Bhejabaaj -the murder mystery in Gujarati Crime Stories by Sagar Mardiya books and stories PDF | ભેજાબાજ - ધ મર્ડર મિસ્ટ્રી

Featured Books
  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

Categories
Share

ભેજાબાજ - ધ મર્ડર મિસ્ટ્રી

ભેજાબાજ
(ધ મર્ડર મિસ્ટ્રી
)

ડીસેમ્બર માસ અડધો વિતી ચૂક્યો હતો. ગત વર્ષમાં પડેલ અતિશય વરસાદની અસર જાણે વર્તાઈ રહી હોય તેમ સમગ્ર શહેર ઠંડાગાર બની ગયું હતું. ફૂલગુલાબી ઠંડીમાં દિવસે સૂર્યદેવના તાપનો સહારો મળી રહેતો અને રાત પડતા તાપણાનો સહારો લેવો પડતો.

16ડીસેમ્બરની મધ્યરાત્રીનો સમય હતો. મંદ મંદ ઠંડો પવન લહેરાઈ રહ્યો હતો. શહેરની પોલીસચોકીના વરંડામાં હવાલદારો તાપણું કરી ગરમાગરમ ચાની લહેજત માણતાં વાતોએ વળગ્યા હતા. એક હવાલદારની વાત સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા. તેવામાં ટેલીફોન રણકી ઉઠ્યો. એક હવાલદાર ચાનો કપ નીચે મૂકી ફટાફટ અંદર ગયો.

રીસીવર ઉઠાવતા કહ્યું, “હેલ્લો, અલકાપુરી પોલીસચોકી.”
સામેથી કહેવાયેલ વાતને ધ્યાનપૂર્વક સાંભળી વિનુ હવાલદારે કહ્યું, “ઠીક છે, અમે જલ્દી જ પહોચીએ છીએ. બીજી વાત વસ્તુ જેમ છે તેમ જ રાખવી. કોઈ વસ્તુનો સ્પર્શ કરવો નહિ.” જરૂરી સૂચન આપી રીસીવર ક્રેડલ પર મુક્યું.

ફરી રીસીવર ઉઠાવી એક કોલ જોડ્યો.

***
સામે જ આદર્શનગરનું બોર્ડ દેખાયું. સોસાયટીમાં સાયરનનો અવાજ સંભળાતા તમામ પાડોશીઓ એક બાજુ ખસી ગયા. જીપમાંથી બહાર આવીને ઈ.દેસાઈએ એક ઘર તરફ નજર નાંખી. બે હવાલદાર સાથે ઈ.દેસાઈ અંદર પ્રવેશ્યા. માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી હતી. મોં રૂમાલથી ઢાંકી ઈ.દેસાઈ લાશની એકદમ નજીક ગયા. બોથડ પદાર્થથી માથું છુંદી નાખ્યું હતું જેના કારણે લાશ કોની છે તે નક્કી કરવું અશક્ય હતું. બંને હવાલદારને ઘરમાં તપાસ કરવાનો આદેશ આપી દેસાઈએ ગલ્વ્ઝ પહેરી લાશના ખિસ્સા તપાસ્યા. ખિસ્સામાંથી નીકળેલ કાગળિયાં જોયા અને એક પોલીથીન બેગમાં મૂકી દીધા.

“સર, ઘરમાં બધું વ્યવસ્થિત પડ્યું છે.” એક હવાલદારે બહાર આવતા કહ્યું.

“શંકાસ્પદ લાગે તેવી કોઈ વસ્તુ મળી?”

“ના સર.”

“સર,વોર્ડરોબમાં પણ બધું વ્યવસ્થિત જ પડ્યું છે. આ મોબાઈલ મળ્યો.” કહેતા વિનુ હવાલદારે ઈ.દેસાઈના હાથમાં મોબાઈલ આપ્યો.

“વોર્ડરોબમાં બધી વસ્તુ વ્યવસ્થિત છે મતલબ ખૂન ચોરીના ઈરાદે તો નથી જ થયું તો પછી ખૂનીનો ઈરાદો શું હોઈ શકે?...” ઈ.દેસાઈ બોલતા બોલતા અટકી ગયા અને કંઇક વિચારી લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવાનો આદેશ આપ્યો.

ઈ.દેસાઈએ બહાર આવી જે વ્યક્તિએ પોલીસસ્ટેશને કોલ કરી જાણ કરી હતી તેની પૂછપરછ કરી.

