પ્રસ્તાવના-
આ ધારાવાહિક પારિવારિક અને સ્ત્રીઓને જીવનના મુશ્કેલ સમયમાં કેમ રસ્તો શોધી આગળ વધવું એ પ્રેરણા આપે એવી છે.
સંધ્યા એક ખુબ જ સુંદર યુવતી છે. એના જીવનની સફર ખુબ સરળ જ હતી, પણ લગ્નજીવનમાં આવેલ કુદરતના અચાનક પ્રહારથી એનું જીવન ખુબ જ મુશ્કેલ અને તકલીફની વેદનાને ઝીલતું બની ગયું હતું. એકદમ રસપ્રદ અને અનેક સ્ત્રીઓને પ્રેરણા આપે એવું સંધ્યાનું પાત્ર ખુબ જ સારી રીતે રજુ કરવાનો મારો પ્રયાસ છે. સંધ્યા એના જીવનમાં આવેલ તકલીફમાં કેમ આગળ વધીને પોતાની જીવન સંધ્યાને ખીલવે છે એ જાણવા જોડાયેલ રહેજો "સંધ્યા" સાથે.
આપ દરેક વાચકમિત્રોના અભિપ્રાય મને વધુ સારુ લેખન લખવા પ્રેરશે. તો અભિપ્રાય આપતા રહેશો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻
પ્રકરણ - ૧
સંધ્યા... સ્વર્ગની અપ્સરા આ પૃથ્વી લોકમાં અવતરી હોય એટલી સુંદર દેહાકૃતિ ધરાવતી સંધ્યા યૌવનમાં પગરવ કરતા જ વધુ ખીલી ઉઠી હતી. જે પણ પહેલી વખત જોવે એ એક ક્ષણ માટે તો એના રૂપથી અંજાય જ જાય એવી સોહામણી સંધ્યા પ્રકૃતિને માણવાની ખુબ શોખીન હતી.
સંધ્યા ના પરિવારમાં એના માતાપિતા અને એનો એક મોટો ભાઈ એમ એનો નાનો અને સુખી પરિવાર હતો. સંધ્યાના પપ્પા પંકજભાઈ કોલેજમાં પ્રોફેસર હતા. અને મમ્મી દક્ષાબેન હાઉસવાઈફ હતા. ઘરમાં સંધ્યા નાની હતી. આથી ખુબ લાડકોડથી જ ઉછરી હતી. ક્યારેય કોઈ પરિસ્થિતિનો એને સામનો કરવો પડ્યો જ નહતો. માંગ્યા પહેલા જ એના પપ્પા બધું હાજર કરી આપતા હતા. મુશ્કેલી શું એ ક્યારેય એણે વેઠી જ નહોતી. ભાઈ પણ મોટો હતો આથી બહારનું કામ મોટે ભાગે એ જ કરી નાખતો, સુનિલ ભણવામાં ખુબ હોશિયાર અને એ એમ.બી.એ. કરી રહ્યો હતો. સંધ્યા તો બસ સુંદર જીવનને વિતાવતા કોલેજના પ્રથમ વર્ષમાં આવી ચુકી હતી. સંધ્યાએ બી.એ. ફેકલ્ટીમાં એડમિશન લીધું હતું.
સંધ્યાને બોલવાની ખુબ ટેવ હતી. આથી મિત્રવર્તુળ મોટું હતું. વળી એનો નિખાલસ સ્વભાવ દરેકના મનને સ્પર્શી જાય એવો હતો. આથી ક્યારેય કોઈ જ સાથે એને અણબનાવ બન્યો જ નહોતો. એની ઘણી સખીઓ કહેતી કે, "તું જ એવી છે કે આટલી સુંદર છે છતાં તને કોઈ અભિમાન નથી."
સંધ્યા એમની વાત ને ફક્ત હસીને જ ઉડાવી દેતી. એને આવી વાતોના પ્રતિભાવ આપવા પણ ગમતા નહીં.
સંધ્યા ટાણું થાય એટલે સંધ્યા એના લક્ઝ્યુરિયશ ફ્લેટની બાલ્કનીમાં આકાશની સુંદરતા, પક્ષીઓનો કલરવ, અને સૂરજના કિરણોની આથમતી વેળાએ થતી આભમાં રંગીન ભાત નો નજારો માણવા બધું જ પડતું મૂકીને થોડો સમય કુદરતના ખોળે આનંદ માણતી, સંધ્યા માટે આ સંધ્યા ટાણું ખુબ જ પ્રિય! સંધ્યાને એક ચુંબકીય આકર્ષણ પ્રકૃતિ તરફથી મળતું. આ સમયે એ ફક્ત શાંત ચિત્તે સુંદર નજારો નિહાળતી અને ક્યારેક પોતાના મોબાઈલમાં એને કાયમ માટે સાચવી રાખવા ફોટા સ્વરૂપે ઝીલી લેતી હતી. અસંખ્ય સૂર્યોદય, સૂર્યાસ્ત, વસંત માં ખીલેલા સુંદર લીલા ઝાડ, રંગબેરંગી ફૂલના છોડ અને વરસતા વરસાદમાં ઉદ્દભવતી ધરાની તાજી લીલીછમ ગરિમાની અનેક તસવીરો સંધ્યાએ પોતાના મોબાઈલમાં ઝીલી હતી.
