"એ વિતેલ વરવા સમયને ભુલી જા દીકરી.તારા બાપુજી તારી ચિંતામાં કોઈ ખરાબ પગલું ભરી ના બેસે એનો ડર મને સતત સતાવી રહ્યો છે.તારા મોંઢા પર પહેલાં જે હાસ્ય હતું એને ફરીથી લાવવાની કોશિશ કર દીકરી.ગઈ ગુજરી ભૂલી જા.મૂઠી માટી નાખી દે એ ભૂતકાળ પર.તારા સંસ્કારોને યાદ કરી જો દીકરી." છેલ્લા એક મહિનાથી હતાશામાં ગરકાવ થઈને ગુમસુમ બની ગયેલ સુરભીને એનાં મમ્મી શીલાબેન માથે હાથ મુકીને સાંત્વના આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
ખાટલામાં આડા પડખે થયેલ સુરભીએ સ્હેજ ઉંચું મોં કરીને શીલાબેન સામે જોવાનો પ્રયત્ન કર્યો પરંતુ એની આંખોએ સાથ ના આપ્યો.એ તો અનરાધાર વરસી પડી.
શીલાબેને એમની સાડી વડે દીકરીનાં આંસુ લુંછી નાખ્યાં ને એકાદ મિનિટ માથા પર હાથ ફેરવીને ચિંતાતુર ચહેરે રસોઈ બનાવવા રસોડા બાજુ ચાલતાં થયાં.
પ્રમાણમાં નાનું કહી શકાય એવા ગામમાં લોકોના મોંઢે એક જ વાત હતી.'અરવિંદભાઈની દીકરી સુરભીને કોઈક વળગાડ વળગ્યો છે.એમએમાં અભ્યાસ કરતી એકદમ હોંશિયાર,સમજુ,સંસ્કારી અને રૂપે આરસની પૂતળી સમાન દીકરીને માથે આ અચાનક આફત ક્યાંથી આવી પડી?'
'દીકરી સાંજના ટાણે ખેજડાવાળા ખેતરે ગઈ ને એ સાંજે જ ભૂતપ્રેતના ઓછાયામાં આવી ગઈ.'-આ વાત શીલાબેને ઉપજાવી કાઢી હતી.આવી વાત ઉપજાવી કાઢવામાંય શીલાબેનનો આત્મા તો ના જ પાડી રહ્યો હતો પરંતુ આખરે તો એ એક માનું દિલ હતું ને!સાચી વાત જાહેર કરવામાં એમને દીકરીનું ભાવિ ધૂંધળું દેખાઈ રહ્યું હતું એટલે એમણે આવી વાત વહેતી કરી દીધી.હકીકતમાં કારણ તો કંઈક જુદું જ હતું.
વાત કંઈક આવી હતી.બસ દ્વારા આવ-જા કરીને શહેરમાં અભ્યાસ કરતી સુરભી એના સહાધ્યાયી આલોકના પરિચયમાં આવી.છોકરાઓ સાથે વહેવાર પુરતું જ બોલતી સુરભી આલોક સામે ક્યારે આકર્ષાઈ એનોય એને ખ્યાલ ના રહ્યો.ચીપી ચીપીને બોલતો રૂપાળો આલોક સુરભીના રૂપ પર ઓળઘોળ હતો અને એ સુરભીને ગમે તે ભોગે વશ કરવા માગતો હતો એનો ખ્યાલ ગામડાના વાતાવરણમાં ઉછરેલી સામાન્ય પરિવારની આ દીકરીને લગીરેય ના આવ્યો.
માલેતુજાર કુટુંબના એ નબીરાએ શતરંજની જેમ પાસા ફેંકીને ગરીબ પરિવારની દીકરીને બરાબરની વશમાં કરી લીધી હતી.સુરભીને મન આલોક એટલે,'પૈસાદાર કુટુંબનો છોકરો છતાંય સાદગી અને સરળતાનો ધણી! એનામાં નથી કોઈ અભિમાન કે નથી કોઈ આડંબર! એ એકદમ એકદમ નિખાલસ છોકરો છે.એ જ પોતાના મનનો માણીગર ને ભવોભવનો જીવનસાથી છે.'- સુરભીના મનમાં આ વાત બરાબરની ઠસાઈ ગઈ.
સુરભી રાત દિવસ આલોકના સ્વપ્નમાં જ ખોવાયેલી રહેવા લાગી છતાંય એના અભ્યાસમાં કોઈ અસર ના થઈ એ એનાં નસીબ.
હા,એક દિવસનું એક એવું ચોઘડિયું આવી ગયું કે એમાં આ યુવતિએ એના સંસ્કારોને લાંછન લગાડી દીધું.કોલેજના આઠ દશ યુવક યુવતીઓનું નાનકડું પર્યટન ગોઠવાયું,આ પર્યટનની આગેવાની આલોકની હતી.સ્વછંદી યુવક યુવતીઓના સમૂહમાં ગયેલી પારેવડા જેવી સુરભી આલોકના હાથે પિંખાઈ ગઈ.
"આપણે મેરેજ તો કરવાનાં જ છે ને સુરભી?"-ની મધલાળે અને ધગધગતા યૌવને સુરભીને ભાન ભુલાવી દીધી.
