Tatvik Drashtiae, Shraddh in Gujarati Short Stories by Dada Bhagwan books and stories PDF | તાત્વિક દ્રષ્ટીએ, શ્રાધ્ધ...

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

તાત્વિક દ્રષ્ટીએ, શ્રાધ્ધ...

શ્રાધ્ધ પક્ષની શરૂઆત થઈ ચૂકી છે. ઘેર ઘેર દરરોજ પિતૃઓને આહવાન થાય છે. પિતૃઓને ‘કાગવાસ’ નાખવામાં આવે છે. માન્યતા એવી છે કે કાગવાસમાં નાખેલી ખીર વિગેરે પિતૃઓ કાગડાના સ્વરૂપમાં આવીને ખીર ખાઈને તૃપ્ત બને છે ! આ બધાનું રહસ્ય શું હશે? આવા પ્રશ્નો અવારનવાર પૂછાય છે ! ખાસ કરીને આજનો યુવા વર્ગ ખૂબ જ પ્રશ્નો અનુભવે છે.

આત્મજ્ઞાની સંપૂજ્ય શ્રી દાદાશ્રીએ (દાદા ભગવાન) મૃત્યુ વિશે રહસ્ય, જ્ઞાનદ્રષ્ટિએ જોઈને સરળ ભાષામાં ઉકેલ્યું છે. તેઓશ્રી કહે છે, કે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તેનું, તેની વાઈફ, છોકરાં, સગાવહાલાં બધા જોડેનું ઋણાનુબંધ પૂરું થાય, ત્યાર પછી જ એ દેહથી છૂટે. પછી એ પાછા ત્યાં કોઈ રીતે ભેગા થાય નહીં. પછી નવા સંબંધે જ્યાં બંધાયેલો હોય ત્યાં આગળ ફરી જન્મ થાય. બાકી, પાછા કોઈ આવે-કરે નહીં.

પિતૃ કોને કહેવાય? છોકરાને કે બાપને? બધાંયે છેવટે તો પિતૃ થવાના જ ને! કાગવાસ નાખે તે કાગડા થઈને આવે ને જમી જાય એવી માન્યતા છે. અલ્યા, આપણા પિતૃઓને કાગડા બનાવ્યા? એ જ્યાં છે ત્યાંથી કાગડા થઈને શી રીતે અહીં ખીર ખાવા આવી શકે? વળી આપણા ગયા ભવના છોકરાંઓય આપણા માટે કાગવાસ તો આ રીતે જ નાખતા હશે ને? તે આપણે કયે દહાડે કાગડા થઈને ત્યાં ખીર ખાવા ગયેલા?! આ બધી વાતો વિચાર માગી લે છે. તો પછી આ શ્રાધ્ધને સરાવાનું ને બધાંને ખીર જમાડવાનું રહસ્ય શું હશે? પિતૃઓને યાદ કરવા માટે. એ તો કરે જ ગમે ત્યારે. પણ આપણા લોકો આમ ચાર આનાય દાન-ધર્મમાં જલદી ખર્ચે તેવા નથી. તેથી આ શાણા પુરુષોએ ગોઠવેલું કે બાપની પાછળ કંઈ ખર્ચ કર. તે આ વાત ચાલી આવી. અને આની પાછળ બીજું આયુર્વેદિક ફાયદો મનુષ્યોને કેમ કરીને થાય તે લક્ષમાં ખાસ તો રાખીને શ્રાધ્ધનું ગોઠવ્યું છે. આપણા વેદોમાં આયુર્વેદ સમાયેલું છે. આપણા બધા ઉપવાસ કરાવનારા તહેવારો ચોમાસામાં જ વધારે ગોઠવાયેલા છે. કારણ, ચોમાસામાં બધે જ રોગચાળો વિશેષ હોય, જેમાં આહાર નિયમનથી, ઉપવાસથી ખૂબ જ રક્ષણ મળે છે રોગચાળાની સામે.

