Prem Samaadhi - 6 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ 6

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ 6

પ્રેમ સમાધિ
પ્રકરણ-6

વિજય ટંડેલ બોલી રહેલો.. શંકરનાથ સાંભળી રહેલાં. વિજય ટંડેલ આભાર માનવા સાથે એમને સાવધ પણ કરી રહેલો એણે જણાવ્યું કે “તમારાં સ્ટાફનાંજ માણસોથી તમારે સાવચેત રહેવાનું છે જે મારાં માણસો સાથે સંકળાયેલા છે. મારી પાસે બધીજ માહિતી આવે છે રાજુ ટંડેલને મેં એ બધાં પાછળ લાગડેલો છે.”
“શંકરનાથજી એક ખાસ વાત એ છે કે... તમારો કહેવાતો મિત્ર મધુ ટંડેલ છે મારીજ જ્ઞાતિનો... પણ એનો હમણાંજ ફોન યુનુસ પર આવેલો એણે કોઇ વાત કરી છે તમારાં અંગે શું વાત થઇ એ હજી ખબર નથી પડી યુનુસનો ખાસ મિત્ર જે ઇમ્તિયાઝ જે મારાં કામ કરે છે એ એની સાથેજ હતો એણેજ રાજુને ખબર આપી છે કે મધુ ટંડેલ સાથે યુનુસને કોઇ ગંભીર વાત થઇ છે... શું થયું એ યુનુસે હજી મોં ખોલ્યું નથી પણ એનો ચહેરો કોઇક ગંભીર વાતનો અણસાર આપતો હતો.”
“તમે ચિંતા ના કરશો હું એ પણ જાણી લઇશ પણ તમે સાવધ રહેજો.” શંકરનાથે સાંભળીને વિચલિત થયા વિના કહ્યું “વિજય તેં આટલું કીધુ મારાં માટે ઘણું છે હું ચોક્કસ સાવધ રહીશ.. પણ મેં મારી ઓફીસમાં મારી સલામતિ માટે જે કરવું પડે એ પગલાં લીધાં છે સરકારી કામકાજ પ્રમાણે લોકો બગાડી નહીં શકે એમનાં હાથ ખરડાયેલા છે એ બધાં પુરાવા મારી પાસે છે.. સિવાય કે એ લોકો મને વ્યક્તિગત રીતે શારીરિક ઇજા...” પછી આગળનાં શબ્દો શંકરનાથ ગળી ગયાં...
વિજય ટંડેલે કહ્યું "શંકરજી હું સમજુ છું....રહી વાત તમારાં મનની શંકા માટે તો હું એનો બંદોબસ્ત કરી દઇશ તમારો વાળ વાંકો નહીં થાય નિશ્ચિંત રહેજો... જેની હું હમણાંજ વ્યવસ્થા અને બંદોબસ્ત કરી દઇશ... બસ તમે ક્યાંય જુનાગઢની બહાર નીકળવાનાં હોવ તો મને અગાઉથી કહેજો.”
શંકરનાથે કહ્યું "વિજય મારાં રિટાયર્ડમેન્ટ માટે માત્ર 3 વર્ષ બાકી છે. છોકરાઓ નાનાં અને ભણતાં છે મારે મારાં અને ખાસ એમનાં ભવિષ્યની ચિંતા કરવાની છે એનાં અંગે હું ખૂબ અગત્યનો નિર્ણય લેવાનો છું કારણ કે હવે હું આગળ જે કરવાનો છું એમા બધાં મારાં દુશ્મનો બની જશે મને ખબર છે. પણ હું પારોઠનાં પગલાં ભરીશ એમાં તારી જરૂર પડશે તો કહીશ.”
વિજય ટંડેલે હસતાં કહ્યું “વાહ ભૂદેવ તમે તો બધુ વિચારીને બેઠાં છો... પણ જ્યાં જરૂર પડે કહેજો હું સાથમાંજ રહીશ. તમારો દીકરો ભણવામાં ખૂબ હુંશિયાર છે બહાદુર છે તમારી દીકરી નાની છે બધુ જાણું છું. હું પણ કુટુંબ કબીલાવાળો માણસ છું મારે પણ દીકરી મોટી છે દીકરો નાનો છે હું ઘરમાં ધ્યાન નથી આપી શકતો... મારો ધંધો કે કામકાજનો બહું વિસ્તાર થઇ ગયો છે હું મોટાં ભાગે ઘરની બહારજ હોઊં છું ફેમીલી રાજકોટ અને પોરબંદરનાં બંગલામાં રહે છે મોટાં ભાગે રાજકોટ રહે છે કારણ કે ત્યાં સ્કૂલમાં છોકરાઓ ભણે છે... મને અહીં સરકારી અડચણો વધારે છે હું પણ અહીં કામકાજ ચાલુ રાખી મારું હેડક્વાર્ટર બદલવા વિચારું છું.”
"દમણમાં મારાં જ્ઞાતિનાં અને મિત્રો ખૂબ છે મોટાં ભાગે ટંડેલ… મારી જ્ઞાતિનાં છે જે લોકો હમણાં દમણમાં મારું કામ સંભાળે છે. હું મારું દમણમાં ઘર તૈયાર થાય એની રાહ જોઊં છું ત્યાં દરિયાકિનારેજ મોટી જગ્યા લીધી છે ત્યાં બાંધકામનું કામ જ ચાલે છે જે પુરુ થવાની તૈયારીમાં છે તમે સાવ ઘરનાં જેવાં છો એટલે જણાવ્યું છે હજી અહીં કોઇને એની ભનક નથી આવી માત્ર રાજુ નાયકોજ જાણે છે.”
શંકરનાથે કહ્યું “વાહ તમે તો અગોતરી તૈયારી બધી કરી લીધી છે તમારાં માટે દમણ તો સ્વર્ગ સમાન છે ત્યાં તો તમારી જ્ઞાતિનાં ઘણાં માણસો હશેજ ત્યાં ઉત્તરભારત અને ખાસ બિહારી અને યુપીનાં પણ માણસો ઘણાં છે એવું હું જાણું છું સારો નિર્ણય લીધો છે.”
વિજય ટંડેલે કહ્યું “અહીં પણ મારાં માટે સ્વર્ગજ છે પણ અહીં સરાકરી હસ્તક્ષેપ વધવા લાગ્યો છે અહી પેટભરી પૈસા ખવરાવ્યા પછી પણ હેરાનગતિ છે. દમણમાં અહીંનો ધંધો સાથે સાથે કોઇ કાયદેસરનો ધંધો નાંખવા માંગુ છું. આ ભવિષ્યનું અને મારાં દીકરાનું વિચારીને જ કરવા માંગુ છું.”
શંકરનાથે કહ્યું “વાહ સારું અયોજન છે.... તમે તો બધી રીતે પહોંચતા છો તમે કરીજ શકશો અને સફળ પણ થશો મારી શુભકામના તમારી સાથે છે.”
વિજય ટંડેલે કહ્યું “તમે બોલ્યાં ને શંકરજી કે તમે તમારાં ભવિષ્ય અને દીકરાં માટે કોઇ નિર્ણય લેવા માંગો છો એમાં મેં તમને મારું આયોજન કહ્યું આવી વાતો હું બધાં સાથે નથી કરતો. પણ ખબર નહી તમને કહેવાઇ ગયું. બસ એટલું કહીશ જ્યાં મારી જરૂર પડે કહેજો તમને સાથ આપીશ.”
શંકરનાથે કહ્યું “જરૂર પડે ચોક્કસ કહીશ.. મેં મારી રીતે પ્રયત્ન ચાલુ કર્યો છે. હાં એકવાત યાદ આવી તમારો માણસ નારણ ટંડેલ એ નવસારીનો છે એને મેં એક કામ સોંપ્યુ છે જોઇએ એ શું ખબર લાવે છે”. વિજય ટંડેલે આશ્ચર્ય પામતાં પૂછ્યું @નારણને ? જોકે માણસ સારો છે ભલે બે નંબરનાં ધંધામાં છે પણ ધર્મભીરુ અને કામમાં પ્રામાણિક છે. તમે મને કહ્યું હોત તો હું પણ....”
શંકરનાથે અટકાવતા કહ્યું "વિજય તું રહ્યો મોટો માણસ આખો વખત દેશ-પરદેશ ફરતો હોય હજારો કામ હોય નારણ નિયમિત મળતો, તમારાં કામ માટે મારી પાસે આવતો એની સાથેની ઘનિષ્ટતાએ મેં એને કામ સોંપેલું... એ પણ ખબર હતી કે તમારો ખાસ માણસ છે એટલે નિશ્ચિંત હતો. એને કામ સોંપવા પાછળ તારાં સંબંધની નિશ્ચિંતતા હતી.” એમ કહીને હસ્યાં.
વિજય ટંડેલ કહ્યું “ભૂદેવ તમારી વાત સાચી છે નારણ સારો માણસ છે તમે આગળ વધો જરૂર પડે હું સાથમાંજ રહીશ પણ શું નિર્ણય લીધો છે એ પણ કહેજો તમને યોગ્ય લાગે ત્યારે....”
વિજય ટંડેલને એનાં બીજા ફોન પર રીંગ આવતી હતી શંકરનાથને ચાલૂ ફોને સંભળાઇ એમણે કહ્યું “તમારાં ફોન આવે છે હું તો...” વિજય ટંડેલે બીજો ફોન કાપી નાંખતાં કહ્યું “શંકરજી તમારી સાથેની વાત અગત્યની છે આ તો મુંબઇવાળા ફોન કર્યા કરે... તમે તમારી વાત કહો..”
શંકરનાથે આનંદીત થતાં કહ્યુ "વિજય આટલી આત્મીયતા પોતાનાં પણ નથી બતાવતાં. આપણે મળતાં ના હોઇએ ફોન પરજ વાત થતી હોવા છતાં આ સંબંધ ઘણો અનોખો અને આત્મીય છે... હું પણ નિર્ણય પર આવ્યો છું કે અહીંની ઓફીસમાં બધુ થાળે પાડી દઊં. મધુ અને બીજાઓને એમની જગ્યા બતાવું અને.....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-7