લેખ:- આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
જરા કલ્પના કરો! તમે ઘણું બધું બોલી રહ્યાં છો, પણ સામેવાળી વ્યક્તિ સમજી જ નથી શકતી કે તમે શું બોલી રહ્યાં છો. તમે વારંવાર કશુંક સમજાવી રહ્યાં છો પણ કોઈ સમજતું જ નથી. પછી તમને ખબર પડે છે કે તમારો અવાજ જ નથી નીકળતો. તમે મુંગા છો. તમે કશું બોલી શકવા સક્ષમ નથી. શી હાલત થશે તમારી? હવે કેવી રીતે સમજાવી શકશો કે તમારે શું કહેવું છે? આવા લોકો માટે જ સાંકેતિક ભાષાની શોધ થઈ છે.
સૌપ્રથમ વિશ્વ સાંકેતિક દિવસ 23 સપ્ટેમ્બર 2018નાં રોજ ઉજવાયો હતો. આ તારીખ એટલાં માટે પસંદ કરવામાં આવી હતી કે આ જ તારીખના રોજ ઈ. સ. 1951માં વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફની સ્થાપના ઈટાલીનાં રોમ શહેરમાં થઈ હતી.
શું તમે સાંકેતિક ભાષા જાણો છો? જે લોકો બોલી શકતા નથી એમની વેદના સમજી એને વાચા આપવા આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ દર વર્ષે 23 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસ એક નવી થીમ સાથે ઉજવવામાં આવે છે.
સાંકેતિક ભાષામાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાની વાત સમજાવવા માટે સંકેતોનો ઉપયોગ કરે છે. જે લોકો સાંભળી અને બોલી શકતા નથી, તેઓ તેમના હાથ ચહેરા અને શરીરના હાવભાવની મદદથી વાતચીત કરે છે. આ ભાષાને સાંકેતિક ભાષા કહેવામાં આવે છે. જેમ દરેક ભાષાનું પોતાનું વ્યાકરણ અને નિયમો હોય છે, તેવી જ રીતે સાંકેતિક ભાષાનો પણ પોતાનો અભ્યાસક્રમ હોય છે.
લાખો લોકો સંચારની આ પદ્ધતિનો ઉપયોગ કરે છે.
યુનાઈટેડ નેશન્સ (UN)નાં જણાવ્યા અનુસાર, આ દિવસ વિશ્વના તમામ બહેરા લોકો અને સાંકેતિક ભાષાનો ઉપયોગ કરતા અન્ય લોકોની ભાષાકીય ઓળખ અને સાંસ્કૃતિક વિવિધતાને સમર્થન અને રક્ષણ કરવા માટે ઉજવવામાં આવે છે. બ્રિટનમાં તે ચોથી સૌથી વધુ વપરાતી ભાષા છે. વિશ્વભરમાં લાખો લોકો સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે છે. આ લાખો લોકો બધાં એવાં નથી કે જેઓ બહેરા છે, કેટલાંક એવા પણ લોકો છે કે જેઓ આ ભાષા એટલાં માટે શીખે છે કે જેથી આવા અક્ષમ લોકો સાથે વાતચીત કરી શકે. એવા ઘણા લોકો છે જેઓ તેમના જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી તેને શીખે છે. એટલે કે, તેઓ તેનો ઉપયોગ કરીને વાતચીત કેવી રીતે કરવી તે જાણવા માંગે છે.
સાંકેતિક ભાષા અન્ય કુદરતી સાંકેતિક ભાષા જેટલી જટિલ નથી અને તેની પાસે મર્યાદિત શબ્દભંડોળ છે. સાંકેતિક ભાષા એટલી મુશ્કેલ નથી જેટલી તે વ્યક્ત કરવા અથવા સમજાવવા માટે લાગે છે. જો તમારી પાસે સારા વ્યાવસાયિક શિક્ષક હોય તો આ ભાષા શીખવામાં કોઈ સમસ્યા નથી. વિકલાંગ વ્યક્તિઓના અધિકારો (CRPD) પરના કન્વેન્શન દ્વારા સાંકેતિક ભાષાના ઉપયોગને માન્યતા આપવામાં આવી છે. આ ભાષા મુંગા લોકોના જીવનની ભાષા છે.
કહેવાય છે ને કે, 'જે મૌન સમજી શકે તે બધું જ સમજી શકે.' આવી સાંકેતિક ભાષા દ્વારા દરેક બહેરા લોકોને જોડવા અને સમાજમાં તેમની હાજરીને સહજ બનાવવા માટે “વિશ્વ બહેરા દિવસ” ઉજવાય છે.
સૌપ્રથમ વખત 23 સપ્ટેમ્બર 1951માં ઈટલીના રોમ શહેરમાં બહેરાઓના સંઘ ની સ્થાપના થઈ હતી. આ વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ ની એક પહેલ હતી. 19 ડિસેમ્બર 2017 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 23 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે જાહેર કર્યો હતો. ઉપરાંત, સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે પૂરું થતું અઠવાડિયું 'બહેરાઓના અઠવાડિયા' તરીકે ઉજવાય છે.
ઈ. સ. 2022નાં વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ નાં આંકડા પ્રમાણે વિશ્વમાં આશરે 75 મીલિયન લોકો બહેરા છે. તેમાંયે 80% થી વધારે બહેરા લોકો વિકાસશીલ દેશોમાં વસે છે. છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં આવા લોકોની સંખ્યા 63 લાખ છે.
આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ઉજવવાનો હેતુ તમામ સાંભળવા માટે અશક્ત તેમજ સાંકેતિક ભાષાના અન્ય ઉપયોગકર્તાઓની સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખવાનો છે. તેનો હેતુ સાંભળવાની ક્ષતિ ધરાવતા લોકોના માનવાધિકારો જાળવવાનો અને સાંકેતિક ભાષાના ઉપયોગ વિશે તેમને જાગૃત કરવાનો છે. સાંકેતિક ભાષાઓ સંપૂર્ણ રીતે વિકસિત અને કુદરતી ભાષાઓ જે બોલાય છે, એવી ભાષાઓથી માળખાકીય રીતે અલગ પડે છે. સાંકેતિક ભાષાઓમાં પણ એક આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા અસ્તિત્વ ધરાવે છે જે ઔપચારીક રીતે આંતરરાષ્ટ્રીય બેઠકોમાં અને અનૌપચારીક રીતે પ્રવાસ અને સામાજીક મેળાવડાઓ દરમિયાન વાપરવામાં આવે છે.
દિવ્યાંગ વ્યક્તિઓનું સંમેલન સાંકેતિક ભાષાઓના ઉપયોગને જાણીને તેને પ્રોત્સાહન આપે છે. સાંકેતિક ભાષાઓ બોલાતી ભાષાઓ જેટલી જ મહત્ત્વની છે અને રાજ્યની પાર્ટીને સાંકેતિક ભાષા શીખવાની સુવિધા આપવા અને બહેરા લોકોના સમુદાયની ભાષાકીય ઓળખને પ્રોત્સાહન આપવાની ફરજ પાડે છે.
આપણા દેશમાં ