Avantinath Jaysinh Siddhraj - 2 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 2

કુમારપાલની વિદાય!

ઉદયન સ્તંભતીર્થમા રાજા જેવો હતો. કુમારપાલને એણે ત્યાં ઘણા વખત સુધી સાચવ્યો હતો. છતાં જયસિંહદેવની શક્તિનો મર્મ ઉદયનથી અજાણ્યો ન હતો. नाझामंगं सहन्तें એ ઉક્તિ મહારાજ જયસિંહદેવ વિશે અક્ષરેઅક્ષર સાચી હતી એટલે અત્યારે પોતાના ઉપર હવે જરા જેટલું પણ શંકાનું વાદળ આવે એવું કોઈ સાહસ કરવામાં એને સોએ સો ટકાનું જોખમ લાગતું હતું. 

સૈનિકોની વાતમાંથી આંહીંથી પરિસ્થતિ વિશે એણે બે વસ્તુ પકડી લીધી: એક તો, કુમારપાલની સાથે હવે પોતાને કોઈ જોઈ જાય એ જરા પણ ઈચ્છવા જેવું ન હતું. મહારાજના પુત્ર વિશેની વાત એને સમજાઈ ન હતી, પણ મહારાજની પાસે અનેક અવનવી વાતો રજૂ થતી હોય તેમ એને લાગ્યું. અત્યારે કુમારપાલને ત્યાં લઇ જવો એ ઊંડા પાણીમાં ભૂસકો મારવા જેવું હતું! 

એણે કુમારપાલને કહ્યું ન હતું, પણ કૃષ્ણદેવના (કુમારપાલનો બનેવી, મોઢરેકનો સ્વામી અને જયસિંહદેવનો તુરંગાધ્યક્ષ) સંદેશ ઉપર જ એ આંહીં આવી રહ્યો હતો. કુમારપાલને સાથે પણ એ જ હેતુથી લીધો હતો. પણ કુમારપાલની સાથે પોતે આવી રહ્યો છે એની કોઈને લેશ પણ શંકા ન પડે માટે ગોધ્રક પાસેથી જ, કૃષ્ણદેવના મોકલેલા એ ભોમિયાએ ટૂંકી જંગલકેડી એમને બતાવી દીધી હતી. અને તે પછી તો એ પણ અદ્રશ્ય થઇ ગયો હતો. 

એટલે અત્યારે આ મંદિરમાં રાતવાસો ગાળીને વહેલી પ્રભાતમાં કોઈ એને દેખે તે પહેલાં જ એ કૃષ્ણદેવને મળી લેવા માગતો હતો. 

કૃષ્ણદેવના મોકલેલા સંદેશવાહકે તો એને જે વાત કરી હતી તે પ્રમાણે આ જંગલરસ્તે કૃષ્ણદેવનો ભેટો એમને થઇ જવો જોઈતો હતો. પણ હજી સુધી એ ક્યાંય બન્યું ન હતું. 

ઉદયનને આશ્ચર્ય પણ થયું હતું. કૃષ્ણદેવે એને તેડાવ્યો. એના શબ્દે કુમારપાલને એ સાથે લાવ્યો. અને એ કૃષ્ણદેવ તો આખે રસ્તે ક્યાંય ફરક્યો જ નહિ!

આ સૈનિકોને આંહીં દીઠા એટલે કૃષ્ણદેવ કેમ ન આવ્યો એ એને સમજાઈ ગયું. પણ તો પછી એ મંદિરમાં તો નહિ મળે? સંદેશવાહકે પણ એક મંદિર છે રસ્તામાં, એમ તો કહ્યું હતું: અને મોડું થાય તો ત્યાં રહી જવું એ સૂચના પણ આપી હતી. કૃષ્ણદેવ કદાચ હવે ત્યાં મળે. પણ કૃષ્ણદેવ સવાર સુધીમાં ત્યાં પણ ન મળે તો શું કરવું?

વહેલી પ્રભાતે પોતાને તો છાવણી તરફ જવું જોઈએ. એ વખતે કુમારપાલને સાથે લેવામાં હવે જોખમ હતું; ન લેવામાં પણ જોખમ હતું. મંદિરની શોધમાં બંને નીકળ્યા ત્યારે ઉદયન પોતાના આ વિચારવમળમાં પડ્યો હતો. 

સૈનિકોના શબ્દનો પૂરો મર્મ એના ધ્યાનમાં આવ્યો ન હતો. પણ મહારાજનો એક પુત્ર છે એ વાક્યે તો એને ઊભો કરી દીધો! મહારાજનો પુત્ર એ શું? કોનો પુત્ર? કોઈ રાણીને તો પુત્ર હતો નહિ!

