Marriagenu Maanbajar in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | મેરેજનું માનબજાર

Featured Books
Categories
Share

મેરેજનું માનબજાર

મયંકભાઈના દીકરાના લગ્ન ધામધૂમથી ઉજવાઈ રહ્યા હતા. અશોકભાઈ અને તેમના પત્ની કાંતાબેન ટેક્સીમાંથી ઉતર્યા ને બેઉની આંખો પહોળી થઈ ગઈ. મયંકભાઈના ફાર્મ હાઉસને ભવ્ય રીતે સજાવેલું હતું. વિશાળ ઊંચું એન્ટ્રન્સ, રંગબેરંગી ફૂલોની વેલો, રોયલ મોરોક્કન થીમનું ડેકોરેશન અને ચમકતા સોનેરી ઝુમ્મરોથી લગ્નનો મંડપ શોભી રહ્યો હતો. લાંબા પેસેજમાં પાથરેલી ગુલાબી જાજમ ઉપર ચાલતાં ચાલતાં કાંતાબેને અશોકભાઈને કહ્યું,

“મે નહોતું કહ્યું? ઇન્વિટેશન કાર્ડ જ આટલું મોંઘુ હોય, એના લગ્ન તો કેવા હશે!”

“એકના એક દીકરાના લગ્નમાં ખર્ચો તો કરે જ ને! કેવો સરસ મંડપ બનાવ્યો છે.” અશોકભાઈએ ઉમેર્યું.

સામે એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપર આખો લગ્ન સમારોહ લાઈવ દેખાતો હતો. એન્ટ્રી ઉપર પ્રોફેશનલ ફોટોગ્રાફરના કેમેરા સામે આમંત્રિત મહેમાનો સ્માઈલ આપીને ફોટો પડાવતા હતા. અશોકભાઈ અને કાંતાબેન પણ ફોટો પડાવીને આગળ ગયાં. જોયું તો અત્તરના સુગંધી વાતાવરણ વચ્ચે મયંકભાઈ અને તેમના પત્ની મહેમાનોને આવકારતાં હતાં. અશોકભાઈને જોતાં જ મયંકભાઈએ હાથ જોડીને કહ્યું, “આવો આવો અશોકભાઈ. કેમ છો ભાભી? પ્લીઝ કમ!” અશોકભાઈની છાતી ટટ્ટાર થઈ ગઈ. “બહુ ભલા માણસ છે મયંકભાઈ. અમારા જૂના ક્લાયન્ટને, હું ઓળખું એમને. કંપનીમાં દરેક માણસને સાચવે. અને મોટા મોટા લોકો સાથે ઊઠવા બેસવાનું.” અશોકભાઈએ ગર્વથી કાંતાબેનને કહ્યું. બેઉ પતિ-પત્ની લગ્નના મંડપ પાસે આવ્યાં. ત્યાં મયંકભાઈનો યંગ ભત્રીજો રોહિત અશોકભાઈ પાસે આવ્યો અને કહ્યું, “નમસ્તે અંકલ! આવો, અહીં સોફા ઉપર બેસો. તમારા માટે ડ્રિન્ક્સ મોકલાવું.” અશોકભાઈ રૂઆબભેર વી.આઈ.પી. સોફાની વચ્ચોવચ લગ્નને માણવા બેઠા. કાંતાબેનને લગ્નની વિધિ જોવામાં રસ નહોતો. એ તો ઊભાં ઊભાં બીજી ગૃહિણીઓ સાથે સાડીઓ અને ઘરેણાંની વાતોમાં મશગૂલ થઈ ગયાં.

થોડી વારમાં જીલ્લાના સબ-ઇન્સ્પેક્ટર લગ્નમાં આવ્યા. રોહિતે આવીને અશોકભાઈને કહ્યું, “અંકલ, પ્લીઝ, તમે સહેજ બાજુના સોફામાં બેસશો? સબ-ઇન્સ્પેક્ટર આવ્યા છે, એમને અમારે અહીં બેસાડવા પડશે!” અશોકભાઈ “હા સ્યોર!” કહીને ખસી તો ગયા પણ અંદર એમને થોડું ખૂંચ્યું કે “ખસેડવાનું હતું તો આગળ બેસાડ્યો શું કામ?”. હજુ થોડી વાર બેઠાં હશે ત્યાં શેઠ ઝવેરચંદ લક્ષ્મીચંદ આવ્યા. રોહિતના કહેવાથી અશોકભાઈને બીજી હરોળમાં બેસવું પડયું. એટલામાં પાછા કલેકટર સાહેબ લગ્નમાં પધાર્યા. રોહિતે ફરીથી રિક્વેસ્ટ કરીને અશોકભાઈને ત્રીજી હરોળમાં બેસાડ્યા! મનોમન અશોકભાઈને થયું કે “આ કેવા મૂર્ખ લોકોને ત્યાં આવી ગયો, મને ઓળખતા નથી?”. ત્યાં જ એક વેઈટર ભાતભાતના કોલ્ડ ડ્રિન્ક્સની ટ્રે લઈને આવ્યો અને અશોકભાઈના હાથમાં ‘સ્વીટ સનરાઈઝ’ મોકટેલનો ગ્લાસ આપ્યો. પણ અશોકભાઈનો ચહેરો તો દીવેલ પીધું હોય એવો ઝાંખો પડી ગયો હતો. મીઠાં પીણામાં તેમને કોઈ સ્વાદ ના લાગ્યો!