જીપ તરફ જતા ઈ.દેસાઈ બોલ્યા, “ઠીક છે. વધુ માહિતી કે કેસને લગતી મદદની જરૂર પડશે તો પોલીસસ્ટેશને બોલાવીશું.”

પેલાએ જવાબમાં માત્ર ડોક હલાવી.

***

“વિનુ, પોસ્ટમાર્ટમ રીપોર્ટનું શું થયું?” ફાઈલ જોતા જોતા ઈ.દેસાઈએ પૂછ્યું.

“સર, રીપોર્ટ આવી ગયો છે.”

“તો મને ક્યારે આપીશ? કેસની ફાઈલ બંધ કરી દઈએ ત્યારે.”

ઈ.દેસાઈના વ્યંગને પારખી ગયો હોય તેમ વિનુએ ખિસ્સામાંથી એક કાગળ કાઢી આપતા બોલ્યો, “સર, હજુ હમણા જ હું રીપોર્ટ લઈને આવ્યો. તમને આપું તે પહેલા તમે રીપોર્ટ વિષે પૂછ્યું.”

“ઠીક છે.” કહી વિનુના હાથમાંથી રીપોર્ટ લઈને જોવા લાગ્યા.

આખો રીપોર્ટ ધ્યાનપૂર્વક વાંચી બોલ્યા, “મૃતક અંકુશની કોલડીટેલ ચેક કરી?”

“હા સર.” એક કાગળ ઈ. દેસાઈ આગળ ધરતાં કહ્યું, “આ એક નંબર પર તેણે છેલ્લે વાત કરેલી.”

“તે વિષે કોઈ માહિતી મળી?”

“તે નંબર અત્યારે બંધ આવે છે અને તેનું લાસ્ટ લોકેશન અહીંયાંથી આઠ કિલોમીટર દૂરનું બતાવવામાં આવે છે.”

ઘડીભર વિચાર કરીને ઈ.દેસાઈ બોલ્યા, “તે લાસ્ટ લોકેશન પર જઈ તપાસ કર અને તે વ્યક્તિ ક્યાં રહે છે? તેની તમામ ડીટેલ કાલ સાંજ સુધીમાં જોઈએ.”

વિનુ હકારમાં ડોક હલાવી ચોકીની બહાર નીકળી ગયો.”

ઈ.દેસાઈએ અંકુશના નેબર પાસેથી મળેલ માહિતીને ફરી યાદ કરી મગજને કસરત કરાવવાનું ચાલુ કર્યું.

અંકુશ તેના પરિવાર સાથે આદર્શનગર સોસાયટીમાં ચાર-પાંચ વર્ષ પહેલા જ રહેવા આવેલ. થોડા વર્ષો પહેલાં અંકુશના મમ્મીનું અવસાન થયું. પરિવારમાં માત્ર પિતા જ રહ્યાં. તેના પિતા સિક્યુરીટીગાર્ડ તરીકે નાઈટ ડ્યુટી કરતા. બાળપણથી જ એકદમ જિદ્દી સ્વભાવનો અંકુશ માંડ સાત ધોરણ ભણીને એક કારખાનામાં કામે ચડી ગયો. વાતવાતમાં ગુસ્સે થઇ જતા અંકુશને ઘણા કારખાનેદાર થોડા દિવસોમાં જ પાણીચું પકડાવી દેતા.

જેવો સંગ તેવો રંગ જેવો અંકુશ સાથે ઘાટ ઘડાયો હતો. સિગારેટ અને દારૂની લતના કારણે તે ઘણીવાર શું કરી બેસતો તેનું પણ ભાન ન રહેતું. તેવામાં એક દિવસ તેના મિત્ર સાથે એક નજીવી બાબતે ઝઘડો થયો. ગરમ મિજાજના અંકુશે પોતાનાં મગજ પરનો અંકુશ ગુમાવ્યો અને તેના મિત્રનું જ દારૂની બોટલ વડે મર્ડર કરી નાખ્યું.

ઈજ્જ્તભર જીવનના પચાસ વર્ષ ગાળેલા પિતાનું પુત્રના જેલવાસને કારણે જીવન અંધકારમય બની ગયું. ખૂની દીકરાના પિતા હોવાનું લેબલ તેના હદયને પારાવાર પીડા આપી રહ્યું હતું. બીજી તરફ જેલમાં રહેલ અંકુશને શેર માથે સવાશેર મળતા થોડી શાન ઠેકાણે આવી ગયેલી.

