નરસિંહ મહેતા, સવાર હોય કે સાંજ જો તેમના ભજનથી ચાલુ કરવાની ટેવ હોય તો જીવનમાં કદી મુશ્કેલી કે દુઃખના દર્શન ન થાય. ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે’?
કે પછી ‘રાત વહી જાય રે પાછલી ખટઘડી સાધુ પુરુષ ત્યારે સૂઈ ન રહેવું’.
‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે’.
કઈ શાળામાં તે ભણવા ગયા હતા? કેવા સુંદર ભાવ, ને કેટલાક સરળ અને સહજ શબ્દ. આ બધું શું પોથીમાના રીંગણા જેવું છે. કે પછી ભેંસ આગળ ભાગવત. આપણે પામર માનવી તેમાંથી એક પણ શબ્દ પચાવવા માટે પણ શક્તિમાન નથી. માત્ર હું અને અહંની લીટી પર દોડીને થાકી જઈએ ક્યાંય પણ ન પહોંચી શકીએ એવી આંધળી દોટ મૂકી રહ્યા છીએ.
ભલે ને વર્ષોનો સાથ હોય. જીવનની ખાડાટેકરાવાળી મંઝિલ પસાર કરતા પડતા આખડતાં એકબીજાને સહારો લીધો હોય. છંતાય અહં ક્યાં ક્યારે ભટકાઈને હાથ છોડાવી દેવા શક્તિમાન બને છે તેનો ખ્યાલ રહેતો નથી. માનવને તેથી જ તો પશુ કરતાં ઉચ્ચ શ્રેણીમાં મૂક્યો છે કે તેનામાં વિચારવાની શક્તિ છે. તે હંસની જેમ’ નીર ક્ષીર’ અલગ ન કરી શકે પણ સાચું ખોટું યા સારું નરસું જરૂરથી વિચારી શકે.
કયા આંબાના ઝાડને કેરી લાગી હોય ત્યારે તમે ટટ્ટાર જોયું છે? ફળોથી લચેલા આંબો હંમેશા ઝુકેલો જણાશે. વ્યક્તિમાં જ્ઞાન હોય, કળા હોય તો તે વિનમ્ર હશે નહીં કે અભિમાની! ઉદાર દિલ, વિચારોમાં વિશાળતા, દરેક પ્રત્યે માન તથા લાગણી સભર વ્યવહાર. તેને સત્ય અને અસત્ય વચ્ચેનું અંતર સ્પષ્ટ જણાતું હશે. જીવનમાં પડતી મુસીબતોનો સામનો વિવેક બુદ્ધિ વાપરીને કરશે.
ચાલો , સાથે મળીને એક પ્રયોગ કરીએ. જે આપણને સુંદર જીવન જીવવાની સહાયતા કરશે. એક નાનો ગાજરનો ટુકડો, એક ઈંડુ અને થોડી કોફી. દરેકને અલગ અલગ વાસણમાં રાખી પાંચ મિનિટ ગેસ પર ઉકાળો. હવે જુઓ ગાજર પાણીમાં ઉકાળીને પોચી થઈ ગઈ. ઈંડુ જે ખૂબ નાજુક હતું તે સખત થઈ ગયું. કોફી પાણીમા ઉકાળી તો પાણી કોફીની સુગંધથી તરબોળ થઈ ગયું
ગાજર , ઈંડુ અને કોફી ત્રણેયે એક સરખી પરિસ્થિતિનો સામનો કર્યો હતો. ત્રણેય અગ્નિની ઝાળ પાંચ મિનિટ ખમી હતી. પાણીમાં ઉકળ્યા હતા. હવે તમે કહો કે જીવનમા આવતી મુસિબતોમાં આપણે શું કરવું? નથી લાગતું કે કોફીની જેમ સુગંધિત થઈ ને ખુશ્બુ પ્રસરાવી. ગાજર જેવા નરમ ઘેંશ ન થવું કે ઈંડા જેવા કઠોર.
હે,ઈશ્વર માનવને સહાય કર. માન , સ્વમાન, અહંકાર, ગુમાન, ઘમંડ, ઈર્ષ્યા, ક્યારે પતનની ખાડીમા હડસેલે છે તેનો ખ્યાલ પણ નથી રહેતો. જ્યારે જાગે છે આંખો ખૂલે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.
‘ અણી ચૂક્યો સો વર્ષ જીવે.’ આપણને બધાને અનુભવ છે. આપણે ત્યાં ભારતમાં વર્ષોથી જુના છાપા, જૂની ચોપડી, કપડા, પિત્તળનો ભંગાર કાચની બાટલી બધાના પૈસા મળે છે. આધુનિક જમાનામાં અને ખાસ કરીને અમેરિકામા તેને “રીસાઈકલ” કહે છે. કિંતુ હાથમાંથી નીકળી ગયેલ સમયનું “રીસાયકલ” અસંભવ છે.
સ્વાભિમાન અને અભિમાન વચ્ચે સૂક્ષ્મ રેખા છે. સમયને મુઠ્ઠીમાં બંધ કરી શકાતો નથી. ક્યારે હાથમાંથી સરી જશે તેનો અંદાજ નથી. જાગ્યા ત્યાંથી સવાર આ પળ હાથમાંથી સરી ન જાય.
સ્વામી વિવેકાનંદ કહે છે તેને કર્ણપટ પર ધર. ” ઉત્તિષ્ઠઃ જાગ્રતઃ “