‘દંડ દાદાક! ભાવબૃહસ્પતિ! બધી જ ધર્મપત્ની!’ એવા એવા સૈનિક બોલ્યા છૂટક શબ્દોના મર્મને સાંધવામાં એ આખે રસ્તે રોકાઈ ગયો. એનું મન હવે સોલંકીની છાવણીમા જવા માટે તલપાપડ થઇ રહ્યું હતું. પોતાની શક્તિનું કોઈક કામ ત્યાં છે એમ સમજી એ ઉત્સાહિત થઇ ગયો હતો. જીવનમાં પહેલેથી જ એણે કામ વિના ક્યાંય રસ માણ્યો ન હતો. કામ અને ધર્મ અને કંચન એ ત્રણ એનાં જીવનબળ હતાં. અને આંહીં આ ધારાગઢના મોરચે તો કામના ઢગલા હતા! એ પળે એ કૃષ્ણદેવને મનમાં ઝંખી રહ્યો. કુમારપાલને હવે સોલંકી સૈન્ય તરફ હમણાં તો ન જ લઇ જવો. અને આ મંદિરમાં રહેવાય એવું હશે તો તો કૃષ્ણદેવજીને મળ્યા પછી બીજું શું કરવું તે નક્કી કરવું. પણ કોઈ રીતે એની સાથે છાવણીમાં જવાનું સાહસ ન જ કરવું, એટલો એણે તત્કાળ નિર્ણય કરી લીધો. 

એટલામાં આગળ જઈ રહેલો કુમારપાલ જરાક અટક્યો: ‘આ પગદંડી આહીંથી નીચે જતી લાગે છે, મંત્રીશ્વર! જુઓ, એની પગવાટ કેટલી વપરાયેલી જણાય છે. અંધારું છે તોય લાગે છે કે આ મારગ છે. શંખધ્વનિ પણ વધારે પાસે થાય છે, સાંભળો!’

ઉદયને એક ક્ષણભર ઘોડો થોભાવ્યો. શંખધ્વનિ નીચેની જંગલઝાડીમાંથી આવી રહ્યો હતો. દેખીતી રીતે આ સ્થાન કોઈ જાણીતું મંદિર લાગ્યું, કદાચ પેલાં ભોમિયાએ કહ્યું હતું તે જ. પણ છાવણી આહીંથી બહુ દૂર ન હોય તો અહીં કોઈ ને કોઈની અવરજવર હોવી જોઈએ. તેણે તરત જવાબ વાળ્યો: ‘કુમારપાલજી! રસ્તો તો ચોક્કસ આ જ લાગે છે. પણ આપણે હમણાંથી જ એક વાતમાં સાવધ થઇ જવું પડશે. વખતે અત્યારે આપણને કોઈ મળી ગયું તો? સૈનિકોની વાત ઉપરથી લાગે છે કે કોઈ ને કોઈ બીજા પણ તપાસમાં નીકળ્યા હશે!’

‘એ બરાબર... તમને લાગતું હોય...’ કુમારપાલનો અવાજ જરાક ઘેરો શોકભર્યો હતો. પોતાના પડછાયામા રહેનાર પણ અત્યારે જાતજોખમે જ રહી શકે તેમ છે એ વિચારથી એને સહેજ ગ્લાનિ થઇ આવી. સ્તંભતીર્થમા રાજા જેવો હતો એ આ મંત્રીશ્વર પણ આંહીં તો જાત સાચવવાની ચિંતામાં હતો.

‘કુમારપાલજી! જે માણસ સમો સાચવી લે છે એ તો એક હજાર ને એક દુશ્મનમાંથી પણ સોંસરવો માર્ગ કાઢે છે. આપણું આંહીં અત્યારે કોઈ દુશ્મન નથી. આપણે તો મહારાજને ચરણે આપણું ગજકૌશલ્ય બતાવવા જઈ રહ્યા હતા, પણ કહ્યું છે નાં, તેલ જો, તેલની ધાર જો, એમ આપણે પહેલાં આંહીં શી પરિસ્થિતિ છે એ જોઇને જ હવે પગલું ભરવું. વળી ઉલળપાણા ક્યાં કરીએ? ઠીક જણાય તો તમે આ મંદિરમાં રહી જજો ને હું આગળ વધીશ!’

‘અત્યારે? અને એકલા?’

‘મને કોણ ખાઈ જાવાનું હતું? એમ ન કરીએ તો પ્રભાતમાં કોઈ ને કોઈ આ બાજુ ફરકે ત્યારે આપણે એમની સાથે ભેટો થઇ જાય. વાંધો એમાં કાંઈ નથી, પણ આપણે પાણીનું ઊંડાણ જોઇને જ પગ મૂકવો. ભોણમા હાથ નાંખ્યા પછી પાછો ક્યાં ખેંચીએ? પહેલાં એકાદ ગડગડિયો તો જાવા દ્યો, હું જ તમારો ગડગડિયો, મહારાજ!’

