ભાગ - ૧૪
કોણ હતી આ માલિની અને દેબાશિષને જાણ થશે ત્યારે શ્રીધર અને માલિની પર શું વીતશે?? એ તો આવનારો સમય જ કહી શકશે....
શ્રીધર એક ઉત્તમ ચિત્રકાર હતો. કુદરતે પાથરેલા રંગીન સૌંદર્યમાંથી અવનવા રંગો ભેગા કરી સુંદર ચિત્રો ચીતરતો. એણે દોરેલા ચિત્રો જાણે હમણાં જ બોલી ઉઠશે એટલા જીવંત લાગતાં, દેબાશિષબાબુને એની ચિત્રકારી સામે અણગમો હતો પણ યામિનીના પુત્રમોહ સામે આંખ આડા કાન કરી શ્રીધરને એમણે અલાયદો ઓરડો ફાળવી દીધો હતો, શ્રીધરનો મોટાભાગનો સમય ત્યાં જ પસાર થતો. પિતાની જમીનદારીમાં એને લેશમાત્ર રસ નહોતો, પોતાની ઈચ્છા ન હોવા છતાંય એ ક્યારેક એમની સાથે ખેતરે કે બજારમાં જતો. દુર્વાસા જેવો સ્વભાવ ધરાવતા દેબાશિષબાબુની સરખામણીએ શ્રીધર એકદમ કોમળ, ઋજુ હૃદય ધરાવતો હતો, કોઈનું નાનું સરખુંય દુઃખ એનું કાળજું કંપાવી મૂકતું. એમના મકાનની સામેનું ઘણા સમયથી બંધ રહેલું નાનકડું મકાન છેલ્લા ચાર-પાંચ દિવસથી ખુલ્યું હતું. કોણ રહેવા આવ્યું હતું એ હજી કળી શકાયું નહોતું પણ ત્યાંથી આવતા સિતારના સુરોએ શ્રીધરના મનમાં એ જાણવાની ઉત્સુકતા વધારી દીધી હતી.
@@@@
અસલમને આવતો જોઈ રાણાસાહેબે પોતાની ઝડપ વધારી અને ફરી કોરિડોર વટાવી છેક છેવાડેના બંધ કમરાના બારણે જઈને ઉભા રહ્યા ત્યાં સુધીમાં એમની ચકોર નજર કોરિડોરના ખૂણેખૂણે ફરી વળી. અસલમે તાળું ખોલી દરવાજાને ધક્કો માર્યો ત્યાં ફરી કીચુડાટ સાથે ખુલ્યો અને અંદર પગ મુકતા જ અસલમે સ્વિચ ઓન કરી પણ લાઈટ ચાલુ ન થઈ.
"નારાયણ, જા છોટુભાઈને બોલાવી લાવ અને એમને કે'જે ઇલેક્ટ્રિશિયનને સાથે લેતા આવે." નારાયણ ગયો એટલે રાણાસાહેબે અસલમ સાથે ચર્ચાનો દોર શરૂ કર્યો. "આપણે પહેલાં આવ્યા ત્યારે દિવસના અજવાળામાં લાઈટ નહોતી કરી અને આ કમરો ઘણા સમયથી બંધ છે એટલે પ્રોબ્લેમ હશે, અસલમ ત્યાં સુધી તું ટોર્ચના પ્રકાશ વડે નીચે નજર કરી લે, કદાચ કંઈક મળી જાય." પોતે પણ મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરી બેડપર તેમજ આજુબાજુ નજર ફેરવવા લાગ્યા.
"એક મિનિટ સર, બેડના ખૂણાના પાછલા પાયા આગળ કંઈક પડ્યું લાગે છે. હાથ તો પહોંચે એમ નથી હું ક્યાંકથી લાકડી કે સાવરણી એવું શોધી લાવું." અસલમ બહાર નીકળ્યો અને લગભગ દસેક મિનિટ પછી લાકડી લઈને આવ્યો એટલામાં રાણાસાહેબે બંધ બારી ખોલી બાલ્કનીમાં ઉભા ઉભા આસપાસના પરિસરનો અભ્યાસ કરી રહ્યા હતા. સાંજ ઢળી રહી હોવાથી અજવાળું ઝાંખું પડી રહ્યું હતું તેમ છતાંય રાણાસાહેબની પારખુ નજર ચોપાસ ફરી વળી, બારીની પાછળના ભાગમાં બસો મીટર જેવડું ખુલ્લું મેદાન અને પછી તરત જ ઊંડી ખીણ, મેદાનમાં ઉગેલું ઘાસ અડધુંક તો સુકાઈ ગયું હતું, કેટલાક ઝાડી ઝાંખરા અને ઠુંઠા ઝાડ સિવાય ભેંકાર ભાસતી તપકીરી જમીન અને એ જ રંગમાં ભળી ગયેલા સુકા ડાળી ડાખળા અને ખરેલા પર્ણ.
અસલમનો અવાજ સાંભળી રાણાસાહેબ વળીને બેડ નીચે જોવા લાગ્યા. અસલમે પોતાની આવડતને આધારે લાકડી ફેરવી હળવેથી પાયા પાસે રહેલી વસ્તુ બહાર કાઢીને રણાસાહેબના હાથમાં આપી. રાણાસાહેબ ધ્યાનથી નીરખી રહ્યા, કોઈ સ્ત્રીના કાનનું ઝૂમકું હતું જે વચ્ચેથી તૂટેલું હતું, સુંદર મીનાકારી કરેલ ઝૂમકાનો ઉપરનો ભાગ ગાયબ હતો.
"અસલમ, જરા સરખું જો, આનો અડધો ભાગ અહીં ક્યાંય પડ્યો તો નથી ને?"
"જી સર, પહેલાં હું પલંગ નીચે સરખું જોઈ લઉં પછી બીજે જોઉં" અસલમ ટોર્ચ ચાલુ કરી ફરીથી બેડ નીચે સરકી ગયો.
તર્જની અને અંગુઠા વચ્ચે પકડેલા ઝૂમકાના અડધા ભાગને રાણાસાહેબ ખુબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા. સોનાના બનેલા ઝૂમકા પર ખુબ જ સુંદર અને બારીક મીનાકારી હતી. કલા કારીગરીનો અદભુત નમૂનો હતો એ. ઝીણા ફુલ પાનની જાળીદાર કોતરણી એને અનેરો ઉઠાવ આપતી હતી. રાજવી પરિવારનું દેખાતું એ ઝૂમકું કદાચ ઈશ્વાનું હોઈ શકે એવું અનુમાન રાણાસાહેબે લગાડ્યું અને અસલમ સાથે પોતેય નીચે વળીને ચોમેર જોઈ રહ્યા.
@@@@
વ્યોમ હજી દવાની અસર હેઠળ ઘેનમાં હતો અને ડો. ઉર્વીશ એના માથે હાથ ફેરવતા બેઠા હતા. ઊંઘમાં હોવા છતાં એના હોઠો પર ક્યારેક ઈશ્વાનું નામ આવી જતું. થાકી ગયો હોવાથી અમોલ પણ સોફા પર પગ લંબાવી રિલેક્સ થવાની કોશિશ કરી રહ્યો હતો પણ એની આંખો વ્યોમના ચહેરા પરથી હટતી નહોતી, ગૌર ચહેરા પર બે દિવસની વધેલી દાઢી એના ચહેરાને વધુ આકર્ષિત બનાવતી હતી, વિખરાયેલા ડાર્ક બ્રાઉન વાળ પંખાની હવાથી ફરફરતા હતા, ચહેરા પર લીપાયેલી ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. કસરત વડે કસાયેલા બંને હાથની મુઠ્ઠીઓ ભીંસીને એ સુતો હતો. અમોલના ચહેરા પર પળભર માટે ઈર્ષ્યાના ભાવ ઉપસી આવ્યા, પોતાના મનોભાવ પકડાઈ ન જાય એ માટે એણે પોતાનો ચહેરો અને પોતાની જાતને મોબાઈલમાં પરોવી દીધી. ઈશ્વાને યાદ કરતાં એની આંખોમાં રોષ, રીસ અને આંસુનો ત્રિવેણી સંગમ ઘુમરીઓ લેવા માંડ્યો.
