શંકરનાથે માધુભાઈ સામે જોઈને કહ્યું “મીઠી નજર ? એટલે તમે મને કહેવા સમજાવા શું માંગો છો ? આ બધું ક્યારથી ચાલે છે ? હું મારાં સ્ટાફમાં, તમારાં ઉપર, બધાં ઉપર વિશ્વાસ રાખીને કામ કરું છું બધે નજર હોવાં છતાં કયાંક ત્રુટી રહી જાય છે. મેં પહેલાંજ કહ્યું એમ પાર્સલ પોસ્ટ જે કંઈ અગત્યનું હોય એ ડીલીવર થઇ ગયાં પછી મારી પાસે રજીસ્ટર સહી કરાવવા આવે છે હું આંખ મીંચી વિશ્વાસ કરીને બધે સહી કરી દઊં છું પણ મધુભાઈ હવે આવું નહીં થાય હું કાલેજ ઓફીસ પહોંચીને બધી વ્યવસ્થા ગોઠવી દઈશ.”
મધુભાઈએ શંકરનાથ તરફ કરડી આંખ કરતાં કહ્યું “શંકરનાથ તમે જે કંઈ બોલો એ વિચારીને બોલો હું તમારી સાથે ડીપાર્ટમેન્ટમાં વરસોથી છું તમે ક્લાર્ક થી આજે પ્રબંધક થઇ ગયાં એ બધી સફરનો હું સાક્ષી છું આમાં મારી કોઈ અજાણતે ભૂલ થઇ શકે સમજીને કદી નહીં આટલો વખત મીઠી નજર રાખી મસલો સુલટાવી લઈએ આગળ જતાં તમે કહેશો એમ કરીશું..”.
શંકરનાથે કહ્યું " ક્યારનાં મીઠી નજરની વાતો કરો છો... મીઠી નજર રખેને રાખી મને શું ફાયદો થવાનો ? જ્યાફ્ત તમે ઉડાવો અને પાછળનાં વૈતરાં હું સુલટાવું ? આમને આમ ચાલ્યું તો એક દિવસ...”
માધુભાઈ જોરથી હસી પડ્યાં બોલ્યાં "પેટમાં શું દુઃખે છે હવે બોલ્યાં ? સીધી સીધી વાત કરોને... હું બધુંજ ગોઠવી આપીશ”. શંકરનાથે ઉભા રહીને કહ્યું "મધુ એક વાત સ્પષ્ટ સાંભળી લે આ બધું ક્યારેય મારી નજરથી બહાર નહોતું હું બધુંજ જાણું છું તારી કે અન્ય સ્ટાફની આમાં સંડોવણી બધી જાણું છું "રિસીવ્ડ અને સેન્ડ " કરેલાં વાઉચર - સ્લીપ બધાની ઝેરોક્ષનું બંડલ મેં સંઘરી રાખ્યું છે કોણ કેટલાં પાણીમાં છે બધીજ મને ખબર છે”.
“મધુ વધુ સાંભળી લે પોરબંદર, રાજકોટ, બગસરા, મોરબી અને ગાંધીનગર સુધીનાં સેટીંગ મારાં ધ્યાનમાં છે. ગાંધીનગર ક્યારે શું પહોંચે છે મને ખબર છે કંડલા સુધી છેડો લાંબો થયો છે બોલ શું કહેવું છે ?”
મધુભાઈ જરા ટટ્ટાર થયાં બોલ્યાં "શંકરનાથ તમને તો બધીજ કડીઓ ખબર છે તો અત્યાર સુધી સાવ અજાણ્યાં નિર્દોષ બની બધું જોઈ રહેલાં ? આજ સુધી તમારાં તરફથી કોઈ માંગણી કોઈ ડીમાન્ડ નથી આવી નથી તમે યુનુસને બોલાવી વાત કરી... હું બધેજ બધું પહોંચાડતો પણ તમે ચુસ્ત બ્રાહ્મણ અને સિધ્દ્ધાંતપ્રિય માણસ જાણી તમને અમે કીધું નહીં તમારી નાંક નીચે બધું ચાલતું રહ્યું સફળતાંપૂર્વક આજસુધી કંઈ બોલ્યાં નથી અને આજે અચાનક ?”
શંકરનાથે ચહેરાં પર ભોળપણનાં ભાવ લાવીને કહ્યું “મધુ તું ખારવો (ટંડેલ ) છું જાણું છું હું રહ્યો ધર્મભીરુ બ્રાહ્મણ... તું મારો ખાસ મિત્ર પણ તેં પરદા પાછળ બધું કરી મને રીતસર અવગણ્યો... હું કશું બોલતો નહીં જોતો રહ્યો. હું તારો ઉપરી છું છેવટે છેલ્લે સહી મારી જોઈએ છેલ્લાં છ મહિનાનાં રજીસ્ટરમાં મેં સહીજ નથી કરી જયારે ઓડીટ માટે આવશે ત્યારે જવાબ આપવાનાં થશે.”
