AME BANKWALA in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | અમે બેંક વાળા - 36. લે, મને શૂટ કર

Featured Books
Categories
Share

અમે બેંક વાળા - 36. લે, મને શૂટ કર

એ દિવસોની વાત જ અલગ હતી. કંઈક ભયનો માહોલ બેંક ઓફ બરોડા ના અધિકારીઓમાં છવાઈ ગયો હતો. એમ કહેવાતું કે નાની વાતમાં મોટી સજા કે કીડીને કોશનો ડામ એ સામાન્ય થવા પર હતું પણ એટલું બધું ન હતું.
નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ખૂબ કડક હતા પણ એ કરતા એ એમના કેટલાક નિર્ણયો એ વખત મુજબ મનસ્વી લાગતા. ખાસ તો સ્ટાફ વિરોધી હતા.
સ્ટાફનો એમની કાર્યશૈલી સામે પ્રચંડ વિરોધ ઉઠ્યો. અહીં, ત્યાં, બધે દેખાવ થવા લાગ્યા. એક સાથે અમુક જગ્યાએ ડેમોસ્ટ્રેશન વગેરે શરૂ થઈ ગયાં. પણ સાહેબની કડકાઈ એવી અને સૂચના પણ એવી કે દેખાવોને શરૂ થતાં જ ડામી દો. કોઈ યુનિયન જાહેરમાં દેખાવ કરે તો સીધી તેના લોકલ નેતા પર પણ તવાઈ આવે. એની બદલી થઈ જાય ખૂબ દૂર બીજા ઝોનમાં એટલે વાત ઠંડી પડી જાય.
હવે એ વખતે હું હતો ક્યાંય નહીં ને બેંક ઓફ બરોડાની હેડ ઓફિસમાં. ત્યાં સામસામા બે બિલ્ડિંગ. એક હેડ ઓફિસનું અને બીજું વડોદરા ઝોનલ ઓફિસનું. જ્યાંથી લોકોની ટ્રાન્સફરો આ ઉપરના હુકમોથી થતી તે જ લોકો પોતે પણ ત્રાસ્યા તો હતા અને પ્રગટ વિરોધ ન થઈ શકે તો ગભરાઈને ક્યાંક ને ક્યાંક કરી લેતા.
ક્લાર્ક તેમજ અધિકારીઓના યુનિયને નક્કી કર્યું કે અમુક દિવસે એ બે ઓફિસો વચ્ચેના પ્રાંગણમાં દેખાવો કરવા. તેમાં આ બે ઓફિસના અધિકારીઓ જ હાજર રહી દેખાવો કરે.
તરત સૂચનાઓ આપવામાં આવી કે જે ઓફિસર દેખાવ કરતો માલુમ પડશે, બેંકના સર્વોચ્ચ પદાધિકારી વિશે સૂત્રોચ્ચાર કરતો દેખાશે તેની સામે ખૂબ કડક પગલાં લેવાશે. શિસ્તના ભંગ બદલ તે સસ્પેન્ડ પણ થઈ શકશે, ટ્રાન્સફર પણ થશે વગેરે ધમકીઓ માઉથ ટુ માઉથ અપાઈ ગઈ.
પણ પૂરને આડે પાળ ક્યાં સુધી બાંધી શકો? આખરે એક દિવસે એ બે ઓફિસે વચ્ચે દેખાવો કરવા ત્યાં કામ કરતા અધિકારીઓ એકઠા થયા. તે વખતે ત્યાંના ઓફિસરોના નેતા, શરીરમાં ઊંચા પડછંદ અને પર્સનાલિટી વાળા શ્રી. લાખાવાલાએ સૂત્રોચાર શરૂ કરાવ્યો. ઓફિસરો હાથ ઊંચા કરી જોડાયા.
હજી તો બે ચાર બૂમો પડી ક્યાં ભોંયમાંથી ફૂટી નીકળ્યા હોય તેમ પાંચ સાત ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફરોનો આ સમૂહ ફૂટી નીકળીને આસપાસ ગોઠવાઈ ગયા. કદાચ પ્રાઇવેટ સિક્યુરિટી ના અધિકારીઓ કે ગાર્ડ આઘા પાછા હતા. તેમને બેંકના જ સિક્યુરિટી અધિકારીઓએ સૂચના આપી દીધેલી કે અહીં કોઈ મારામારી, પથ્થરબાજી, કાચ ફોડવા એવું કાંઈ થવાનું નથી. નથી કોઈ ગુનો બનવાનો એટલે તમારે ...
ટૂંકમાં હાજર ન રહેવું . પણ સૂત્રોચાર ચાલ્યા અને વિડીયોગ્રાફરો ત્રણ અમારા સમૂહની આગળ સામે, ત્રણ પાછળ, બે ત્રણ સાઈડમાં પિલ્લરો પર ઊંચા થઈ ઊભી ગયા. વિડીયો લેવા લાગ્યા. લાઈટો ઝબૂકી ઊઠી.
એક આ બધા અધિકારીઓના જાણીતા ફોટોગ્રાફરે કહ્યું પણ ખરું કે અમને આ દેખાવકારોના ફોટા અને વિડિયો સેન્ટ્રલ ઓફિસ મોકલી આપવાની સૂચના છે.
થયું. જેવી લાઈટ ઝબકી કે ઓફિસરો નીચું કરી આડો રૂમાલ રાખી હળવે હળવે ખસી જવા લાગ્યા. ક્યાંક હેડ ઓફિસ કે ઝોનલ ઓફિસ ના પોસ્ટિંગ માંથી ખૂણે ખાંચરે ફેકાઈ જાય તો?

અમારી આઇટી ટીમના અધિકારી આતિશ ચેટરજી આમ મોં સંતાડતા લોકોને ધક્કો મારતા આગળ આવ્યા અને યુનિયન લીડરને કહે "તમે તમારે બોલાવો. હું ઝીલીશ અને હું પણ સૂત્રોચ્ચાર કરીશ. સૂત્રોચ્ચાર કરવો એ કોઈ ગુનો નથી. આપણે વિરોધ વ્યક્ત કરીએ છીએ અને આપણો વિરોધ લોકશાહી રીતે વ્યાજબી છે."
એમણે પાછળ ફરી કહ્યું "કોઈ ડરશો નહીં. ચાલુ રાખો."
ફરીથી બંધ થવા આવેલા સૂત્રોચ્ચાર શરૂ થયા. ચેટરજી સૌથી આગળ આવ્યા. વિડીયોગ્રાફરે તેમની સામે ફોકસ કરી લાઇટ ફેંકી કેમેરા નું શટર ગોળ ફેરવી વિડિયો લેવા માંડ્યો.
ચેટરજી હવે તો કુદી કુદીને બોલવા લાગ્યા.
આમ તો તેઓ ખૂબ જ જોલી સ્વભાવના અને સારા પ્રોગ્રામર હતા. કામમાં પણ જ્યાં મેનેજર હતા ત્યાં નો નોનસેન્સ માણસ કહેવાતા. આજે તો એટલે જ તેમને આ સ્વરૂપમાં જોઈ, આ રીતે જોઈ સૌને નવાઈ લાગી. હું તેના કરતાં હાઈટમાં ઊંચો. તેમની પાછળ ઉભેલો. જતો રહું કે નહીં એમ વિચારમાં હતો ત્યાં એમને જ કહ્યું "અંજારિયા, ડર નહીં. ચાલ ,બોલ - ' હિટલર ઈડી ગો ગો..' "
મેં કદાચ મને જ સંભળાય તેવા અવાજે સૂત્ર ઝીલ્યું. મારી આસપાસના દસેક ઓફિસરોએ સૂત્ર ઝીલ્યું. બાજુમાં રહેલા ફોટોગ્રાફરોએ ફટાફટ ચાંપ દાબી અમારા ફોટા લીધા. કદાચ જલિયાણવાલા બાગમાં જનરલ ડાયરના માણસો સભા પર બંદૂકો તાકી ધસી ગયા હશે તેમ. અહીં બંદૂકને બદલે કેમેરા થી અમને શૂટ કરતા ફોટોગ્રાફરો આગળ વધ્યા. વિડીયો લેવા લાગ્યા.
ચેટરજીએ હિંમત કરી ફોટોગ્રાફરની બિલકુલ નજીક જઈ કહે "જરા સરખો ફોટો આવે એવું કરજો ભાઈ. મારે મેમરીમાં રાખવો છે. કલકત્તા પાછો જાઉં તો કુટુંબને બતાવવા, છોકરાંઓને બતાવવા કે તમારો બાપ વિરોધ ખળી પણ શકે છે અને વિરોધ કરી પણ શકે છે. ફોટોગ્રાફર તેમની સાવ સામે આવ્યો અને વિડીયો ધર્યો. તેણે વ્યુ ફાઈન્ડર ચેટરજી સામે એડજસ્ટ કર્યું . ચેટરજીએ એ જોયું. તેમણે ધરાર નજીક જઈ, બે ચાર અમારી જેવા ઓફિસરો ને બાવડેથી પકડી નજીક લઈ જઈ એ સૂત્રો બોલવાનું ચાલુ રાખ્યું. તેમને ડરતા ન જોઈ અન્ય ઓફિસરોએ પણ હવે જોશમાં આવી હાથ ઊંચા નીચા કર્યે રાખ્યા .
આ કાર્યક્રમ 20 - 25 મિનિટનો હતો. શ્રી.લાખાવાલાએ હાથ ઊંચો કર્યો અને સૂત્રોચ્ચાર સમાપ્ત કરાયો. તેમણે કહ્યું કે "આજ ના દેખાવો સાથે આપણી રજૂઆતનું મેમોરેન્ડમ મોકલીએ છીએ. આપણને શું વાંધો છે, શું અન્યાય થઈ રહ્યા છે તે વિશે આપણે ઉપર જણાવીએ છીએ. દેખાવ સફળ રહ્યો. હવે આપણે પોતપોતાના કામે જઈ જેટલા ઉત્સાહથી દેખાવ કર્યા એટલા ઉત્સાહથી કામ પણ કરીને બતાવીએ કે બેન્ક ઓફ બરોડાના અધિકારીઓ શિરપાવને લાયક છે કે શિક્ષાને. "

ટોળું વિખેરાયું. બધા ચેટરજી પાસે ગયા. કોઈ સિનિયર કહે "અલ્યા, તું તો હદ કરે છે. આમ સામી છાતીએ શૂટ કરાવાય? ચેટરજી કહે "મને ખબર છે. આ વિડીયો કે ફોટા કોઈ લેતું ન હતું અને કદાચ કલીક થયા હોય તો પહેલાં આપણા ભાઈઓ પાસે જ પહોંચશે. એ ઉપર ક્યાંથી પહોંચવાના? ઉપર પહોંચે તો પણ એવું એક્શન બેંકના ચુનંદા દોઢસો બસો અધિકારીઓ સામે કેવી રીતે લે?
અને બીજું. હું પોતે પણ સારો ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર છું . સગાં વ્હાલાં ના લગ્નમાં મારા પર્સનલ કેમેરાથી વિડીયો લઉં છું. મને ખબર હતી કે એ માત્ર લાઈટ ફેકે છે, ફોકસ આમથી આમ કરે છે પણ શૂટ કરતો નથી. શૂટ કરવું હોય એનો એંગલ અલગ રીતે હોય કેમેરામાં પહેલા વ્યુ ફાઈન્ડર માં જોઈ પછી યોગ્ય રીતે ફોકસ કરી લાઈટ એડજસ્ટ કરી વિડીયો શૂટ કરવાનું હોય. આ તો ખાલી લાઈટ ફેકતા હતા. ખાલી રોલ વગર ક્લિક કરતા હતા અને આપણને ડરાવતા હતા. પણ આવી વસ્તુઓથી ડરે એ બીજા."
અમે પાછા ગયા અને ચેટરજીએ અમારા, એના જુનિયર પ્રોગ્રામરો માટે ચા મંગાવી. તરત શરૂ. "એ અંજારિયા, આ એસક્યુએલ ક્વેરી આગળ છગડીયો કૌંસ, અંદર નાનો કૌંસ મુક અને પછી એક્ઝિક્યુટ કર. રીઝલ્ટ કેટલી સેકન્ડમાં આવે છે એ નોટ કરીએ." બસ ગુરુ હો ગયા શરૂ. 'સિલેક્ટ ફ્રોમ.. વ્હેર એઝ..' વગેરે ની સિન્ટેક્ષ લખાતી ગઈ. પ્રોગ્રામ રચાતા ગયા અને વહેલી પડે સાંજ.
કોઈનું કશું જ બગડ્યું ન હતું . કદાચ કોઈની ટ્રાન્સફર પણ થઈ ન હતી.
(આતિશ ચેટરજી મને અમુક પ્રોગ્રામ ટેકનીક શીખવતા. મારા સારા મિત્ર હતા. તેઓ અત્યારે સ્વર્ગીય થઈ ગયા છે.)
***