પુત્રના કારણે પિતાની નોકરી પણ છુટ્ટી ગઈ. લોકોના વાક્બાણોથી પીડાતું શરીર એક રાતે શાંત પડી ગયું. જેલમાં જાણ થતા અંકુશને પંદર દિવસની પેરોલ પર છોડવામાં આવ્યો. જેલમાંથી છૂટ્યા બાદ શાંતિપૂર્વક તમામ વિધિ પતાવી એક પુત્ર તરીકેની ફરજ નિભાવી. જિંદગીના એક સહારારૂપ પિતાને ગુમાવ્યા બાદ તે ગુમસુમ રહેવા લાગ્યો.

એક દિવસ બાજુમાં રહેતા પાડોશીને દુર્ગંધ આવતા તેને શંકા ગઈ. ત્રણ-ચાર દિવસથી અંકુર પણ ન દેખાવાના કારણે લાગ્યું કે તેના ઘરમાં જ કંઇક અજુગતું બન્યું છે. પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે પ્રાથમિક તપાસ પતાવી બોડી પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવી.

###

તમામ ઘટનાને તાજી કર્યા બાદ દેસાઈ સાહેબે બંને આંખો ચોળી ટેબલ પર પડેલ પાણીનો ગ્લાસ ઉઠાવી એક ઘૂંટડે ખાલી કર્યો.

પોસ્ટમાર્ટમ રીપોર્ટ પ્રમાણે પહેલા ગળું દબાવવામાં આવેલ છે. બાદમાં લાશના ચહેરાને બોથડ પદાર્થ વડે છુંદી નાખવામાં આવ્યો. આવી બર્બરતા આચરનાર ખૂની કોણ છે? તેના હજુ કોઈ નક્કર પુરાવા ન મળવાને કારણે આ વાત મીડિયામાં ખૂબ ચગી અને પોલીસ પર માછલા ધોવાયા.

ઈ.દેસાઈ પણ કોઈ કડી છૂટી ન જાય તેની તકેદારી રાખી કેસની નાનામાં નાની બાબતોને ચકાસવા લાગ્યા. ઘરની તપાસ, પડોશીઓની પૂછપરછ અને કોલ રેકોર્ડ જેવી તમામ બાબતો વારંવાર દોહરાવવા લાગ્યા.

અથાગ પ્રયત્નના અંતે પોલીસને આખરે સફળતા મળી.

ઘણા મહિનાઓની દોડધામ અને રાત-દિવસની મહેનત રંગ લાવી. પોલીસ સ્ટાફમાં સૌ જાણવા આતુર હતા કે ઈ.દેસાઈએ આ કેસ સોલ્વ કઈ રીતે કર્યો? અને ખૂની પકડાયો કઈ રીતે?

પત્રકાર પરીષદમાં પોલીસ કમિશ્નર રાઠોડ સાહેબે સૌનું અભિવાદન કરી દેસાઈ સાહેબને કેસ સોલ્વ વિશેની તમામ બાબતની વિગતો જણાવવા કહ્યું.

કમિશ્નર સાહેબનો આભાર માની ઈ.દેસાઈએ વાત કરવાની શરૂઆત કરી.

પોસ્ટમાર્ટમ રીપોર્ટ અને અંકુશના મોબાઈલ ફોન પરના છેલ્લા એક કોલ સુધીની વાત જણાવી ઊંડો શ્વાસ લીધો.

“અંકુશના કોલ રેકોર્ડમાં મળેલ એક નંબરની માહિતી પોલીસ માટે એક નવું આશાનું કિરણ લઈને આવ્યું.”

ઈ.દેસાઈએ ધીમેથી વાતની શરૂઆત કરી.

“તે નંબરની તપાસ કરતાં એટલી માહિતી મળી કે તે હાલમાં નબર અવેલબલ નથી. અને તેનું લાસ્ટ લોકેશન શહેરથી આઠ કિલોમીટર દૂર બતાવતું હતું. તે જગ્યાની તપાસ કરવામાં આવી અને તે વ્યક્તિની પણ કે જેમની સાથે અંકુશે છેલ્લીવાર વાત કરેલી. તે વ્યક્તિ વિશેની માહિતી મેળવ્યા બાદ તેની શોધખોળ શરૂ થઇ. શોધખોળ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો. અંકુશ સાથે વાત કરનાર વ્યક્તિ તે દિવસથી ગુમ હતો જે દિવસે અંકુશની હત્યા કરવામાં આવેલી.