‘અરે, મંત્રીજી...!’

‘કેમ એમ જરાક મોળપ દેખાડો છો? મેં તો ત્રિભુવનપાલજીને એકલે હાથે ચાલીસ-ચાલીસ જણા સાથે લડતા જોયા છે! આજ એ હોય તો આ કિલ્લો ક્યારનો ભોંભેગો થઇ ગયો હોય!’

‘મોળપની વાત નથી, પણ તમારા વાગ્ભટ્ટે એક શ્લોક કહ્યો હતો એ મને સાંભરી આવ્યો!’

‘શો?’

‘પેલો મુસાફર ઝાડ નીચે સૂતો, તો ઝાડ ઉપરથી એની માથે ફળ પડ્યું. ભાગ્યરેખાની એવી વાત છે...’

‘જુઓ મહારાજ, અમારા એ જે સાધુ છે, હેમચંદ્રાચાર્યજી, એ ત્રિકાલાજ્ઞ છે. એમણે કહ્યું છે એમ થાશે જ. પણ એ પછી આંહીં હવે ઝાડને પણ કાન છે. તો આપણે એ કરો, મંદિર તરફ તો ચાલો, પેલા સૈનિકો તો હવે ગયા નહિ હોય? વખત તો ઠીક આપણે જાવા દીધો છે!’

‘હા, એ પણ વિચારવા જેવું!’        

‘તો પહેલાં હું જરાક આગળ વધુ? તમે પાછળ રહો. રસ્તામાં એવું લાગશે કે તમને ચેતવવા જેવું છે તો હું મોટેથી બોલીશ. “દાદાડા સામરજી!” અને તમે તરત આઘાપાછા થઇ જજો. એ શબ્દની શંકા પણ કોઈને નહિ આવે. સાથેના ભોમિયાને સાદ કર્યો છે એમ સૌ માનશે. એવો વખત તો નહિ આવે, પણ ચેતવણી સારી અને... ત્યાં મંદિરમાં જ કાંઈ વાંધા જેવું લાગશે તો પછી વળી નવો રસ્તો શોધવો પડશે. હવે હું આગળ વધુ છું...’

ઉદયન થોડી વારમાં આગળ વધી ગયો. એના ઘોડાના દાબડા સંભળાતા બંધ થયા, એટલે કુમારપાલ વિચાર કરતો એની પાછળ ચાલ્યો. એણે ભાગ્યના એટલા રંગ આટલી વયમાં જોઈ લીધા હતા કે એ હવે દરેક વસ્તુને માટે જાણે તૈયાર જ બેઠો હતો! એ અરધુંપરધું સમજી ગયો કે પોતાને સોલંકી સેનમાં સ્થાન નથી! મહારાજ એની હાજરી સહી શકે તેમ નથી.

થોડેક આઘે જતા એક નાનું સરખું શિવાલય ઉદયનની નજરે ચડ્યું. તો ત્યાં મંદિરના અંદરના દ્વારમાં એક ઝાંખો દીપક પ્રકાશી રહ્યો હતો. મંદિરના શિખર ઉપર ધજા ફરફરતી હતી. ધ્વજદંડને લગાડેલી મધુર ટોકરીઓના અવાજથી જંગલમાં પણ મંગલ જેવું જણાતું હતું. 

શિવાલયના બહારના દ્વાર ઉપર બેઠોબેઠો એક બાવો શંખનાદ કરી રહ્યો હતો. ઉદયનને કાંઈક વધારે ગર્ભિત અર્થ જણાયો. કદાચ કૃષ્ણદેવે જ એને બેસાડ્યો હોય. 

ઉદયને પોતાનો ઘોડો એક ઝાડ પાસે ઊભો રાખ્યો. પોતે નીચે ઊતરી ગયો, ધીમે પગલે આગળ વધ્યો. શિવાલયમાં કોણ છે ને કોણ નથી એની માહિતી મેળવવાની એને પહેલી જરૂર લાગી. 

દ્વારથી થોડે દૂર એક ઝાડના આધારે ઊભા રહીને એણે અંદર નજર કરવા માંડી. આ એક બાવાજી સિવાય બીજું કોઈ અંદર હોય એમ લાગ્યું નહિ. છતાં ઉદયનને થયું કે થોડી વાર હજી શું થાય છે તે જોવું જોઈએ.

એટલામાં બાવાજીએ ધીમો શંખનાદ કર્યો. એ શંખનાદ કોઈ સાંકેતિક હોય તેમ એ શંખનાદ થતાં જ શિવાલયના અંદરના ભાગમાંથી એક આધેડ વયનો ઠીંગણા સરખો, પણ મજબૂત બાંધાનો આદમી બહાર આવતો દેખાયો.

ઉદયન ધારીને જોવા લાગ્યો. તે મનમાં ઉલ્લાસી ઊઠ્યો: ‘કૃષ્ણદેવ તો ન હોય? લાગે છે તો એવો જ કોઈક!’

તે ધીમેથી બહુ નજીક જઈને દ્રષ્ટિ સ્થિર કરીને જોવા લાગ્યો.

‘કોઈ આવ્યું નથી?’ પેલા માણસે બાવાજીને પૂછ્યું.

‘ના કોઈ કહેતાં કોઈ શંખનાદ કરી કરીનેય થાકી ગયો!’ 

‘પણ રસ્તો તો આ જ લેશે એમ હઠીલાએ કહ્યું હતું, ભૂલા તો નહિ પડ્યા હોય?’

‘ઓ હો! આ તો કૃષ્ણદેવજી પોતે જ!’ હઠીલાની વાત હતી એટલે ઉદયને અવાજ તરત ઓળખી કાઢ્યો. પોતાના વિશે જ પૃચ્છા થઇ રહી હતી. 

સંતાયો હતો ત્યાંથી તેણે મોટેથી કહ્યું: ‘કૃષ્ણદેવજી!’

‘કૃષ્ણદેવ ચોંકી ઊઠ્યો. તેણે અવાજ તરફ નજર કરી. ઉદયન એટલી વારમાં એની પાસે મંદિરના દ્વાર તરફ આવી પહોંચ્યો.

‘આ રહ્યા!’ કૃષ્ણદેવ એને ખભે હાથ મૂકી સત્કાર આપતાં કહ્યું, ‘આ રહ્યા! નથી? એ સ્તંભતીર્થના રાજા છે હો, બાવાજી! ક્યારેક એ તરફ જાત્રા કરવા જાવ તો મળજો લ્યો.’ તેણે બાવાજીના હાથમાં કાંઈક આપતા કહ્યું. ‘અને હઠીલાને તરત મોકલજો!’

બાવાજી શિવાય નમઃ કરી તરત ઊપડી ગયો. કૃષ્ણદેવ એને જતો જોઈ રહ્યો. એનાં પગલાંનો અવાજ બંધ થયો કે તરત એ ઉદયન તરફ ફર્યો.

‘એકલા જ આવ્યા છો?’

‘ના. છે ને! કુમારપાલજી સાથે છે. આવતા હશે. સોલંકી સૈનિકો રસ્તે મળેલા...’

‘મળેલા? ત્યારે તો તમને ઓળખી કાઢ્યા હશે?’

કૃષ્ણદેવના અવાજમાં જરાક ચિંતાનો રણકો હતો. ઉદયને એ તરત પકડી લીધો. તેણે ઉતાવળે કહ્યું:

‘ના, ના, એમ તો કાંઈ મળ્યા નથી. અમે એમને જતા જોયા પણ એ આ  બાજુ શિવાલયમાં આવવાની કાંઈક વાત કરી રહ્યા હતા એટલે આંહીં આવતા અમે સંભાળ લીધી. એક પછી એક આવ્યા. હું પહેલો તપાસ કરવા આવ્યો છું. કુમારપાલજી... આ આવ્યા લ્યો.’

કુમારપાલ ધીમે પગલે આ બાજુ આવતો દેખાયો. એણે પણ પોતાનો ઘોડો દૂર ઊભો રાખ્યો હતો. એ પાસે આવ્યો ને કૃષ્ણદેવ એને પ્રેમથી ભેટી પડ્યો.

‘સારું થયું તમે આવ્યા, કુમારપાલજી! અમારે તમને આહીંથી જ દેશવટે મોકલી દેવા છે!’ મશ્કરીમાં હોય તેમ કૃષ્ણદેવ બોલ્યો; પણ બોલીને ગંભીર થઇ ગયો. 

‘એવું જ કરજો!’ કુમારપાલે જવાબ આપ્યો, એ પણ ગંભીર બની ગયો હતો.

કૃષ્ણદેવે ધીમાં અવાજે શાંત ગંભીર શબ્દમાં કહ્યું: ‘આપણે વાત કરવાનો વખત થોડો છે. આપણે ત્યાં મંદિરના દીપ પાસે અંદર જ જઈએ. પણ તે પહેલાં એક વખત હું જરાક જોઈ લઉં! સૈનિકો આ બાજુ નીકળ્યા છે. એ સાંભળ્યું એટલે હું અંદર રહ્યો હતો. જોઈ લીધું સારું!’

