હસમુખભાઈ એકદમ ગળગળા સ્વરે બોલ્યા અને આંખમાં આંસુ પણ આવી ગયા હતા. કુંદનબેન એમના માટે પાણી લઈને આવ્યા અને એમને પાણી આપ્યું હતું.
પ્રીતિને તો એટલો આઘાત લાગ્યો કે, પ્રીતિ શું કહે કે બોલે એને કંઈ જ સમજાતું નહોતું. વાત સાંભળીને એ પોતાનું સંતુલન ગુમાવી ચક્કર ખાઈને પડી જ જાત. એને સ્તુતિએ પકડી લીધી હતી. પ્રીતિ સ્તુતિના ખભા પર માથું ટેકવીને પડી હતી. આંખો બંધ હતી અને મન ખૂબ જ દુઃખી હતું. એને ઘડીક તો એમ થઈ ગયું કે, મારુ આખું જીવન મેં જેને સમર્પિત કર્યું એના મનમાં મારુ કોઈ જ સ્થાન જ નહોતું! અજય પર એણે ક્યારેય કોઈ જ વાત પર શક પણ નહોતો કર્યો, એટલો અતૂટ વિશ્વાસ એણે અજય પર કર્યો હતો. અજયે કદાચ સાચું કારણ કહી દીધું હોત ને તો મેં એને ક્યારનો છોડી દીધો હોત! પ્રીતિને પોતાના પર જ ખુબ જ ગુસ્સો આવ્યો. એને થયું હું ક્યારેય માણસો ઓળખી જ ન શકી!
પરેશભાઈએ પ્રીતિને હજુ ઠીક નહોતું લાગતું આથી થોડીવાર એ નોર્મલ થાય એની રાહ જોઈ રહ્યા હતા. પરેશભાઈએ સૌમ્યાને આ બનાવની જાણ કરી હતી. અને હસમુખભાઈએ ભાવિનીને સમાચાર આપી દીધા હતા આથી એ પણ થોડી જ વારમાં આવવાની જ હતી.
પ્રીતિની પરિસ્થિતિ જોઈને સ્તુતિએ સૌમ્યામાસી અને સ્નેહામાસીને બધી જ વાત જણાવીને તુરંત હોસ્પિટલ આવવા કહ્યું હતું. સૌમ્યાને આવતા થોડી વાર લાગી પણ સ્નેહા તરત ત્યાં આવી ગઈ હતી. સ્નેહાને જોઈને પ્રીતિ રડી જ પડી હતી. સ્નેહાએ થોડીવાર એને હળવી થવા દીધી હતી. થોડીવાર પછી સ્નેહાએ કહ્યું, "તું આમ ઢીલી પડે તો સ્તુતિની કેવી હાલત થાય એનો અંદાજો છે તને?" સ્નેહાની વાત તરત પ્રીતિને ચમકારો આપી ગઈ એને તરત યાદ આવ્યું કે, સ્તુતિ સિવાય કંઈ જ મહત્વનું નથી. પ્રીતિ પોતાને સાચવવાનો પ્રયાસ કરી રહી હતી પણ આજ આંખ કાબૂમાં આવે એમ નહોતી.
સ્તુતિ ત્યાં હોસ્પિટલના બેઠકખંડમાં ગણેશજીની મૂર્તિ હતી ત્યાં ગઈ અને ભગવાન પર રીતસર ગુસ્સે થઈ અને એ પ્રત્યક્ષ જ હોય એમ મનમાં જ કહેવા લાગી, 'મારા જન્મની સાથે જ મારુ આખું કુટુંબ છૂટ્યું હું ચૂપ રહી. મને પપ્પાનું ફક્ત નામ જ મળ્યું સાથ બિલકુલ નહીં હું ચૂપ રહી. મમ્મી ઘણી વાર એકલી હોવાથી ઝઝૂમીને થાકી જતી હું ચૂપ રહી. જીવનમાં દરેકને મળતા પરિવાર સુખથી હું વંચિત રહી તો પણ હું ચૂપ રહી. આટલા વર્ષો સુધી મારા મુખે પપ્પા શબ્દ ન આવ્યો એ સબંધ માટે હું તડપી ત્યારે પણ હું ચૂપ રહી પણ હવે જયારે પપ્પાને તમે ફરી મારા જીવનમાં મોકલ્યા ત્યારે આમ મારા મમ્મીને તક્લીફ આપી હવે હું ચૂપ નહીં રહું. આ તમે જ પપ્પાને બધું સૂજાડ્યું છે તો તમે જ એને સરખું કરો! મારા મમ્મીને આ તકલીફથી કાં તો મુક્ત કરો અથવા તો સંપૂર્ણ પ્રેમથી ભરી દયો. આટલા વર્ષોમાં ક્યારેય કંઈ જ નથી માંગ્યું પણ આજ કહું છું મારા મમ્મીની મને ખુશી આપી દયો! મારા પપ્પાને બધું ઠીક કરી દયો. આજ જો તમે બધું સાચવ્યું નથી તો યાદ રાખજો તમારે ચરણે કોઈ બાળક આવશે નહીં. બસ કરો હવે મારા મમ્મીપપ્પાની પરીક્ષા. બસ કરો.'
