પરેશભાઈએ તરત પોતાના મિત્રને ફોન કરી બધી તૈયારી કરી રાખવા કહ્યું હતું. કુંદનબેનને તો વાત પરથી જ ખ્યાલ આવી ગયો કે કંઈક ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. જેવો પરેશભાઈએ ફોન મુક્યો અને તરત એમને પૂછ્યું કે, શું થયું છે? પરેશભાઈએ તૈયાર થતા કુંદનને સ્તુતિએ કીધું એ બધું જ જણાવ્યું હતું. કુંદનબેન બોલ્યા, હું સ્તુતિ પાસે જાવ છું અને તમે પ્રીતિને લઈને આવો.
કુંદનબેન હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અજયને ICU રૂમમાં દાખલ કરી દીધો હતો. માથામાં ઈજા થવાથી હજુ એ ભાનમાં આવ્યો નહોતો. બધા રિપોર્ટ અજયના કઢાવ્યા હતા. એ આવે એટલે અજયની સ્થિતિ કેટલી ગંભીર છે એ ખબર પડે.
આ તરફ પપ્પાને જોઈને પ્રીતિ બોલી, "અરે પપ્પા! તમે અહીં?"
"હા બેટા. તને લેવા આવ્યો છું."
"મને લેવા? કેમ શું થયું છે?"
"સ્તુતિનો ફોન હતો, અજયનું એકસીડન્ટ થયું છે. સ્તુતિ એના સર સાથે ગોકુલ હોસ્પિટલ પહોંચી ગઈ હશે. તું પણ ચાલ આપણે ઝડપથી ત્યાં પહોંચીએ."
"અજયનું એકસીડન્ટ? એ અહીં ક્યારે આવ્યા? સ્તુતિને કેમ ખબર પડી? પપ્પા કંઈ સમજાતું નથી."
"એ મને પણ ખ્યાલ નથી. સ્તુતિને મળીએ એટલે ખબર પડે કે, ખરેખર શું બન્યું?"
"પપ્પા, હું એને મારા જીવનમાંથી દૂર કરી ચુકી છું. આવું કર્યું ત્યારે મને ખુબ તકલીફ પડી છે, મારા મનને સમજાવતા! હું ત્યાં આવીને એને મળવા ઈચ્છતી જ નથી. હું ફરી ભૂતકાળને યાદ કરી સ્તુતિને તકલીફ થાય એવું કઈ જ ઈચ્છતી નથી. તમે જાવ અને એની ટ્રીટમેન્ટ કરાવી આજે જ એને ભાવનગર મોકલી આપજો. હું નથી ઈચ્છતી કે સ્તુતિને પણ કોઈ તકલીફ થાય!"
"સારું બેટા! જેમ તને ઠીક લાગે એમ. મને તો સ્તુતીએ કીધું હતું કે, મમ્મી ચિંતા કરે એટલે તમને ફોન કરીને કહું છું. તમે મમ્મીને લઈને આવજો. એટલે હું તને અહીં લેવા આવ્યો છું."
"હા પપ્પા. સ્તુતિને તમે કહેજો કે, મમ્મીને ખુબ કામ હતું એ આવી શકી નહીં."
"ઓકે. સારું તો હું જાવ છું." પરેશભાઈ 'ગોકુલ' હોસ્પિટલ જવા નીકળ્યા હતા.
પ્રીતિ એના પપ્પા સાથે તો ન ગઈ પણ મન અજય પાસે પહોંચી જ ગયું હતું. એને એ જ ન સમજાણું કે, સ્તુતિને કેમ અજયના એક્સિડન્ટની ખબર પડી? મારુ જીવન એકદમ સરસ વીતી રહ્યું છે અને આ અજય ફરી કેમ અહીં આવ્યો? ફરી ટ્રાન્સફર તો નહીં થઈ હોય ને એની? પ્રીતિને સ્તુતિ માટે ચિંતા થવા લાગી હતી. એ રીતસર વ્યાકુળ થવા લાગી કે હું કઠણ ન રહી શકી તો સ્તુતિ મારા લીધે કેટલી તકલીફનો સામનો કરશે! એ ઉભી થઈ અને પાણી પી ને પોતાને સાચવવાનો પ્રયાસ કરી રહી હતી.
