શું?’

‘ભટ્ટ મલ્હાર! નામ સાંભળ્યું છે અર્જુન ભટ્ટનું?’

‘હા! મહારાજ ભીમદેવના વખતમાં. એ તમારે શું થાય?’ પોતાને ભટ્ટ અર્જુનમાં સ્વજન જેવો રસ હોય એવા અવાજે ઉદયને પૂછ્યું, ‘તમે એના વંશના? એ તમારે શું થાય?’

‘શું તે એ અમારા બાપદાદા! આ તો અમારો ખેટકપંથ (ખેટકપટ્ટન અથવાતો આજનું ખેડા) અને ત્યાંના અમારા ખેટકપંથી બ્રાહ્મણ, જરાક રહ્યા પરગંધીલા. અમારે ત્યાં કેવડાનાં વન રહ્યાં નાં એટલે, પારકા સાટુ મરી છૂટે ને અંદરઅંદર નોખનોખાં દોરડાં ખેંચ્યા કરે... હું રહ્યો એકલો, પાછળ ઘેર કોઈ દીવો કરે તેમ છે નહિ... એટલે કીધું લાવ ને, ધારગઢને રણપંથે પાછું અર્જુન ભટ્ટનું નામ ઊભું કરીએ! એટલે આ બાજુ નીકળી આવ્યો. એક રીતે નચંત છું. જયદેવ મહારાજને’ય ભગવાન સોમનાથે નચંત રાખ્યા છે. તો એણે વળી, ઉલળ પાણા પગ ઉપર, છોકરાનું ઘેલું લાગ્યું છે! અલ્યા વિમલમંત્રી જેવા કહેતા કે નિર્વંશ એ નિર્વંશ! એના જેવો કાંઈ મજો છે? કોક ઓટીવાર નીકળે તો ઘરવખરી ને ઘરેણાંગાંઠા તો ઠીક પણ બાપદાદાની પ્રતિમા હોય તો એનેય વેચી ખાય! આ જયસિંહ મહારાજને પોતાની પ્રતિમા વેચવાનું મન થયું છે. એટલે છોકરો... છોકરો કરે છે. ભગવાને મારા જેવું નચંતિયું નિર્વંશિયું જીવન માંડ માંડ આપ્યું છે તે ગમતું નથી! મંડે નહિ અસવાટીને લડવા તે મલક આખો ઘેર થાય!’

‘અરે! પણ ભટ્ટ મલ્હાર! તમે વાત કરો છો, પણ લડી લડીને રાજ ભેગું કરે એ કોને માટે?’

‘અરે! એ તો વળી થવાનું હશે એ થાશે. કોઈનાં રણ રેઢાં રહ્યાં છે તે એમનું રેઢું રહેશે? હાંકવાવાળો બીજો અવી જશે. પણ પોતાની નામના તો રહી જાય! આ તો આમ કલંજર, ને ચેદિ, કાન્યકુબ્જ ને કર્ણાટક ને એવાં રાજને પાડવાને બદલે ઊંધે રવાડે ચડી ગયા! આ ધારાગઢ તો ત્રણ દીમાં પડે!’

‘ત્રણ દીમાં પડે? શી રીતે?’

ઉદયન મનમાં હસી રહ્યો: ‘આ કોક નવો પલોટાયેલો જણાય છે!’

‘આ એ સાટું તો છેક ખેટકપંથથી આંહીં આવ્યો છું. વચમાં વળી સાંભળ્યું કે ગજવિદ્યાનિપુણ લડવૈયા મહારાજ ભેગા કરે છે. રસ્તે આખે વિચાર આવ્યો કે આ’ય માળું એક રોનક જેવું છે! ધારાગઢ બાંધનારે પોતાનું કાંઈ ઠેકાણું જ નહિ રાખ્યું હોય ભાગવા સાટુ? એનો જ વિચાર કરો એટલે ગઢ પડે! એનું જે ભાગવાનું ઠેકાણું, આ એ આપણે પેસવાનું ઠેકાણું!’

