અજય કોલેજ પહોંચી જ ગયો હતો. સ્તુતિને મળવા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો. આજ સમય પણ એનો થંભી ગયો હતો. એક એક મિનિટે એ ઘડિયાળમાં જોઈ રહ્યો હતો. અજયની જાણ મુજબ ૮:૧૫થી એની કોલેજ શરૂ થઈ જતી હતી. એ આઠ વાગ્યે જ કોલેજ પહોંચી ગયો હતો. આવનાર દરેકને અજય જોઈ રહ્યો હતો. સ્તુતિ એની સખી સાથે ચાલતી કોલેજ આવી રહી હતી. એ સ્તુતિને જોઈ જ રહ્યો, ખરેખર પ્રીતિ જેવી જ દેખાય રહી હતી. સ્તુતિને ખ્યાલ પણ નહોતો કે, એના પપ્પા આવ્યા છે. એ તો એની સખી સાથે વાતો કરતી મસ્ત પોતાની ધૂનમાં જ જઈ રહી હતી. અજય સામેથી આવી રહ્યો હતો પણ સ્તુતિ ને એ આમ અચાનક આવ્યો તો ખ્યાલ જ ન આવ્યો કે એ એના પપ્પા છે. એ તો કોલેજ નો સમય થઈ ગયો હતો તો ઉતાવળે જઈ જ રહી હતી. અજયના મોઢામાંથી સ્તુતિ ઉચ્ચાર નીકળ્યો પણ અવાજ મનમાં જ રૂંધાયેલ રહ્યો. એક ડૂમો ગળામાં ભરાય ગયો. પોતાની જ દીકરી એના જ પપ્પાને ઓળખી નહોતી શકી! બસ, એજ દર્દનો ડૂમો અજયના અવાજને દબાવી ગયો હતો. પણ આજ અજયને સ્તુતિ સાથે વાત કરવી જ હતી. સ્તુતિ અજયને પસાર કરી કોલેજના દાદરા ચડવા લાગી હતી. અજયે જાણે પોતાનો જ જીવ સાચવવો હોય એમ પ્રયાસ કરતો સ્તુતિના નામનો સાદ કર્યો હતો. સ્તુતિએ જે દિશામાંથી અવાજ આવ્યો તે તરફ નજર કરી હતી. વ્યથિત ચહેરો, કાળાધોળા મિશ્રિત અવ્યવસ્થિત વાળ અને કેટલાય અફસોસની વેદના જરતી આંખો... સ્તુતિને આ આંખો જાણતી લાગી હતી. એ ક્ષણિક સ્તબ્ધ થઈ ગઈ, એ પોતાના પપ્પાને આજ વર્ષો બાદ જોઈ રહી હતી. શું બોલવું શું ન બોલવું એ કંઈ સમજી જ ન શકી! એની સખી બોલી, કોણ છે આ ભાઈ? સ્તુતિ બોલી તું જા હું એમને મળીને આવું છું. સખીને થયું હશે કોઈક.. એ કોલેજમાં જતી રહી હતી. સ્તુતિ અજય તરફ વળી, એની પાસે આવીને બોલી,
"તમે મને બોલાવી?"
"હા" અજય જાણી ગયો કે સ્તુતિ એને ઓળખી જ ગઈ છે.
"કેમ, મારુ શું કામ પડ્યું? કેમ મને બોલાવવાની જરૂર પડી?" સ્તુતિ સેજ ઉઘ્ધતાઇથી બોલી.
"બેટા. મારે તારી સાથે થોડી વાત કરવી છે."
"જલ્દી બોલો મારે કોલેજ માટે મોડું થાય છે."
"મોડું તો મેં ખુબ કરી નાખ્યું છે. એની જ માફી માંગવા હું આવ્યો છું."
"માફી?? કંઈ કંઈ વાતની માંગશો? ગર્ભવતી મારી મમ્મીને ઠુકરાવી એની.. કે મારો પિતા નો હક, મારુ આખુ કુટુંબ.. મારુ દાદા દાદી સાથેનું બાળપણ મેં ન માણ્યું એની? કે મારી આજ દિવસ સુધીની બધી જ ફરજ ન નિભાવી એની? મિસ્ટર ગજજર સાહેબ તમે તમારી પત્ની એટલે કે મારી મમ્મીને ભર જવાની અનેક પરેશાનીઓ વચ્ચે એકલી જજુમવા મૂકી એની?" સ્તુતિના અવાજમાં ગુસ્સો છલકી ઉઠ્યો હતો.
"મારી એ દરેક ભૂલની કે જે મેં કરી છે. બધી જ વાતની માફી માંગવી છે. મને હવે સમજાઈ રહ્યું છે કે મેં કેટલું ખોટું કર્યું છે. હું એ અફસોસમાં પારાવાર પીડાય રહ્યો છું. તું જે ઈચ્છે એ સજા પણ આપી શકે છે. પણ બેટા હવે હું આ અફસોસ સાથે નથી રહી શકતો મને માફ કરી દે બેટા. હું તારા મોઢેથી તું પપ્પા કહીને બોલાવે એ સાંભળવા તડપી રહ્યો છું."