@@@@
કૌશલ અને દિલીપ પરિવાર સાથે જામનગર પહોંચ્યા એ પહેલાં તો ઈશ્વાના ગાયબ હોવાના બ્રેકીંગ ન્યુઝ વાયુવેગે પ્રસરી ગયા હતા. હવેલીના મેઈન ગેટ પર જ એમનો સામનો નીલાક્ષી અને તેજસ સાથે થયો, એમની આંખો જ પ્રશ્ન કરી રહી હતી કે 'ઈશ્વા ક્યાં?' ચહેરા પર પારાવાર પસ્તાવાની પીડા અને આંખોમાં છલકાતી અફસોસની આત્મગ્લાનિની અનુભૂતિથી કૌશલની આંખો ઝુકી ગઈ. ઊર્મિ અને અર્પિતા બંને નીલાક્ષીને મુક સધિયારો અને સાંત્વન આપવા એની પાસે ઉભા રહ્યા અને દિલીપ બંને બાળકોને લઈને નીચું જોઈ સીધો હવેલીમાં જતો રહ્યો. સંતુ અને જીવો ગાડીમાંથી સામાન કાઢી દરેકનો સામાન એમના રૂમમાં મુકવા અંદર જતા રહ્યા, બસ એક રઘુકાકા જ હતા જે જડવત પૂતળું બની હજી હવેલીના બારણે બરસાખ પકડીને ઉભા હતા. એમના મોઢેથી તૂટ્યાફૂટ્યા, અસ્પષ્ટ ઉદ્દગારો સરી રહ્યા હતા અને એમની અનિમેષ નજર કોઈની રાહ તાકી રહી હોય એમ દરવાજે મંડાયેલી હતી.
"આંટી, ઈશ્વા જલ્દી જ મળી જશે, પ્લીઝ તમે હિંમત રાખો, રાણાઅંકલ જરૂર ઈશ્વાને પાછી લઈ આવશે અને હવે તો ઉર્વીશઅંકલ પણ ત્યાં છે, ઈશ્વા પાછી આવે ત્યાં સુધી તમારે અને તેજસે અહીં જ અમારી સાથે રહેવાનું છે." ઉર્મિએ ઉષ્માથી નીલાક્ષીની હથેળી પોતાના હાથમાં લીધી અને નીલાક્ષીની આંખોમાંથી અશ્રુધોધ વરસી પડ્યો. ઉર્મિએ એમને ગળે વળગાડી રડવા દીધી અને એમની પીઠ પસવારતી ઉભી રહી, પડખે ઉભેલો તેજસ પણ છાના ડુસકાં ભરી રહ્યો હતો.
"આમ, અચાનક, દીદી ક્યાં જતી રહી છે ભાભી? એ જલ્દી મળી જશે ને?" તેજસે શર્ટની બાંયથી ગાલ ઉપર રેલાતા આંસુઓ લૂછ્યા.
"તેજસ, રડ નહીં, ઈશ્વા બહુ જ જલ્દી અને જરૂર મળી જશે." અર્પિતાએ એના માથે હાથ ફેરવ્યો.
"મારી દીકરી.... હજી તો એની મેંદીનો રંગ પણ નથી ઉતર્યો ત્યાં ઈશ્વરે એની કિસ્મત વિયોગના બેરંગ રંગે લખી નાખી, વ્યોમ કેમ છે? એની હાલત તો જોવા જેવી હશે. બાળપણથી અત્યાર સુધી સાથે મોટા થયેલા બેય આમ વિખુટા પડી જશે એવું તો કોણે વિચાર્યું હતું." નીલાક્ષીએ સાડીના પાલવથી આંખો લુછી
@@@@
વહેલી સવારે આવતા સિતારના સુરોની સાથે મધુર કંઠે ગવાતા ગીતે શ્રીધરના હૃદયના તાર પણ રણઝણાવી મુક્યા હતા, એ પથારીમાંથી ઉભો થઈ એ અગાશીએ આવી પાળ ઝાલી ઉભો રહ્યો અને અવાજની દિશામાં તાકવા લાગ્યો પણ કોઈ એની નજરે ના ચડ્યું એટલે એ હજી પગથિયું ઉતરવા જઈ જ રહ્યો હતો ત્યાં સામેના મકાનનું બારણું ખુલ્યું અને સ્વર્ગથી કોઈ અપ્સરા ધરતી પર ઉતરી આવી હોય એવી નાજુક, નમણી યુવતી બહાર આવી જેને શ્રીધર દિગમૂઢ થઈ જોઈ રહ્યો પણ એ ઘર આંગણે ખીલેલા ગુલમહોરના વૃક્ષને અઢેલી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી...
ક્રમશ: