Sandhya - 3 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 3

Featured Books
Categories
Share

સંધ્યા - 3

સંધ્યાના મિત્રો બધા અનિમેષની વાત સાંભળીને હસી પડ્યા હતા.

"અરે! શું તમે બધા સંધ્યાની નસો ખેંચો છો? સંધ્યાની નજરમાં કોઈ અજાણ્યું કેદ થયું હોય તો એ ખરેખર પ્રતિભાશાળી જ વ્યક્તિત્વ ધરાવતું હશે! જો જે હો સંધ્યા! આ તારી વન સાઈડ લવ સ્ટોરી નંબર વન લવ સ્ટોરી બનશે!" સંધ્યાની લાગણીને ધ્યાનમાં લઈને અત્યાર સુધી ચૂપ બેઠેલી વિપુલા બોલી ઉઠી.

"થેન્ક યુ વિપુ! એક તું જ મારી હાલત સમજી શકી." એમ કહી સંધ્યા વિપુલાને ગળે વળગી ખુશ થતા બોલી ઉઠી હતી.

"ઓહ! આ તો જો! અમે તારી કોઈ સ્ટોરી જ નહીં છતાં વન સાઈડ લવ સ્ટોરી કહ્યુ એ તને ન દેખાયું? આમ ન ચાલે હો સંધ્યા.." ખોટો ગુસ્સો દેખાડતા રાજ બોલી ઉઠ્યો.

"અરે મારા રાજ! સોરી બસ... ચાલ હવે કેન્ટીનમાં જઈએ બહુ જ ભૂખ લાગી છે." વાતને પૂરી કરતા સંધ્યા બોલી ઉઠી.

સંધ્યાનું આજે આખું ગ્રુપ ખૂબ મજાકમાં હિલ્લોળા લેતું હતું. કેન્ટીનમાં પણ એ એક જ ટોપિક વાતો માટે રહ્યો હતો. સંધ્યા તો એટલી બધી રાજી થઈ રહી હતી કે, એની ખુશીની કોઈ સીમા જ નહોતી.

સંધ્યાને જોઈને અનિમેષ બોલ્યો, "જો ફ્રેન્ડ્સ! મને આ પરિસ્થિતિમાં એક મસ્ત ગીત યાદ આવ્યું, 'મેરે ખ્વાબો મેં જો આયે... આકે મુજે લે જાયે...' એકદમ સેટ થાય છે ને સંધ્યા પર?"

"ના ના એ નહીં...'માઈ ન માઈ મુંડેરપેં તેરે બોલ રહા હૈ કાગા...' આ જામે કે નહીં?" કહેતા જલ્પા બોલી.

"એ તું કાગડા ને શું બોલાવે છે યાર? મોર, કોયલ લે ને!" હસતા હસતા રાજ બોલી ઉઠ્યો હતો.

ફરી બધા હસી પડ્યા અને લેક્ચર માટે કલાસરૂમ તરફ વળ્યાં. સંધ્યાનો આજે આખો દિવસ મસ્તીમાં જ ગયો. સાંજે ઘરે આવી ત્યારે પણ એ ખૂબ ખુશ હતી. ફ્રેશ થઈ અને પોતાની બાલ્કનીમાં ગોઠવાઈ ગઈ. આજે રોજ કરતા થોડી વહેલી જ બાલ્કનીમાં આવી ગઈ હતી. એના મનમાં આજે સંધ્યાટાણું નહીં પણ પેલાં અજાણ્યા ચહેરાને કદાચ એ જોઈ શકે એવી ઈચ્છા વધુ પ્રબળ હતી.

સંધ્યા એક હાથમાં ચા નો કપ અને બીજા હાથમાં મોબાઈલ લઈને જ બેઠી હતી. ચા ની ચુસ્કી ભરતાં વિચારતી હતી કે, આજે પણ એ વ્યક્તિ દેખાશે કે નહીં? હજુ તો એ આગળ કંઈ વિચારે એ પહેલા જ દૂરથી એ ચહેરો સંધ્યાએ પારખી લીધો હતો. ચા નો કપ મુક્યો સાઈડમાં અને એ એક નજરે એને જોઈ રહી! એને જોવામાં એટલી તલ્લીન બની કે ફોટો પાડવાનું જ ભૂલી ગઈ! બસ, જોઈ જ રહી.. અને ફરી એ વ્યક્તિ ભીડમાં લુપ્ત થઈ ગઈ! સંધ્યાને જયારે એ સાવ દેખાતો જ બંધ થયો ત્યારે એને ધ્યાન ગયું કે, એ તો ફોટો પાડવાનું જ ભૂલી ગઈ! મનમાં દુઃખ તો થયું પણ પોતાના વર્તણૂકથી સહેજ હળવું સ્મિત તેના ચહેરે રમવા લાગ્યું!

સંધ્યા મનમાં જ બોલી, ચાલ સંધ્યા આજે મસ્ત સૂર્યાસ્તનો ફોટો લઈએ! થોડી જ ક્ષણોમાં સૂર્યાસ્ત થવાનો હતો. સંધ્યાએ મોબાઈલમાં ઈમેજ સેટ કરી અને એકદમ સૂર્યાસ્તની અંતિમ ક્ષણે એણે ફોટો ક્લિક કરી લીધો. જેવો એણે ફોટો પાડી લીધો ને નજર મોબાઈલ પરથી હટાવી કે એ ચહેરો ફરી સંધ્યાની આંખ સામે તરવરી રહ્યો હતો. રેડ ટીશર્ટ અને બ્લેક શોર્ટ્સમાં એ વ્યક્તિ ખૂબ આકર્ષિત લાગી રહ્યો હતો. સંધ્યા એનો ફોટો ક્લિક કરવા જ ગઈ, પણ મોબાઈલની બેટરી લો થતા ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. "અરે યાર!" ના ઉદ્દગાર સાથે એક નિઃસાસો સંધ્યાથી નીકળી ગયો હતો. ક્ષણિક એ દુઃખી થઈ ગઈ! એ થોડીવાર બાદ ઉભી થઈ અને પોતાના રૂમમાં મોબાઈલને ચાર્જમાં મૂક્યો અને મમ્મી પાસે બેઠી હતી.

દક્ષાબેન સંધ્યાના ઉતરી ગયેલ ચહેરાને જોઈને તરત બોલ્યા, "શું થયું બેટા? આજે મૂડ ઠીક નથી? સવારે તો ખૂબ ખુશ હતી."

"ના મમ્મી! એકદમ મૂડમાં જ છું. બસ, આજે સહેજ થાકી ગઈ છું."

"હજુ જમવામાં ચાંપલાવેડા કર.. પછી નબળાઈ જ લાગે ને!"

"અરે મમ્મી! એવી નબળાઈ પણ નથી. તું ખોટી ચિંતા કરે છે." વાતને ટાળવા સંધ્યા બોલી.

"તને ને સુનીલને અમારી એક પણ વાત અત્યારે નહીં સમજાય પણ અમારા જેવડા થશો ત્યારે મારી વાત યાદ કરશો."

"અરે મમ્મી! હું તો અત્યારે પણ ક્યાં તમને ભૂલી જ છું?"

"હા, બસ માખણ લગાવ!"

સંધ્યા અને એના મમ્મી બંને હસવા લાગ્યા. મમ્મી કિચનમાં ગયા અને સંધ્યા કોલેજની અમુક નોટ્સ લખવા એના રૂમમાં ગઈ.

સંધ્યાએ બુક ખોલી અને એમાં પાના ફેરવી રહી હતી, પણ મન ખુબ દુઃખી હતું. મન ચોપડામાં ચોંટતું જ નહોતું. અંતે એને થયું લાવ મોબાઈલ થોડો ચાર્જ થઈ ગયો હશે તો ગ્રૂપમાં વાત કરું તો મને કોઈ રસ્તો મળે. મોબાઈલ ઓન કર્યો અને સંધ્યાને શું થયું કે ગેલેરીમાં રહેલ આજનો સૂર્યાસ્તનો ફોટો જોવા લાગી. ફોટો ભલે સૂર્યાસ્તનો જ પડ્યો હતો પણ ફોટાની જમણી સાઈડમાં ગાર્ડન પાસેના વોકિંગ એરિયામાં એ અજાણ્યા વ્યક્તિનો પણ ફોટો આવી જ ગયો હતો. સંધ્યા સહેજ ધબકાર ચૂકી ગઈ. એ ફોટો લેવા તલપાપડ થતી હતી અને અનાયાસે એ વ્યક્તિનો ફોટો આવી જ ગયો હતો. એને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો થતો. સંધ્યાએ ફોટો ઝૂમ કરીને જોયો.. એ જોતી જ રહી. મન ભરીને એને જોયા બાદ એણે પોતાના ગ્રુપમાં એ ફોટો શેર કર્યો અને એમને પૂછ્યું કે, "કોઈએ આ વ્યક્તિને જોયો છે? કે ઓળખે છે?"