'ગરજ સરી ને વૈધ વેરી.'- એનું ભાન સુરભીને ક્યાં હતું? એને તો આલોક જ સર્વસ્વ લાગતો હતો.હા,એનું મન ડંખી રહ્યું હતું,'સુરભી! તેં આ ખોટું કર્યું છે.તારા પરિવારના સંસ્કારોને યાદ કરીને પણ તું તારી જાતને ના રોકી શકી સુરભી? અરેરે! તું એક ખાનદાન પરિવારની દીકરી હોવા છતાંય તારું કૌમાર્ય ગુમાવી બેઠી ભૂંડી!સુરભીના મન અને હ્રદય વચ્ચે અઠવાડિયા સુધી સતત સંઘર્ષ ચાલતો રહ્યો.એ ગમગીન થઈ ગઈ.
સુરભી એના મન અને હ્રદયને પંપાળવાનો ઘણો પ્રયત્ન કરતી રહી પરંતુ એની ગમગીની ઓછી ના થઈ તે ના જ થઈ.છેવટે ઘટનાના અઠવાડિયા પછી સુરભીએ આલોકને કહ્યું,"આલોક!તમે મારા ઘેર આવીને મારાં મમ્મી પપ્પાને એકવાર મળી જાઓ."
આલોકે બીજા જ દિવસે રવિવારે સવારે જ સુરભીના દરવાજે દસ્તક દીધી.સુરભીએ એનાં મમ્મીને આગલી સાંજે જ શરમાતાં શરમાતાં આલોક સાથેના પ્રેમ સંબંધની વાત કરી હતી. આલોક પરજ્ઞાતિનો છે એ પણ સુરભીએ એની મમ્મીને જણાવ્યું હતું.સાથેસાથે આલોક કાલ સવારે આવવાનો છે એ પણ કહીં દીધું હતું.દીકરીની વાત સાંભળીને શીલાબેન જરૂર ખિન્ન થઈ ગયાં હતાં પરંતુ છેલ્લા દિવસોનું દીકરીનું વર્તન એમની નજર બહાર સામે હતું એટલે તેઓ ચૂપ જ રહ્યાં.
નવો જમાનો છે,એમ વિચારીને એમણે મનને થોડું મનાવી જોયું છતાંય આખી રાત એમણે મનોવ્યથામાં ગુજારી.આખી રાત એક મા તરીકેની વેદનાએ એમને એક મટકુંય મારવા ના દીધાં.વહેલાં ઉઠીને એમણે અરવિંદભાઈને ચા પાણી,નાસ્તો કરાવીને ખેતરે રવાના કરી દીધા.
બરાબર દશ વાગ્યે આલોક એની વૈભવી કારમાં એના મિત્ર સાથે આવી પહોંચ્યો.આલોકે કારમાંથી ઉતરતાંવેંત એકદમ સંસ્કારી માનવીની જેમ શીલાબેનને પાયલાગણ કર્યું.એ ધીરેથી સુરભીએ ખાટલામાં બેઠો ને શીલાબેનના દરેક પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતો રહ્યો.
શીલાબેને અંતમાં આલોકને કહ્યું,"તમે તમારાં માબાપને એકવાર લઈને આવો તો સારું રહેશે."
"હા મમ્મી! હું જરુરથી લઈને આવીશ.થોડા દિવસોમાં જ લઈને આવીશ."-આલોકના પ્રત્યુતરથી શીલાબેન થોડાં સ્વસ્થ થઈ ગયાં.
મહોલ્લામા થોડું અલાયદું મકાન હતું અરવિંદભાઈનું એટલે કોઈને આલોકના આગમનની ખબર ના પડી.અડધો કલાક રોકાઈ ચા પાણી કરીને આલોક રવાના થયો.
આલોકના ગયા પછી શીલાબેન સુરભીની ખરાઈ કરતાં હોય તેમ બોલ્યાં,"બેટા! તને ગળા સુધી વિશ્વાસ છે ને આલોક પર? જોજે હો! આખરે તો એ પરજ્ઞાતિનો છોકરો છે.જો કોઈ હા ના થઈ તો અમે ક્યાંય મોઢું કાઢે એવાં નહીં રહીએ હો!"
"મમ્મી! તું જરાય ચિંતા કરીશ નહીં.આલોક સાથે મને ભવિષ્યમાં કોઈ જ દુઃખ પડવાનું નથી."-સુરભી વિશ્વાસભેર બોલી.
તો પછી તારા બાપુજીની ચિંતા તું ના કરીશ.હું તેમને ગમે તે ભોગે મનાવી લઈશ પરંતુ બધું પાક્કે પાયે ના થાય ત્યાં સુધી ગામમાં આ વાતની કોઈનેય ખબર ના પડવી જોઇએ."-શીલાબેને સાહજિક ચિંતા વ્યક્ત કરી.
જોકે શીલાબેન પંદરેક દિવસ વિતવા છતાંય અરવિંદભાઈ આગળ એક હરફ પણ ઉચ્ચારી ના શક્યાં.એ પંદર દિવસ સુધી સુરભી તો ખુશખુશાલ હતી.હા,એ આલોકને સંબંધ બાબતે ઉતાવળ કરવાનું સતત કહ્યા કરતી હતી.
સોળમા દિવસે કોલેજમાં એકદમ ઢીલા મોં સાથે આલોકે સુરભીને કહ્યું,"ચાલ સુરભી! થોડીવાર બગીચામાં જઈને બેસીએ." કહીને આલોક બગીચા બાજુ ચાલવા લાગ્યો.
સુરભી થોડી વિહ્વળ બનીને એની પાછળ પાછળ બગીચામાં ગઈ.બન્ને જણ એક ખુણામાં જઈને બેઠાં પરંતુ આલોક નીચું મોં કરીને જ બેસી રહ્યો જાણે એના બોલવાના હોંશકોશ જ ના હોય!આલોકના વર્તનથી સુરભી અકળાઈ ગઈ.એ ઝડપભેર બોલી,"શું વાત છે આલોક?તમે કંઈ બોલતા કેમ નથી? કંઈક કહો તો ખબર પડે."
"સુરભી! મારી પાસે બોલવા જેવું કંઈ નથી રહ્યું.મને ખબર નહોતી કે,મારાં મમ્મી પપ્પા આટલા બધા જૂનવાણી વિચારોવાળાં હશે!હું છેલ્લા દશ દિવસથી તારી આગળ હસતું મોં રાખીને ફરું છું. વાસ્તવમાં હું ખુબ જ દુઃખી છું સુરભી. હું દશ દશ દિવસથી મારાં માબાપને મનાવી રહ્યો છું છતાં તેઓ એકનાં બે નથી થતાં.તેઓ પરજ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરવાની ધરાર ના પાડે છે.મારા પપ્પાએ તો ધમકી આપી છે કે,બીજી જ્ઞાતિની છોકરી આ ઘરમાં લાવીશ તો મને તું જીવતો નહીં ભાળે.સુરભી!મારી પાસે હવે કોઈ ઉપાય નથી.મને હવે માત્ર આત્મહત્યાના જ વિચારો આવે છે.બોલ સુરભી, હવે હું શું કરું?"- પ્રેમમાં ગળાડૂબ નાદાન સુરભી સામે આલોકે જોરદાર અદાકારી કરી દીધી.
સુરભી ક્યારે બેશુદ્ધ થઈને ઢળી પડી? આલોકે અદાકારી પુરી કરી ત્યારે એને ખ્યાલ આવ્યો કે સુરભી બેભાન થઈ ગઈ છે.આલોકે એની પાસે રહેલ બાટલામાંથી ઠંડું પાણી સુરભીના મોં પર છાંટ્યું.સુરભી ધીરેધીરે આંખો ખોલી ને બેઠી થઈ. એ ઘડીભર ચૂપચાપ બેસી રહી.થોડીવાર રહીને ટપકતી આંખે બોલી,"આલોક! તમારી મજબુરી મને સમજાય છે.તમે કોઈ ખોટું પગલું ના ભરતા.મારે બીજું કશું જ કહેવું નથી છતાંય થોડો સમય પ્રયત્ન કરી જુઓ.હું તમારી રાહ જોઈશ.પછી તો જેવાં મારાં નસીબ!"
આટલી જલ્દી સુરભી ફોસલાઈ જશે ને આટલો ઝડપથી વાતનો નિવેડો આવી જશે એ તો આલોક હજી માનવા તૈયાર જ નહોતો જાણે! એના મોં પર ખંધું હાસ્ય પ્રગટ થાય એના પહેલાં તો એણે દંભી આંસુંની છાલક મારીને ખંધા હાસ્યને સંતાડી જ દીધું.
બગીચામાંથી ઉઠીને ચાલતી વખતે એક એક ડગલું લાખો મણ વજનનું હોય તેવું સુરભી અનુભવી રહી હતી અત્યારે છતાંય એણે કોલેજમાં જઈને લેક્ચર તો પુરાં કર્યાં જ.
આશાના વમળોમાં બીજા દશેક દિવસ પસાર થઈ ગયા પરંતુ આલોકની એ જ નકલી મજબુરી છતી થઈ.હવે સુરભી ખરેખર હતાશ થઈ ગઈ છતાંય એના મનોબળે એને ટકાવી રાખી હતી.
ગામડા ગામની ભોળી સુરભી સાથે આલોકે ખબરેય ના પડે તે રીતે અંતર વધારી દીધું.બસ,મિત્ર વર્તુળમાં સુરભી અને આલોકનું બ્રેકઅપ ચર્ચાના ચકડોળે ચડી ગયું.
એ બ્રેકઅપના બહાને કેટલાક છોકરા તો સુરભીને રીતસરની સકંજામાં લેવા પ્રયત્ન કરી રહ્યા હતા.કેટલાક તો સુરભી પ્રત્યે બનાવટી કરુણા દાખવીને પોતાની બનાવવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ સુરભી તો અત્યારે હાલતી ચાલતી લાશ માત્ર હતી.
વાર્ષિક પરીક્ષા જેમતેમ પુરી કરી એ સાથે જ સુરભીએ શીલાબેન આગળ બધી હકીકત કહી દીધી.જો કે પર્યટન વખતની કાળી ટીલી સમાન ઘટના તો એના હ્રદયમાં જ ધરબાયેલી હતી જેણે સુરભીને જીવતી લાશ બનાવી દીધી છે.
