Avantinath Jaysinh Siddhraj - 1 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 1

Featured Books
Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 1

ધૂમકેતુ

પ્રવેશ

ગુજરાતનો પ્રતાપીમાં પ્રતાપી રાજા જયસિંહદેવ સિદ્ધરાજ. એણે ત્રણ બિરુદ ધારણ કરેલાં. બર્બરકજિષ્ણુ, ત્રિભુવનગંડ અને અવંતીનાથ. બર્બરકને વશ કરીને એ બર્બરકજિષ્ણુ કહેવાયો. સમકાલીન કર્ણાટકના વિક્રમ છઠ્ઠાએ ધારણ કરેલ ‘ત્રિભુવનૈકમલ્લ’ એ ઉપાધિની સ્પર્ધામાં હોય તેમ તેણે ત્રિભુવનગંડનું બિરુદ ધારણ કરીને પોતાને ભગવાન સોમનાથનો દ્વારપાલ ગણાવ્યો અને માળવાનો વિજય કરીને એ અવંતીનાથ બન્યો.

એક રીતે ગણો તો માલવાના આ વિજયથી મહારાજ જયસિંહદેવ ‘અવંતીનાથ’ બનેલ છે એવું પણ નથી. ‘અવંતીપતિ’ વિષેની લોકભાવના, ‘ઉજ્જૈનના ધણી વીર વિક્રમ’ની પરદુઃખભંજનની કથાઓમાં સચવાયેલી છે. એ જ પરદુઃખભંજનની ન્યાયવૃત્તિ દાખવીને સિદ્ધરાજ જયસિંહે પોતાનું બિરુદ સાર્થક કર્યું. લોકકંઠે તો અવંતીનાથ કરતાં પણ ‘સધરા જેસંઘ’નો પ્રીતિદર્શક નાદ જ વધારે સાચવ્યો છે. પ્રબંધમા એ વિશે અનેક ઉલ્લેખ મળે છે. ખંભાતના અલી ખતીબ જેવા વિધર્મીને અને એ વખત તો સાગરમાં બિંદુ જેટલી સંખ્યામાં રહેલા વિદેશી માણસોને પણ મહારાજે પોતે સ્તંભતીર્થમા ગુપ્ત વેશે જઈને, સાચી હકીકત મેળવીને, ન્યાય આપ્યાનો ઉલ્લેખ છે. સિદ્ધરાજ જયસિંહે એ રીતે અવંતીની પરંપરામાં સચવાયેલું પરદુઃખભંજનીનું બિરુદ જાળવ્યું છે. કદાચ લોકના કંઠમાં સધરા જેસંગ જેટલી ગુજરાતની કોઈ રાજાની વાત રહી નથી. એના વિશેની બંને કલંકકથા – રાણકદેવીની ને માયાની – ખોટી છે. માયાની તો તદ્દન ગપ છે. હમણાંના ખોદકામે બતાવ્યું છે કે સિદ્ધરાજે સરસ્વતીમાંથી પાણીની વિશાળ નેળો સહસ્ત્રલિંગમાં આણી છે. માયાની વાત તદ્દન ખોટી છે. પછી એને, વીર ગણીને બિરદાવવો હોય તો ભલે. 

માલવાની પરંપરા સાચવે તેવું બીજું આકર્ષણ હતું એની સરસ્વતીની આરાધનાનું. પરમાર ઉત્પલ કવિ હતો. માલવાનો પૃથિવીવલ્લભ મુંજ કવિ હતો અને કાવ્યજ્ઞ હતો. ‘ગતે મુંજે યશ:પુંજે નિરાલંબા સરસ્વતી’ એ એના વિશે કહેવાયું છે. ભોજરાજની ‘સરસ્વતી કંઠાભરણ’ વિદ્યાશાળા તો પૃથ્વી ઉપરનું સરસ્વતીનું એક મનોરમ સ્વપ્ન હતું. ત્યાં કવિ ધનપાલ જેવા હતા. ભોજરાજ પોતે પણ અનેક ગ્રંથોના રચનારા હતા. ભોજરાજાના સમયના એક મહાન શિલ્પી મંથરની બનાવેલી એક અદ્ભુત પ્રતિમા આજે પણ લંડન મ્યુઝિયમમાં મોજૂદ છે.એ પ્રતિમા સરસ્વતીની છે. એના પછી ઉદયાદિત્ય પણ લલિતકલાનો પરમ ઉપાસક હતો. ઉદયાદિત્યે બંધાવેલું ઉદયપુર [ભીલસા પાસે; ચિતોડ ઉદેપુર નહિ] પાસેનું નીલકંઠેશ્વરનું અવર્ણીય શિલ્પસૌંદર્ય જોઇને પ્રવાસી મુગ્ધ બની જાય છે. ઉદયાદિત્યની પોતાની એક આકૃતિ ત્યાં છે, તેમાં ૧૦૮૦ ઈ.સ ની સાલ છે. આ મંદિરની અક્સ્માત સુભગતા એ છે કે પાછળના સમયમાં ઔરંગઝેબ જેવાને હાથે પણ એનો નાશ થતો રહી ગયો છે. એના શિલ્પસૌંદર્યથી એક વખત ત્યાંથી લશ્કરી સવારમાં નીકળતાં એ પણ આકર્ષાયો હતો. આ ઉદયાદિત્યનો પુત્ર તે નરવર્મદેવ.