"અરે વાહ! યાર આ તો તું કહેતી હતી એના કરતા પણ વધુ સુંદર છે." ચેતનાએ રીપ્લાય કર્યો.

"હા, એ બધું છોડ પણ તું ઓળખે છે એમ કહે ને?" સંધ્યાએ મેસેજથી પૂછ્યું.

"ના, સંધ્યા! આજ પહેલી વાર જ જોયો." ચેતનાએ રીપ્લાય કર્યો.

"વાહ! તમારી જોડી મેડ ફોર ઈચ અધર લાગશે." સ્માઈલીનાં ઈમોજી સાથે વિપુલાએ પણ રીપ્લાય કર્યો હતો.

"તું હરખાજે પછી પણ પહેલા એ કહે તું ઓળખે છે કે નહીં?" સંધ્યાએ અકળાતા મેસેજ કર્યો.

"સોરી ડિયર પણ નથી ઓળખતી." વિપુલાએ રીપ્લાય કર્યો.

"ઓહ! તું આ પપ્પુ પાછળ ગાંડી બની હતી? બાંધો તો ઠીક છે પણ આંખો બહુ મોટી છે. જાણે તને ડરાવતો હોય એવું તને પછી કાયમ ફીલ થશે!" કેટલી બધી ફની ઈમોજી મુકી અને ચિડવતા રાજે મેસેજમાં કહ્યું.

"જા ને! તું મગજની નસો ના ખેંચ, ખરેખર મસ્ત છે. સંધ્યા આને ઈર્ષા થાય છે હો. એટલે જ આવું કહે છે." ગુસ્સાની ઈમોજી મોકલી જલ્પાએ રીપ્લાય કર્યો.

"તું શાંત બેસને જલ્પુડી. જાણે એ સાચે જ સંધ્યાનો બોયફ્રેન્ડ હોય એમ એનો પક્ષ લે છે." અનિમેષ જલ્પા અને રાજની ચેટમાં વચ્ચે કૂદયો.

"હા, નથી તો થઈ જશે! તમે બંને એમ કહોને એને ઓળખો છો કે નહીં?" વિપુલાએ મેસેજ કર્યો.

"હા હું ઓળખું છું." રાજે રીપ્લાય કર્યો.

"હું પણ ઓળખું છું. એ આપણી કોલેજની સામેની કોલેજમાં જ જોબ કરે છે. સ્પોર્ટ્સના કોચ છે." અનિમેષ વધુ માહિતી આપી.

"શું તું સાચું કહે છે? ખોટી મજાક નથી કરતો ને?" અત્યાર સુધી ચૂપ રહેલ સંધ્યા એક્ટિવ થઈ.

"ના ના. મારી કોઈક ભૂલ થતી લાગે છે." અનિમેષ વાત બદલી.

"કે ને પ્લીઝ... તારા જેવું કોઈ નહીં... યાર બોલ ને?" સંધ્યા જાણવા માટે આતુર થતા ગ્રુપમાં પૂછવા લાગી.

"એક મહિના સુધી મારી બધી જ નોટ્સ તું લખી આપીશ તો હું કહું?" રાજે ફરી સંધ્યાને પજવતો મેસેજ કર્યો.

શું રાજ અને અનિમેષ ખરેખર સાચું બોલતા હશે?
શું સંધ્યા એ વ્યક્તિની માહિતી એક ફોટા પરથી મેળવી શકશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