લગભગ એક મહિનો પુરો થઈ ગયો હતો.શીલાબેને ના છુટકે અઠવાડિયા પહેલાં સુરભી અને આલોકની હકીકત અરવિંદભાઈને કુનેહપૂર્વક સંભળાવી દીધી હતી.પત્નીની વાત સાંભળીને અરવિંદભાઈ બે ત્રણ દિવસ તો તણાવમાં રહ્યા જ હતા પરંતુ ઘણું બધું વિચારીને તેમણે તેમની જાતને સંભાળી લીધી હતી.દીકરીની હતાશા એમને જરૂર કોરી ખાતી હતી.બાર ધોરણ સુધી ભણેલા અરવિંદભાઈ અભ્યાસ છોડ્યા પછી કેટલીય નવલકથાઓ વાંચી ચુક્યા હતા તો વર્તમાનપત્રોમાં આવતાં ઘણાં પ્રેમ પ્રકરણો પણ તેમનાથી અજાણ્યાં નહોતાં.
જીવથીય વહાલી દીકરીની વેદનાને ભુલાવવા માટે શું કરી શકાય?એ પ્રશ્ન એમને સતત મુંઝવી રહ્યો હતો.એમણે દીકરીના ખાટલે જઈને એના માથા પર પ્રેમથી હાથ ફેરવીને કહ્યું,"બેટા સુરભી!જે કંઈ બન્યું છે એને ભુલી જા.આ ઘટનાની હજી કોઈનેય ખબર નથી.સમાજમાં ભણેલા ગણેલા,સંસ્કારી અને સમજુ છોકરાઓનો કોઈ તોટો નથી.આખરે પારકાં એ પારકાં.જે થયું તે સારું જ થયું છે એવું મારો આત્મા કહે છે.જો બેટા !તારામાં કોઈ ખામી નથી.અને આમેય તું એ છોકરાને થોડા સમયમાં જ ભુલી જઈશ.બસ,થોડું મન મક્કમ કરી લે બેટા! મારી અને તારી મમ્મીની હાલત સામે તો જો? એક ડાહ્યી અને સમજુ દીકરી માટે વળગાડ વળગવાનું બહાનું આગળ ધરવું પડે એનો વિચાર તો કર બેટા!"
સુરભીના શરીરમાં ચેતનાનો સંચાર થયો હોય તેમ તેણે પોતાનું માથું અરવિંદભાઈના ખોળામાં ઢાળી દીધું.બાળપણમાં ત્રણ વર્ષની ઉંમરથી લઈને નવ વર્ષની ઉંમર સુધી પપ્પાની ગોદમાં સુતી સુરભી ખરેખર ચેતનામય બની ગઈ.એનાથી ડૂસકું નંખાઈ ગયું.એ ડૂસકું પ્રેમના આવેગની સાથે માનવિય ભૂલનું હતું એ તો અરવિંદભાઈને ક્યાંથી ખબર હોય?
બીજા દિવસે અરવિંદભાઈએ સુરભીને ખેતરે જતાં સાથે લીધી.એમનો આશય એ હતો કે,થોડું ખુલ્લું વાતાવરણ મળે. ઘેરથી નિકળીને ખેતરે જતી વખતે બાપ-દીકરી ગામ પાસેથી પસાર થતો જાહેર રસ્તો ઓળંગી રહ્યાં હતાં ત્યાં જ રસ્તા પર પસાર થઈ રહેલ એક મોટરસાયકલ સવાર યુવાને મોટરસાયકલ ઉભું રાખીને કહ્યું,"ઓહ! સુરભી તમે? મને ઓળખ્યો?હું સરસાવનો વતની છું ને આ રસ્તેથી દરરોજ આવ-જા કરુ છું. સુરભી!આપણે એક જ કોલેજમાં હતાં.મેં હમણાં જ એમબીએ પુરુ કર્યુ છે.હજી રિઝલ્ટ આવવાનું પણ બાકી છે પરંતુ એક ફાયનાન્સ કંપનીએ વાર્ષિક ચાર લાખનું હાલ પેકેજ આપ્યું છે.આમેય હું સામાન્ય પરિવારનો છોકરો છું એટલે હાલ આટલું પેકેજ તો મારા માટે લાખો રૂપિયા બરાબર છે." એકીટશે બોલીને પછી યુવાને અરવિંદભાઈ તરફ નજર કરીને કહ્યું,"કાકા, હું સરસાવથી કનુભાઈનો દીકરો છું.મારુ નામ વિકાસ છે.મારા પપ્પા ગ્રામ પંચાયતના બોરના ઓપરેટર છે, તેમને તમે ઓળખતા જ હશો."
અરવિંદભાઈને કનુભાઈનો આછો પાતળો પરિચય તો હતો જ એટલે એમણે હકારમાં માથું તો હલાવ્યું.અરવિદભાઈને વિકાસની નિખાલસતા સ્પર્શી ગઈ એટલે તેઓ બોલ્યા વગર રહી ના શક્યા.એમણે કહ્યું,"લગ્ન કર્યાં છે બેટા?"
"ના કાકા,ગરીબ પરિવારનો દીકરો છું એ તો તમનેય ખબર છે.મેં મનમાં એક જ સંકલ્પ કર્યો હતો કે, પહેલાં પગભર બનું પછી જ લગ્નની વાત.પગભર બનવાનું સ્વપ્ન ભગવાને પુરુ કર્યું.હજી નોકરીને વીસ દિવસ જ થયા છે."- વિકાસ ખચકાયા વગર બોલ્યો.
એકાદ મિનિટ રહીને અરવિંદભાઈ બોલ્યા,"કાલે સવારે થોડો વહેલો નિકળીને મારે ઘેર ચા પાણી કરીને પછી નોકરીએ જજે બેટા.મારુ નામ અરવિંદભાઈ છે ને સામેના પહેલા ખાંચામાં જ મારું ઘર છે.ગમે તેને પુછીશ તો પણ તે મારું ઘર બતાવી દેશે."
જાણે અંતરના ઓરતા પુરા થતા હોય તેમ વિકાસ ઝડપભેર બોલ્યો,"જરૂર કાકા! "આવજે" કહીને અરવિંદભાઈ ખેતરના રસ્તે પળ્યા.એમની ચાલમાં થોડું જોમ વરતાતું હતું તો સુરભી પણ ઘડીભર પોતાનું દર્દ છુપાવીને વિકાસને ઓળખવાની કોશિશ કરી રહી હતી.
કાયમ બસમાં ચૂપચાપ બેસીને પુસ્તક વાંચનમાં વ્યસ્ત રહેતી સુરભીને વિકાસનો ચહેરો યાદ આવ્યો.અરે હા! આ છોકરો પણ વાંચનમાં વ્યસ્ત જ રહેતો હતો.ઘણી વખત લાયબ્રેરીમાં પણ એ જોવા મળતો.સાથેસાથે સુરભીને અકળામણ પણ થવા લાગી.'વિકાસ મારા વિશે કેટલું જાણતો હશે? પર્યટનની વાત તો એ નહીં જાણતો હોય ને?'
બીજા દિવસે સવારે વિકાસ અરવિંદભાઈના ઘેર આવ્યો.અરવિંદભાઈએ તેમનાં પત્ની શીલાબેનને વિકાસ વિશે થોડું જણાવ્યું હતું અને નજર બહાર કાઢવાનું પણ કહ્યું હતું એટલે શીલાબેને તો વિકાસનો ઈન્ટરવ્યુ જ લઈ લીધો.
કોણ જાણે કેમ પણ વિકાસની એકદમ નિખાલસતાભરી વાતોથી સુરભીને પણ થોડી શાંતિ મળી પરંતું એના મનની ફડક તો હજી જેમની તેમ હતી.
બે દિવસ પછી બપોરના સમયે અરવિંદભાઈ પણ સરસાવ ઉભા પગે આંટો મારી આવ્યા કનુભાઈના ઘર સુધી. ગરીબ પરિવારનો માયાળુ સ્વાભાવ એમને આકર્ષી ગયો. અરવિંદભાઈ પણ ક્યાં પૈસાદાર હતા? એમને કનુભાઈના ઘેર દીકરીનું સાચું સુખ દેખાયું.ઘેર આવીને એમણે શીલાબેન આગળ બધી હકીકત કહી સંભળાવી.આડાકાને માબાપની વાત સાંભળી રહેલી સુરભીનું હ્રદય થડકવા લાગ્યું.
દશેક દિવસ પછી વિકાસ અને એનાં માવતરને અરવિંદભાઈએ પોતાના ઘેર બોલાવ્યાં.જુદા નાનકડા ઓરડામાં વિકાસ અને સુરભીની મુલાકાત ગોઠવાઈ.સુરભી એકદમ નર્વસ હતી.વિકાસ પરિસ્થિતિ પામી ગયો.એણે ઘીરેથી સુરભીના ખભા પર હાથ મુકીને કહ્યું,"બીલકુલ ગભરાશો નહીં સુરભી! હું તમારી જીંદગીમાં ખુશીઓનો પ્રાણવાયુ પુરવા માંગુ છું.એ વરવા ભુતકાળને ભુલી જાઓ સુરભી.તમારો સ્વાભાવ અને સંસ્કાર મને ખુબ ગમે છે.તમે મારા અને મારા પરિવારની ખરા અર્થમાં સુરભી બનશો એવો મને આત્મવિશ્વાસ છે.તમારા અને આલોકના પ્રેમને ભુલવાની તમે કોશિશ કરો.એ બાબતે મારે એટલું જ કહેવું છે કે ભવિષ્યમાં પણ આ બાબતે તમને કશું જ નહીં કહું તેનું વચન આપું છું."
થોડીવારની ખામોશી પછી સુરભી ફરી પાછી અકળાઈને બોલી,"તમે મારા અને આલોક વિશે કેટલું જાણો છો વિકાસ? અમારા વિશે કોલેજમાં બીજી શું શું ચર્ચાઓ થતી હતી? મને બધું જ કહો.તમને તમારા માબાપના સોગંદ છે વિકાસ."