નરવર્મદેવના સમયમાં ગુજરાતમાં પ્રતાપી જયસિંહ સિદ્ધરાજ હતો. નરવર્મદેવે એક ભૂલ કરી – ગુજરાત ઉપર ચડાઈ કરવાની. એ વખતે સિદ્ધરાજ સોમનાથ ગયેલો. એની આ ભૂલ કહો કે ચાળો કહો – એને એ આકરો પડી ગયો. માલવા અને ગુજરાત વચ્ચે લડાઈ તો છેક મૂલરાજ સોલંકીના સમયથી ચાલતી જ આવેલી. ગુજરાતની સરહદ ઉપર માલવાનું અરિરાજ્ય આમ લટકતી તલવાર જેવું રહ્યા કરે, એ વસ્તુસ્થિતિને સિદ્ધરાજ જેવો મહત્વાકાંક્ષી અને પ્રતાપી નૃપતિ ચાલવા દે એ બને જ કેમ? એણે તરત રણવાટ લીધી,  જયસિંહ પોતે એ સવારી લઈને ગયો હતો. હેમચંદ્રાચાર્યે એનું વર્ણન કરેલું છે. 

ગુજરાતનું સૈન્ય અવંતી લેવા તો ઊપડ્યું, પણ એ આકરા યુદ્ધમાં ઘણો લાંબો સમય ગયો. નરવર્મદેવ અને તેના પુત્ર યશોવર્માંએ વીરતાથી યુદ્ધ ચલાવ્યે જ રાખ્યું. ધારગઢના અજિત કિલ્લામાં એમણે આશ્રય લીધો હતો. સોલંકી સૈન્યને એમણે મચક ન આપી. 

સિદ્ધરાજનું પાણી જળવાશે કે કેમ એની શંકા પડે એવો સમય આવી ગયો. ગુજરાતભરના બહાદુર લડવૈયાઓ આ રણક્ષેત્રમાં આવ્યા હતા. મંત્રી મુંજાલ ત્યાં હતો. સેનાપતિ કેશવ હતો, મહાદેવ હતો, કુમારપાલનો બનેવી મોઢરેકનો રાજા કૃષ્ણદેવ હતો. કિરાડ્ડનો સોમેશ્વર, આબુનો પરમાર રામદેવ, નડૂલનો અશ્વરાજ અને શાકંભરીરાજ આનકરાજ પણ મદદે આવ્યા હતા. 

પણ દુર્ગ ધારાગઢ અજિત રહેવા માટે નિર્માણ થયો હોય તેમ સૌને હંફાવતો ઊભો હતો. રા’ ખેંગારના ગિરનારી દુર્ગ જેવી એની અડગતા હતી. 

એવામાં કાંઈક જેવા તેવા સમાચાર મળ્યા કે દક્ષિણ દરવાજો કદાચ ડગે તો ડગે. એને માટે ડુંગર જેવો બળવાન હાથી જોઈએ. એવો હાથી મહોબાના (હાલ બુંદેલખંડ) રાજા મદનવર્માને ત્યાં છે. પણ એ હાથી લેવા કોણ જાય? શી રીતે જાય? ને શી રીતે હાથી લાવે? એ એક કોયડો હતો. મદનવર્મા કાંઈ જેવો તેવો રાજા ન હતો. તેને ત્યાં તો ઇન્દ્રનો વૈભવ હતો. એનું સેન અજિત ગણાતું. એનો પુરોગામી સલ્લક્ષણ વર્મા માલવાના દંડનાયકને ઊંટ ઉપર ઉપાડી ગયો હતો. અત્યારે એને દુશ્મન કરવો પોસાય તેમ ન હતો. 

આ ઊડતા સમાચાર ગુજરાતમાં પણ આવ્યા. આ તકનો લાભ લઇ પોતપોતાનું ગજપ્રાવીણ્ય દર્શાવવા માટે અનેક જણ મોરચે આવવા નીકળ્યા. બીજી તરફથી ઉજ્જૈનની એક નારીના દિલમાં પણ આ વાતે ખળભળાટ મચાવી દીધો. મહારાજ જયસિંહદેવનો વારસો ઉપાડી લ્યે એવો એક સ્વપ્નદર્શી કિશોર એની પાસે હતો. એ કિશોર બીજો કોઈ નહિ, કુમારતિલક ત્યાગભટ્ટ. મહારાજનું મન હરણ કરનારી અદ્ભુત નારી ભુવનેશ્વરીનો એ પુત્ર. એને વરેલી ગજશાસ્ત્રનિપુણતા એની જ હતી. 

એ સમયે અચાનક એક નાનાં સરખા પ્રસંગે મહારાજના દિલમાં ભારે આઘાત કર્યો. મહારાજ સિદ્ધરાજ સવારમાં નીકળેલ, ત્યારે એવા અપુત્રીનું મોં કોણ જુએ, એમ ગણીને કોઈ વનવધૂએ મહારાજની મર્યાદા કરી લીધી. મહારાજે એ જોયું. અને એમનું મન ગ્લાનિ પામ્યું. ‘હું રાજા શેનો? જો મારું મોં જોતાં પ્રજાજનને આવો ઉદ્વેગ થાય તો આ રાજપદ શા કામનું? નરવર્મદેવની પરંપરા તો યશોવર્માં ચલાવશે – પણ મારી? મારી પરંપરા કોણ ચલાવશે? પરંપરા ચલાવશે તેમ છે?’ મહારાજનું મન ખિન્ન થઇ ગયું. 

મહારાજની તો આખી પ્રણાલિકા જ વીરવિક્રમની, ઘડીભર જુદ્ધ ભૂલી ગયું. આજ્ઞા થઇ. મારે એ નારી પાસેથી જ આ વાતનો ખુલાસો લેવો છે. સૈનિકો તપાસમાં તો નીકળ્યા પણ કાંઈ પત્તો લાગ્યો નહિ. જે વનરસ્તે એ પાછા ફરી રહ્યા હતા એ જ રસ્તે બે જણ ગુજરાતમાંથી માલવ મોરચે આવી રહ્યા હતા. 

સૈનિકોની વાતચીત સાંભળીને બંને વિચારમાં પડી જાય છે. 

ધારાધ્વંસની આ નવલકથા આહીંથી શરુ થાય છે. 

***********


પરંપરા કોણ ચલાવશે?

દધિપદ્ર (દાહોદ) અને ધારાગઢ વચ્ચેના જંગલરસ્તે થઈને બે ઘોડેસવારો માલવ મોરચે આવી રહ્યા હતા. 

એમની પાસે ખમીરવંતા જાતવાન ઘોડાં હતાં. ક્યાંક જલદી પહોંચી જવાની એમને ઉતાવળ હોય એમ જણાતું હતું. એટલે એ ઝપાટાબંધ મૂંગામૂંગા જઈ રહ્યા હતા. બંનેની સવારીમાંથી કોની વધારે આકર્ષક હતી એ કહેવું મુશ્કેલ પડે તેવું હતું. છતાં બંનેની વયમાં ઠીક જેવો તફાવત હતો. એકે જુવાની વટાવી હતી. પણ હજી એણે એને તજી ન હતી. બીજો હતો તો પ્રૌઢ, પણ જુવાનને શરમાવે તેવો. એટલે એને તો જાણે કોઈ વય જ દેખાતી ન હતી; શરીર એમનાં એવાં કસાયેલાં, ખડતલ ને મજબૂત હતાં કે વયનો તફાવત એમાં અદ્રશ્ય જ થઇ જતો હતો. નાની વયનો હતો તેનામાં તેજસ્વી રૂપરંગ હતાં. એનું શરીર દેખીતી રીતે જ મલ્લ જેવું  બળવાન હતું. સામે આવનારને એક ઘડીભર તો થથરાવી દે એવો એનો પ્રતાપી દેહપ્રભાવ હતો. પણ એના આખા ચહેરામાં વિશ્વપ્રેમની એક અતિ છાની ઝલક જોવાની હતી. એની સામે ઊભેલો દુશ્મન થથરે અને છતાં વિશ્વાસ અનુભવે! એનો વેશ તો સાદો, સૈનિક જેવો હતો – જાણે કે પોતાનું ઓળખાણ છુપાવવા માટે જ એણે એ ધાર્યો હોય! છતાં એનું રાજવંશી રૂપ એમાંથી પ્રગટ થઇ જતું હતું. 

