પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૯૫
‘મા, બેગમાં શું હશે એ વિચારીને મને પણ ચિંતા થવા લાગી છે.’ રચના એમને નજીક આવતા જોઈ ધીમેથી બોલી.
‘બેટા, ભગવાનને પ્રાર્થના કે આપણાંને મુશ્કેલીમાં ના મૂકે દે... આપણે ખોટું તો કર્યું છે પણ એમને સબક શીખવવા માટે કે કોઈના માટે ખરાબ કરશો તો એ તમારું બૂરું જ ઇચ્છશે.’ મીતાબેન ફુસફુસાતા અવાજે પ્રાર્થી રહ્યાં.
લખમલભાઇને બેગ લઈને આવતા જોઈ ડર સાથે અનેક સવાલ રચનાને સતાવવા લાગ્યા હતા:‘શું લખમલભાઇએ કોઈ માણસને અમારી પાછળ રાખ્યો હશે? એણે કંપનીના કાગળિયા મેળવી લીધા હશે? મેં મોબાઈલ કંપનીને બંધ કરવા જે કારસ્તાન કર્યા છે એની ખબર પડી ગઈ હશે? મેં નકલી પાર્ટસ મંગાવ્યા હતા એનો ભાંડો ફૂટી ગયો છે? પોતે લખમલભાઈને જ નહીં આરવને મોં બતાવવાને લાયક રહેશે નહીં?’
લખમલભાઇ નજીક આવી ગયા હતા. એ બેગને બાજુમાં મૂકીને બોલ્યા:‘આ બેગ તારા માટે છે... તું અત્યારે જ કંપની પર લઈ જજે...’
‘મારા માટે? એમાં શું છે?’ રચના ધડકતા દિલથી નવાઈ પામીને પૂછી રહી. એને મનમાં થયું કે અત્યારે જ કંપની પર લઈ જવાનું શું કારણ હશે?
‘એમાં રોકડ રકમ છે... તમારી કંપની હમણાં આર્થિક સંકટમાં છે. મોબાઇલનું વેચાણ પૂરતું થઈ રહ્યું નથી. ક્યાંયથી ઉછીના- ઉધાર મળી રહ્યા નથી. આ રકમ તમે ચૂકવીને પહેલાં કંપનીને બચાવી લો. કંપની તમારી હશે તો આગળ ધંધો કરી શકશો. કંપની જ નહીં રહે તો તમે શું કરશો? નવા ધંધામાં આવું બધું થયા કરે. મુશ્કેલીઓ આવ્યા કરે... ગભરાવાનું નહીં...’ લખમલભાઇ આશ્વાસન આપતાં બોલ્યા.
‘પપ્પા, તમને આરવે કહ્યું કે અમારે તકલીફ છે. તમે મદદ કરો?’ રચનાએ નવાઈથી પૂછ્યું.
‘ના-ના, એણે મારી પાસે મદદ માગી નથી. એ અવારનવાર મારી સલાહ લેવા આવે છે. હું એને મદદ કરવા માગું છું પણ ચાહું છું કે એને ખબર ના પડે...’ લખમલભાઇને પુત્રની ચિંતા હતી એ ઝલકતી હતી.
રચનાને લાગતું હતું કે હવે કોઇની મદદ મળવાની નથી. કંપની બંધ થઈ જશે. પણ લખમલભાઇ અજાણતાં જ એમના પરિવારના તારણહાર બનીને આવ્યા છે. એ બોલી:‘પપ્પા, તમારી પાસે પણ રૂપિયા નહીં હોય. તમારી મૂડી જોખમમાં મૂકશો તો ભવિષ્યમાં તકલીફ પડશે... અમે ગમે તેમ કરીને કંપની બચાવી લઈશું.’
‘મારી પાસે આ રૂપિયા છે એ શું કામના? તમે હેરાન થાવ એના કરતાં ઉપયોગ તો થાય ને? મારો આરવ સ્વમાની છે. એ મારી પાસેથી મદદ લે એવો નથી. તારે કહેવાનું કે હું ઉછીના લઈ આવી છું... સમય આવે જરૂર પડે તો એને જણાવીશ. તું મારી આટલી મદદ કરજે...’ લખમલભાઇ લાગણીથી બોલ્યા.
રચના ગૂંચવાઈ ગઈ હતી. એ નહોતી ઇચ્છતી કે પોતાની જ મોબાઈલ કંપનીને મદદ મળે. પણ લખમલભાઇ એને મજબૂર કરી રહ્યા હતા. એની પાસે અત્યારે કોઈ વિકલ્પ દેખાતો ન હતો. એ બોલી:‘પપ્પા, ઠીક છે. હું આરવને જણાવીશ નહીં.’
‘આભાર બેટા!’ બોલીને લખમલભાઇ હાથ ઊંચો કરી આશીર્વાદ પણ આપી રહ્યા.
‘પપ્પા, આભાર તો અમારે માનવાનો હોય. તમે તો ઘરનાં છો.’ રચના પોતાની ચાલ ઊંધી પડતાં દિલથી આંચકો અનુભવતી હતી પણ મોં પર ખુશી વ્યક્ત કરતી બોલી.
‘જુઓ, આ રૂપિયા તમારી કંપનીને ઊગારવા આપ્યા છે. હું તમને બીજી એક વાત પણ કરવાનો છું. એ મારા અને તમારા માટે બહુ મહત્વની છે...’ લખમલભાઇ ગંભીર થઈને બોલ્યા.
‘મહત્વની બીજી કઈ વાત છે?’ મીતાબેન નવાઈ પામીને બોલ્યા.
‘એ વાત રણજીતલાલ સાથે સંકળાયેલી છે. બહુ મોટું રહસ્ય જાણવા મળ્યું છે...’ લખમલભાઇ ખૂબ ઉત્સાહથી બોલી ઉઠ્યા.
‘રણજીતલાલ વિશેની વાત? કયું રહસ્ય? એમના મોત સાથે એ સંકળાયેલું છે?’ મીતાબેન જાણવા આતુર થઈ ગયા.
‘હા. પરંતુ હવે અત્યારે મારી પાસે બહુ સમય નથી. એ લાંબી વાત છે. હવે હું તમારા ઘરે બહુ જલદી આવીશ અને શાંતિથી કરીશ... અત્યારે આરવની કંપનીને બચાવવાનું કામ પહેલું કરવાનું છે.’ કહી રણજીતલાલ ઊભા થયા.
‘જરૂર આવજો... જલદી આવજો...’ મીતાબેન રણજીતલાલ વિશે જાણવા ઉત્સુક થઈ રહ્યા હતા.
લખમલભાઇ ગયા પછી રચના અને મીતાબેન થોડીવાર માટે અવાક જેવા થઈ ગયા હતા.
‘રણજીતલાલ વિશે એમની પાસે શું માહિતી હશે?’ મીતાબેન પૂછી રહ્યા.
‘ખબર પડતી નથી.’ રચના ગૂંચવાઈ હતી.
ક્રમશ: