પ્રીતિના જીવનમાં સ્તુતિનું મેડીકલમાં એડમિશન લીધા બાદ ખુબ સુંદર બદલાવ આવ્યો હતો. એ એકદમ નિશ્ચિન્ત થઈ ગઈ હતી. હવે એ ખુબ સારું ધ્યાન લેખનની દુનિયામાં આપી શકતી હતી. પરેશભાઈને પણ લેખનનો ખુબ શોખ હતો જ એ જોબ માંથી નિવૃત થયા એટલે એમણે આધ્યાત્મિક લેખનમાં વધુ ઊંડાણ પૂર્વક લખવાનું શરૂ કર્યું હતું. ગીતા ઉપનિષદને પોતાના સરળ શબ્દોમાં લખીને ચોપડી પણ છપાવી હતી. આમ પ્રીતિ એના પપ્પાથી પ્રેરાઈને પણ ખુબ લખવા માટે ઉત્સાહિત રહેતી હતી. પ્રીતિ ઓનલાઇન ઘણી સ્પર્ધામાં પણ ભાગ લેતી અને એની રચનાને ઇનામ પણ મળતું હતું. અમુક સામાહીકમાં એના લેખ અને નવલક્થા આવતા હતા. પ્રીતિને અમુક સંસ્થા તરફથી સ્ટેજ શો માટે પણ બોલાવવામાં આવતી હતી. પ્રીતિની મોટા ભાગની સ્પીચ મહિલામાં જાગૃતિ લાવવા માટે અને એમના પર થતા શોષણની સામે બળવો પોકારવા તથા તેમના હકને મેળવવા કેમ સફળ થવું એનું જ્ઞાન આપતી હતી. સ્તુતિની સાથોસાથ પ્રીતિનું જીવન પણ ખુબ સફળતા તરફ આગળ વધી રહ્યું હતું. સમય ખુબ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. સ્તુતિનું મેડિકલનું એક વર્ષ પૂરું થવા આવ્યું હતું. સ્તુતિ ભણવામાં તો ખુબ જ હોશિયાર હતી જ સાથોસાથ બધું જ મેનેજમેન્ટ પણ સારી રીતે કરી શકે એવી અન્ય બાબતોમાં પણ સક્ષમ હતી. સ્તુતિની કોલેજના એન્યુઅલ ફંકશનની સંપૂર્ણ કામગીરી કોલેજના ડીન એ સ્તુતિ પર મૂકી હતી. એ પ્રોગ્રામના એન્કરિંગની સ્પીચ પણ સ્તુતીએ જાતે જ બનાવી હતી. કહેવાય છે ને કે, મોરના ઇંડાને ચીતરવા ન પડે! એ કહેવત સ્તુતિને સરસ લાગુ પડતી હતી.
પ્રીતિના એન્યુઅલ ડે ના પ્રોગ્રામના દિવસે જ સવારે પ્રીતિને પણ એ સ્ટેજ શો માં જવાનું હતું. આ સ્ટેજ શો માં પ્રીતિએ ખુબ સરસ સ્પીચ આપી હતી. ઘરે આવીને એ સીધી ઊંઘી જ ગઈ હતી. સ્તુતિ મમ્મીને જોવા આવી એમને અતિશય કામના લીધે થાકના લીધે અચાનક ખુબ તાવ આવી ગયો અને અતિશય ઠંડી પણ પડતી હતી. સ્તુતીએ મમ્મીને દવા આપી અને આરામ કરવા કહ્યું હતું. તેમ છતાં પ્રીતિ ધરારથી ઉભી થઈ રહી હતી કે સ્તુતિના પ્રોગ્રામના સ્તુતિ સાથે જઈ શકે. સ્તુતિએ કીધું મમ્મી આ પ્રોગ્રામ ટીવીની લોકલ ચેનલમાં લાઈવ આવે છે. પણ તું અત્યારે આરામ કર એક બે દિવસમાં સીડી પણ આવી જશે તું ત્યારે જોઈ લેજો. અંતે એ ક્ષણ આવી જ ગઈ, સ્તુતિએ મમ્મીને લેપટોપ પર સીડી લગાવીને એને પોતાનો પર્ફોમ કરેલ પ્રોગ્રામ જોવા બેસાડી હતી.
**************************
પ્રીતિ ફક્ત વાંચક ના એક જ પ્રશ્નના લીધે અમુક જ કલાકોમાં ફરી એનો આખો દર્દભર્યો ભૂતકાળ એ જીવી આવી. પ્રીતિ ના આંખમાંથી આંસુઓની ધાર વરસવા લાગી હતી. ઘણા વર્ષો બાદ આજ ફરી એ પોતાની જાતને સાચવવા સક્ષમ નહોતી. એને પાણી પીવું હતું પણ ભૂતકાળની એ ઘટનાઓએ સાવ નબળી પાડી દીધી હતી. બેડ પાસે જ રહેલ બોટલ સુધી પણ એ હાથ લાંબો કરી શકે એટલી પણ હિમ્મત એનામાં નહોતી.
તે અને તારી યાદોએ ફક્ત પીડા જ આપી છે,
તે સપ્તરંગી મારા જીવનને રંગહીન સોગાત આપી છે,
છીનવીને મારા પ્રેમની ક્ષણો એકલતા આપી છે,
દોસ્ત! જન્મોજન્મના ઋણાનુબંધી સબંધને માત આપી છે.
પ્રીતિ એ બાજુમાં સુતેલી સ્તુતિનો ચહેરો જોયો અને એક ગજબ એનામાં જુનુન જાગ્યું. હું જ જો સક્ષમ ન હોવ તો સ્તુતિની શું સ્થિતિ થાય! મારા મનમાં સ્તુતિ સિવાય કંઈ જ ન હોવું જોઈએ. એક જ ક્ષણમાં બધા જ વિચારો એણે ખંખેરી નાખ્યા. લગભગ આખી બોટલનું પાણી એ પી જ ગઈ હતી. મોબાઈલ હાથમાં લીધો અને સમય જોયો. વહેલી સવારના ચાર વાગી ગયા હતા. પ્રીતિનું શરીર ખુબ જ થાકી ગયું હતું, એણે ઊંઘવાનો પ્રયાસ કર્યો અને થોડી વારમાં એને ઊંઘ આવી ગઈ હતી.
**************************
અજયે વેજ ગ્રીલ સેન્ડવીચ અને ચા નો નાસ્તો કર્યો હતો. સવારથી કંઈ જ ખાધું નહોતું આથી ખાવું જોઈએ એ હેતુથી ખાધું હતું. ખાવાની એની ઈચ્છા બિલકુલ નહોતી પણ પપ્પાના શબ્દોને માન આપી ખાઈ લીધું હતું. અજય હવે પોતાના પપ્પાની અહેમિયત સમજવા લાગ્યો હતો. આથી જ એ હાજર નહોતા છતાં એમના શબ્દોને માન આપી રહ્યો હતો. હા, ખુબ બદલાવ એના વ્યક્તિત્વમાં આવી ગયો હતો. એને ઊંઘ તો બસમાં કરી જ હતી, આથી સમય પસાર કરવા એ ટીવી ચાલુ કરીને જોવા લાગ્યો. મન તો સ્તુતિને મળવા માટે બેચેન હતું આથી કોઈ જ પ્રોગ્રામમાં ચિત્ત ચોંટતું નહોતું. અજય એક પછી એક ચેનલ ફેરવી રહ્યો હતો. અચાનક લોકલ ચેનલ આવી એમાં પ્રીતિ સ્ટેજ પર સ્પીચ આપી રહી હતી. આ ફોટો એણે ચાર દિવસ પહેલા સ્તુતિએ ફેસબુજ પર મુક્યો હતો ત્યારે જોયો હતો. અજય પ્રીતિ જે આત્મવિશ્વાસથી બોલી રહી હતી એ સાંભળીને દંગ રહી ગયો હતો. હંમેશા શાંત અને માપનું જ બોલનાર પ્રીતિ, સાંભળનારના મનમાં પોતાના શબ્દોની છાપ પાડી દે એમ બોલી રહી હતી. અજય પ્રીતિને આજ વર્ષો બાદ બોલતા સાંભળી રહ્યો હતો, અને સાંભળતો જ રહીં ગયો હતો. પ્રીતિ ખુબ બદલાયેલી દેખાય રહી હતી. અજયના માનસપટલ પર એ વર્ષો પહેલાની જ પ્રીતિ હતી, પણ સમયની સાથે ખુબ પરિવર્તન પ્રીતિના શબ્દોમાં છલકતું અજય જોઈ રહ્યો હતો. અજયે ટીવીનો અવાજ થોડો વધાર્યો અને એ સ્પીચ સાંભળવા લાગ્યો હતો.
પ્રીતિના શબ્દો કંઈક આવા હતા, "દીકરીઓ ઘરની લક્ષ્મી છે અને એને એ જ રહેવા દો, દહેજ દેવાની કે દીકરીના લગ્ન સમયે સામેથી રૂપિયા માંગવાની પ્રથાને બંધ કરો. તમે મા થઈ ને જો દીકરીને વહેંચશો તો તમે જ એનું મૂલ્ય ઘટાડો છો. એ અમૂલ્ય એવી લક્ષ્મી છે. દહેજ લઈ કે આપીને એનું મૂલ્ય ન આંકો. આમ કરી પરણાવવી એના કરતા પોતાના ઘરે જ એને શાંતિથી જીવવા દો. દીકરીને એના જીવનમાં સુખી કરવા ભણાવો, અને એને પોતાના પગભર બનાવો. દુનિયા ઘણી આગળ નીકળી ગઈ છે, તમે ફક્ત તમારા વિચાર તો બદલો એ દીકરી એની પરિસ્થિતિ ખુદ બદલી લેશે. અને એ વાતની મારી પુરી ખાતરી કે, એ ક્યારેય માતાપિતાને અડચણ રૂપ નહીં જ બને. અસંખ્ય મનમેદની પ્રીતિની સ્પીચ સાંભળી રહી હતી. એના આ છેલ્લા વાક્ય વખતે તો ખુબ તાળીઓનો ગડગડાટ સંભળાઈ રહ્યો હતો. પ્રીતિએ પોતાનો અવાજ થોડો વધુ મોટો કરી કહ્યું, પ્લીઝ મને આ તાળીઓનો ગડગડાટ નથી જોતો. જો ખરેખર મારી વાતને માન્ય રાખતા હોવ તો તમે તો આ પ્રથા બંધ કરો જ પણ તમારા સમાજમાં કે આડોશપાડોશમાં કદાચ આવું થતા જોવ તો એમને સમજાવો એજ મારુ ખરું માન રહેશે. મારુ માનવું છે જ કે, જો માતાપિતાને પોતાની દીકરીની કિંમત ન હોય તો દુનિયા એની કિંમત નથી કરતી. દરેક મા આ વાતને સમજે તો મોટાભાગનું થતું સ્ત્રીઓનું શોષણ બંધ થઈ જશે. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન નહીં પણ હમદર્દ બને તો દુનિયામાં કોઈ ની તાકાત નથી કે એનું શોષણ કરી જાય." ફરી તાળીઓનો અવાજ ગુંજી ઉઠ્યો હતો.
અજય પહોળી આંખે એના હાવભાવ અને બુલંદી અવાજના પડકારને સાંભળીને વિચારમાં પડી ગયો, પ્રીતિ ખરેખર આટલી બદલી ગઈ છે તો એણે કેમ હજુ મારી સાથેના સબંધને તોડ્યો નથી? ત્યાં જ ટીવીમાં નીચે ફરી રહેલ માહિતીની પટ્ટીમાં વક્તાના નામમાં ફક્ત ર્ડો. પ્રીતિ જ વાંચ્યું. અજયને એનો જવાબ તરત જ મળી ગયો હતો.
શું પ્રીતિની સ્પીચ સાંભળીને અજય સ્તુતિને મળવા જશે?
પ્રીતિ, સ્તુતિ અને અજયનું કેવું હશે આગળનું જીવન જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