બીજો મોટી વયનો પુરુષ, એની સાથે વિરોધમાં મૂકી શકાય એવો, ચહેરેમોહરે સ્થૂળ સામાન્ય માણસ જેવો લાગતો હતો પણ જાણે કે, રૂપરંગ અને રાજવંશી જન્મ જેટલું જ આકર્ષણ બુદ્ધિમાં પણ રહ્યું છે. એમ પ્રગટ કરવા માટે હોય તેમ, એ બંનેનો એનામાં અભાવ છતાં એની સામે ઊભનારો તરત એની શેહમાં પડી જાય, એવી આંખ હતી. એમાં જાણે કે તત્કાલબુદ્ધિનો સાગર ઊભરાઈ રહ્યો હતો! એણે પગમાં ખંભાતી જોડા પહેર્યા હતા. કાને લટકાવેલ સોનેરી કુંડળમાં લંકાના મોતી ઝૂલી રહ્યાં હતાં. હમણાં હસી પડવાની તૈયારીમાં હોય એમ એના ચહેરા ઉપર છાનું હાસ્ય બેઠું જ હતું. એની નાનકડી, રૂપાળી, ઘાટીલી, મારવાડી પાઘડી એના વ્યક્તિત્વને અનોખો રંગ આપી રહી હતી. કપાળમાં એણે કરેલો કાશ્મીરી કેસરનો નાનકડો પીળો ચંદ્રક, એ પણ એના અનોખા વ્યક્તિત્વનો સૂચક બની રહ્યો હતો. 

દિવસ તો આથમવાની તૈયારી હતી, અને આ જંગલરસ્તો એમને ધારાગઢ દોરી જશે કે બીજે ક્યાંય ભટકાવશે, એની એમને ખાતરી ન હતી. બની શકે તો કોઈ સ્થાન શોધી ત્યાં રાત ગાળી કાઢવી અને પછી  સવારે આગળ વધવું એવો નિર્ણય કર્યો હોય તેમ, કોઈ સારા સ્થાનની શોધમાં ચારે તરફ નજર ફેરવતા હતા. 

પણ સંધ્યાનો આછો ઉજાસ ધીમેધીમે અંધકારનું રૂપ લેવા માંડ્યો ત્યાં સુધી કોઈ થાનક એમની દ્રષ્ટિએ ચડ્યું નહિ. આ જંગલ-રસ્તો એમનો અજાણ્યો હતો. એટલે રસ્તા ઉપરના એક એક ઝાડ નીચે ઘડીભર ઘોડા થોભાવીને ચારે કોર નજર ફેરવતાં એ ઊભા રહી ગયા.

એમનાં ઉત્તમ પ્રકારનાં ઘોડાં, એમનો વેશ અને એમની મુખમુદ્રા, આ જંગલમાં પણ એમને તરત માન અપાવે તેવાં હતાં, પણ રસ્તા ઉપર કે આસપાસ જાણે ક્યાંય માણસનો વાસ જ ન હોય તેમ કોઈ માણસ કે માણસની વસ્તીવાળું થાનક એમની નજરે જ દેખાતું ન હતું. 

‘ગોધ્રકના તળાવ ઉપર જ મને શંકા પડી હતી,’ પ્રૌઢ પુરુષે કહ્યું ‘કે આપણે અનુમાને અજાણ્યો રસ્તો ટૂંકો છે એમ ધારીને, જઈએ તો છીએ, પણ જંગલમાં જ અંધારું થાશે તો?’

‘તો શું? તમે ઝાડ ઉપર ચડી જજો. હું આહીં ઊભો છું!’