કૃષ્ણદેવ એમ ને એમ ઊભા રાખીને મંદિરની ચારે તરફ એક આંટો મારી આવ્યો. પછી તે મંદિરના દીપ તરફ ચાલ્યો. ઉદયન ને કુમારપાલ તેની પાછળ-પાછળ ગયા. મહાદેવને નમીને એ દીવાની સમક્ષ બેઠા. 

દીવાનો ઝાંખો પ્રકાશ પડતાં જ સૌએ એકબીજા તરફ જોયું. એમ ને એમ બે ક્ષણ બોલ્યા વિના જ ચાલી ગઈ. અંતે કૃષ્ણદેવે બહુ જ ધીમા શબ્દમાં કહ્યું: ‘કુમારપાલજી! મારે તમને એ કહેવાનું હતું. તમે સિંહાસને આવો એ મહારાજ સાંખે તેમ નથી. દૈવજ્ઞો વારંવાર મહારાજને એ જ કહે છે! હમણાં તમે આઘાપાછા થઇ જાઓ!’

કુમારપાલ સાંભળી રહ્યો. ઉદયન પણ આ જ કહેતો હતો. તેને જરાક માનભંગ પણ લાગ્યું. તે  બોલ્યો: ‘કેમ? મારે રાજવંશનો લાભ નથી જોઈતો. પણ મારો રજપૂતી વારસો પણ ન જાળવું? આ તે શી વાત છે. કૃષ્ણદેવજી?’

‘કુમારપાલજી! તમારી બહેનનો પણ એ જ મત છે. ત્યારે આઘાપાછા થઇ જાવું! આમાં તમારું કામ નથી. અમે પોતે પણ માંડમાંડ ટકી રહ્યા છીએ ને!’

કૃષ્ણદેવના શબ્દમાં સ્પષ્ટ સંભળાતા અભિમાનના રણકારથી ઉદયન ચોંકી ઊઠ્યો. પણ જાણે જાણતો ન હોય તેમ એ શાંત રહ્યો. પણ કુમારપાલે તરત દ્રઢ વિશ્વાસભર્યો પ્રત્યુત્તર વાળ્યો:

‘હવા તો આંહીંની શી છે ને શી નથી એ જાણે તમે અમારા કરતાં વધુ જાણો. પણ સાંભળ્યું છે તેમ, જો ધારાગઢના પતન માટે યોજના ને યુદ્ધરચના જોઈતાં હોય તો હું એ માટે આવ્યો છું. ધારાગઢ પડે જ એવી હું પ્રતિજ્ઞા કરું પછી? પરાજય મળે તો મા નર્મદાનાં જળ મને સંઘરે. બસ?’

‘જુઓ, કુમારપાલજી! તમે જાણે બહાદુર નર છો. પણ આ દુર્ગ ધારાગઢનો એ જેવા તેવાની રચના નથી. ભોજરાજ જેવાઓએ બંધાવ્યો છે. એમાં જ્યાં પવન પણ સંચરે તેમ નથી ત્યાં માણસનું શું ગજું? ઉજ્જૈનગઢ મહારાજે લીધો, પણ આ નરવર્મ – યશોવર્માની જોડલીએ ત્વરિત પગલે, આ ધારાગઢનો આધાર પકડી લીધો તો આજ સોલંકી સેનને પગે પાણી ઊતરે છે! હજી એક કાંકરી ખરી નથી! એમ તો અમે પણ ખેંગારનો ગઢ ક્યાં જોયો નથી? પણ તમે ધારો છો તેમ આ દુર્ગ કાંઈ મલોખાંનો માળો નથી!’

‘એ તો મલોખાંનો માળો છે કે શું છે, એક વાત કામગીરી મહારાજ સોંપે તો પછી ખબર પડે નાં?’

‘પણ કુમારપાલજી! આંહીં પણ કૈંક સુભટ્ટ પડ્યા છે. આંહીં મુંજાલ મહેતા છે, મહાદેવ છે, કેશવ સેનાપતિ છે. વયોવૃદ્ધ દંડ દાદાક છે. અમારા જેવા મર્યા છે...’ 

ઉદયન વચ્ચે જ બોલ્યો: ‘કૃષ્ણદેવજી! હઠીલાને તમે બોલાવ્યો છે તે હમણાં આવશે. આપણે અત્યારે જે પરણે છે એનું જ ગાવ ને, મહારાજનું મનદુઃખ છે એમ તમે કહ્યું એનું શું છે? એ વાત આગળ વધારીને શું કરવું તે નક્કી કરો!’