"બસ, એટલું જ કે આલોકે કોઈ અંગત કારણોસર લગ્નની અનિચ્છા દર્શાવી અને તમને વિનંતી કરીને તમારાથી છુટો પડ્યો.એના ગૃપ મિત્રોએ આ ઘટનાને બ્રેકઅપનું નામ આપી દીધું.બસ એટલું જ જાણું છું સુરભી.હા, એના સિવાય આલોક વિશે છેલ્લે છેલ્લે બીજું પણ જાણવા મળ્યું છે કે,એમકોમ કરતી વિનિતા નામની પૈસાદાર માબાપની છોકરી સાથે એનું સગપણ થઈ ગયું છે.એ છોકરી તમારા ગૃપમાં નહોતી પરંતુ તમે ઓળખતાં તો હશો જ."-વિકાસે ઝડપભેર કહ્યું.
વિનિતાને સુરભી ઓળખતી તો હતી જ પરંતુ એ ચૂપ જ રહી.તેની વ્યાકુળતા ચહેરા પર સ્પષ્ટ વરતાઈ રહી હતી.એણે વિકાસના ચહેરા સામે દયામય આંખે નજર કરી.વિકાસને લાંબી ખબર તો ના પડી પરંતુ એક સ્ત્રીનો દયાભર્યો ચહેરો એને હચમચાવી ગયો.એનાથી બોલાઈ ગયું,"સુરભી! ભુતકાળને ભુલી જાઓ,આ શરીરમાં જીવ છે ત્યાં સુધી હું તમારો બનીને રહીશ."
સુરભી ટગર ટગર વિકાસને જોઈ જ રહી.એનું અશ્રુભર્યુ થોડું હાસ્ય જાણે વિકાસ આગળ પ્રેમની ભીખ માંગી રહ્યું ના હોય!
સુરભી સતત મનને મનાવીને આલોકને ભુલવાની કોશિશ કરી રહી હતી પરંતુ હાલ તો શક્ય બને તેવું લાગતું નહોતું.બીજી બાજુ એ વિકાસના પ્રેમ સાથે મજાક કરી રહી હોય તેવો એને ભાસ થતો હતો.સુરભી બધી બાજુથી ગુંચવાઈ ગઈ.છેવટે એ વેદનાને હ્રદયમાં જ ધરબી દેવાનું શીખી ગઈ.
એમએનું પરિણામ આવ્યા પછી સુરભીની ઈચ્છા બીએડ્ કરવાની હતી પરંતુ હાલના સંજોગો જોતાં હાલ તો એ શક્ય દેખાતું નહોતું.સુરભીને આવી વિટંબણાની વચ્ચે નાનો ભાઈ નૈમિષ યાદ આવ્યો,જે અત્યારે નવોદય વિદ્યાલયમાં અગિયારમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે.સુરભીને પારિવારિક જવાબદારીનું અચાનક ભાન થયું.સુરભીનું મન કકળી ઉઠ્યું,'સુરભી! તું આટલી સ્વાર્થી ક્યારની થઈ ગઈ? આલોક સાથેના પ્રેમમાં ને પ્રેમમાં સગા ભાઈની કારકિર્દીનેય ભુલી ગઈ?યાદ કર સુરભી! તું જ કહેતી હતી કે,પોતે તો પગભર બનશે જ ને સાથે સાથે ભાઈની કારકિર્દીના ઘડતરમાંય ટેકારૂપ બનશે.એ તારા વિચારો ક્યાં ગયા સુરભી?'
સુરભી વ્યાકુળ થઈ ગઈ.એ હતાશાને ખંખેરવાનો સતત પ્રયત્ન કરતી રહી પરંતુ આલોક તેના મનમાંથી ખસતો નહોતો.વળી પર્યટનનો દાગ પણ કેમેય કરીને એનાથી ભુલાતો નહોતો.
અરવિંદભાઈ અને શીલાબેન સતત અંગત ચર્ચાઓ કરીને એ નિર્ણય પર આવ્યાં કે,જેમ બને તેમ જલ્દી સુરભીનાં લગ્ન કરી દઈએ.વિકાસનો સ્વભાવ દીકરીને જરૂર હતાશામાંથી બહાર લાવશે.
બેવડી જીંદગીમાં અટવાયેલ સુરભીનાં બીજા જ મહિને લગ્ન લેવાઈ ગયાં.વિકાસની ખુશીનો કોઈ પાર નહોતો પરંતુ સુરભીની આંતરીક પરિસ્થિતિ તો કફોડી જ હતી.સાસરીમાં સાસુ સસરાનું હેત અને નાના દિયરની અઢળક લાગણી હતી એ સમજતાં સુરભીને વાર ના લાગી.એ સાસુ સસરાનો પડ્યો બોલ ઝીલી લેતી હતી ને દિયરના લાડ પ્યારનુંય સાટું વાળી દેતી હતી પરંતુ સાંજે થાકીને આવતા વિકાસના નિર્મળ પ્રેમની એ અધિકારી તો ના જ બની શકી.એ સતત ગુંચવાયેલ જ રહેતી હતી.
આમ ને આમ વરસ વીતી ગયું.વિકાસને અન્ય કંપનીમાં વાર્ષિક છ લાખનું પ્લેસમેન્ટ મળ્યું.એની ખુશીમાં રવિવારના દિવસે વિકાસ સુરભીને શહેરમાં લઈ ગયો.શહેરમાંથી પરિવાર અને પોતાના માટે ખાસ્સી ખરીદી થઈ.બપોરે બન્ને જણ એક મોટી હોટેલમાં જમવા માટે ગયાં.આ હોટેલમાં કોઈકની ભવ્ય પાર્ટી હોય તેવું વાતાવરણ દેખાયું.
વિકાસ અને સુરભી વોશ બેસિનમાં હાથ ધોઈ રહ્યાં હતાં ત્યાં જ સુરભી અને વિકાસની આતુરતાનો અંત આવ્યો.એક વૈભવી ગાડીમાંથી વરવધૂ ઉતરતાં દેખાયાં.એની પાછળ પાછળ વીસ પચ્ચીસ ગાડીઓનો કાફલો પણ પાર્ક થતો ગયો અને સૌ ઉતરીને હોટલ તરફ આવવા લાગ્યાં.સુરભીની ડોક ટટ્ટાર થઈ.એ વરવધૂમાં સુરભીને આલોક દેખાયો.હા,તેની સાથે વિનિતા નહીં પરંતુ બીજી જ છોકરી હતી.અન્ય ગાડીઓમાંથી ઉતરતી છોકરીઓને પણ સુરભી ઓળખી ગઈ.ઘણીબધી કોલેજની ફ્રેન્ડઝ હતી એમાં.
સુરભી થથરી ગઈ.અચાનક એનો ચહેરો લાલાશ ધારણ કરવા લાગ્યો.એણે હોટલ તરફ આવી રહેલ ટોળા તરફ પગ ઉપાડ્યા.અત્યાર સુધી ટોળાનું નિરિક્ષણ કરી રહેલ વિકાસની નજર સુરભી પર પડી.તેને તાત્કાલિક પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો.વિકાસે રીતસરના દોડીને સુરભીને બાથમાં જકડીને ઉંચકી લીધી અને એ જ ઝડપથી હોટેલના પાર્કિંગ બાજુ દોડી ગયો.
"મને છોડી દો વિકાસ!મને છોડી દો વિકાસ! એ નીચ,હલકટને મારે આજે જાહેરમાં ખુલ્લો પાડવો છે.એણે મારું શિયળ લૂટ્યું છે.એણે વિનિતાને પણ મારી જેમ જ છેતરી હશે એ નક્કી! જુઓ વિકાસ! એના ચહેરા પર થોડો ઘણો પણ રંજ દેખાય છે? હું અત્યાર સુધી એ નીચના પ્રેમમાં ઝુરતી રહી પરંતુ એ નફ્ફટના મોં પર થોડો ઘણો પણ અફસોસ દેખાય છે ખરો?મહેરબાની કરીને મને જવા દો વિકાસ.એના લીધે તો મેં તમારી સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે વિકાસ.હું તમારા પવિત્ર પ્રેમને લાયક નથી.મને છોડી દો વિકાસ.મહેરબાની કરો."- સુરભી કરગરતી રહી પરંતુ વિકાસે એને સહેજ પણ મોકો ના આપ્યો.
સુરભી આલોક પાસે જવા માટે સતત તરફડીયા મારી રહી હતી.ના છુટકે વિકાસે એજ વખતે તેના ગાલ પર તમાચો મારી દીધો. સુરભીનું રુદન અને ક્રોધ થંભી ગયાં.એ જડ બનીને વિકાસ સામે જોતી રહી અને ગાલ પંપાળતી રહી.
વિકાસની આંખો જાહેરમાં ચૂવા લાગી.એનું આખું શરીર ધૃજતું હતું.તે ધીરેથી બોલ્યો,"મને માફ કરો સુરભી પરંતુ તમે આ બધું કોને સંભળાવી રહ્યાં છો?આ બધું જાહેરમાં બોલીને શા માટે તમારા સંસ્કારોને નિલામ કરી રહ્યાં છો સુરભી?એ નરાધમે તમારુ શિયળ લુટ્યું એ મને ખબર છે.પર્યટન વખતે કંઈક અજુગતું બન્યું હોવું જોઈએ એ તો એ વખતની તમારી ઉદાસી ચાડી ખાઈ રહી હતી પરંતુ એ તકનો લાભ લેવા ચાર પાંચ છોકરા તમારી પાછળ પડ્યા હતા એના પરથી મારી શંકા દ્રઢ થઈ ગઈ હતી.એ વખતની તમારી માનસિક પરિસ્થિતિએ તમને બચાવી લીધાં હતાં.
મેં એજ વખતે તમને આઘાતમાંથી બહાર લાવવાનું નક્કી કરી લીધું હતું પરંતુ એ વખતે પરિક્ષાઓ અને તેના પછી વેકેશનના લીધે આપણો મેળાપ ના થયો.મારા મનની વાત મારા મનમાં જ રહી ગઈ.
જોકે હું વેકેશનમાં દરરોજ એક વખત તારા ગામમાં આંટો મારી જતો હતો પરંતુ તમારી ખરાબ માનસિક પરિસ્થિતિના લીધે આપણી મુલાકાત ના થઈ તે ના જ થઈ.હું તમને અપનાવીને તમારા જીવનમાં ફરીથી હસી ખુશી ભરી દેવા માંગતો હતો.જોકે આખરે એ નિશ્વાર્થ અભિલાષામાં ભગવાને પણ મને ટેકો આપ્યો ને આપણાં લગ્ન થયાં.
થોડા મહિના પહેલાં જ વિનિતા હું જે કંપનીમાં નોકરી કરતો હતો તે કંપનીમાં જોડાઈ છે.પર્યટન વખતનું સત્ય એની પાસેથી જાણવા મળ્યું.એની કોઈક ફ્રેન્ડે આ હકીકત વિનિતાને કહી હતી.આ ઘટનાની ખરાઈ કરવા વિનિતા આલોક સામે મેદાને પડી પરંતુ આલોકે સત્ય ના સ્વિકાર્યું તે ના જ સ્વિકાર્યું. વિનિતાએ સામેથી સગપણ તોડી નાખ્યું પરંતુ તેના ચહેરા પરથી સ્પષ્ટ વરતાઈ આવતું હતું કે એ પણ તમારા જેવી જ પરિસ્થિતિમાં મુકાઇ હશે.
હાલ જે છોકરી સાથે આલોકનાં લગ્ન થયાં છે એ પણ એની જ્ઞાતિની નથી.તમને આલોકે બીજી જ્ઞાતિનું બહાનું બતાવ્યું હતું એ એના મનનો તુક્કો માત્ર હતો. મેં આ બધી હકીકત વિનિતા પાસેથી જાણી છે સુરભી! બાકી આલોકના ચારિત્ર્યની ઘણાબધાને ખબર જ હતી.એણે તમારાં રૂપ,યૌવન અને ગરીબીનો માત્ર લાભ લીધો છે.એ લંપટે ક્યારેય તમને સાચો પ્રેમ કર્યો જ નથી.તમારો એકતરફી પ્રેમ એ તો તમારા સંસ્કારોની દેન સિવાય કશું જ નથી સુરભી."- આટલું કહેતાં કહેતાં તો વિકાસ હાંફી ગયો.
ધીમે ધીમે સુરભીની જડતા વિખેરાઈ.તેનાં આંસુ તો સુકાઈ ગયાં હતાં પરંતું વાચા ખુલી,"આટલું બધું જાણવા છતાંય તમે મને અપનાવી વિકાસ? તમને સત્યની ખબર પડી પડી તોય મેરૂની જેમ તમે અચળ રહી શક્યા વિકાસ? ઘણી વખત સાંભળ્યું છે કે 'પતિ પરમેશ્વર છે.'- પરંતુ અત્યારે તો એ સાક્ષાત અનુભવી રહી છું વિકાસ. ભગવાને તમને કઈ માટીમાંથી ઘડ્યા છે વિકાસ?
"એ તો મને ખબર નથી પરંતુ તમારામાં રહેલ સંસ્કાર સમજણે મને તમને લાગેલ આઘાતમાંથી બહાર કાઢવાની પ્રેરણા પુરી પાડી સુરભી! એક સ્ત્રી તરીકે તમે મોટી ભૂલ કરી હતી એ તો સત્ય જ હતું પરંતું એ ભૂલનો પસ્તાવો તમારા ચહેરા પર સ્પષ્ટ વરતાઈ આવતો હતો. એ પસ્તાવાના ચિહ્નોએ જ મને માનવિય પ્રેરણા પુરી પાડી છે સુરભી.
નિખાલસ હ્દયે કહું છું કે, તમે જ્યારે એમએના બીજા વર્ષમાં હતાં ત્યારે હું તમને બસમાં દરરોજ આડી નજરે જોઈ લેતો હતો.મને ખબર હતી કે એ એક યુવાનીનો આવેગ હતો પરંતુ તમારી રીતભાત અને સરળતા મને ઉંડે ઉંડે આકર્ષી રહ્યાં હતાં. હું ઘણી વખત વિચારોમાં ખોવાઈ જતો હતો કે, મને તમારા જેવી પત્ની મળે તો જીવન જીવવાની મજા આવી જાય."-વિકાસ ફરીથી રડમસ થઇ ગયો.
સુરભી પહેલી વખત વિકાસની આંખોમાં આંખો પરોવી રહી હતી.નજર મળી..... સુરભી ઘડીભર વિકાસને જોતી જ રહી ને છેવટે એ વિકાસના ચરણોમાં ઢગલો થઈ ગઈ.
વિકાસે બન્ને હાથ પકડીને સુરભીને ઉભી કરી.ફરીથી રડવાની ઈચ્છા સુરભીએ દબાવી રાખી.એ દબાયેલા અવાજે બોલી,"વિકાસ હવે મારા હ્રદયમાં તમારા સિવાય કોઈ નથી.હવે તમે મને તુંકારેથી બોલાવશો ને?મારી સેંથીમાં ફરી એકવાર સિંદુર ભરશો ને?"
"હજી તું ગાંડા જેવી જ રહી છે સુરભી!મારા સિવાય કુટુંબ-પરિવાર સમાજ અને ભગવાન પણ હ્રદયમાં હોવા જોઈએ એ કેમ ભુલી જાય છે?"-ગાલ પર મીઠી ટપલી મારીને વિકાસ વાક્ય પુરું કરે ત્યાં સુધી તો સુરભી લતાની જેમ વિકાસને વિંટળાઈ ગઈ.વિકાસના હ્રદયના ધબકારા પરણેતરના હ્રદય સાથે પહેલી વખત તાલ મેળવી રહ્યા હતાં.