‘આપણને માલજી હઠીલાએ તોપણ કહ્યું હતું કે એવે રસ્તે અમારું ભીલડાનું કામ. તમને એમાં કંઈ ગતાગમ નહિ પડે!’

થોડીવાર બંને શાંત ઊભા રહ્યા. આગળ વધારે ગાઢ જંગલ દેખાતું હતું, પાછળ જવામાં પણ હવે સાર ન હતો. આંહીં જ રહી જવાનો નિશ્ચય કર્યો હોય તેમ જુવાન ઘોડા ઉપરથી નીચે પણ કૂદ્યો.

એટલામાં જ જંગલ કેડીમાં થતો માણસનો અવાજ એમને કાને આવ્યો. 

સોલંકી છાવણીના કોઈ સૈનિકો છે કે માલવ સૈનિકો છે એ જાણવા એમણે કાનને સરવા કર્યા. પણ અવાજ હજી આઘેથી આવતો હોય તેમ લાગ્યું.

‘એમ કરો, તમે ઉપર ચડી જાઓ. આવનાર કોણ છે એ ખબર નથી. અત્યારે ઝાડ દુર્ગ જેવું કામ આપશે!’

જુવાને ત્વરાથી ઝાડ ઉપર ચડવા માંડ્યું. નીચે શું થાય છે એ સાંભળી શકાય તેવી રીતે ડાળીઓમાં એણે સ્થાન જમાવ્યું. ત્યાં પેલો અવાજ વધારે નજીક થતો લાગ્યો. 

‘આ જંગલમાં એનો ક્યાં પત્તો લાગે? આપણે તો શોધી શોધીને થાક્યા. નેહડે નેહડે અને વાસેવાસ જોયો – પણ આંહીં આ વખંભરમાં જ્યાં કલરીનો (હાથીનો) પત્તો ખાય તેમ નથી ત્યાં તે આ એક બૈરાનો પત્તો ક્યાંથી મળે? એને પણ રાડનીને આ સૂઝ્યું હશે? જેવા દેશધણીનું અપમાન!’

આશ્ચર્યચકિત થયો હોય તેમ ઝાડ નીચે ઊભેલો પ્રૌઢ પુરુષ સાંભળી જ રહ્યો. ઉચ્ચારે દર્શાવી દીધું કે સૈનિકો તો ચોક્કસ સોલંકીના જ છે, પણ તો આ બૈરાની શી વાત હશે? દેશધણીનો ઉલ્લેખ તો વળી વધારે ગૂંચવાડાભર્યો થતો હતો! મહારાજનું કોઈ અપમાન કરે? એ માની કેમ શકાય? અને મહારાજ કોણ? જયસિંહદેવ મહારાજ?

ઘોડા ઉપરથી અવાજ ન થાય તેમ ત્વરાથી એ નીચે પડ્યો. એણે એક સહેજ ઈશારો, ઘોડાની પીઠ ઉપર કર્યો ન કર્યો ને બંને ઘોડાં આમલીના મોટાં વિશાળ થડની પાછળ, કોઈ જાણે નહિ કે ઊભાં છે તેમ ઊભાં રહી ગયાં!

એટલામાં તો અવાજ વધારે પાસે આવતો લાગ્યો. નીચેની નાનકડી ખીણમાંથી આવી રહેલી કોઈ જંગલકેડી આટલામાં આ રસ્તે મળતી હશે. એની વાતચીતને પકડી લેવા માટે આઘેપાછે અદ્રશ્ય રહેવું એને જરૂરી લાગ્યું. અંધારું વધ્યું હતું એટલે એમાં કાંઈ મુશ્કેલ ન હતું. તે ગુપચુપ ત્યાં ઊગેલાં ઝાડઝાંખરામા બેસી ગયો. એ સૈનિકો જંગલકેડીમાંથી બહાર નીકળી આવ્યા લાગ્યા. જાણીતી મોટી પગદંડી આંહીં મળી જવાથી એમણે જરાક રાહત અનુભવી હોય તેમ જણાયું, ‘આ જ આપણો મારગ લાગે છે,’ એક જણો બોલ્યો, ‘ક્યાં ગયો પેલો – એ તે ભોમિયો છે કે ગધેડો? ઊલટાનો આપણે આ મારગ એને બતાવ્યો! અલ્યા એ! સામરજી! હે... એ એ!’