"મિસ્ટર ગજજર સાહેબ આટલા વર્ષોની અમારી તકલીફ, મારી પીડા, મમ્મીએ જે એકલતામાં ઉઠાવી એ બધી જ તકલીફ પાછી બદલી શકશો? મમ્મીની જવાની પાછી લાવી શકશો? મારુ બાળપણ લાવી શકશો? હું જયારે મારા મિત્રોને એમના પપ્પા સાથે જોતી ત્યારે જે મને તકલીફ થતી એ હું જ જાણું છું. આજે પણ તમે સ્વાર્થી થઈ ને આવ્યો છો. મિસ્ટર ગજજર સાહેબ મેં મારા જીવનમાં ફઈનો કોઈ લાવો જ નહીં મેળવ્યો, ન મારુ ફુયારું આવ્યું કે ન ક્યારેય મને એ મળવા આવ્યા, હું તો મારા એ બંને ભાઈને પણ મળી નથી. બધા જ વેકેશનમાં કાકા કે ફઈનાં ઘરે જાય મારે તો એ લાવો પણ ન રહ્યો. મિસ્ટર ગજજર સાહેબ તમે શું શું મારુ ગુમાવેલું પાછું અપાવી શકશો? મારે મારા જીવનમાં તમારી જરૂર હતી ત્યારે તમે ક્યારેય આવ્યા જ નહીં, હવે તમને જરૂર પડી એટલે તમે આવ્યા! મારા જીવનમાં મેં કોઈને નફરત કરી છે તો એ ફક્ત એક જ વ્યક્તિ છે અને એ તમે છો."
"ના બેટા હું ભૂતકાળને તો પાછો નથી જ બદલી શકવાનો પણ હા, ભવિષ્યમાં જરૂર સાથ આપી શકીશ જો તું મને માફ કરીને મારી સાથે બાકીનું જીવન જીવી શકે તો.."
"કોઈ જ આશા ન રાખતા મિસ્ટર ગજજર સાહેબ... આનાથી વધુ આગળ કંઈ જ ન બોલતા.. અને રહી માફીની વાત તો એ તમે મારી પાસે નહીં પણ મારા નાના, નાની અને મમ્મીની માંગો. મારા નાના અને નાનીએ જે સાથ આપ્યો છે એ સાથમાં જ મેં મારો પરિવાર જીવ્યો છે. તેમ છતાં મારા તરફથી તમને હું માફ કરું છું પણ હા, મને તમારા માટે જે નફરત છે એ તો જીવનભર રહેશે જ. માફી મારા મમ્મીની માંગો મારી નહીં, એમણે આખું જીવન એકલું મારે માટે વેડફ્યું છે, ઘણી વખત મેં મમ્મીના તકિયાને એમના આંસુઓથી લથપથ જોયો છે. જાવ તમે એમની માફી માંગો. મારે કોલેજ માટે ખુબ મોડું થાય છે. હું જાવ છું. મિસ્ટર ગજજર સાહેબ એક વાત કહું, જો મમ્મી માફ કરી દે ને તો સમજજો કે એક પત્નીએ નહીં પણ એક મા એ તમને માફ કરી છે. સમજ્યા મિસ્ટર ગજજર સાહેબ.." ગુસ્સો ઠાલવતા કોઈ જ જવાબ સાંભળ્યા વગર સ્તુતિ લેક્ચર માટે કોલેજ તરફ વળી હતી.
અજય ત્યાંથી વિરુદ્ધ દિશામાં નીકળ્યો. અજયના મગજમાં 'મિસ્ટર ગજજર સાહેબ' એ શબ્દો જ ગુંજી રહ્યા હતા. આસપાસની બધી ચહલપહલ ની અજયને ભાન નહોતી. એક કાર અજયને જોર જોર થી હોર્ન મારી રસ્તા વચ્ચેથી દૂર હટવા કહી રહી હતી પણ અજય સાવ સુધબુધ ખોઈ બેઠો હતો. સ્તુતિ એકદમ હોર્નના અવાજ સાંભળીને અચાનક પાછળ ફરીને જોયું. સ્તુતિના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ, પપ્પા.... અજય પપ્પાના સાદ ભર્યા અવાજે પાછળ ફર્યો એને કારની કોઈ જ ભાન નહોતી, એ પાછળ ફર્યો અને કારે અજયને અડફેટે લઇ જ લીધો. અજય જોરથી ઊછળીને પડ્યો, અને ત્યાંજ પડી રહ્યો. ટક્કર મારેલી કાર તો સડસડાટ જતી રહી હતી. સ્તુતિ એકદમ દોડતી પાછી આવી. એણે જોયું કે, પપ્પાને માથામાંથી લોહી વહી રહ્યું હતું. અજય સંપૂર્ણ ભાનમાં નહતો પણ એને આછું જાખું દેખાય રહ્યું કે, સ્તુતિ પપ્પા..પપ્પા બોલી રહી હતી. અજયની આંખ હવે બંધ થઈ ગઈ હતી. અચાનક સ્તુતિની આંખમાંથી આંસુ સરવા લાગ્યા હતા. એ એકદમ ઘાંઘી થઈ ગઈ હતી. આસપાસ ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. એક સર સ્તુતિને જોઈને ત્યાં પોતાની કાર લઈને આવ્યા અને એમને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા.
સ્તુતિએ રસ્તામાંથી જ નાનાને ફોન કરીને કીધું કે, "પપ્પાનું એક્સીડંટ થયું છે અને હું તથા મારા સર ગોકુલ હોસ્પિટલ જઈ રહ્યા છીએ. નાના તમે મમ્મીને લઈને આવો મેં એ ચિંતા કરે એટલે કંઈ કીધું નથી. તમે આવો એટલે બધી જ વાત કરું."
"હા, બેટા હું આવું જ છું. તું ચિંતા ન કરીશ. ગોકુલમાં મારો મિત્ર છે એને કહીને બધી ફોર્માલિટી અને ડોક્ટરને બોલાવી લેવા કહું છું."
શું સ્તુતિનો અજય પરનો ગુસ્સો ઓગળી જશે?
શું હશે પ્રીતિના આટલા વર્ષો બાદ અજયને આ સ્થિતિમાં જોઈને હાલાત? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