Guhilot dynasty and Maharana Pratap in Indian history - 112 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 112

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 112

(૧૧૨) બહાદુર કિરણવતી

સત્તા અને સુંદરીએ મહાત્વાકાંક્ષી માણસોની કમજોરી છે. મેસિડોનિયાનો સમ્રાટ સિકંદર સત્તાના ઇશ્કમાં ખતમ થઈ ગયો. લંકાનો રાજવી રાવણ સુંદરીની કામનામાં વંશને નિર્મુલ કરાવી મોતને ભેટયો. સત્તા પાછળ સુંદરી આવે જ. સુંદરીઓના સહવાસથી સત્તા જાય જ. અલાઉદ્દેન ખીલજીનો ઉદય જેટલો શાનદાર હતો. સુંદરીઓના સહવાસથી અંત એટલો જ ભયાનક આવ્યો. કલીઓપેટ્રાની સુંદરતા, દ્રોપદીનો રાજમદ ભલભલા સામ્રાજ્યોને ઉપરતળે કરવા સમર્થ હતા. સત્તા પાછળ પાગલ થયેલા બાદશાહ અકબરને ખુદાએ યારી આપી હતી.

છેલ્લા સત્તર વર્ષોમાં એણે રાજપૂતાનાનો મેવાડ સિવાયનો સમગ્ર વિસ્તાર, ગુજરાત, બંગાળ, પંજાબ, બિહાર, લગભગ સમગ્ર ઉત્તરભારતને પદદલિત કર્યો હતો. એની ગીધનજર દક્ષિણ ભારત પર મંડાયેલી હતી. એ મોકાની રાહ જોઇ રહ્યો હતો.

રાજપૂતો એના પરમમિત્રો બની ગયા હતા. આમ એણે હિંદ પર, પોતાના શાસનનું પ્રભુત્વ સ્થાપિત કરી દીધું હતું. સામ્રાજ્યમાં લોકપ્રિયતા પણ મળી ચૂકી હતી.

માનવી જ્યારે સ્થિર થાય છે ત્યારે તેને પોતાની સ્થિરતાનું ઘમંડ જાગે છે અને એ જ પળે એની અસ્થિરતાના મંડાણ થાય છે. પર્વતની ટોચે ચઢેલા માનવીને પણ પોતાના મુકામ પર પાછા આવવા, શિખરને પૂંઠ બતાવીને નીચે ઉતરવું પડે છે.

સર્વત્ર મોગલ સામ્રાજ્યની ધાક હતી. બાદશાહના ગુસ્સાથી સૌ કાપતા હતા. મહેરબાની મેળવનારા શીતળતા અનુભવતા હતા. મેવાડના રાણા પ્રતાપ અને અહમદનગરની ચાંદબીબી સ્વતંત્રતાનો ધ્વજ લઈને પોતપોતાના મુલ્કમાં નિર્ભયપણે વિચરતા હતા.

કુંવર શક્તિસિંહ હલ્દીઘાટીના સંગ્રામમાં અદ્‍શ્ય થઈ ગયા હતા. તેમના પત્ની મોહીનીદેવી સંદેશો લઈને એ યુદ્ધ મોરચેથી પાછા ફર્યા હતા કે, તેઓ દિલ્હીના બાદશાહની સેવા છોડી બ્રહ્માંડના શહેનશાહની સેવામાં કોઇક અગોચર પ્રદેશમાં વિચરવા ચાલ્યા ગયા છે. તેમના પત્ની દિલ્હીમાં શાંત જીવન ગાળી રહ્યા હતા. તેમના પુત્રોને કેળવીને મહાવીર યોદ્ધા બનાવી રહ્યા હતા.

પુત્રી કિરણવતી, જે રૂપરૂપનો અંબાર હતી. શૌર્યમાં જગદંબા હતી. તેનું લગ્ન બુંદીનરેશ રાયસિંહજીના નનાભાઇ પૃથ્વીરાજ કવિ સાથે થયું હતું. પૃથ્વીરાજ સોહામણો વીર યુવક હતો. વિદ્યાદેવીનો માનીતો હતો. કવિ હતો, શીઘ્ર કવિ હતો. શહેનશાહ અકબરના દરબારની શોભા હતો. તેની કવિતા કામિનીના ગીતરૂપી નૂપુરના ઝંકારે, મોગલ દરબાર, મુરલીના તાને જેમ નાગણ ઝૂમે તેમ ઝૂમી ઉઠતો.

રાજધાનીમાં સૌ કોઇ પૃથ્વીરાજની ઇર્ષા કરતાં. એને ત્યાં કિરણવતી જેવી પદિમની હતી. એના રૂપની ચમક સર્વત્ર ફેલાઇ ચૂકી હતી. ભક્તિ, શક્તિ અને સ્ત્રીનું રૂપ ફૂલની ખૂશ્બૂની માફક, ગમે તેટલું છુપાવો તો ય છૂપાતું નથી. હિંદુસ્તાનનો શહેનશાહ અકબર પણ તેના રૂપની ખ્યાતિથી અંજાઈ ગયો હતો. કિરણવતીને નિહાળવીએ કોઇ મામૂલી વાત ન હતી.

“હમ ચાહતે હૈં બિકાનેર કે ઉસ કવિ પૃથ્વીરાજ કી કમસીન ઔરત કા દીદાર” એકાંતમાં બાદશાહ બબડતો. એનું મન કહેતું. “ મૂર્ખતાપૂર્ણ કામના હૈ મેરી, યહી ખ્વાહીશને અલાઉદ્દીન ખીલજી કી સલ્તનત કો મલિક કાફૂર કે હાથો કૈદ હોના પડા થા.”

એ પોતાના મનના વિચારોને દાબી દેવા પ્રયત્ન કરતો પરંતુ એના મનની ચંચળતા, રમણીના રૂપ-લાલિત્યની કલ્પનામાં ખોવાઈ જતી.

ખરેખર, બાદશાહ અકબરના મન પરથી કામના, વાસના અને લોલુપતા હટતી જ ન હતી. ક્યાંથી હટે? મન પર કાબુ મેળવવો ખૂબ જ અઘરી વાત છે. કદાચ રેતીમાંથી તેલ કાઢી શકાય.રણમાં સપડાયેલો તરસ્યો ઉસાફર મૃગતૃષ્ણાથી કદાચ તેની પ્યાસ બુઝાવી શકે. પ્રયત્ન કરવાથી ખરગોશના શીંગડા કદાચ મેળવી શકાય પરંતુ કોઇ વસ્તુ પર મૂર્ખ માણસનું મન ત્યાંથી હટતું નથી.

અકબર હસ્યો. શું પોતે મૂર્ખ માણસ છે. હા, જે જ્ઞાની છે પરંતુ વ્યવહારમાં, જીવનમાં જ્ઞાનનો ઉપયોગ કરી શકતો નથી. તે મુર્ખ જ છે. અમૃત હાથમાં હોવાથી અમર થવાતું નથી. તેનું પાન કરી પચાવવું પડે છે. કોરૂ જ્ઞાન આત્માને ભાર રૂપ છે. વાસના આંધળી હોય છે. એના પાશમાં બંધાયેલો માનવી પોતાની આન ભુલી જાય છે. શાન ભૂલી જાય છે.મર્યાદા ઓળંગી જાય છે. પરિણામની ભયાનકતા ભૂલી જાય છે.

મહા શક્તિશાળી શહેનશાહ અકબર, કામનો અગ્નિ વૈભવીને હંમેશા સતાવ્યા કરતો હોય છે. અતિ વૈભવ માનવીને સુંદરીના પાયલના ઝંકારમાં ઝકડી દે છે.

આ વિશ્વમાં સમર્થને કોઇ દોષ હોતો નથી. તેઓ એમ જ માને છે કે ધન વડે બધું જ ખરીદી શકાય છે. મોટે ભાગે ધનની જ બોલબાલા જોવા મળે છે. નીતિ-શતકમાં રાજા ભર્તુહરિએ સ્પષ્ટ કહ્યું છે. જેની પાસે ધન છે એ જ કુલીન છે, એ જ પંડિત છે, એ જ વિદ્વાન છે. એ જ ગુણજ્ઞ છે. એ જ દર્શનીય છે........ મતલબ કે બધાં ગુણો પણ ધનના આશ્રિત છે.

જગત માને છે કે, સમ્રાટો, શહેનશાહો, બાદશાહો, રાજા-મહારાજાઓ માટે ભોગ એ વૈભવની નિશાની છે, રોગની નહિ. બાદશાહોના જનાનખાનાં સુંદરીઓની સંખ્યાથી શોભે છે. બેગમો વધારવાથી શાન વધે છે, ઘટતી નથી. એશિયાનો એક મહાન બાદશાહ ભારે કામી હતો. એની રૂપાળી બેગમો હોવા છતાં બીજી રૂપાળી દાસીઓને ભોગ વિલાસ માટે આકર્ષતો છતાં એને રૂપાળા પુરૂષ સાથે સમલિંગી સંબંધો હતા.

જગતના પટપર આવું પણં ચાલતું હોય છે. રૂપાળી લલનાઓ સિકંદરને કલંદર પણ બનાવી શકે છે અને કલંદરને સિકંદર પણ બનાવી શકે છે. જો રૂપની સાથે ગુણ ન મળ્યા હોય સુંદરીને તો કેટલાંક તો સ્વેચ્છાએ પણ રૂપ પાછળ કલંદર બને છે. પોતાના દાદા બાબરે પણ યુસુફ જઈ જાતિની અદ્વિતીય સુંદરી મુબારકને કલંદરના વેશમાં જ નિરખી હતી ને! પોતે દુશ્મનના કિલ્લાની મજબૂતાઈનું માપ કાઢવા ગયો હતો અને મન ડોલાવીને પાછા ફર્યા હતા.

બાદશાહ અકબરના સમયમાં “નવરોજ” નો મેળો ભરાતો હતો. આ મેળામાં માત્ર સ્ત્રીઓને જવાની છૂટ હતી. ભારે બંદોબદ્ત રાખવામાં આવતો. કોઇપણ પુરૂષ આ મેળામાં જઈ શકતો નહિ.

હજારો લલનાઓ આ “નવરોજ”નો મેળો જોવા આવતી. દિલ્હીની નાઝનીનો આ મેળાના મુખ્ય આકર્ષણરૂપ મીનાબજારમાં ફરતી. આનંદ પ્રમોદ કરતી.

“નવરોજ” ના મેળામાં રૂપનો ભંડાર ઠલવાતો. જેમ હિમાલય હિમનો આલય છે તેમ આ રૂપાલય બની જતો.બધી જ કોમની સ્ત્રીઓ હોંશભેર આ મેળામાં ભાગ લેતી. આમ વર્ષમાં એક્વાર પડદાનશીન સુંદરીઓ પણ મુક્તવિહાર કરતી.

ઘરમાં રહેતી સ્ત્રી જ્યારે સ્ત્રીઓના ઝૂંડમાં મુક્તમને વિરહતી ત્યારે એના મન અને રૂપ સોળે કળાએ ખીલી ઉઠતા.

અકબરના સામ્રાજ્યમાં કેટલાંક પરિવારો રૂઢિચુસ્ત ગણાતા. રાજા ટોડરમલ અકબરનો ખાસ દરબારી હતો. પરંતુ એ હિંદુધર્મનું ચુસ્ત રીતે પાલન કરતો. એ પોતાના ક્ષેત્રમાં એટલો બધો યોગ્ય હતો કે, શહેનશાહ એને નારાજ કરવાનો વિચાર સુદ્ધાં કરી શકતો નહિ.

તેવી જ રીતે અકબરના દરબારમાં વિરાજતા અટંકી સરદારો અંગત જીવનમાં બાદશાહને કદી દખલ કરવા દેતા નહિ. અકબર આ દેશમાં શાસન કરવા ઇચ્છતો હતો, ઇસ્લામીકરણ નહિ. અલાઉદીન અને મહંમદ ગઝનીની નીતિ તેને મંજુર ન હતી.

બાદશાહ અને હિંદુ સરદારો પોતપોતાની મર્યાદા સમજતા એ જ એનું ચૂસ્તપણે પાલન કરતા. બાદશાહને રાજપૂતોની મિત્રતાનું ઊંચુ મુલ્ય હતું. અને રાજપૂતોને મોગલ સત્તાની ઓથ જરૂરી હતી. રાવ હેમુ આ કેડીનો પ્રથમ પ્રવાસી હતો. જે જીવનમાં એક તબક્કે દિલ્હી પર વિક્રમાદિત્ય પદ ધારણ કરી ગાદીપતિ બન્યો હતો.

રાજપૂતો બાદશાહ અકબરની ખામીઓ અને ખૂબીઓથી પરિચિત હતા. જ્યારે બાદશાહ પણ તેમની ખામીઓ અને ખૂબીઓથી પરિચિત હતા. બંને વચ્ચે અણલખી મર્યાદારેખા હતી. બાદશાહ બેવફાઇ ચાહતો ન હતો. રાજપૂતો પોતાની સ્ત્રી પર અત્યાચાર ચાહતા ન હતાઅ. બંને પક્ષ એકબીજાને ફરિયાદ કરવાનો મોકો આપતા ન હતા. મર્યાદાની રેખાને ઓળંગવાની હિમ્મત કોઇ કરી શકતું નહિ. સત્તાની સમતુલા ભલભલા મહાવીરોને પણ જાળવવી જ પડે છે.

બાદશાહ અકબરે સ્થાપેલ અને ચલાવેલ દીને-ઇલાહી બીરબલ અને ટોડરમલે સ્વીકારવાનો સાફ ઇન્કાર કર્યો હતો. બેગમ જોધાબાઇ કૃષ્ણની પૂજા કરતી હતી. મોગલ શહેનશાહના જનાનખાનામાં મંદિર જેવી અશક્ય વાતને, જોધાબાઇએ શક્ય બનાવી હતી.

શહેનશાહ અકબરનો વડો શાહજાદો વીર હતો. જોધાબાઈનો પુત્ર હોવાથી, રાજપૂત સરદારોમાં તે પ્રિય હતો. રાજા માનસિંહ, રાજા ભગવાનદાસ, જગન્નાથ કછવાહા જેવા સમર્થ સેનાપતિઓની આશાનું નૂર હતો. અત્યારે તો આઠ વર્ષના આ શાહજાદામાં તેઓ મહાન મોગલે-આઝમના દર્શન કરતા જોધાબાઇ મોગલોની ઇશ્કલીલાથી પરિચિત હતી. મીરાંબાઇ જેવી સાધવીનું શિક્ષણ પામેલી જોધાબાએ પોતાના પુત્રને શરાબ અને સુંદરીથી દૂર રાખવા મથતી. એણે અકબરને પણ અંકુશ રાખવા વિનવ્યા હતા. આથી બાદશાહે પોતાના ઇશ્ક માટે જુદો રાહ અપનાવ્યો હતો. ગુપ્તતા નો પડદો ઢાંક્યો હતો. પોતાની પ્રિય બેગમને તે આ રીતે આદર આપતો.

વર્ષોથી ચાલતાં ‘નવરોજ’ ના મેળામાં, એમાં ભરાતા મીના બજારમાં કદી કોઇ અપ્રિય ઘટના બની હોય એવું પ્રજાને યાદ ન હતું. કદી કદી જોધાબાઈ અને બીજી બેગમો પણ આ મેળામાં, થોડા વખત માટે પધારતી.

સૌ પ્રથમ જ્યારે આ મેળો શરૂ થયો ત્યારે બાદશાહ બાબરની એક અતિ પ્રિય બેગમ મુબારક બેગમ ખાસ કાબુલથી તસ્શરીફ લાવ્યા હતા. એક જમાનામાં પોતાની યુવાનીમાં તેઓ દુનિયાની સુંદર સ્ત્રી તરીકે જાણીતા હતા. બાદશાહ બાબર એના રૂપથી કલંદરના વેશમાં એવો તો આકર્ષાયો હતો કે, એકની એક ભીખ ચાર વાર માંગી, ચાર વાર રૂપ નિરખી રહ્યો હતો.

નવરોજનો મેળો આથી ઘણી પ્રસિદ્ધિ પામ્યો હતો. કાલચક્રની ગતિ સાથે પરિવર્તન આવે છે. “નવરોજ”ના મેળામાં પણ સમય જતાં એક છૂપૂં દૂષણ ફેલાયું હતું.