‘હો હે.. એ... હે... એ!’ જંગલમાંથી અવાજ આવ્યો ને તરત એની પાછળ સામરજી પણ દેખાયો. 

‘રસ્તો આ જ છે નાં, દાદીડા સામરજી?’ બોલીને બંને હસી પડ્યા. 

‘ઈ જ! મારો બાપ! ઈ જ. આ તો ઘાંટીના (જંગલના) અમારા ભીલડાના માર્ગ!’ 

સહવાસને લીધે ભાષા કાંઈક સંસ્કારી લગતી હતી, પણ ભોમિયો ભીલ હતો એમ જણાયું.

‘આ મારગ આમ નીકરે વાંહે જાય તો, ઠેકાઠેક મહીં નંદીએને આમ જાતો નીકરે ઈંજુણ!’

‘ઈંજુણ?’

‘અરે: ઉજ્જૈન, મૂકને તુંય લપ. એની બોલી તો એ જ સમજે, આ તો વળી રહી ગયો છે વે’લાંથી સેનાપતિજી પાસે, એટલે આટલું બોલતા શીખોય! લ્યો ચાલો હવે. છાવણી ભેગા થઇ જઈએ!’

‘પણ જવાબ શો આપશો કેશવ સેનાધ્યક્ષને? કાકો કેટલો કડક છે એ ખબર છે? એનું નક્કી કરીને પછી ચાલો. પ્રભુ હશે તો એ આંહીં, આ રસ્તા ઉપર જ થોડે આઘે મંદિર છે ત્યાં આપણી રાહ જોતા અત્યારે ઊભા જ હશે! આપણે નક્કી કરો.’

‘જો મારું માને તો આપણે સત્ય જ કહી દેવું, અને મહારાજ જેસંઘદેવ પાસે તો  ખોટું હાલે તેમ પણ નહિ. કોણ જાણે ક્યાંથી એની પાસે સાચી વાત આવી જ જાય છે. પછી ચાહે તો એ સિંહ હો કે પેલો કુલસદગુરુ ભાવબૃહસ્પતિ હમણાં વળી બહુ વળગ્યો છે એની કરામત હો. આપણે ચોખ્ખું કહી દેવું કે મહારાજ! એવા બૈરાનો કોઈ પત્તો જ લાગ્યો નહિ!’

‘એમ પત્તો લાગે પણ શી રીતે? આટલામાં આ જંગલકેડીએ પાછું ગયું એટલી જ નિશાની!’

‘પણ વાત શી હતી?’ પેલો ભોમિયો બોલ્યો. 

‘અરે, આટલી નાનકડી જ. પણ રાજની વાત કોને કહે? મહારાજ વહેલી પ્રભાતમાં આ રસ્તે ફરવા નીકળ્યા. પણ ઝાડવું જાણે તો ખરું નાં કે આ મહારાજ જયસિંહદેવ છે! આંહીં આટલામાં આ રસ્તે કોક બૈરું ઊભું હશે. એણે મહારાજને જોઇને આડી લાજ કરી! મહારાજને કોઈકે નાંખ્યા વહેમમાં... કે તમારે રાજપુત્રનો વંશવેલો નથી એટલે અપુત્રીનું મોં પ્રભાતમાં કોણ જુએ! આ એટલે એણે દુખણા લેવાને બદલે લાજ કરી, મહારાજ પોતે એ સ્ત્રી પાસેથી વાતનો ખુલાસો લેવા માગતા હતા. આ એટલા માટે સવારથી અત્યાર સુધી આપણે રખડ્યા પણ કોઈ કહેતાં કોઈ બૈરું બોલ્યું કે એમણે મહારાજને દીઠા છે? હવે શું થાય? કોને લઇ જઈને હાજર કરવું?’

‘એનો પત્તો એમ લાગે! એ તો પાંચ-પંદર દી છાના રખડો, અત્યારે કોઈ બૈરાં બૈરાંની વાતમાંથી વાત મળે!’

‘અરે, બીજો રાજા હોય તો આવી વાતનો હોંકારોય ન દે. પણ મહારાજની બધી વાત જ ન્યારી! પ્રજાની તલેતલ વાત મેળવી લે ને જે સુખદુખ કોઈને પડે એની તમામની જવાબદારી પાછી પોતાની. રાજા વિક્રમનો અવતાર છે! પણ ભગવાનને ત્યાંય એક શેર માટી...’