પ્રીતિનો પ્રયાસ આ ખોટો જ હતો. આ અજય સાથેનો એનો ઋણાનુબંધી સબંધ હતો. એ ખુદ ડરતી હતી કે, મારી મનની લાગણી ફરી સરવળી ઉઠે, અને અજય તરફથી ફરી જા કારો જ મળશે તો હું મારી જાતને સાચવી નહીં જ શકું. અને સ્તુતિ મારી તકલીફ જોઈ નહીં શકે. બસ, આ જ ડરના લીધે એ હોસ્પિટલ નહોતી ગઈ.
દીલ અને દીમાગ કંઈક અલગ જ વર્તી રહ્યા છે,
તુજ સમીપ તુજથી દૂર રહીને મનથી મિલન કરી રહ્યા છે,
વર્ષો લાગ્યા દૂર જતા, ક્ષણમાં નજીક આવી રહ્યા છે,
દોસ્ત! હા આજ છે, ઋણાનુબંધ જે ભાગ ભજવી રહ્યા છે.
પરેશભાઈ હોસ્પિટલ પહોંચ્યા એમણે સ્તુતિને પૂછીને આ બધું કેમ બન્યું એ જાણ્યું હતું. ત્યાં સુધીમાં અજયના અમુક રિપોર્ટ્સ આવી ગયા હતા. અજયની સ્થિતિ નાજુક હતી. માથામાં ખુબ વાગ્યું હતું. પરેશભાઈને હવે લાગ્યું કે, હસમુખભાઈને જાણ કરવી જરૂરી હતું. એમણે હસમુખભાઈને ફોન કર્યો,
"હેલ્લો." હસમુખભાઈ માત્ર એટલું જ બોલી શક્યા હતા.
"હેલ્લો હસમુખભાઈ. તમને જાણ કરતા દુઃખ થાય છે કે, અજયનું થોડીવાર પહેલા એક્સિડન્ટ થયું છે. અને અજયને ગોકુલ હોસ્પિટલમાં ICU માં રાખ્યો છે. અજયની સ્થિતિ નાજુક છે. તો તમે અહીં આવો એ જણાવવા જ ફોન કર્યો છે. અહીંની ચિંતા ન કરશો બધી જ વ્યવસ્થા અને ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. બસ, તમે શાંતિથી અહીં આવી જાવ તો અજયને ઠીક રહે આથી ફોન કર્યો છે."
"ઓહ હો.. પરેશભાઈ! હું હમણાં જ અહીંથી નીકળું છું. તમે અજયનું ધ્યાન રાખજો."
"હા. તમે નિશ્ચિન્ત આવો." પરેશભાઈએ લાગણી જતાવતા ફોન મુક્યો હતો.
સ્તુતિ એ હવે નાનાને પૂછ્યું, "નાના મમ્મી કેમ ન આવી?"
"બેટા એ કદાચ પરિસ્થિતિનો સામનો કરતા ડરી રહી હોય એવું મને લાગ્યું. અને એને આટલી નાજુક સ્થિતિ અજયની હશે એનો અંદાજો પણ નથી."
"હા, પપ્પા મમ્મી કાલે જ ખુબ ડિસ્ટર્બ થઈ ગયા હતા. એટલે જ કદાચ અહીં ન આવ્યા હોય!"
પરેશભાઈ, કુંદનબેન અને સ્તુતિ બધા જ ડોક્ટર શું કહે એની રાહ જોઈ રહ્યા હતા.
ડોક્ટર ICU માંથી બહાર આવ્યા અને સ્તુતિને કહ્યું કે, "બેન તમારું નામ પ્રીતિ છે?"
"ના ડોક્ટર. કેમ?"
"પેશન્ટ ભાનમાં નથી પણ એ પ્રીતિનું નામ અર્ધજાગ્રત અવસ્થામાં લઈ રહ્યું છે. આથી પ્રીતિને બોલાવો કદાચ એ ભાનમાં આવે અને એને પ્રીતિને મળવું હોય!"
"ઓકે ડોક્ટર. અને પપ્પાની સ્થિતિ કેવી છે?"
"બ્લીડીંગ થોડું વધુ થયું છે. માથામાં અંદરની તરફ વધુ ઈજા થઈ હોય એવું લાગી રહ્યું છે. વધુ ચોક્કસ જવાબ એમઆઈઆર રિપોર્ટ આવે પછી ખબર પડે." આટલું કહી ડોક્ટર જતા રહ્યા હતા.