એટલામાં તો હઠીલાનો પગરવ સંભળાયો. કૃષ્ણદેવ સાવધ થઇ ગ્યો. ‘આ આવ્યો લાગે છે. આપણે એકદમ એને કુમારપાલજીનો પરિચય આપવાનો નથી. તમે કુમારપાલજી! મંદિરની ભીંત પાછળ ચાલ્યા જાવ ને! ઉતાવળ કરજો. આ આવ્યો!’ 

કુમારપાલ ત્વરાથી બેઠો થઇ પાછળ ચાલ્યો. એની પીઠ ફરી કે કૃષ્ણદેવે ધીમેથી કહ્યું: ‘ઉદયનજી! આના મગજમાં રાઈના ખેતર ઊભાં લાગે છે. ને આંહીં મહારાજ જયસિંહદેવ જેવા સાથે કામ છે. તમે એને આશાનો ડુંગરો તો ભળાવ્યો નથી નાં? પાછો એ છે લોભનો કટકો! આ તો અમારા જેવા આંહીં પડ્યા છે તો કાંક દોરીસંચાર ચાલતો રહે છે. બાકી, તમને ખબર છે, આંહીં તો મહારાજની સમક્ષ એક બીજો પણ જબરજસ્ત પ્રશ્ન આવ્યો છે!’

કૃષ્ણદેવના શબ્દેશબ્દમા પોતાનું મહત્વ સ્થાપનાર હૂંકારનો ઘણો મોટો પડઘો ઊઠતો હતો. પણ ઉદયનને અત્યારે એ પડઘા સાથે કામ ન હતું. ગમે તેવાને કૃષ્ણદેવની સાથે વાત કરતાં જ લાગી જતું કે સાચનો કટકો તો આ કૃષ્ણદેવ જ છે! પણ અત્યારે આ બે જણા ક્ષત્રિયવટના કાંટા ઊભા કરે એમાં ઉદયનને જોખમ જણાતું હતું. એણે બહુ ધીમેથી કહ્યું: ‘કૃષ્ણદેવજી! અત્યારે હવા જોઇને આપણે વાત કરો ને! બીજી આડીઅવળી જવા દ્યો! મેં પણ કુમારપાલને એ જ કહ્યું છે. હમણાં આડાઅવળા થઇ જાઓ!’

‘કોયડો ઊભો થયો ન હોત તો જુદી વાત હતી. પણ હવે તો મહારાજ આને સાંખી જ નહિ શકે! આંહીં તો મહારાજને કોઈ પુત્ર છે એવી વાત ચાલી રહી છે!’

‘હેં?’

‘ત્યારે હું એ  હિસાબે વાત કરી રહ્યો છું. આને એ વાતની ખબર છે?’

‘ના, ના.’ ઉદયનને સાંભર્યું કે સૈનિકો પણ એ જ વાત કરતા હતા. પણ કુમારપાલે એ જાણી હોય તેમ જણાયું ન હતું. 

‘થયું ત્યારે. એને એમ છે કે એ ધારાગઢ જીતી દેશે એટલે મહારાજ એના ઉપર વારી જાશે. પણ આ છે મહારાજ જયસિંહદેવ! એને તો આનું એક જરાક જેટલું વાણીનું અશુદ્ધ ઉચ્ચારણ હશે તો પણ પોતાની વિક્રમી પરંપરામાં એ નાલાયકી જણાશે! મેં તમને સંદેશો મોકલ્યો ત્યારે જુદી વાત હતી. અત્યારે જુદી વાત છે. આંહીં તો ઘડીઘડીના રંગ છે. એ તો અમારા જેવા આંહીં કેમ ટકે છે એ એક અમારું મન જાણે છે! તમે આવશો એટલે બધું જાણશે નાં!’

ઉદયનનું મન આના હુંકારી રણકા સામે અંદર ને અંદર હસી પડ્યું. એણે મોટેથી કહ્યું: ‘કૃષ્ણદેવજી! તમે છો તો કોક દિવસ કુમારપાલજીનો દી પાછો વળશે!’

‘પાછો વાળવો જ છે ને! અમે આંહીં શું કરવા બેઠા છીએ? પણ હમણાં એમને અદ્રશ્ય થઇ જવું પડશે! આંહીં કુમારપાલજીનું અત્યારે સ્થાન નથી! એમનો મદાર એમના પરાક્રમ ઉપર છે. પણ એ ખીલા વિના કૂદશે તો ઘડીના છઠ્ઠા ભાગમાં હતા ન હતા થઇ જાશે. પછી તમે ભલે સ્તંભતીર્થમા રાજા રહ્યા – પણ આ જયસિંહદેવ સામે હરફ નહિ કાઢી શકો. ને હું – હું પણ શું કરવાનો હતો એકલો?’ 

‘આ હઠીલો આવ્યો લાગે છે!’ ઉદયન બોલ્યો, ‘મેં કુમારપાલજીને એ જ પ્રમાણે કહ્યું છે. તમે પણ એમ જ કહેજો. બીજી વાત જવા દો. હમણાં મનદુઃખની વાત જ રાખો!’

હઠીલો મંદિરની બહાર હાથ જોડીને ઊભો હતો તેના તરફ દ્રષ્ટિ કરતાં કૃષ્ણદેવે કહ્યું:

‘એ બરાબર છે. હઠીલો આ જંગલનું પંખી છે. આંખમાંથી કણું કાઢે એટલી વારમાં એ જંગલ પાર કરાવી દેશે. વેશ તો આંહીંથી બદલી કાઢે. અમારા બાવાજીનાં ભગવાં, હઠીલો આમ લઇ આવશે. એ બંનેને મેં તાવી જોયા છે, એટલે એ વાત આંહીં ભોંમાં જ ભંડારાઈ જાશે. નહિતર સવાર ઊગ્યે તમે કુમારપાલ સાથે ફરતા દેખાશો એમાં તમારી સલામતી નથી. ને મારી પણ સલામતી નથી.

કૃષ્ણદેવ ધીમે બોલી રહ્યો હતો, પણ હજી વધુ ધીમેથી બોલવાની જરૂરિયાત હોય તેમ એણે છેક ઉદયનના કાનમાં કહ્યું: ‘તમે જોશો ને છક્ક થઇ જશો!’

‘કોને?’

‘એ જે હોય તે મહારાજનો પુત્ર કહેવાય છે. શો સુંદર કિશોર છે! જાણે ઇન્દ્રરાજનો જયંત. મન ને આંખ ભરાઈ જાય એવો સુંદર છે!’

‘પણ એ છે કોણ?’

‘એ જ તો નવી નવાઈની વાત છે. ઉજ્જૈનથી કોક આંહીં આવી ત્યાર પછી આ વાત ચાલી છે!’

‘કોક આવી? કોણ છે એ? કોઈ સ્ત્રીની વાત છે?’ ઉદયનને ભુવનેશ્વરીનો આખો પ્રસંગ નજર સમક્ષ આવી ગયો. પોતાને હાથતાળી દઈને છટકી ગયેલી એ આ જ  હશે, એમ એણે અનુમાન કર્યું. પણ પોતાનું અજ્ઞાન જ અત્યારે તો એણે ચાલુ રાખ્યું. 

‘કોણ એ તો કોને ખબર?’ કૃષ્ણદેવે કહ્યું.

‘નામ શું છે?’

‘પ્રતાપદેવી કહે છે, પણ એ નારી કાંઈ નારી જેવી નથી. તમે જોજો ને! જાણે સાક્ષાત સરસ્વતી!’

‘પ્રતાપદેવી? ભુવનેશ્વરીએ આ નામ તો ધાર્યું નહિ હોય?’ ઉદયન વિચારમાં પડી ગયો. 

કૃષ્ણદેવે હઠીલાને બોલાવવા ધીમેથી તાળી પાડી. 

હઠીલો તરત ત્યાં આવી ચડ્યો. કૃષ્ણદેવે એને બાજુ ઉપર લીધો. ત્યાં એના કાનમાં કાંઈક વાત કરી. અને થોડી વારમાં જ એ પાછો અદ્રશ્ય થઇ ગયો.

‘કુમારપાલજી!’ હઠીલો ગયો કે તરત ઉદયને ધીમેથી કુમારપાલને બોલાવ્યો એને આ વાતનો જલ્દી અંત લાવવાનો હતો. 

કુમારપાલ આવ્યો. ઉદયન એની સામે જોઈ જ રહ્યો. કોઈ જબરજસ્ત મનોમંથન કુમારપાલના દિલમાં ચાલી રહ્યું હતું. યોદ્ધાની એક લાક્ષણિકતા એનામાં વસી રહી હતી. એ થોડું બોલવામાં માનતો. તેણે બેસતાવેંત, નીચે તેણે, ધરતી ઉપર જોઇને કહ્યું: ‘ઉદયનજી! મેં નક્કી કરી નાખ્યું છે!’

‘શું?’

‘મારી “ઔપમ્યા” ભાગ્યહીન સાથે છે. મારે પડછાયે તમે દુઃખી થશો!’

કૃષ્ણદેવ હસી પડવાની તૈયારીમાં હતો, પણ ઉદયને એના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો. કૃષ્ણદેવ ગંભીર મૌન જાળવી રહ્યો.

‘તમારા દુઃખની વાત નથી!’ ઉદયને કહ્યું, ‘પણ તમારા હિતની વાત છે. અત્યારે પરાક્રમ કરીને જયસિંહદેવને રાજી કરી શકાય તેમ નથી. એમના મનદુઃખની કોઈ સીમા નથી. એટલે આપણે હમણાં ખસીને મારગ કરી દેવો! દુઃખનું ઓસડ દહાડા પછી બધું સમુંસુતર થઇ રહેશે!’

‘અને કુમારપાલજી! અમારો મારગ ખુલ્લો હોય તો એ જ થાય!’

‘હા, એ પણ બરાબર,’ ઉદયને કહ્યું.

‘હું આહીંથી ક્યાં જાઉં?’

‘દક્ષિણ પંથ ઠીક નહિ, કૃષ્ણદેવજી? કોઈને પત્તો પણ ન લાગે ને વળી ત્યાં રહ્યું કર્ણાટકમા રાજ સોમેશ્વર (સોમેશ્વર ત્રીજો, ભૂલોકમલ્લ) ચૌલુક્યનું. એટલે કોઈનો ગજ પણ વાગે નહિ. ભવિષ્યમાં નવેસરથી સંબંધની દોરી લંબાવવાની પણ એમાં તક રહે!’

‘શી?’  

‘ભૂલોકમલ્લ સોમેશ્વરનો સેનાપતિ છે. એની મહત્વાકાંક્ષા હજી ગુજરાત ઉપર આવવાની છે. આપણો આંહીં પરાજય થાય એની એ રાહ જુએ છે. તમે એ બાજુ ઉપર ભોમિયા હો તો ફરી મહારાજને કાને વાત નાખી, તમારી ઉપયોગીતા સમજાવાય!’ ઉદયનને મનમાં એ પણ ભય હતો કે આટલામાં જ કુમારપાલ રહે તો પોતાના ઉપર વહેલુંમોડું વાદળ આવે. માટે દક્ષિણપંથ ઠીક છે. દૂરનું દૂર!

‘મને તો એ બરાબર લાગે છે!’ કૃષ્ણદેવે કહ્યું. 

‘ત્યારે તો મને પણ તે જ ગમે છે!’ કુમારપાલ બોલ્યો.

‘આંહીંની તમે ચિંતા કરતા જ નહિ,’ કૃષ્ણદેવે કહ્યું, ‘અમે પણ આ હઠીલા જેવા થોડાક સાધી રાખ્યા છે! વખત આવ્યો કે તૈયાર!’

એટલામાં હઠીલો પાછો આવી ચડ્યો. એના હાથમાં એક પોટકું હતું. એમાં ભગવાધારી વસ્ત્રો હતા. ‘તમારો ઘોડો કુમારપાલજી! જંગલને રસ્તે હઠીલો ક્યાંક બદલાવી દેશે – કોક ભીલાડ ગામમાં. આ ઘોડો તમને પ્રગટ કરી દે!’ કૃષ્ણદેવજીએ કહ્યું, ‘અને હમણાં તો અમે તમને ભગવાં પહેરાવીએ છીએ, પણ ભગવાન સોમનાથની સામે આટલું નોંધી રાખજો કે સ્તંભતીર્થના આ ઉદયનજી ને બીજા આ કૃષ્ણદેવજી તમને કોઈ કાળે ભૂલે તેમ નથી. મારું તો મનોમન સાક્ષી પૂરે છે કે પાસા નાખવાવાળા ભલે નાખી જુએ, પણ રાજ તો અંતે તમારું જ છે! ઠીક ત્યારે કરો કંકુનાં ને બોલો જય સોમનાથની!’

‘જે સોમનાથ!’ કુમારપાલ પોતાના બનેવીને ભેટી પડ્યો. એક ક્ષણભર બંનેનાં મન ભરાઈ આવ્યા.

‘જય અરહંત! ભગવાન જીનેન્દ્ર સૌ સારાં વાનાં કરશે, કુમારપાલજી! ચાલો ત્યારે –’

કૃષ્ણદેવે થોડી વાર સુધી હઠીલાને કાંઈક આઘે લઇ જઈને કહ્યું. એ બે ક્ષણ ઉદયન કુમારપાલની સામે જોઈ રહ્યો: એણે પ્રેમથી ખભે હાથ મૂક્યો; અને પછી ધીમેથી બોલ્યો: ‘કુમારપાલજી! હમણાં આ બાજુ ફરકતા નહિ હો. બાકી છેવટે પાટણનું સિંહાસન તમારું છે. મુનીન્દ્ર હેમચંદ્રાચાર્યનાં વચનને યાદ કરો! જય જીનેન્દ્ર!’

કુમારપાલે હાથ જોડીને બંનેને મસ્તક નમાવ્યું અને પછી તરત એ હઠીલા સાથે અંધારામાં અદ્રશ્ય થઇ ગયો.