પોલીસનો શક હવે હકીકતમાં બદલાઈ ગયો. અંકુશનો ખૂની હત્યા કરી ફરાર છે તેમ માની તેની તલાશ શરૂ થઇ. આ તપાસ ચાલુ હતી તે દરમિયાન બીજા જીલ્લાની પોલીસચોકીમાંથી માહિતી મળી કે, ‘અંકુશને તે જીલ્લાના એક ગામડામાં એક વ્યક્તિએ જોયો છે.’ “ ઝટકારૂપ સાબિત થયેલ સમાચારથી ઘડીભર માટે બધા સ્તબ્ધ થઇ ગયા. આખા હોલમાં પિન્ડ્રોપ સાઈલેન્સ છવાઈ ગયો. એકબીજાના શ્વાસની ગતિ સંભળાય તેવી શાંતિમાં બધા અધ્ધર શ્વાસે આગળની વાત જાણવા આતુર હતા.

પાણીનો ઘૂંટડો ભરી ખોંખારો ખાઈને ગળું સાફ કરીને ઈ.દેસાઈએ બોલવાની શરૂઆત કરી. “ અંકુશની બાતમી આપનાર યુવક થોડાદિવસ પહેલા જ ગામડે ગયેલો. તેણે અંકુશને જોયો અને ન્યુઝપેપરમાં વાંચેલ ઘટના યાદ આવી અને પોતાનું નામ ન આવે તે રીતે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી.

તાત્કાલિક ધોરણે અંકુશને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો અને તેની આકરી પૂછપરછ કરવામાં આવી. થોડી આનાકાની કર્યા બાદ રિમાન્ડની વાત સાંભળી એણે આખરે વટાણા વેરી દીધા.

દારૂ અને સિગારેટના વ્યસનવશ અંકુશ જેલમાં અકળામણ અનુભવવા લાગ્યો હતો. ગમે તે રીતે બહાર આવવા માંગતો હતો તેમાં પિતાના મૃત્યુના સમાચાર મળ્યા એ તેના માટે ‘દોડવું હતું અને ઢાળ મળ્યો.’ જેવો ઘાટ થયો. પેરોલ પર છુટ્યા પછી ફરી જેલમાં ન જવું પડે તે માટે એક યોજના ઘડી.

એક યુવક અંકુશની નજરે ચડ્યો. તેની જેમ શરીરે સપ્રમાણ છે તે તમામ બાબતો ચકાસી અને મિત્રતા કેળવી લીધી. આખરે પોતાનાં નાપાક ઈરાદાને અમલમાં મૂક્યો. અંકુશે તેના મિત્રનો સહારો લીધો. શહેરથી આઠ કિલોમીટર દૂર તે યુવકને બોલાવી ગળું દબાવી તેની હત્યા કરી ચહેરો ઓળખાય નહી તે માટે પથ્થર વડે તેનો ચહેરો છુંદી નાખ્યો.

પોલીથીન બેગમાં લાશ વીંટાળી અડધી રાતે કોઈ જુએ નહી તે રીતે પોતાનાં ઘરના બેડરૂમમાં વચ્ચોવચ્ચ ગોઠવી દીધી. પોતાના ડોક્યુમેન્ટ લાશના ખિસ્સામાં મૂકી અંકુશે ઘરને લોક કરી શહેરથી દૂર એક ગામડાંમાં છૂપી રીતે રહેવા લાગ્યો.” આટલું બોલી ઈ,દેસાઈએ ઊંડો શ્વાસ લીધો.

“પોતાની જાતને ભેજાબાજ માનનાર અંકુશ આખરે પકડાઈ ગયો અને તેની કબૂલાત બાદ તેને મદદ કરનાર તેનો મિત્ર પણ પકડાઈ ગયો.” ચહેરા પર હળવું સ્મિત ફરકાવતા આગળ દેસાઈ સાહેબ આગળ બોલ્યા, “ગુનેગાર ચાહે ગમે તેવો ભેજાબાજ હોય, પરંતુ તે એક નાનકડી ભૂલ તો કરે જ છે. એ જ ભૂલ અંકુશે કરી. લાશને ઘરમાં છોડીને જતી વેળાએ તેનો મોબાઈલ ઘરમાં જ રહી ગયો. અને આખરે તે જેલના સળિયા પાછળ ફરી પહોંચી ગયો.”

આખો હોલ તાળીઓના નાદથી ગુંજી ઉઠ્યો અને સૌ ઈ.દેસાઈને અભિવાદન પાઠવવા લાગ્યા.

*સમાપ્ત*