Love you yaar - 25 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 25

Featured Books
Categories
Share

લવ યુ યાર - ભાગ 25

સાંવરી પણ જરા હસવાના મૂડમાં હતી તો તે પણ કહેવા લાગી કે, "એઈ માય ડિયર મીતુ, શું તું એમ માને છે કે, નેક્સ્ટ જનમમાં હું ફરીથી તારી પત્ની બનીશ ?"
મીત થોડી વાર માટે વિચારમાં પડી ગયો કે, સાંવરી શું બોલી રહી છે? પરંતુ સાંવરીએ તો બોલવાનું કન્ટીન્યુ રાખ્યું હતું કે, "નેક્સ્ટ જનમમાં હું છોકરો બનીશ છોકરો અને તારે છોકરી બનવાનું છે કારણ કે, તું અત્યારે મારો બોસ છે તેમ આવતા જનમમાં હું તારી બોસ બનવાની છું ઓકે..? એટલે કે હું તારો પતિ બનીશ અને તારે મારી પત્ની બનવાનું છે.. ઓકે..? "
મિતાંશ: ઓકે બાબા ઓકે.. લે અત્યારે તારી પત્ની બની જવું.. અને મિતાંશ માથે ઓઢીને પત્ની બનવાની એક્ટિંગ કરવા લાગ્યો.. અને બંને જણાં ખડખડાટ હસી પડ્યા.

બે દિવસ પછી સાંવરીના મમ્મી અને પપ્પા સાંવરી અને મિતાંશના લગ્ન માટેની તારીખ જોવડાવવા માટે મિતાંશના ઘરે ગયા અને બરાબર એક મહિના પછીની તારીખ નક્કી કરવામાં આવી. સાંવરી અને મિતાંશ બંને ખૂબજ ખુશ હતા.

બસ, પછી તો સાંવરી અને મિતાંશની બંનેની લગ્નની ખરીદી ચાલુ થઈ ગઈ હતી.
એક દિવસ ઘરે જ્વેલરી બતાવવા માટે જ્વેલર્સવાળા આવતાં તો એક દિવસ સાડીઓ બતાવવા માટે સાડીઓના શો રૂમવાળા આવતાં આમ, સાડીઓની અને જ્વેલરીની ખરીદી ચાલી રહી હતી.

મિતાંશના પપ્પાએ ધામધૂમથી મિતાંશના લગ્ન માટે પોતાની ફાઈવ સ્ટાર ક્લબમાં આયોજન કર્યું હતું પરંતુ મિતાંશને આ વાતની જાણ થતાં જ એ જ દિવસે રાત્રે તેણે પોતાના મમ્મી પપ્પાને અને સાંવરીને પોતાની સામે બેસાડીને એક વિનંતી એવી કરી કે, " ડેડ મારે આ લગ્નમાં ખોટો ખર્ચ કોઈ કરવો નથી, આ લગ્નમાં આપ જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવાના છો તે બધાજ પૈસા મારે આપણાં શહેરની કેન્સર હોસ્પિટલમાં દાન કરવા છે અને મારા જેવા કેન્સરથી પીડાતા જે માણસો છે કે જેમની પાસે કેન્સરની ટ્રીટમેન્ટ કરવાના પૈસા નથી તેમની સારામાં સારી રીતે ટ્રીટમેન્ટ થઈ શકે અને તે બચી જાય તેવું હું ઈચ્છું છું. માટે આ બધાજ પૈસા મારે કેન્સર હોસ્પિટલમાં દાન કરી દેવા છે અને સાદાઈથી લગ્ન કરી લેવા છે. "

મિતાંશની વાત સાંભળીને તેનાં મમ્મી પપ્પા તો ચોંકી જ ઉઠ્યા અને સાંવરી તો આ વાત માત્રથી ખૂબજ ખુશ થઈ ગઈ કારણ કે, લંડનમાં પોતાની ઉપર અને મિતાંશની ઉપર જે વિત્યું હતું તે દર્દ તે સારી રીતે સમજી શકતી હતી અને માટે જ તે પણ ઈચ્છતી હતી કે, કેન્સરની ટ્રીટમેન્ટ કરવા માટે પૂરતા પૈસા ન ધરાવતા લોકોને પોતાના પૈસે સારામાં સારી ટ્રીટમેન્ટ મળી શકે તે ખૂબ જરૂરી છે.

પરંતુ મિતાંશના પપ્પાની ઈચ્છા મિતાંશના લગ્ન આ રીતે કરવાની બિલકુલ ન હતી તેથી તે થોડા નિરાશ થઈ ગયા અને તેમણે આમ કરવાની બિલકુલ ના પાડી દીધી કારણ કે, તેમની વાત પણ સાચી હતી કે મિતાંશ તેમનો એકનો એક દીકરો માત્ર હતો અને તેને પણ જો બિલકુલ સાદાઈથી પરણાવી દેવામાં આવે તો પોતે બીજાનાં ત્યાં જઈ આવ્યા હોય અને પોતાને ત્યાં કોઈને ન બોલાવે તેવું થાય. પરંતુ મિતાંશ પોતાની વાત ઉપર અડગ જ હતો અને સાંવરીએ પણ મિતાંશની વાતમાં પોતાની પૂરેપૂરી સંમતિ આપી હતી. મિતાંશના મમ્મી અલ્પાબેન શું કરવું તે વિચારમાં પડી ગયા હતા.

હવે કઈ રીતે મિતાંશ અને સાંવરીના લગ્ન થશે તે આપ સૌએ નક્કી કરીને મને પ્રતિભાવ આપવાનો છે તો આપ સૌની શું ઈચ્છા છે તે મને ચોક્કસ જણાવવા વિનંતી 🙏.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/9/23