થોડી વાર થઈ ત્યાં તો બધા લોકો મંડપ છોડીને બહાર એન્ટ્રન્સ તરફ ધસી ગયા. અશોકભાઈએ ફરીને જોયું તો બહાર ચિફ મિનિસ્ટર સાહેબની ચાર મોટી ગાડીઓ એન્ટર થઈ. મયંકભાઈની દીકરી સી.એમ. સાહેબના ઘરે પરણાવી હતી. આગળ મિનિસ્ટર સાહેબ અને પાછળ એમના દસ-બાર કમાન્ડોઝ ગાડીમાં આવતા હતા. મિનિસ્ટર સાહેબનું હાર પહેરાવીને સ્વાગત કર્યું અને ખુદ મયંકભાઈ તેમને લઈને મંડપમાં આવ્યા અને વર-વહુને મળાવ્યા. પછી સૌથી આગળના સોફામાં વચ્ચે માનભેર સી.એમ. સાહેબને બેસાડ્યા. એમની આજુ-બાજુ, આગળ-પાછળ કમાન્ડો ભાઈઓએ વગર પૂછ્યે જગ્યા કરી લીધી. રોહિતે દૂરથી ઇશારો જ કર્યો ને અશોકભાઈ તરત ઊઠીને છેલ્લે ખુરશીમાં બેસી ગયા જ્યાંથી એમને ફરી કોઈ ઉઠાડી ન શકે.

કાંતાબેન વાતોથી પરવારીને અશોકભાઈ પાસે આવ્યા, “હું ક્યારની તમને ત્યાં સોફામાં શોધું છું, ને તમે અહીં ક્યાંથી આવી ગયા?” કાપો તો લોહી ના નીકળે એવી અશોકભાઈની સ્થિતિ હતી, પણ કાંતાબેન તો પોતાની મસ્તીમાં હતાં. “ચાલો હવે, બહુ ભૂખ લાગી છે. મે સાંભળ્યું કે જમવાનું બહુ ટેસ્ટી છે. અહીં મેનુમાં ખાલી ઇન્ડિયન નહીં, જાપાનીઝ, પેન એશિયન, થાઈ, મોરોક્કન બધા દેશોની વાનગીઓ છે.” એમ કહેતાં કાંતાબેન અશોકભાઈને ખેંચીને જમવા લઈ ગયાં. પણ અશોકભાઈની ભૂખ તો મરી ગઈ હતી. “મને માથું બહુ દુઃખે છે. આપણે જમીને તરત નીકળી જઈશું” કહીને અશોકભાઈ પરાણે જમવા ગયા. લગ્નમાં આવતી વખતે ટટ્ટાર દેખાતા અશોકભાઈ ઢીલાઢસ થઈ ગયા હતા. બંને જમીને બહાર નીકળ્યા, ત્યાં જ સામે અશોકભાઈને કંપનીના એક મેનેજર મળ્યા.

“અરે અશોકભાઈ, મને આવતા લેટ થઈ ગયું, પણ તમે કેમ વહેલા જાઓ છો? ને કેવા રહ્યા મેરેજ?” એ ભાઈએ પૂછ્યું.

“અરે જવા દો ને! ખોટા ખર્ચા ને દેખાડો છે. કેટલા પૈસા વેડફી નાખ્યા એક લગ્નમાં. ડેકોરેશનમાં તો પૈસાનું પાણી જ કર્યું છે, ઉપરથી મોટા મોટા લોકોને ઇન્વાઇટ કર્યાં છે, અને જમવામાં તો કશો ભલીવાર નથી. આ જરા માથું દુઃખે છે એટલે હું નીકળું છું. આમ પણ અહીં રોકવામાં મજા નથી.” કહીને ઝડપથી બહાર નીકળી ગયા.

કાંતાબેનને સમજાયું નહીં, કે “આવતી વખતે તો લગ્નના વખાણ કરતા થાકતા નહોતા. અચાનક એમને શું થયું? જમવાનું તો કેટલું સ્વાદિષ્ટ હતું!” પણ એમને ક્યાં ખબર હતી કે હકીકતમાં મેરેજ એટલે સ્ત્રીઓનું મોહ-બજાર અને પુરુષોનું માન-બજાર! મનુષ્યનો અહંકાર એવો છે, કે માન મળે તો બધું પોઝિટીવ, પોઝિટીવ દેખાય. પણ અપમાન મળે તો બીજી જ સેકન્ડે નેગેટિવ, નેગેટિવ થઈ જાય.