Chori Chori - Review in Gujarati Film Reviews by Jyotindra Mehta books and stories PDF | ચોરી ચોરી (૧૯૫૬) – રીવ્યૂ

Featured Books
Categories
Share

ચોરી ચોરી (૧૯૫૬) – રીવ્યૂ

ફિલ્મનું નામ : ચોરી ચોરી     

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : એલ. બી. લછમન 

ડાયરેકટર : અનંત ઠાકુર   

કલાકાર : રાજ કપૂર, નરગીસ, પ્રાણ, ગોપ, ભગવાન, જોની વોકર, ડેવિડ, મુકરી અને રાજસુલોચના

રીલીઝ ડેટ : ૧૯૫૬

        ૧૯૩૪ ની અમેરિકન ફિલ્મ ‘ઈંટ હેપન્ડ વન નાઈટ’ ઉપરથી પ્રેરિત ( ઉઠાંતરી પણ કહી શકાય કારણ પ્લોટમાં બહુ બદલાવ નથી કરવામાં આવ્યો.) ફિલ્મ ચોરી ચોરીનું ભારતીયકરણ   યોગ્ય રીતે કર્યું હોવાથી ૧૯૫૬ ની ફિલ્મોની કમાણીમાં આ રોમેન્ટિક કોમેડી (આજની ભાષામાં કહીએ તો રોમકોમ) ત્રીજે સ્થાને રહી હતી.

        મદ્રાસની કંપની એ.વી.એમ. એ આ ફિલ્મનાં બે ગીતોને તે સમયે રંગીન બનાવ્યાં હતાં અને બાકી ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ હતી. પાછળથી આ ફિલ્મને મુગલ-એ-આઝમની જેમ રંગીન બનાવવામાં આવી. અત્યારે યુટ્યુબ ઉપર જે ફિલ્મ જોઈ તે સંપૂર્ણ રંગીન હતી.

        સાવ અજાણ્યા દિગ્દર્શક અનંત ઠાકુરે આ ફિલ્મમાં વખાણવાલાયક કામ કર્યું છે. તેના નામ ઉપર ચાર ફિલ્મો બોલે છે અને ચોરી ચોરી છોડી દઈએ તો બે હિન્દી ફિલ્મો બી ગ્રેડની છે અને એક મરાઠી ફિલ્મ બનાવી છે.

        ફિલ્મની વાર્તા જોઈએ લઇએ. કમ્મો (નરગીસ) કરોડપતિ સેઠ ગિરધારીલાલ (ગોપ) ની મોઢે ચડાવેલી એકની એક દીકરી છે.(કરોડપતિ બાપની દીકરીનું નામ સાવ આવું!) તે છેલબટાઉ પાઈલટ સુમન કુમાર (પ્રાણ) ને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. ગિરધારીલાલ સારી રીતે જાણે છે કે સુમન કુમારને કમ્મો નહિ, પણ તેના પૈસા સાથે પ્રેમ છે તેથી તેનો વિરોધ કરે છે. દીકરી ભાગી ન જાય તે માટે તેને બોટની કેબીનમાં બંધ કરી દે છે. જીદે ચડેલી કમ્મો બોટ ઉપરથી પાણીમાં છલાંગ લગાવીને ભાગી જાય છે. તે મદ્રાસમાં છે અને હાથમાં પહેરેલી વીંટી વેચીને કપડાં ખરીદે છે અને સુમન કુમારના ઘરે ફોન કરવા માટે પોસ્ટ ઓફિસમાં જાય છે. (તે સમય સુધી મોબાઈલ કે એસ. ટી. ડી. આવ્યા નહોતા, આ તો ફક્ત જાણ ખાતર) ત્યાં તેને ભટકાય છે સાગર (ધ ગ્રેટ રાજ કપૂર) જે ફોન ઉપર પોતાના એડિટર (રાજ મેહરા) સાથે વાત કરતો હોય છે. સાગર મુશ્કેલીથી ફોન મુકે છે પછી કમ્મો ફોન કરે છે ત્યારે તેને ખબર પડે છે કે સુમન કુમાર બેંગ્લોરમાં છે. કમ્મો બેંગ્લોર જવા માટે બસ પકડે છે અને ત્યાં પણ સાગરનો ભેટો થાય છે જે એડિટરને મળવા માટે બેંગ્લોર જતો હોય છે. તે બંને વચ્ચે તું.. તું. મેં.. મેં થાય છે. સાગર લેખક છે અને સારી વાર્તા લખવાનો પ્રયત્ન કરતો હોય છે.

ગિરધારીલાલે કમ્મોની ખબર આપનાર માટે સવા લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હોય છે. તે ઇનામ મેળવવાની લાલચે રિક્ષા ડ્રાઈવર ભગવાન (એક સમયનો સુપર સ્ટાર ભગવાન દાદા) પોતાની પત્ની (રાજસુલોચના) સાથે કમ્મોને શોધવા ભટકી રહ્યો હોય છે. વચ્ચે બસ અડધા કલાક માટે રોકાય છે અને કમ્મો બસમાંથી ઉતરી જાય છે. ભગવાન અને તેની પત્ની બસ પાસે પહોંચે છે અને ભગવાન ભૂલથી બીજી સ્ત્રીનો હાથ પકડી લે છે જેને લીધે તેણે માર ખાવો પડે છે. ભગવાનના હાથમાંથી પડેલું અખબાર સાગરના હાથમાં આવે છે. સાગરને કમ્મોની હકીકત ખબર પડે છે અને પોતે લેખકને સાથે પત્રકાર હોવાથી સુમન કુમાર સારો માણસ નથી એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. પ્રેમમાં અંધ કમ્મો તેની વાત કાને નથી ધરતી.

પહેલી બસ છૂટી જાય છે અને બીજી બસમાં તેમનો પ્રવાસ આગળ વધે છે. બેંગ્લોર પહોંચતાં સુધીમાં પરિસ્થિતિ બદલાઈ જાય છે. જીદ્દી અને અકડુ કમ્મોમાં બદલાવ આવી જાય છે. સાગર અને કમ્મો મનોમન એકબીજાને પ્રેમ કરવા લાગે છે અને એક ઘટના એવી બને છે જેનાથી બંને છુટ્ટા થઇ જાય છે.

કમ્મો ઘરે આવે છે ત્યાં સુધીમાં તેનાં અને સુમન કુમારના લગ્નની પત્રિકા છપાઈ ચૂકી હોય છે. બનેલી ઘટનાને લીધે કમ્મો પણ સુમન કુમાર સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ જાય છે અને ........

સફરની વાર્તા કહેતી આ ફિલ્મ એકદમ લાઈટ ટોનવાળી છે અને આ ફિલ્મમાં એક નહિ પણ અનેક હાસ્ય કલાકાર છે. ભગવાન દાદા, જોની વોકર, મુકરી, ગોપ. (જો કે તેને ભાગે ઓછી કોમેડી આવી છે.) દક્ષિણની અભિનેત્રી રાજસુલોચના પણ આ ફિલ્મમાં કોમેડી રોલમાં છે અને ભગવાન દાદાને બરાબરની ટક્કર આપે છે. આમ તો તેનું મૂળ નામ રાજીવલોચના હતું, પણ સ્કુલમાં તેનું નામ ભૂલથી રાજસુલોચના ;લખવામાં આવ્યું અને આગળ પણ તે જ રહ્યું. તે સારી ક્લાસિકલ ડાન્સર પણ હતી. તેણે ત્રણસોથી વધુ તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં ડાયલોગ બોલવામાં દક્ષિણની છાંટ વર્તાઈ જાય છે.

ભગવાન દાદા અને જોની વોકરને ફાળે એક એક ગીત આવ્યું છે અને તેમાં બંને ધમાચકડી મચાવે છે. રાજ કપૂર અને નરગીસે પણ આ ફિલ્મમાં સારી કોમેડી કરી છે. તે બંનેની કેમિસ્ટ્રીની ચર્ચા તો પહેલાંથી જ હતી. આ ફિલ્મમાં પણ બંનેએ જોરદાર જોડી જમાવી છે. મુખ્ય હીરો અને હિરોઈન તરીકે આ જોડીની છેલ્લી ફિલ્મ હતી. ત્યાર પછી આવેલી ‘જાગતે રહો’ માં નરગીસ માત્ર મહેમાન કલાકાર તરીકે આવી હતી.

જદ્દનબાઈની દીકરી નરગીસ અદ્ભુત કલાકાર હતી તે બાબત કોઈ પણ શંકા નથી. આ ફિલ્મમાં ઘણા બધાં સીનમાં તે રાજ કપૂરને પણ ઝાંખા પાડી દે છે. ફૂંક મારીને આગળના વાળ ઉડાડવાની નરગીસની આ ફિલ્મની સ્ટાઈલને બાદમાં ઘણી બધી હિરોઈનોએ કોપી કરી છે.

વીતેલા જમાનાના કોમેડોયન ગોપને ભાગે આ ફિલ્મમાં બાપનો રોલ મળ્યો હતો એટલે થોડી માપમાં કોમેડી કરવી પડી છે. યાકુબ સાથે જોડી જમાવીને તેણે એક જમાનામાં ફિલ્મી પડદે તરખાટ મચાવ્યો હતો.

આ ફિલ્મ ચાલવા પાછળ જો કોઈ કારણ હોય તો એકદમ પ્રવાહી અને મનને મોહી લે એવી વાર્તા, કલાકારોનો અભિનય અને તેનાં ગીતો. આ ફિલ્મના સંગીત માટે કલ્યાણજી આણંદજીને ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. નરગીસ અને રાજ કપૂર ઉપર ચિત્રિત થયેલ દરેક ગીત જોવું અને સંભાળવું ગમે એવું છે.

‘પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મેં’, ‘જહાં મેં જાતી હું વહાં ચલે આતે હો’, ‘આ જા સનમ મધુર ચાંદની મેં હમ’, ‘યે રાત ભીગી ભીગી યે મસ્ત હવાએ’ લતા દીદી અને મન્ના ડેએ ગાયેલાં આ યુગલ ગીતો આજે પણ ચીરયુવા છે. ‘રસિક બલમાં, દિલ કયું લગાયા’ ગીત ગાવામાં અઘરું છે, પણ સાંભળવામાં બહુ મધુર છે. સાયી અને સુબ્બાલક્ષ્મી બહેનોના અદ્ભુત નૃત્યવાળા ગીત ‘મનભાવન કે ઘર જાયે ગોરી, ઘૂંઘટમેં શરમાયે ગોરી’ માં લતા દીદી અને આશા ભોંસલે બહેનોએ પણ ચમત્કાર સર્જ્યો છે. કોમેડી ગીતો ‘ઓલ લાઈન ક્લીયર’ અને ‘સવા લાખ કી લોટરી’ રફી સાબને ફાળે ગયાં છે. (એક જમાના જોની કા ભી થા.)

જબરદસ્ત ફિલ્મ હોવા છતાં કેટલીક ભૂલો રહી ગઈ છે. સફર શરૂ કરતી વખતે રાજ કપૂર પાસે બે બેગ અને નરગીસ પાસે એક બેગ હોય છે, પણ અંત સુધીમાં રાજ કપૂર પાસે એક જ બેગ રહી જાય છે. (બેગો જાય તો જાય ક્યાં!). બસ અડધો કલાક ઉભી રહે ત્યાં તો નરગીસ ગીત ગાવા જતી રહે છે. સુમનકુમારને ખબર છે એક કમ્મો તેના માટે બેંગ્લોર આવી રહી છે તો પણ એ મદ્રાસ જતો રહે છે. તે તરત મદ્રાસ પહોંચી જાય છે, પણ કમ્મો બેંગ્લોર નથી પહોંચતી.

મહેશ ભટ્ટે બનાવેલી પોતાની દીકરી પૂજા ભટ્ટ અને આમીર ખાનને ચમકાવતી ‘દિલ હૈ કી માનતા નહિ’ એ ચોરી ચોરીની નબળી કોપી હતી તો પણ તે સુપર હીટ થઇ હતી. ગોપ તો આ ફિલ્મમાં કાબુમાં રહ્યો હતો, પણ અનુપમ ખેર ‘દિલ હૈ કી માનતા નહિ’ માં કાબુમાં નહોતો રહ્યો અને પોતાની સૌથી ભંગાર કોમેડી કરી હતી.

નરગીસ અને રાજ કપૂરના ચાહકો માટે આ ફિલ્મ એકદમ મસ્ત.   

         

સમાપ્ત.