“મધુ કાન ખોલીને સાંભળી લે... હું ધર્મભીરુ જરૂર હોઈશ પણ બાયલો નથી મારે પણ કુટુંબ છે. સમાજ છે એક દીકરી પરણાવવાની છે મોટી ઊંમરે દીકરો થયો અને આઠ વર્ષમાં રિટાયર્ડ થઈશ. ઉતર્યો અધિકારી કોડીનો... તું જાણે છે તું મારી પાછળ પાછળજ રીટાયર્ડ થવાનો.”
“તારે પોરબંદર જવું પડે જઈ આવ. યુનુસને મારે મળવું નથી એ તને મળે એ પૂરતું છે એવાં ફોલ્ડરોને મળીને મારે કામ નથી પોરબંદર જઈને પેલા ઇમ્તીયાઝ અને સાગર ખેડુ નારણ ટંડેલને મળ અને અત્યારસુધીનાં જેટલાં ટ્રાન્ઝેકશન થયાં છે જે કંઈ પાર્સલ આપણે કરતાં ત્યાં સાચાં જૂઠા સરનામે મોકલ્યાં વગે કર્યા છે એમાં શું હતું ? મને નથી ખબર ? એ લોકો ફિશ , દ્વારા દ્રાય પાવડર, શંખલા, વગેરેનાં નામે પાર્સલ મોકલ્યાં છે તમે રજીસ્ટર્ડમાં એન્ટ્રી કરીને "વગે" કર્યા છે પણ મેં હજી સહીઓ નથી કરી.”
“હવે એક કહેવત છે અમારામાં મધુ ટંડેલ સાંભળી લે "વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો... તું નારણ ટંડેલને મળી આવ પછી આગળ વાત કરીશ... મને ખબર છે કે આપણાં પોસ્ટખાતા દ્વારાં સેમ્પલ જ મોકલાય છે બાકી બધો સામાન ટ્રાન્સપોર્ટમાં જાય છે અહીંની એક કડી તૂટે તો એનો આગળનો બધો કારભાર વેરવિખેર થાય. સરકારી સેવામાં પોતાનાં કામ કરે છે સુરક્ષિત રહેવાં આંગડીયા અને ખાનગી કુરીયરવાળા પકડાઈ જાય છે અને આપણે ત્યાં તારાં જેવા મીઠી નજર હેઠળ બધો કારોબાર ચલાવવા દે છે. તું કાલેજ પોરબંદર જા અને આવનાર પાર્સલ અંગે વાત કરીલે પછીજ હવે કામ થશે”.
મધુટંડેલ શંકરનાથ સામે જોઈ રહ્યો... થોડો વિચાર કરી બોલ્યો “શંકર આટલાં વખતે બધું એક સાથે વસુલ કરી લેવું છે ? મારે પોરબંદર જવાની જરૂર નથી હું ફોનથી બધું પાકું કરી લઈશ મારાં માટે આ પહેલીવાર નથી પણ તું આગળનાં રજીસ્ટર માં સહીઓ નથી કરી અને.... એનું કારણ આગળ ધરી મને દબાવવા માંગે છે ? જે હોય એ બધી વાત ખુલાસાથી કરી લે મનેય ખબર પડે છે”.
શંકરનાથે કહ્યું “નાક દબાવ્યાં વિના મોં ક્યાં ખુલે છે ? આટલાં સમયથી તમારો આ ટેબલ નીચેનો વ્યવહાર ચાલે છે મને અંધારામાં રાખી તેં લાભ લીધો મને ખબર છે અત્યારે સતયુગ નથી હું શાણો કે સારો થવાં જઈશ તો મને નુકશાન જ છે તમે બધાં ફરી જશો મારાં માથેજ દોષ દેશો... પણ મેં પોસ્ટખાતામાં માત્ર ટપાલ નથી નાંખી બહું બધું પહોચાડ્યું છે એ સમજી લેજે. તારે મને મારે તને સાથ આપવો પડશે. હાં એક વાત સમજી લે... મારે નિર્દોષ બહાર નીકળી જવું હશે તો મને તું કે કોઈ રોકી નહીં શકે એવો બંદોબસ્ત મેં કર્યો છે.”
“પણ... પણ.. જમાના સાથે રહેવું છે મારે પણ માલ બનાવવો છે આગળનું મેં વિચારી રાખ્યું છે તારીજ નાતનો વિજય ટંડેલ મારાં સાથમાં છે એટલું કહી રાખું તને... વિજય ટંડેલને ઓળખતોજ હોઈશ એનું કામ પોરબંદર, ધોધા, કંડલા,ભાવનગર, દમણ, બધેજ ધમધોકાર ચાલે છે... સુરત નવસારીમાં તો એનાં... આટલું ઘણું છે તને કહેવાં..”. એમ કહીને ચંપલ કાઢીને મંદિરનો ઘંટ વગાડી શંકરનાથ દર્શન કરવાં અંદર જતાં રહ્યાં...
વધુ આવતા અંકે - પ્રકરણ -4