આજ સંધ્યા રોજની માફક પોતાની બાલ્કનીમાં ગોઠવાઈ ગઈ હતી. ઢળતી સાંજે સૂરજના કીરણો આથમતી વખતે આકાશમાં રંગીન મનમોહક ભાત રચે છે, એ નજારો જોવામાં સંધ્યા વ્યસ્ત હતી. સંધ્યાના ઘરની સામે જ એક પાર્ક હતો. ત્યાં નાના બાળકોનો રમત રમતા થતો કલરવ, વોક અને જોગિંગ કરતા લોકોની ચહલપહલ અને વાહનોના હોર્નના અવાજ સમગ્ર વાતાવરણમાં જીવંતતા લાવી રહ્યા હતા. સંધ્યાની નજર અચાનક એક જોગિંગ કરતા યુવાન પર પડી, એ એને જોઈ જ રહી. એકદમ ચુસ્ત ખડતલ બાંધો, આકર્ષિત ચહેરો સામાન્ય લાગતા વ્યક્તિત્વમાં પણ એને ખુબ આકર્ષણ વર્તાઈ રહ્યું હતું. સંધ્યાની નજર જ્યાં સુધી એને જોઈ શકી એ ત્યાં સુધી એ યુવકને નિહારતી જ રહી હતી. આવું પહેલીવાર એને કોઈ પર આકર્ષણ ઉદ્દભવ્યું હતું. અજાણ્યું વ્યક્તિ સંધ્યાને એના મોહમાં બાંધી ગયું! સંધ્યા એ ચહેરાને જોવામાં આજ આથમતા સૂરજને જોવાનું ચુકી ગઈ. એ મનમાં જ હસી પડી. મનમાં જ બબડી અરે યાર! શું હું પણ.. એ હજુ એ વિચારોમાં જ હતી ત્યાં જ અંદરથી એના મમ્મીએ સંધ્યાને સાદ પાડ્યો, "સંધ્યા! અંદર આવજે બેટા, મારે કામ છે."
"હા મમ્મી! બોલો ને."
"આજ કિચન તું સંભાળને મારે બહારનું કામ પતાવવાનું છે."
"અરે મમ્મી! તમે ચિંતા કર્યા વગર આરામથી તમારું કામ પતાવો હું બધું જ સંભાળી લઈશ.
સંધ્યા કિચનમાં રસોઈ બનાવી રહી હતી. પણ મનમાં એ જ અજાણ્યો ચહેરો વસી ગયો હતો. સર્વત્ર એને એ ચહેરાનો જ ભાસ થઈ રહ્યો હતો. એવું નહોતું કે, એ ઘડી ઘડી એ ચહેરાને યાદ કરતી હતી, પણ આપોઆપ એજ ચહેરો નજર સમક્ષ આવી જતો હતો. સંધ્યાને સમજાઈ નહોતું રહ્યું કે, આ શું થઈ રહ્યું છે? એને એ વ્યક્તિ વિશે વધુ જાણવાની ઈચ્છા જાગી. પણ કોઈ જ ઓળખાણ વગર તપાસ પણ કેમ કરવી? કેમ એના વિશે કોઈ માહિતી મેળવવી? સંધ્યા કંઈક અલગ જ લાગણી અનુભવી રહી હતી. એને આ લાગણી એ અજાણ્યા વ્યક્તિ વિશે કેમ જાણકારી મેળવવી એ વિચારવા ખેંચી જતી હતી. સંધ્યા પોતાનું ધ્યાન મહામહેનતે કિચનમાં લગાડી શકી.
સંધ્યાના પપ્પા, મમ્મી અને ભાઈ બધા જ આવ્યા ત્યાં સુધીમાં સંધ્યાએ બધી જ રસોઈ પતાવી દીધી હતી. સંધ્યાનો આખો પરિવાર રાત્રે તો સાથે જ જમવા બેસતો હતો. બપોરે રજા સિવાય ક્યારેય સાથે જમવા બેસવાનું સેટ થતું નહીં.
"સંધ્યા તારું ધ્યાન ક્યાં છે?" સુનિલ સંધ્યાને જોઈને બોલ્યો.
"અહીં જ તો છે, કેમ એમ કીધું?"
"તારી છાસ તું પી ને જો ડબલ મીઠું નાખ્યું છે તે.." હસતા હસતા સુનિલ બોલ્યો.
સંધ્યાએ છાસ પીધી ખુબ ખારી થઈ ગઈ હતી. પોતાની ચોરી પકડાઈ ન જાય આથી વાત ને વણાંક આપતા એ બોલી "બરાબર જ તો છે સેજ જ મીઠું વધી ગયું. તારે ત્યારે ન કહેવાય જયારે હું નાખતી હતી? લે તું જ પી આ છાસ." એમ કહી સુનીલની છાસ પોતે લઇ લીધી. મોઢું મચકાવતી મનમાં હસવા લાગી.
"તારી એઠી છાસ હું નહીં પીવું, તું જ પી." એમ કહી સુનિલે પોતાની છાસનો ગ્લાસ પાછો લઈ લીધો.
"આ આખી બોઘેણી ભરી છે, શું નાના બાળકો જેવું ઝઘડો છો?" દક્ષાબેન અકળાઈને બોલી ઉઠ્યા.
"તું એ બંનેની વચ્ચે બોલીશ જ નહીં. દરવખતની જેમ તું ખોટી આંટીમાં આવી જઈશ." ટાપશી પૂરતા પંકજભાઈ બોલ્યા.
બધા જ પંકજભાઈના બોલવાથી હસી પડ્યા હતા.
સંધ્યા અને સુનીલને એકબીજા માટે ખુબ પ્રેમ અને એક ખુબ સરસ સમજૂતી ભરેલો સબંધ હતો. સુનિલ એટલું તો ચોક્કસપણે જાણી ગયો કે, સંધ્યા કોઈક વિચારમાં હતી. સંધ્યાના ચહેરાના ભાવ પરથી એ ચિંતિત તો નહોતી જ લાગતી પણ કંઈક ઊંડા વિચારમાં હતી, એ તો ભાઈ બરાબર સમજી જ ગયો હતો. એને અત્યારે વધુ કઈ જ પૂછવું ઠીક ન લાગ્યું, પછી શાંતિથી પૂછીશ એમ વિચારી વાત પડતી મૂકી હતી.
સંધ્યા બધું જ કામ પતાવી ટીવી જોવા વેઠી હતી. એનું મન બીજે હતું અને નજર ટીવીમાં હતી. કરૂણ દ્રશ્ય પણ એ સહસ્મિત ચહેરે જોઈ રહી હતી. અચાનક એના ફોનની રિંગ રણકી અને એની તંદ્રા તૂટી હતી. પોતાને પણ અહેસાસ થયો જ કે એનું ધ્યાન ટીવીમાં બિલકુલ નહોતું. પોતાના તરફ મમ્મી કે પપ્પા બંનેની નજર નહોતી એ જાણીને સંધ્યાને થોડો હાશકારો થયો હતો. એ મોબાઈલ માં વાત કરતી પોતાના રૂમ તરફ જતી રહી હતી.
સંધ્યા એની ખાસ સખી જલ્પા સાથે વાત કરી અને બેડ પર આંખ બંધ કરી આડી પડી, બંધ આંખે પણ એ ચહેરો એની આંખ સામે છવાઈ ગયો. એ ચહેરાનું ખુબ આકર્ષણ સંધ્યાને અનુભવાઈ રહ્યું હતું. સંધ્યા પોતાને જ બોલી ઉઠી શું આને જ પહેલી નજરનો પ્રેમ કહેવાતો હશે? શું આમ જ કોઈક અજાણ્યું દિલમાં પોતાનું કાયમી સ્થાન જન્માવી લેતું હશે? અચાનક એક આકર્ષણ અજાણ્યા તરફ ખેંચી જાય એ શું ખરેખર પ્રેમ કહેવાય? અરે સંધ્યા! ચાલ ઉભી થા મોઢું ધોઈ ને ફ્રેશ થા અને ઊંઘી જા શાંતિથી, સવારે કોલેજ જવાનું છે. પોતાને જ સમજાવવાના વ્યર્થ પ્રયાસ કરતી સંધ્યા મોઢું ધોવા બાથરૂમ તરફ ગઈ હતી.
સંધ્યાએ બાથરૂમના અરીસામાં પોતાના ચહેરાને જોયો, એને તેના ચહેરામાં પણ એજ ચહેરો દેખાયો. પોતાના પર જ હળવું હસતા સંધ્યા મોઢું ધોઈને ઊંઘવા માટે પોતાના રૂમમાં જઈ રહી હતી.
સંધ્યાના જીવનમાં આવેલ એ અજાણી વ્યક્તિ ને શું સંધ્યા રૂબરૂ મળી શકશે?
કેવો હશે સંધ્યાનો એ વ્યક્તિ સાથેનો પ્રથમ મુલાકાતનો અનુભવ?
મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