કોઇને ખબર ન હતી કે, આ નવરોજના મેળામાં છૂપી રીતે સ્વયં બાદશાહ સ્ત્રીવેશે ફરતો અને એની નજરોએ નોંધેલી રૂપાળી લલનાઓ તેની કેળવેલી ખાસ કુટ્ટણીઓ મારફતે રાજમહેલમાં લઈ જવાતી અને પછી બાદશાહ એનો ઉપભોગ કરી લેતો. ધન દૌલતથી તે સ્ત્રીને ન્યાલ કરી દેતો. જરૂર પડે તો સર્વનાશની ધમકી અપાતી. લાચાર સ્ત્રીઓ વાતને ત્યાંજ ભંડારી દેતી. આમ ‘નવરોજ’ ના મેળાને બાદશાહે પોતાના લાભમાં ફેરવી દીધો હતો.

         શોષક અને શોષિત બંને મૌન હતા એટલે “નવરોજ” ના મેળાની રોનક સર્વે સ્ત્રીઓને આકર્ષતી.

-૨-

         ભારે ભીડ હતી. દિલ્હીના બાજારમાં સામસામેથી આવતી. પોતપોતાના વિચારોમાં ગુલતાન બે યુવતીઓ એકબીજાને અથડાઈ. બંનેના મોંઢાપર ગુસ્સો ધસી આવ્યો પરંતુ જીભે ગુસ્સો વ્યક્ત કરે તે પહેલાં આંખોએ એકબીજાને ઓળખી. એક નવાઈ પામી બોલી.

         “મીના, તું?”

         “હસીના, તુ?”

         બંનેએ એકબીજાના ખભે હાથ પછાડી જોરદાર હાસ્યધ્વનિ કર્યો.

         “હસીના, હું આપણી રાજકુંવરી કિરણવતીને ત્યાં રહું છું.”

         “તો મીના, હું મહારાણી જોધાબાઈના મહેલમાં રહું છું.”

         બંને યુવતીઓ મેવત પ્રદેશના એક ગામની હતી. બંનેના માતાપિતા એકબીજાના પાડોશી હતા. અજમેર પર જ્યારે એકબરની સેનાએ હુમલો કર્યો હતો ત્યારે બંનેના પિતા યુદ્ધમાં ખપી ગયા હતા. પિતાના મોતનો ગમ બંનેએ સાથે રડીને મનાવ્યો હતો.

         પછી તો કિસ્મતે ખેલેલા આટાપાટામાં તેઓ ઘસડાઈને છેવટે દિલ્હી આવી હતી. આજે બંને એકબીજાને મળ્યા.

         ખૂબ વાતો કરી. હૈયું હળવું થયું એટલે છૂટા પડ્યા.

         પછી તો મીના અને હસીના બજારમાં અવારનવાર મળતા.

         એક દિવસે, બજારમાંથી ખરીદિને પાછા ફરતા વાર થઈ એટલે બીજી દાસી બબડી. “આ હસીના જ્યારે બજારમાં જાય છે ત્યારે પેલા કવિના ઘરની દાસી જોડે ગપ્પા કાંકવા મંડી જાય છે અને મોડું કરે છે.”

         આ વાક્ય બાદશાહ સાંભળી ગયા.

         દિલ્હીમાં પ્રજાનો લાડીલો કવિ તો એક જ હતો. પૃથ્વીરાજ. એના ઘરની દાસીને હસીના સાથે મિત્રતા હોય એ તો લાભની વાત અને બાદશાહ આમ તો શતરંજનો પાકો ખેલાડી હતો. મ્હોરૂં હાથમાં આવે અને એનો ઉપયોગ ન કરે તો એ બાદશાહ શાનો?

         હસીન હસીના આજે ખુશ હતી. બાદશાહે એને ખુશ થઈને સો સોના મહોરો હાથમાં પકડાવી દીધી.

         હસીના હમ ખુશ હોકર તુમ પર બરસ પડે અબ હમારી દૂસરી મુરાદભી તુજે હી પૂરી કરની હોગી. યહ તેરા ખુશકિસ્મત હૈકિ, હમ તુજે અપના હમરાજ બનાતે હૈં.

         હસીના ખુશીના સમન્દરમાં તરવા લાગી.

         “આપ હુકુમ દીજિએ, આપ કી ખ્વાહીશ કે લિએ મૈં નાચીજ ક્યા કર સક્તી હુઁ, આપ જો આબરૂ બક્ષને જા રહેહો મૈં આપકી શુક્રગુજાર હૂઁ”.

         “હમ સિર્ફ યહી ચાહતે હૈ કિ, નવરોજ કે મેલે મેં, કવિ પૃથ્વીરાજ કો ઔરત તશરીફ લે જાયેં. મુગલિયા મેલે કી શાન દેખે.”

         મોગલ સલ્તનતની દાસીઓ આદેશ પાળવા ટેવાયેલી હતી. કારણ જાણવાનો એમને અધિકાર ન હતો. ઔરતની અસ્મત જ્યાં ડગલે ને પગલે લૂંટતી હોય. સ્ત્રીનું રૂપ પુરૂષને રમવાનું રમકડું હોય એવો જ્યાં વર્તાવ થતો હોય એવા વાતાવરણમાં ઉછરતી દાસીઓને કોઇપણ સ્ત્રીની અસ્મત સાચવી રાખવાની ચીજ છે એવું ભાન ન હતું. એટલી બુદ્ધિ ન હતી.

         હસીના જ્યારે જ્યારે મીનાને મળતી ત્યારે ત્યારે “નવરોજ” ના મેળાની અને “મીનાબાજાર” ની શાનૌશોકતના વખાણ કરતી.

         “ઉસ ઔરત કી જિંદગી ક્યા જિંદગી કહીજા સક્તી હૈ જિસને દિલ્હી મેં રહકર ભી મીનાબાજાર નહીં દેખા.”

         મીનાના હૈયામાં આ વાક્ય ચૂમી ગયું. એના મનમાં વિચાર આવ્યો કે, રાણી કિરણવતી આ મેળામાં જાય તો કેવું? જેને આપણે ખૂબ પ્રેમ કરવા હોઇએ એને અમૂલ્ય લ્હાવો મળે એવું ચિંતન પણ સુખદાયક બને છે. મીનાને ભરોસો હતો કે, પોતાની રાણીનો ત્યાં વટ પડશે. પોતાની રાણી તો લાખોમાં એક હતી. રાણી કિરણવતી મેળામાં આવેલી સ્ત્રીઓ માટે ઇર્ષાનું પ્રતીક બને એ વિચારે એ ખૂબ ગર્વાઈ.

         બુંદી નરેશ રામસિંહજીએ પોતાના પ્રિયબંધુ કવિ પૃથ્વીરાજને સંદેશો મોકલ્યો કે, “મને બુંદી આવીને મળી જો.”

         કવિ પૃથ્વીરાજ અને બુંદી નરેશ રામસિંહજી રામ લક્ષ્મણની જોડી ગણાતા. મોટાભાઈના આદેશ મળતા તેઓ બુંદી પ્રસ્થાન માટે તૈયાર થયા.

         “પ્રિય કિરણ; હું બુંદી જાઉં છું. થોડાક દિવસોમાં જ પાછો આવી જઈશ. દિલ્હીનું માહૌલ આમ તો શાંત છે. પરંતુ તમારા રૂપનું માહૌલ ક્યાં શાંત છે? હરપળે સાવધાન અને સાવધ રહેજો. ક્યાંય જવા આવવાનું ટાળજો. બાકી રાજપૂતાણીને બીજું શું કહેવાનું? જેના પિતા શક્તિ. પૂર્વજ બાપ્પા રાવળ અને સૂર્યવંશી કૂળ હોય એ કન્યાને શીખ આપવી એ તો સાક્ષાત ભાસ્કર સામે ધૂળ ફેંકવા સમાન છે.” હસતા હસતા કવિરાજ બોલ્યા.

         મારૂં પરમ સૌભાગ્ય છે કે, મારા પતિ મારા પિતૃકૂળના મહિમાને વખાણે છે. સૂર્યપુત્રીની સામે જોવાની કયો દાનવ હિંમત કરે? બળીને રાખ થઈ જાય. સ્વયં મહારાણા પ્રતાપસિંહજીએ અમરની સાથે સાથે મને શસ્ત્રની તાલીમ આપી છે. અમરની સાથે દાવપેચ ખેલતા જોઇને મહારાણાજીએ એકવાર ભવિષ્ય ભાખેલું કે, કિરણ કોઇથી યે ગાંજી ન જાય એવી વીરાંગના છે. એનો વાર સચોટ છે. એની ઝડપ ચિતા જેવી છે. મને જૌહર કરીને મરતી સ્ત્રીઓ કરતાં તલવારથી સામનો કરતી રાજપૂતાણીઓ વધારે ગમે. ધન્ય છે જવાહરબાઈને કે જેમણે મેવાડમાં જૌહર કરતી રાજપૂતાણીઓને, તલવાર પકડાવી, દુશ્મનોને મારીને મરવાનો નવયુગ રચ્યો. તમે કલ્પના કરો કે, બાર બાર હજાર રમણીઓ અગ્નિચિતામાં, દુશ્મનને એક કાંકરોયે માર્યા વિના મરે એના કરતાં દુશ્મનોની સામે લડીને મરે તો ઓછામાં ઓછા પોતાનાથી અડધા દુશ્મનો તો ખતમ થઈ જાય જ. બાદશાહ બહાદુરશાહને મહારાણા વિક્રમાદિત્યે ખંડણી આપી એટલે ફરી બીજીવાર એ મેવાડ પર ચડી આવ્યો. એના કરતાં જવાહરબાઈએ યુદ્ધ આપ્યું એ વાત મને વધારે ગમી. તમારા બાદશાહ સામે અહમદનગરની ચાંદબીબી શું સ્ત્રીશક્તિનો તાજો દાખલો નથી? હિંમત નથી મોગલે૦આઝમની કે અહમદનગર તરફ મોગલસેનાને ધપાવે. આવી જવલંત સ્ત્રીશક્તિઓના જીવનમાંથી હું પ્રેરણા પામી છું. આપ નિશ્ચિંત થઈ બુંદી સિધાવો. આપની કિરણ કેવળ પૃથ્વી માટેજ છે, કેવળ પૃથ્વી માટે જ છે.

         “તું સુંદર અને કોમળ છે પરંતુ શસ્ત્ર ધારણ કરે ત્યારે જગદંબા બની જાય છે એની મને ખાત્રી છે. તારી સમર્પણની ભાવનાએ તો મને તારા પિતાના મહેલની આસપાસ ચક્કર લગાવતો કરી દીધો હતો. ત્યારે તારા પિતાના મહેલના ઝરૂખેથી તેને જોઇને હું બબડતો હતો કે, આ કિરણ પૃથ્વીની છે, આ કિરણ પૃથ્વીની છે. તો ખરેખર કવિ પત્ની પણ વીરાંગના છે.”

         આનંદો.......... ના હિલોળા લેતા, ભાવસમુદ્રમાં બને ડૂબી ગયા. બીજે દિવસે પ્રાતા:કાળે પૃથ્વીરાજ બુંદી જવા રવાના થયો.

-૩-

         સર્વત્ર નવરોજાના મેળાની ચર્ચા હતી. મીનાબજારના વૈભવની વાતો હતી. જે સ્ત્રીઓ નવરોજાના મેળામાં જઈ આવી હતી તે તો તેના વખાણ કરતી હતી પરંતુ જે જઈ આવી ન હતી એવી સ્ત્રીઓ તેના પુષ્કળ વખાણ કરતી.

         આ જગત એવું જ છે. રામની વાતો રામ કરતાં ગામ વધારે જાણે. સૌ કોઇ બાદશાહના બેહદ વખાણ કરતા. સૌ કોઇ બાદશાહના બેહદ વખાણ કરતા. સ્ત્રીઓના આનંદ માટે બાદશાહ આ મેળાના આયોજનમાં લખલૂટ ખર્ચ કરતા અને વ્યવસ્થા કડક હતી.

         મીનાએ આ ચર્ચા કિરણવતી સુધી પહોંચાડી હતી. પહેલાં તો કવિની ઉપસ્થિતિમાં “નવરોજા” ના મેળાની ચર્ચા જ થતી ન હતી અને થતી તો પણ એ માટે કોઇને સદ્‍ભાવ ન હોઇ, કારણ કે બાદશાહનું આયોજન હતું. જિસ નુક્કડ સે ગુજરના હી નહીં ઉસકી ચર્ચા ભી ક્યોં?

         “મીના, આ “નવરોજ” નો મેળો જોવા ફક્ત સ્ત્રીઓ જ જાય છે?”

         “હા, બાદશાહનું સખ્ત ફરમાન છે કે, એમાં કોઇપણ પુરૂષ જઈ ન શકે. વર્ષોથી આ મેળો ભરાય છે છતાં એકપણ કિસ્સો નોંધાયો નથી જેમાં કોઇપણ સ્ત્રીની ફરિયાદ હોય.”

         “તો તો આ મેળો તું કહે છે તેમ જોવ જેવો ખરો?”

         “પણ, બા, આપણે રાજ રજવાડાની સ્ત્રીઓ કદી એ મેળામાં જતી નથી. એ આપણી પરંપરા છે એક વણલખ્યો નિયમ છે.” મીનાએ અચકાતા અચકાતા કહ્યું.

         મુગ્ધા યુવતીનું કૈતુહલ જબરદસ્ત હોય છે. શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાને મના હતી કે, છેલ્લા ઓરડાની ચાવી તને સોંપું છું પણ તે ઓરડો ઉઘાડતી નહિં અને એ ઓરડામાં જે લોખંડ પેટી છે એને તો ભૂલથી પણ ખોલતી નહીં અને છતાંય કૃષ્ણની ગેરહાજરીમાં એ ખોલાઈ અને પછી કૃષ્ણ અને સુભદ્રા માટે અભિમન્યુ એક મહા સમસ્યા થઈ પડ્યો. કિરણવતીને મેળાનું કૌતુહલ જાગ્યું.

         “પણ, મીના, નવરોજાનો મેળો જોવા જેવો તો ખરો ને?” મીનાએ કંઈપણ જવાબ ન આપ્યો.

         કિરણવતી મુગ્ધા યુવતી જ હતીને! એના મનમાં “નવરોજ” ના મેળાને જોવાની ઉત્કંઠા જાગી એટલે એ ઉત્કંઠાએ જ એને ધેરી લીધી. ગોચર કરતાં અગોચર પ્રદેશની કામના વધુ તીવ્ર હોય છે. પરિણીતાના અભિસાર કરતાં મંગેતરનો અભિસાર જેમ વધુ તીવ્ર હોય છે તેમ

         “નવરોજ” નો મેળો ભરાવાનો સમય સન્નિકટ આવી પહોંચ્યો.

         “હસીના, હવે તો તને મઝા પડશે?”

         “કેમ?”

         “નવરોજના મેળામાં તને મહાલવા મળશે. બેગમની દાસીને તો લીલાલહેર.”

         “હું તો વર્ષોથી મહાલું છું. તારી રાણી આવે તો તને પણ મહાલવાનો લ્હાવો મળે.”

         “હું પ્રયત્ન કરી જોઇશ.”

         મીનાએ કિરણવતીને સાહજિક રીતે “નવરોજા” નો મેળો જોવા તૈયાર કરી દીધી.

         અને જ્યારે કિરણવતીએ “નવરોજ” નો મેળો જોવા જવાની ઇચ્છા પ્રગટ કરી ત્યારે તેના રક્ષકદળમાં હાહાકાર મચી ગયો. રક્ષકદળના ઉપરી બાબ જયરાજે કહ્યું. “બેટી, આ વિચાર માંડી વાળ, માલિકને આ પસંદ નથી. એમની ગેરહાજરીમાં અમે આ જોખમ ન લઈ શકીએ.

         “બાબા, એમાં શો વાંધો છે? કેવળ સ્ત્રીઓ જ ત્યાં ભેગી થાય છે. હળે, મળે અને આનંદ કરે છે. શું તમને એમાં યે ષડ્‍યંત્રના કીટાણું લોકોને નજરે પડે છે.”

         “આપ માલિક છો. હું શું કહું? પરંતુ અમે રક્ષકો કોઇનોયે વિશ્વાસ કરવા ટેવાયેલા નથી. અહીં દિલ્હીમાં દુશ્મનીના કોઇ ચેહરો નથી કે નથી કોઇ સરનામું.”

         “બાબાજી, આપ કેમ ગભરાઓ છો? શું તમને મારી વીરતા પર સંદેહ છે. જેનો કોઇ ચેહરો નથી કે જેનું કોઇ સરનામું એવા બિનધાસ્ત ભયથી કેમ ગભરાઉં?”

         “બેટી કિરણ, તને એ નહિ સમજાય?”

-૪-

         સંરક્ષકોની ટુકડી સાથે બાબા જયરાજ, નવરોજના મેળાથી અમુક ચોક્કસ અંતરે સજ્જ થઈને બેઠા. રાણી કિરણવતી દાસી મીના સાથે “નવરોજ” ના મેળામાં પ્રવેશી.

         હસીના દ્વારા સંકેત પામી ચૂકેલા બાદશાહને ખાતરી થઈ ગઈ હતી કે, કિરણવતી નવરોજના મેળામાં અવશ્ય આવશે. અને કિરણવતી આવી અને બાદશાહ પોતાની કળા દ્વારા એને પ્રત્યક્ષ નિહાળી. વીજળીના ચમકાર જેવું રૂપ લાલિત્ય ધરાવતી કિરણવતીને જોઇને બાદશાહ પાછો વળી ગયો.

         મીના અને હસીના ભેગા થયા. કિરણવતીને મેળાની મેદની જોઇ મઝા પડી ગઈ. કિરણવતી અને મીના થોડા થોડા અંતરે ચાલતા હતા. ચાલાક હસીના દ્વારા મીનાને લલચાવવામાં આવી. સ્ત્રીઓને હરવાફરવાનો અમુક ઉંમરે, વિશેષ શોખ, કહો કે નશો હોય છે. એનો લાભ લેવાયો.

         ઘણાં સમય સુધી કિરણવતી મેળામાં ફરતી રહી. અમુક અંતરેથી મીનાને તે જોઇ લેતી. વૃક્ષોની ઘટામાં, એક મોડ આગળ તે ઉભી રહી.

         અકબર અનપઢ પરંતુ વિદ્વાનોની સોબતે વિદ્વાન પુરૂષ બની ગયો હતો. રાણી કિરણવતિના નામથી તે આકર્ષાયો હતો. પરંતુ તેને સતી સ્ત્રીના અડગ નિર્ધારની ખબર હતી. એના મનમાં હતું કે, મહારાણા સંગ્રામસિંહના વંશની આ કામિની સામે ચેડાં કરવા એ મોટો ખતરો છે. હઠીલી રૂપાંગનાઓ પોતાના પ્રાણોની કુરબાની આપીને પણ આબરૂની રક્ષા કરે  છે. પરંતુ તેનો બધો ડર કિરણવતીના રૂપને જોઇને થીજી ગયો. તેની મતિ મૂઢ થઈ ગઈ. મુસીબતના સમયે, મતિ કયાં સાથ આપે છે? તેમાંયે કામી પુરૂષ તો મતિહીનતાનો પહેલો શિકાર થાય છે.

વૃક્ષોની ઘટા નીચે ઉભેલી કિરણવતીની ચારે બાજુ અચાનક કેટલીક સ્ત્રીઓ આવી. એમાંની એકે તેની સાથી વાત કરતા કરતા કાંઇક સુંઘાડી દીધું. પાછળ જ બાદશાહનો ખાનગી ઓરડો હતો. પળનો યે વિલંબ કર્યા વિના બેહોશ કિરણવતીને ત્યાં લાવવામાં આવી ને જ્યારે શુદ્ધિમાં આવી ત્યારે, તે એક ઓરડામાં હતી.

બાદશાહ હસતો હસતો આવી રહ્યો હતો.

“કિરણવતી, હું તારૂં સ્વાગત કરૂં છું.”

“તમે?”

“હા, હું મોગલ શહેનશાહ અકબ્બર, તું મારો હેતુ ન સમજે એવી નાસમજ તો નથી જ?”

પછી તો બાદશાહે પ્રલાપ શરૂ કરવા માંડ્યો. અંતે થાક્યો. એણે ધાર્યું કે શસ્ત્રહીન અને મૌન સુંદરી મને પ્રાપ્ત થશે.

હંમેશા મળતા વિજયથી ઇન્સાન ફૂલાઈ જાય છે. એ હરીફની શક્તિનો અંદાજ કાઢવામાં થાય ખાઇ જાય છે. અને એ થાય જ એના પરાજયનું કારણ બને છે. કાયમ તાબે થતી સુંદરીઓના માહૌલમાં સામનો થશે એવું બાદશાહ વિસરી ગયો.

એના બદનમાં કામાગ્નિ પ્રગટ્યો હતો. પળવારમાં જ કિરણવતી સમજી ગઈ કે, ખરાખરીનો જંગ આવી પહોંચ્યો છે પોતે અહીંથી જીવતી તો જવાની જ નથી પરંતુ એકલા બાદશાહને, કામી પુરૂષને ખતમ કરવો એના માટે અઘરૂ ન હતું.