શ્રાધ્ધ પણ ભાદરવાના છેલ્લા સોળ દિવસ હોય છે. તે આ દિવસોમાં ઘેર ઘેર મેલેરિયાના ખાટલા હોય. પહેલા ક્વીનાઈનની શોધખોળ હતી જ નહીં, તેથી આનાથી મૃત્યુ ખૂબ થતા. એટલે આ શ્રાધ્ધ આયોજાયેલા. એ વૈજ્ઞાનિક વસ્તુ છે. મેલેરિયા એટલે પિત્તનો તાવ. જેનામાં પિત્ત વધારે તેને મેલેરિયાના મચ્છર કરડે ને મેલેરિયા થાય. તેમાં પિત્ત ખૂબ વધી જાય. હવે પિત્તને શમાવવા આહારમાં ખીર ખૂબ જ સરસ કામ આપે છે. આપણા લોકો રોજ રોજ ખીર ના બનાવે! એટલી ઉદારતા ક્યાંથી લાવીએ?! તેથી આ શ્રાધ્ધનું ગોઠવી દીધું કે કુંટુંબીજનોમાં દરરોજ કોઈને ત્યાં કોઈનું શ્રાધ્ધ આવે જ. તે બધાં કુંટુંબીઓ ભેગા મળી દરરોજ ખીર ખાય. તે પિત્તનો તાવ શમી જાય. આપણા લોક શું કહે, કે સોળ શ્રાધ્ધ સરાવે પછી જે જીવતો રહ્યો તે આવ્યો નવરાત્રિમાં! નવી રાત્રિ તેણે દીઠી. આ બધી પહેલાના જમાનાની શોધખોળ હતી. ત્યારે આટલી સાધન-સંપત્તિઓ ન હતી. અત્યારે તો આઈસ્ક્રીમ ખાઈ આવે, પેંડા, બરફી, મિઠાઈઓ મળે છૂટથી! વળી એલોપેથીક દવાઓ પણ ખૂબ શોધાઈ છે. અત્યારે આની એટલી જરૂર નથી. પણ જે ગોઠવણી થઈ હતી, તે ત્યારની જરૂરિયાત પ્રમાણે ખૂબ જ સાયન્ટીફિક કહેવાય. બાકી, આપણે દાન કરીએ ને આપણા બાપ-દાદાઓને પહોંચે એ કેવી રીતે બની શકે? કર્મનો સિધ્ધાંત તો શું કહે છે કે ‘જે કરે તેને તેનું ફળ મળે.’ છોકરાં કરે ને પિતૃઓને બીજા ભવમાં મળે તે અસૈધ્ધાંતિક નથી લાગતું? પિંડદાન વિગેરે કરવાથી પિતૃઓને મુક્તિ થઈ જાય, મોક્ષ થઈ જાય. એમ જો કર્મ ખપાવવાનો આટલો સીધો અને સહેલો માર્ગ હોત તો અર્જુનને આટલી અઘરી ગીતા સંભળાવવાની શી જરૂર હતી? મહાવીર ભગવાનને ઉઘાડા પગે ગામેગામ ફરીને જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપનો મોક્ષમાર્ગ પ્રરુપવાની શી જરૂર હતી? સરવણીના ખાટલામાં સોનાની સીડી ને સોનાની નાવડી, સ્વર્ગની સીડી ને ભવ પાર જવા નાવડીની કલ્પનાઓ, કાલ્પનિક જ છે. એમ સ્વર્ગે જવાતું હશે? એટલું સહેલું છે? જબરદસ્ત પુણ્યકર્મ બંધાય તો જ દેવગતિમાં જાય, નહીં કે મર્યા પછી સરવણીમાં સીડી મૂકવાથી! હા, પાછળનાની ભાવના જે થઇ તેને તેનું ફળ મળે છે. ગયા તેને કંઈ જ પહોંચતું નથી. એ એટલું જ સૈધ્ધાંતિક સત્ય છે.