રોહિણીબેન તેમના બે દીકરા અને પતિ સાથે સુખી જીવન જીવતાં હતાં. દીકરાઓ ભણી-ગણીને મોટા થયા, નોકરી-ધંધે લાગ્યા. તેમને પરણાવવાનો વખત આવ્યો. રોહિણીબેને જાતે સારી સંસ્કારી કન્યાઓ પસંદ કરી અને બંને દીકરાઓને પરણાવ્યા. બે વહુઓ ઘરમાં આવી, એક મોટી અને એક નાની. આમ તો ઘરમાં આનંદ હતો, પણ ધીમે ધીમે ઘરમાં વાસણો તો ખખડે, તેમાં રોહિણીબેનને નાની વહુ જોડે બહુ ટકરામણ થઈ જતી. એટલે તેમને અભિપ્રાય બેસી જ ગયો કે, “નાની તો બહુ જબરી છે, બહુ ઉપાધિ કરાવે છે. મોટી વહુ ડાહી, સમજુ ને સંસ્કારી છે, બહુ એડજસ્ટેબલ છે.” પછી તો કોઈ પણ મહેમાન ઘરે આવે ત્યારે રોહિણીબેનની આ રેકર્ડ વાગવાની શરૂ જ થઈ જાય કે, “અમારી મોટી વહુ તો દેવી જેવી છે, પણ આ નાની તો બહુ વસમી છે.”
એક દિવસ બપોરે અઢી વાગ્યે રોહિણીબેને નાની વહુને કહ્યું, “વહુ બેટા મારી ચા મૂકજે.” તો નાની વહુએ વળતો જવાબ આપ્યો, “મારી થશે ત્યારે આપું છું”. નાની વહુના આવા જવાબથી રોહિણીબેનને દુઃખ લાગ્યું. પછી તો તે બધાને કહેતા ફરે કે “નાની વહુ આવું સામું બોલતી થઈ ગઈ છે. કોણ જાણે એની મા એને ચઢાવતી હશે. મોટી વહુને કહ્યું હોય તો એ તરત જ ચા લઈ આવે !” રોહિણીબેન લોકોને આવું કહેતા હોય, ત્યારે નાની વહુ આ વાત સાંભળેય ખરી, ને મનમાં અકળાયા કરે કે, “સાસુ મારો ફજેતો કરે છે.” પણ શું થાય ? “વખત આવશે ત્યારે જોઈ લઈશ !” એમ એ મનમાં વેર બાંધે.
એક દિવસ રોહિણીબેનથી સવારે વહેલું ઉઠાયું નહી. એમણે કહ્યું કે, “આજે તો કમરમાં સણકો આવી ગયો છે. બહુ દુઃખે છે, હલાતું-ચલાતું નથી”. હવે ત્યાં કોનો વાંક કાઢવો? અહીં નાની વહુએ કમરનું દુઃખ મોકલ્યું નથી, મોટી વહુએ લઈ લીધું નથી, તો પછી આ દુઃખ આવ્યું ક્યાંથી? ભોગવે તેની ભૂલ! પોતાના જ બાંધેલા હિસાબ પોતે ભોગવવાનાં છે. તો પછી સવાલ થાય કે, રોહિણીબેનને નાની વહુ દુઃખ આપે છે, તે શું છે? મોટી વહુથી તેમને શાંતિ રહે છે, તે શું છે? તેનો જવાબ જ્ઞાની પુરુષ જ આપી શકે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આ જગત, વ્યવહાર સ્વરૂપ છે. વ્યવહાર સ્વરૂપ એટલે શું? ધારો કે, ગામમાં કોઈને ત્યાં લગ્ન આવે ત્યારે એમના ઘરના વડીલ શું કરે ? પહેલા નોંધી રાખ્યું હોય કે, અમુક માણસને ત્યાંથી એકવીસ લાડવા આવેલા, તો ત્યાં એકવીસ મોકલી આપવા. આમને ત્યાંથી એકાવન લાડવા આવેલા, ત્યાં એકાવન મોકલી આપવા. આ ભાઈને ત્યાંથી પાંચ જ આવેલા, તો એમને ત્યાં પાંચ મોકલી આપવા. આ મિત્રને કંકોત્રી મોકલી આપવી, ત્યાં લાડવા મોકલવાની જરૂર નથી, કારણ કે, એમને ત્યાં આપણો વ્યવહાર નથી. આમ પિરસણ મોકલવાનો રિવાજ હોય છે. ગામમાં હજાર ઘર હોય તેમાં ખાલી સો-દોઢસો ઘરો જોડે વ્યવહાર હોય, બાકીનાં લોકો જોડે કોઈ લેવા-દેવા ન હોય.
એવી રીતે રોહિણીબેનને મોટી વહુ જોડે મીઠા લાડવાનો હિસાબ બંધાયેલો, તે મોટી વહુ મીઠા લાડવા મોકલી આપે છે, અને નાની વહુ જોડે કડવા લાડવાનો હિસાબ હતો, તે કડવા મોકલે છે. સાસુએ સમજવું પડે કે મેં જે લાડવા મોકલેલા આગલા ભવમાં, તે મને આજે પાછા મળે છે. મીઠા મોકલેલા ત્યાંથી મીઠા પાછા મળે છે, ને કડવા મોકલેલા ત્યાંથી કડવા પાછા મળે છે. જેટલા મોકલેલા તેટલા જ ગણીગણીને પાછા આવશે. એમાં કોઈનો દોષ નથી. મારો જ હિસાબ છે, એમ સમતા ભાવે આશીર્વાદ આપીને કડવા લાડવા ખાઈ જવા જોઈએ, એમ સમજીને કે મારો હિસાબ ચૂકતે થાય છે.
લોકો “મારું મોકલેલું મને પાછું આવે છે” એવું સમજતાં નથી તેથી દુઃખી થાય છે. એક કડવો લાડવો ચાખ્યો-ના ચાખ્યો, સામાને પાછો માથામાં મારે છે. તેથી હિસાબ પેન્ડીંગ રહે છે. પછી કહેશે, “અમારે તો કેટલાંય વર્ષથી વહુ જોડે ફાવતું જ નથી. આનો ઉકેલ પણ આવતો નથી.” પણ ના જ આવે ને! હિસાબ ચૂકતે થવા માટે કુદરત બંનેને ભેગાં કરે છે, પણ આપણે હિસાબ ચૂકતે થવા દેવાને બદલે ગૂંચવાડો વધારીએ છીએ, જગતની વાસ્તવિકતા નહીં સમજવાથી.
ખરી રીતે, સો કડવા લાડવા ખાવાના હોય તો કોઈ એક લાડવો વધારી શકશે નહીં. કોઈ દિવસ વહુએ ત્રણ કડવા લાડવા આપ્યા, તો સમજવું કે સત્તાણું લાડવાનો હિસાબ બાકી રહ્યો. કોઈ દિવસ પાંચ કડવા લાડવા આવ્યા, તો સમજવું કે હજુ બાણું લાડવા બાકી રહ્યા. આ તો હિસાબ ચૂકતે થતો જાય છે, અને આપણને કર્મમાંથી છોડાવે છે. એમ મીઠા લાડવાનો પણ હિસાબ દહાડે દહાડે પૂરો જ થઈ રહ્યો છે. એ વ્યવહારનો હિસાબ પૂરો થાય પછી આપણે કહીએ કે, “પેલું કડવું પીરસતા હતા તેવું પીરસો ને!”, તો કોઈ ના પીરસે. કારણ કે, હિસાબ ચૂકતે થઈ ગયો છે! પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આ દુનિયામાં જે મળે છે તે બધું આપેલું છે તે જ પાછું આવે છે, એવું સમજાય તો કોયડો ઉકલે કે ના ઉકલે? એટલે આપણે જ્યાં ત્યાંથી આ કોયડો ઉકેલવાનો છે.”