જ્યાં બાદશાહ, એના અંગને સ્પર્શ કરવા જાયે છે ત્યાં તો ચિત્તાની ઝડપે, કમ્મરમાંથી કટારી કાઢી, કિરણવર્તી કૂદી.

અણધાર્યો સામનો થતા બાદશાહ ગબડ્યો. કિરણવતી જેવી ચપળ યુવતી એ મોકો ચૂકે ખરી? એણે બાદશાહની છાતી પર પગ મૂક્યો. ગર્જના કરતી બોલી, “ બાદશાહ અકબરશાહ, મને ખબર ન હતી કે, તું આટલો નીચ અને નરાધમ હોઇશ. તું આ દેશનો રક્ષક છે કે ભક્ષક? નવરોજા અને મીનાબજારના ઓઠા હેઠળ તેં કેટલી સ્ત્રીઓને એના પતિવ્રત ધર્મથી ભ્રષ્ટ કરી છે? બિચારી અબળાઓ સર્વસ્વ ગુમાવીને મૌન રહી માટે જ, આ નાટક લાંબું ચાલ્યું. તને ખબર નથી એ, કિરણવતીના સ્વપ્ના સેવવા એ કેટલા જોખમની વાત છે? રાજપૂત રમણી જીવનમાં એક પુરૂષને જ પોતાનું દિલ આપે છે. બીજા પુરૂષ માટે એ સ્વપ્નામાં પણ વિચાર ન કરી શકે. અત્યાર સુધી બાદશાહે તાબે થતી સ્ત્રીઓનું અબળા સ્વરૂપ જોયું હતું. આજે પહેલી વાર સામનો કરતી શક્તિના દર્શન થયા. કિરણવતીના હાથમાં રહેલી કટારની પાછળ ભારતના રાજપૂત રાજ્યોની પ્રચંડ શક્તિ હતી. હિંદુ પ્રજાનો સાથ હતો. જો એ શક્તિ આ મુદ્દા પર એકત્રિત થાય તો મુગલ સલ્તનતને ભારે ખતરો પેદા થાય. ક્ષણમાં જ એને પોતાના અવિચારીપણાનો ખ્યાલ આવી ગયો. કિરણવતી કહી રહી હતી. “બાદશાહ એ ખુદાનો દૂત છે. રૈયતનોએ પરમ પિતા છે. તું બાદશાહ થઈ પુત્રી જેવી સુંદરીઓની આબરૂં લુંટવાનો ધંધો કરે છે? સતી સાધ્વી સ્ત્રીઓના શીલભંગ કરવા માટે જ તે આ મીના બજારનું નાટક ગોઠવ્યું છે?

અકબરશાહ ધરતી પર પડ્યો પડ્યો કિરણવતીના શબ્દો સાંભળી રહ્યો હતો. એને પોતાના દાદા બાબરના શબ્દો યાદ આવ્યા. “હિંદમાં શાસન કહ્યું હોય તો હિંદુ રૈયતને વિના કારણે છંછેડવાનું ખોટું સાહસ કદી ન કરવું.”

આજે મહાબલી અકબરશાહ રણચંડી આગળ પરાસ્ત થઈ ગયો. એને ભાન થયું કે, આ એક કિરણવતીને છંછેડવાથી દિલ્હીમાં મોગલસેનામાં સીધો આંરતવિગ્રહ ફાટી નીકળશે.એણે ઓરેલી રેખા યાદ આવી. દિલ્હી મુર્દો કા ઢેર બન જાય, અકબર કો કતઈ મંજુર નહીં થા. એ નમી પડ્યો.

“બેટા કિરણવતી, મને માફ કર હુમ આંધળો બન્યો હતો. હું ખરા હ્રદયથી પસ્તાવો કરૂં છું. હવે મને મેવાડના મહારાણાઓના સૂર્યવંશી રક્તના પ્રભાવનો પ્રત્યક્ષ પરચો થયો. તું કહે તેમ કરવા તૈયાર છું. પરંતુ મને છોડ, મારે મારી પ્રજા આગળ જલીલ બનવું નથી.

“જહાઁપનાહ, તમે નવરોજા અને મીનાબાજાર બંદ કરવાની શપથ ખાઓ.”

“મારી માતા અને ખુદાના સોગંદ ખાઉં છું કે, હવેથી નવરોજા અને મીનાબાજાર હું બંદ  કરી દઈશ. સ્ત્રીના શીલની હિફાજત કરીશ.”

“બાદશાહ, જરૂર તમે મહાન બનો.પરંતુ ફરી જો સ્ત્રીઓના શિયળ લુંટવાની શરૂઆત કરી તો કિરણની કટાર તૈયાર જ હશે.”

“યમદૂત સમી કટાર તું મ્યાન કર અને છાતી પરથી પગ હટાવ. મને હવે તારા બળ કરતાં જોધાબાઈ આગળ બેઆબરૂ થવાનો ડર વધારે લાગે છે.”

કિરણવતી એકદમ કટાર સાથે દરવાજા તરફ દોડી. સડસડટ મહેલમાંથી નીકળી ગઈ. હસીના સાથે વાતો કરતી મીનાનો ઝટ હાથ પકડી, નવરોજાના મેળાના દરવાજેથી નીકળી ગઈ.

બાબા જયરાજ, અધ્ધરજીવે ઉભા હતા. કિરણવતીને જોઇને શાંત પડ્યા.

“બેટી કિરણવતી બહુ મોડું કર્યું.”

“હા, બાબા, ચાલો.”

એક ભયંકર કત્લેઆમમાંથી દિલ્હી બચી ગયું. કિરણવતીની કુનેહથી.