અરે માળિયા પરથી બંબો ઉતાર. કાળો થઈ ગયો છે. દિવાળી પર એકવાર ઘસીને સાફ કરવો પડે!
કામવાળી બાઈનું મોઢું બગાડ્યું પણ ઘસ્યા વગર છૂટકો ન હતો. બંબો ઉતાર્યો અને આમલી તેમજ પાવડર લઈ ઘસવા લાગી. જો કે હવે આવા સંવાદો સાંભળવા બહુ મળતા નથી.
માનસી સાસુમાની વાત સાંભળી રહી. આજે રજાનો દિવસ હતો. ઘરે હતી એટલે સાસુમાની વાત સાંભળ્યા વગર છૂટકો પણ ન હતો. તેને મનમાં થયું આના કરતા તો નોકરી સારી. આરામથી ખુરશીમાં બેસીને કામ કરવાનું. હવે જોકે આવા સંવાદ સાંભળવા મળતા નથી.
કેટલી દિવાળી જોઈ? ન ગણીએ તો પણ ભૂલી ન શકાય. ઊંઘમાં પણ આ સવાલનો જવાબ ક્યારેય ખોટો નથી હોતો. બસ દિવાળી આવીને ગઈ. કંઈ પ્રાપ્ત કર્યું ખરું. કે પછી આપણે ત્યાંના ત્યાં જ રહ્યા. બાળપણમાં દિવાળી ઉજવતાં ત્યારે ફટાકડા, નવા કપડાં, મસ્ત મજાનું ખાવાનું અને સહુને પગે લાગીને પૈસા મેળવવાના. આનંદ અને ઉમંગ સઘળે જણાતા. બાળપણની અલ્લડતા સાથે એ બધું બંધબેસતું હતું.
હવે સમયનું ચક્ર સાથે, જિંદગીની મંઝિલ તય કરતા દિવાળી વિશેના ખ્યાલ સદંતર બદલાઈ ગયા. ઉમર વધી, જવાની હાથતાળી દઈ નીકળી ગઈ. અરે હવે તો બાળકો ભરજુવાનીમાં પ્રવેશી ગયા. પૌત્ર અને પૌત્રીઓથી ઘરનું આંગણું કિલકિલાટ કરી રહ્યું છે.
નથી લાગતું દિવાળી વિશે, અનોખી નવીન નજરે જોઈને વિચારીએ. “હું”, હવે ગૌણ થઈ ગયો. ખરું પૂછો તો તેનું નામોનિશાન ભૂંસાઈ ગયું. જીવન તરફની દૃષ્ટિ અર્થપૂર્ણ બની. બીજાને માટે, કુટુંબને માટે, સમાજને માટે કંઈ કરી છૂટવાની ભાવના પાંગરી રહી. હા, દિવાળીનો આનંદ જરૂર થાય. બાળકો ફટાકડા ફોડે તે જોવાનો લહાવો લૂંટીએ. કોઈ બાળકને પિતા ફટાકડા લાવી શકે તેવી સ્થિતિમાં ન હોય તો તેને ફટાકડા અપાવી આનંદ અનુભવીએ. આપણી અગલ બગલ વસતા લોકોને મીઠાઈ અને કપડાં આપી તેમની દિવાળી સુધારીએ.
હજુ તો ગયા વર્ષે આખું આંગણું અને ઘર દિવાળીના દીવડાથી શણગાર્યું હતું. જ્ઞાન દીપ જલાવ્યો અને પ્રકાશ રેલાવ્યો. અજ્ઞાનના દીપ તિમિર સંગે ઓગાળ્યા. મનોમન નક્કી કર્યું દર દિવાળીએ એક ડગ આગળ વધવું. વળી પાછી એ કસમ તાજી કરી. ઈર્ષા અને દ્વેષને દેશવટો આપ્યો. પ્યાર સહુને આપી ખુશ થવું.
દિવાળીના દિવસોમાં થોડી અંતર ખોજ કરીને જોઈએ કે દર વર્ષે આપણે પ્રગતિ તરફ થોડા આગળ વધીએ છીએ કે પછી ‘ઠેર ના ઠેર’. વાણી અને વર્તન સુધારીએ. બીજાના દોષ જોવાની વૃત્તિ પર લગામ લગાવો !
દર વખતે પરિસ્થિતિમાં ઉતાર ચઢાવ આવે ત્યારે ‘લમણે હાથ મૂકી બેસી જવું. હવે છોડો આ બધું. બહુ થયું. હોંશે હોંશે દિવાળીનો મંગલ તહેવાર ઉજવીએ. ઘરમાં તિમિર હટાવવા દીવાને પ્રગટાવીએ. ‘અંતરના તિમિર હટાવવા નાનીશી દીવી દિલમાં જલાવીએ’.
ચારે તરફ ફેલાતી મંગલની મહેક માણીએ. કુટુંબમાં પ્રેમ છૂટે હાથે સહુને આપી ખુશ રહીએ. દિવાળી મંગલ અને આનંદમય તહેવાર છે. આપણે તે જોવાને ભાગ્યશાળી બન્યા તેના માટે સર્જનહાર નો આભાર માનીએ.
અહીં અમેરિકામાં તો આપણા ભાઈ બહેનો સુખી છે ! ભારતના મિત્રોને યાદ કરી તેને કાજે અહીથી કશું એવું કામ કરીએ જેથી તેમની દિવાળી પણ સરસ રીતે ઉજવાય ! દેશની રક્ષા કાજે ખુવાર થયેલા “જવાનો”નાં કુટુંબ,બાળકો, પત્ની, માતા તથા પિતાને યાદ કરી આપણાથી બનતી સહાય કરી તેમને દિવાળીના ઉમંગમાં સામેલ કરીએ.
દિવાળી એટલે અસત્ય પર સત્યનો વિજય. દીવડાં તિમિર નાશક છે. તેમાં પ્યારનું તેલ પૂરી સ્નેહની વાટ બનાવી સમજણનો પ્રકાશ રેલાવીએ. નાનેરા નાસમજ હોઈ શકે મોટેરાં દિલની ઉદારતા દર્શાવે.
દિવાળીનો પર્વ ખૂબ આનંદમય છે. ગત વર્ષનું સરવૈયું કાઢી જમા અને ઉધાર પાસા નીરખીએ ! ભૂલનું પુનરાવર્તન ન થાય તેના માટે સજાગ બનો. લક્ષ્મીનું ઉપાર્જન સન્માર્ગે હશે તો કુટુંબમા સુખ અને શાંતિ રેલાશે. દિવાળીના પર્વ નિમિત્તે જરૂરથી કોઈની આંતરડી ઠારવી. નૂતન વર્ષ સહુનું લાભદાયી નીવડે. સહુને નવા વર્ષના અભિનંદન.
દિવાળી આવી દિવાળી આવી નવા વર્ષની વધાઈ લાવી
*****