સ્તુતિ આજે ખુબ અકળાઈ ગઈ હતી. રડવા જ લાગી હતી. પરેશભાઈ સ્તુતિની પાસે આવ્યા અને એને કહ્યું કે, તું ચિંતા ન કર. તારા પપ્પાનું ઓપરેશન સારી રીતે પૂર્ણ થયું છે. એમની પરની તકલીફ ટળી ગઈ છે. બે દિવસ પસાર થઈ જાય એટલે ચિંતાનો સમય નીકળી જાય!
નાનાની વાત સાંભળીને સ્તુતિને હાશકારો થયો હતો. ભગવાનના દર્શન કરી એ મમ્મી પાસે પહોંચી હતી. એટલી જ વારમાં સૌમ્યા અને ભાવિની તથા એનો પરિવાર આવી ગયા હતા. ભાવિની તો સ્તુતિને જોઈને જોતી જ રહી હતી. સ્તુતિએ આજે પહેલીવાર એમના ભાઈ પ્રિયાંક અને આયુષને રૂબરૂમાં જોયા હતા. આજે મોટી બેન એ બની હોય એવી લાગણી અનુભવી રહી હતી. સુજલફુવા પણ એકદમ ચૂપ રહી બધું જોઈ રહ્યા હતા. સૌમ્યાએ ભાવિનીને અને સુજલકુમારને આવકાર આપ્યો હતો. આ ઘટનાના લીધે આખો પરિવાર ભેગો થઈ ગયો હતો. હવે ICU રૂમમાં અજયને ખસેડ્યો હતો. બધાં જ અજયને એક પછી એક જોઈ આવ્યા હતા. પ્રીતિને ત્યાં જવાનું મન બિલકુલ નહોતું જ પણ સ્તુતિ એની સાથે એને લઈ ગઈ હતી. અજયને જોયા બાદ બધા ઘરે ગયા અને હસમુખભાઈ તથા પરેશભાઈ હોસ્પિટલે જ રહ્યા હતા.
પરેશભાઈએ જેવા એકલા પડ્યા કે, હસમુખભાઈને બરાબર કડવા વેણ કહેવાનું શરૂ કર્યું હતું. તેઓ બોલ્યા, "તમારો દીકરો કંઈ એટલો નાનો નહોતો કે, એને એ શું કરે છે એનું એને ભાન ન હોય! મારી દીકરી સાથે બહુ જ મોટો વિશ્વાસઘાત કર્યો છે. હું એની આ ભૂલને ક્યારેય માફ નહીં કરી શકું. એક પિતાના મનને દીકરી પિયર હોય તો કેટલી તકલીફ થાય એ હું જાણું છું. મેં પ્રીતિની આંખમાં ખુબ દર્દ જોયું છે. હા, આજે તમે તમારા પરિવારની ભૂલ સ્વીકારી લો એ સારું છે પણ યોગ્ય સમયે એ કર્યું હોય તો એ ઉપયોગી બને. તમે તો વડીલ હતા ને તમે કેમ ચૂપ રહ્યા? અજયે જે કર્યું એનાથી પણ ભંયકર તમે પાપ કર્યું છે. સીમાબહેન તો ગુજરી ગયા પણ તેમ છતાંય ખુબ ખરાબ કર્મ કર્યા, વહુને પણ હેરાન કરી અને દીકરાને પણ જીવનમાં ક્યાંય એ સ્ટેન્ડ લઈ શકે એવી સ્વતંત્રતા જ ન આપી. હા, હું સ્તુતિ અને પ્રીતિની ખુશી માટે એ જે ઈચ્છે એમાં સાથ અવશ્ય આપીશ પણ મારા મનમાં તમારું સ્થાન બિલકુલ નથી રહ્યું. હું સંબંધ સાચવી લઈશ આજની જેમ પણ માફ તો ક્યારેય નહીં જ કરી શકું!"
"તમારો ગુસ્સો સાચો જ છે. હું ખરેખર ખુબ જ દુઃખી છું કે, મારી નજર સામે બધું થયું અને હું કઈ જ ન બોલ્યો પણ એક વાત જરૂર કહીશ કે, પ્રીતિના જેટલા આંસુ સર્યા હશે ને એનાથી વિશેષ તકલીફ મારા પરિવારે ભોગવી લીધી છે. કર્મનુંફળ મળ્યું જ છે. કુદરતે આજે પણ જુઓને અજયને સજા જ આપી છે ને! હું બસ હાથ જોડી માફી માંગી શકું!"
સૌમ્યા અને સ્નેહા બંને ઘરેથી ફ્રેશ થઈને આવી ગયા હતા. એમણે પરેશભાઈ અને હસમુખભાઈને આરામ કરવા ઘરે જવા કહ્યું હતું.
ઘરે ભાવિની અને પ્રીતિ બંને એકલા થયા હતા. પ્રીતિ તો હસમુખભાઈની વાતથી એટલી બધી નિરાશ હતી કે, એને સાસરીના કોઈ જ વ્યક્તિને બોલાવવાનું તો ઠીક પણ જોવાનું મન પણ થતું નહોતું. ભાવિનીએ વાતની શરૂઆત કરતા કહ્યું, "ભાભી માફી માંગી શકું એટલા જ મારી પાસે શબ્દો છે."
"બસ કરજો ભાવિનીબેન.. ભાભી સંબંધનું માન નથી જાળવ્યું તમે. હવે એ સંબોધન આપણા સંબંધને શોભતું નથી. મારું તો ઠીક હું તો બહારની હતી, પણ સ્તુતિ તો તમારા ભાઈનું જ લોહી હતું ને! એના હક માટે પણ તમે સાચી વાતને સાથ ન આપ્યો! સ્ત્રી થઈને પણ તમને એક સ્ત્રીની લાગણી ન સમજાણી? ખુબ કાળજું બાળ્યું છે મારું આખા ગજજર પરિવારે! આજે પ્રીતિ ફરી રોષે ભરાઈ હતી. તમારા ભાઈની હરકતો અને તમારી મમ્મીના અહમે મારી દીકરીનું જીવન તો છિન્નભિન્ન કર્યું પણ સાથોસાથ આખા ઘરની ખુશીને પણ એ ભરખી ગયા! એક મા જ મા ની તકલીફ ન સમજી શકી! હું જીવનમાં ક્યારેય કોઈને માફ નહીં જ કરી શકું! રીતસરનું ષડ્યંત્ર જ થયું મારી લાગણી, પ્રેમ, માતૃત્વ અને વિશ્વાસ સાથે.. એક તરફ મારી દીકરીનું જીવન અને બીજી તરફ ફક્ત એક શબ્દ માફી.. તમે જ વિચારોને કે તમારી સાથે આવું થાય તો તમે શું કરો?"
ભાવિની પાસે કોઈ જ શબ્દ નહોતા બસ આંખના આંસુ સરી રહ્યા હતા.
પરેશભાઈ અને હસમુખભાઈ ઘરે આવી ગયા હતા. કુંદનબેને એમની આગતાસ્વાગતા જેમ કરતા હતા એમ જ કરી હતી. પણ પ્રીતિ સાથે જે થયું એનું અપાર દર્દ એમને તકલીફ આપી રહ્યું હતું.
પ્રીતિ અજયને મળશે ત્યારની કેવી હશે બંનેના મનની સ્થિતિ?
શું પ્રીતિ બધું જ ભૂલીને સ્તુતિ માટે અજય સાથે રહેશે?
કેવા આવશે બધાના જીવનમાં બદલાવ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