ઉદયનને વાતમાં કાંઈક અર્થ લાગ્યો. 

‘તમારી પાસે કાંઈ એવી વાત છે, ભટ્ટ મલ્હાર! કે ફક્ત મોઢેથી હાંકો છો?’

‘હોવે; વાત નહિ હોય? ધારાગઢ લેવા અર્જુન ભટ્ટ આવ્યા’તા એ ભૂલી ગયા? તો એ વખતનું એવું એક પાંદડું હાથ આવ્યું એટલે કીધું લાવ ને, મહારાજ કોઈ દી મળ્યા નથી, તે મળવા પણ થાશે ને આપણાં, આ નવરા બેઠાં મફતનાં હથિયાર જૂનાં થાય છે, તે પાણી પીશે! મારગમાં કોકે કહ્યું કે રજા વિના જોદ્ધા સિવાય બીજું કોઈ મોટે રસ્તેથી આવેજાય એવું રહ્યું નથી, એટલે જ આ જંગલ સોંસરવો ચાલ્યો આવ્યો!’

‘કોઈ મળ્યું નહિ? કોઈએ પડકાર્યા પણ નહિ?’

‘અમારો રસ્તો તો આંહીંના ભીલાડનેય ભારે પડે એવી, એમાં કોણ મળે? અને હવે તો આ રહ્યું!’ 

‘તમારે આમ ક્યાં ઊતરવું છે?’

‘જ્યાં સારું દેખાશે ત્યાં; આપણે તો માથે કોઈ છાપરું ન હોય તો વળી ઊલટાનું વધારે સારું!’

‘તો પછી અમારી ભેગા જ ચાલોને. મારે પણ સોલંકીસેનમા જ જાવું છે.’

‘પણ – તમે કોણ! તમારું નામ પૂછતાં જ હું ભૂલી ગયો.’

‘એય તમે જાણશો. મારે પણ કાંઈક કામ તો હશે નાં? પણ હમણાં તો મારી ભેગા ચાલો. મારી સાથે હશો તો તમને કોઈ પડકારશે નહિ. એટલે આપણે છાવણી સોંસરવા નીકળી જઈશું! તમારે મહારાજને મળવું છે નાં?’

‘પણ મારે કાંઈ એમ ઉઘાડે છોગ મળવું નથી, મારી મળવાની રીત મારી જ છે. જયસિંહદેવ મહારાજ છાનામાના માણસની વાત જાણવા ઘેર આવે છે, એમ સાંભળ્યું છે. તો મારે એમ મળવું છે!’

‘એમ? એમ તો એમ – પણ તમારી વાત મહારાજને પહોંચાડવી તો પડશે નાં? આંહીં તમે કોઈને ઓળખો છો?’

‘મુંજાલ મહેતાની થોડીક ઓળખાણ છે!’

‘બીજા કોઈને?’

‘ના.’

આને હવે છુટ્ટો મૂકવામાં ઉદયને જોખમ જોયું. આંહીં આ એક યુદ્ધનો ને સાહસનો રસિયો જીવડો હતો. એને વળી કોઈનીય જાણ નહોતી. હજી કોઈનો પક્ષાગ્રહ ન હતો. એની પાસે કાંઈક ઉપયોગી માહિતી પણ લાગી. તેણે કહ્યું, ‘મલ્હાર ભટ્ટ! તમને તો ક્યાંથી ખબર હોય? પણ તમારે અર્જુન ભટ્ટને ત્યાં, ઘી વેચી વેચીને અમારા બાપદાદાના પગ પણ ઘસાઈ ગયા’તા! આજ તો! આજ તો આ જોગાનુજોગ જોગ મેળવ્યો છે ભગવાન સોમનાથે, તો હવે હું તમને એક વખત સત્કાર લીધા વિના જાવા નહિ દઉં. મારું ઠેકાણું, ઘર પાવન કરીને પછી તમતારે જાવું હોય ત્યાં જાઓ –! તમે બ્રહ્મદેવ છો, વળી, જૂની ઓળખાણ નીકળી પડી, એટલે હવે જાવા તો નહિ દઉં!’

‘પણ તમે – તમે કોણ? એની માંડીને કહો તો કાંઈક ધડમાથું સૂઝે નાં?’

આ બ્રાહ્મણ આખાબોલો, સ્વભાવનો વિચિત્ર, પાછો તમન્ના વિનાનો, કુમારપાલ વિષે હમણાં જ કોઈનું કાંઈ બોલી ગયો હતો, એને અત્યારે પોતાનું ઓળખાણ આપતાં તો નકામી માથાકૂટ વધશે – ઉદયન મનમાં વિચારી રહ્યો. તે મોટેથી બોલ્યો: ‘મોઢરેકના સ્વામી કૃષ્ણદેવને ઓળખો છો? આપણે ત્યાં જવું છે. ત્યાં તમે નિરાંતે બે દી લાડુભોજન કરો. પછી તમતમારે જાવું હોય ત્યાં જાજો!’

‘પણ આવા જમાનામાં યુદ્ધ ચાલે છે ત્યાં કાંઈ બે દી ભાંગ્યા પોસાય? આજ કે’ છે, ઘડીઘડીના ખેલ છે!’

‘એય તમારું સાચું!’ ઉદયને ત્વરાથી કહ્યું, ‘કૃષ્ણદેવને મળીને તરત જ મહારાજને મળવાનું રાખજો. પછી? કે’ છે મહારાજ પાસે દુર્ગના કાંઈક સમાચાર આવ્યા પણ છે. એટલે ઉતાવળ કરવી પડશે બસ?’

‘પણ તમે તમારું નામ તો બતાવતા નથી – તે વિના મને શી ખબર પડે કે હું કોને આધારે ચાલી રહ્યો છું?’

‘આધાર એક ભગવાન સોમનાથનો. હુંય જેવા તમે છો તેવો છું. કોઈ રાજાબાજા નથી! મેં’ય ખેટકપંથ ખેડ્યો છે. પણ તમે પૂછ્યું, એટલે કહું છું કે અર્જુન ભટ્ટની વાત તમે કરી અને હવે તમને જાવા દઉં તો મને લોક ફટ કહે! લ્યો, ચાલો ભટ્ટજી! આપણે પાછું મોડું થાય છે. ભગવાનકીરપા હશે તો આપણે પહોંચશું ત્યાં કૃષ્ણદેવજી, કાં તો મહારાજને જ મળવા ઊપડતા હશે. તો તો આજ સાંજે જ તમારે ભેટો. એ તમે ભારે કહ્યું કે તમારે તમારી રીતે મહારાજને મળવું છે. ખેટકપંથના બ્રાહ્મણ તે આનું નામ!’ ઉદયનને તો અત્યારે હવે આને હાથ કરવાનો હતો, એટલે જ સૂઝ્યું તે વદી કાઢ્યું.

મલ્હાર ભટ્ટને જરાક આનંદોર્મિ થઇ: ‘હું તો આવ્યો છું કેવળ જુદ્ધનો રસ માણવા. પછી તો માન માંગુ ને! તે મહારાજે એવો શિરસ્તો પાડ્યો છે એટલે મારી પાસે જે વસ્તુ છે એ તો ખુદ અર્જુન ભટ્ટ જેવાની જાતમાહિતીની – ધારાદુર્ગ ઊભો થયો તે વખતની છે, આજકાલની નથી. એ કોઈની પાસે નહિ હોય.’

‘અરે! ભટ્ટજી! તમે મળતાં તો મહારાજનો જુદ્ધરંગ સુધરી ગયો એમ જ સમજો ને. ચાલો ત્યારે, તમે જાણે મારી સાથે મારા સુભટ્ટ છો. ચાલો, કોઈ પૂછતું નથી!’

ઉદયન ને મલ્હાર ભટ્ટ સોલંકીસેનની છાવણી તરફ ચાલ્યા.