સ્તુતિ મેડિકલનું એક વર્ષ ભણી જ ચુકી હતી. આથી પરિસ્થિતિનું ઊંડાણ એણે માપી જ લીધું હતું. એ નાનાને બોલી કે, "નાના હું મમ્મી પાસે જાવ છું. મારે એમને પપ્પા સાથે જે વાત થઈ એ જણાવવી જરૂરી છે. અને એમને લઈને હું ઝડપથી અહીં આવું છું."
"હા બેટા, તું જા અને જલ્દી એને લઈને આવ."
સ્તુતિ ફટાફટ પ્રીતિ પાસે પહોંચી ગઈ હતી. સ્તુતિએ મમ્મીને કહ્યું, "મમ્મી તું બે મિનિટ બહાર આવ મારે તારી સાથે વાત કરવી છે."
"હા બેટા હું સેજ સરને ઇન્ફોર્મ કરીને આવું. આમ પણ લંચબ્રેક પડવાની જ છે."
"ઓકે મમ્મી."
પ્રીતિ એમના સરને ઇન્ફોર્મ કરીને જોબ પરથી નીકળી ગઈ હતી.
પ્રીતિ બહાર આવી અને સ્તુતિને બોલી, "તું કેમ આટલી ચિંતામાં છે? શું થયું?"
"મમ્મી! પપ્પાની સ્થિતિ ખુબ નાજુક છે. એ અર્ધજાગ્રત અવસ્થામાં તમારું જ નામ લે છે. ડોક્ટરએ પણ તમને બોલાવવાનું કીધું આથી હું તમને લેવા આવી અને એક વાત.." આટલું કહેતા સ્તુતિ અટકી ગઈ હતી.
"શું સ્તુતિ કંઈ વાત? અને શું થયું એ બોલ બેટા? પ્રીતિ અજયના સમાચાર સાંભળીને ચિંતામાં પડી જતા બોલી રહી હતી.
"પપ્પાનું એક્સિડન્ટ થયું એ પહેલા મારે પપ્પા સાથે વાત થઈ હતી. પપ્પા મને કોલેજ મળવા આવ્યા હતા. ખુબ અફસોસ કરતા હતા. એમને એમની દરેક ભૂલ હવે સમજાઈ રહી હતી. દરેક ભૂલની એ માફી માંગતા હતા. પણ.."
"પણ.. શું સ્તુતિ?" ખુબ ચિંતિત સ્વરે અને ધબકાર તેજ થયાનો અવાજમાં ભાર જીલતા પ્રીતિ બોલી હતી.
"મમ્મી હું પપ્પાને ખુબ બોલી, અત્યાર સુધી જે મારા મનમાં એના માટે ગુસ્સો હતો એ મેં ઠેલવ્યો છતાં પપ્પા બધું જ સ્વીકારતા માફી જ માંગી રહ્યા હતા. મેં ગુસ્સામાં એમને કહ્યું, હું તો માફ કરી પણ આપું પણ મારા મમ્મીની તમારે માફી માંગવાની જરૂર છે મારી નહીં. આમ બોલી હું કોલેજ જવા જઈ રહી અને પપ્પા મારી વાતથી સુધબુધ ખોઈ રસ્તા વચ્ચે ચાલી રહ્યા હતા અને કાર એમને હટાવવા હોર્ન મારી રહી હતી, એ કાર ચાલકને એમ કે પપ્પા હટી જશે પણ પપ્પા કદાચ મારી વાતમાં જ હતા. કાર એટલી નજીક આવી ગઈ અને મેં પાછળ ફરીને જોયું અને પપ્પા એકદમ ઉછળીને પટકાયા." આટલું બોલતા તો સ્તુતિ ચોધાર આંસુ સાથે મમ્મીને ભેટીને રડવા જ લાગી.
શું હશે સ્તુતિએ પોતાના પપ્પા સાથે કરેલ વાતથી પ્રીતિનું વલણ?
શું પ્રીતિ અજયને જોવા જશે હોસ્પિટલ?
શું હશે હસમુખભાઈની સ્તુતિ અને પ્રીતિ સાથેની મુલાકાત? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