‘લ્યો, ચાલો ભાઈ, ચાલો...’

‘ચાલવું તો પડશે જ નાં. પણ પેલા – ઊંઝાનાં કે ક્યાંના? – કોક પટલિયાએ મહારાજને કહ્યું ન હતું, કે મહારાજ! અમને દખમાં દખ એક વાતનું છે. આ બધું પછી હલાવશે કોણ? આ આપણે દખમાં દખ એ વાતનું છે.’

‘એ તમારું દખ હવે ટળ્યું સમજો.’

‘કેમ? શી રીતે?’

‘ભૈ! આ તો સાંભળ્યું છે કે મહારાજનો એક પુત્ર છે!’

‘મહારાજનો એક પુત્ર છે? હોઈ નહિ, કોનો મહારાણી લક્ષ્મીદેવીનો?’

‘આ તો સાંભળ્યું છે! કોક આ તરફની જ છે. એનો પુત્ર મહારાજનો વંશવારસ છે.’

‘સૈનિકો આગળ ઊપડ્યા. એના શબ્દો હજી પકડાય તેટલા પકડવા માટે પેલો પ્રૌઢ માણસ ઝાડઝાંખરા પાછળ બેઠો એકકાન થઇ ગયો હતો : ‘કે છે કે દંડ દાદાકની આંખ પણ ભીની થઇ ગઈ – જ્યારે મહારાજે વાત કરી પરંપરા કોણ જાળવશે ત્યારે. આપણને વંશવેલો ન હોય તો લાગે છે. ત્યારે  આ તો રાજા જેવો રાજા છે! પણ શેર માટીની. ભગવાને ત્યાં ખામી રાખી દીધી આઘે જગતો ગયો: એક બે છેલ્લા છુટ્ટા શબ્દો પકડાયા: ‘મા’... રાજ...’ ‘ખિન્ન...’ ‘લાગી... પાટવી... ખાબકશે!’ 

અવાજ સંભળાતો બંધ થયો કે તરત તે બહાર આવ્યો. તેણે એક ધીમે તાલી પાડી. ઝાડ  ઉપરથી શબ્દ આવ્યો: ‘કેમ ઉતરું? કોણ હતું?’

‘ઉતરો તો ખરા! પછી વાત કરું.’

‘કેમ શું છે?’ ઝાડ ઉપરથી નીચે ઊતરતાં એણે કહ્યું.

બે ક્ષણ કાંઈ પણ બોલ્યા વિના બંને ત્યાં ઊભા રહ્યા.

થોડી વાર પછી એણે ધીમેથી શાંત અવાજે કહ્યું: ‘આ તો ભારે થઇ છે, કુમારપાલજી! આપણે સ્તંભતીર્થથી સારા શુકન જોઇને નીકળ્યા લાગતા નથી!’

‘કેમ શું થયું છે? હું કાંઈ સમજ્યો નથી! અવાજ ઝાડ ઉપર આવતો હતો, પણ વાત ચોખ્ખી સમજાઈ નહિ.’

‘વાત તો જે હોય તે. ત્યાં છાવણીમાં પહોંચ્યે ખરી ખબર પડે. પણ મને લાગે છે, આપણે રાતવાસો, આંહીં ક્યાંક મંદિર છે...’

‘કોણે કહ્યું આંહીં મંદિર છે?’

‘આ સૈનિકોએ જ. આપણે થોડી વાર પછી એ બાજુ જઈએ એટલે આપણને એમનાથી છેટું પણ પડે!’

‘આપણા સેનાના હતા?’

‘હતા તો આપણા સેનાના.’ 

‘ત્યારે તો ઊભા જ રાખવા’તા ને. આપણે સાથે સાથે ચાલ્યા જાત.’

‘પણ વાત આપણે વિચારવી પડે તેમ હતી. કુમારપાલજી! આ તો આપણે હવે જાવું કે ન જાવું કે શી રીતે જાવું એ સવાલ ઊભો થયો છે. ગયા વિના તો છૂટકો જ નથી. પણ જરાક તેલ જો, તેલની ધાર જો, એવી વાત થઇ છે.’

‘કેમ? એવું શું છે?’

‘સૈનિકોની વાત ઉપરથી લાગ્યું કે, પ્રભાતમાં મહારાજ આ બાજુ ફરવા નીકળ્યા હશે. એમને જોઇને કોઈ બૈરીએ કાં મોં ફેરવી લીધું હોય કે પછી લજ્જા કરી હોય – પણ મહારાજનું મન એને લીધે ખારું થઇ ગયું જણાય છે. આ સૈનિકો આવ્યા હતા જ એટલા સારું. મહારાજને એ બૈરી પાસેથી આનો ભેદ મેળવવો’તો. એક તરફ આ વાત છે, બીજી બાજુ માળવાનો ખુદ પાટવી રણે ચડાવી વેતરણમાં પડ્યો હોય તેમ લાગે છે! ત્રીજી તરફ, આ આપણા સમાચાર. કર્ણાટકનો સેનાપતિ આચ આપણા આવવા ટાંપી રાખ્યો છે એ વાત આપણે કરવાની છે. મહારાજ પાસે તમને આંહીં ક્યાંક કામગીરી મળે એ પ્રાર્થના કરવાની છે. પણ હવે? હવે શું કરવું? સૈનિકોની વાત સાંભળીને હું એ ચિંતામાં પડ્યો છું!’

‘આપણે એમ કરીએ, મંદિર તરફ તો જઈએ. આ રસ્તે  જ આગળ જતાં એ આવે છે. રાત ત્યાં ગાળી કાઢીએ પછી સવારની વાત સવારે. ત્યાં કાંઈક રસ્તો સુઝશે. આપણે સ્તંભતીર્થથી શુકન જોઇને નહિ નીકળેલા!’

‘એ તો કોને ખબર છે, ઉદયનજી! વહેલે ઊઠ્યે લાભ કે મોડે ઊઠ્યે? વખતે આ સમાચાર આંહીં મળી ગયા એમાં જ લાભ હોય તો?’

ઉદયન જરાક વિચારમાં પડી ગયો. તેણે ઘોડા ઉપર સવારી કરતાં કહ્યું: ‘કુમારપાલજી! એ વાત પણ કાઢી નાખવા જેવી નથી. મહારાજને આવું ભારે મનદુઃખનું કારણ ઊભું થયું એ વખતે હવે તમારે રણમોરચે દેખાવું કે નહિ એ પણ આપણે વિચારવા જેવું છે. પાછું ફરતું તમારા ઉપર આવે...’

‘ચક્કરબક્કર તો ઠીક હવે, પણ મુનિજીએ આપણને સ્તંભતીર્થમાં જે વાત કરી હતી એ તમને યાદ છે? બરાબર એ વાતને ટેકો આપે એવી આ વાત થઇ રહી છે! રખડપટ્ટીનો જોગ એણે ભાખ્યો’તો!’

‘ને આ રખડપટ્ટી જ સામે આવીને ઊભી રહી! આપણે માન્યું, અત્યારે મહારાજના યુદ્ધમાં ભાગ લેવાનો વખત છે. ને એમાં આપણે હાથે કાંઈક પરાક્રમ થઇ જાય તો મહારાજની પ્રીતિ સંપાદન પણ થાય. ત્યાં બરાબર આ પ્રસંગ બન્યો. હવે આપણે મહારાજની પાસે જવું પણ શી રીતે? આનું નામ કરમસંજોગ, કુમારપાલજી!’

‘એ તો ઠીક હવે. ચાલ્યા કરે. આપણે તો આ જુદ્ધ જીતી દેવું’તું એ જોગ.’

‘એ જોગ હવે છેટો રહ્યો. મારે તમને સાથે લઇ જતાં ને મહાકાજનો ભેટો કરાવતાં સાત ગળણે પાણી ગળવું પડે.’

‘આ તો જયસિંહદેવ મહારાજ! જો સમાસૂતર ઊતર્યા તો નવાજી નાખે, પણ આડા ખેદાનમેદાન કરી નાખે. રા’નો વંશવેલો કોઈ રહ્યો? મુંજાલ મહેતાનું થાનક આજ ક્યાં? ને સાંતૂ મહેતા અને આ  કેશવ સેનાપતિ? એટલે આપણે વિચાર કરીને પગલું ભરવાનું છે. ઠીક, રાતવાસો તો મંદિરમાં ગાળીએ, સવારની વાત સવારે, એટલી વારમાં કંઈક સુઝશે!’

બંને જણાએ તરત રસ્તા ઉપર ઘોડાં આગળ હાંક્યાં. મંદિરની શોધમાં એ નીકળ્યા.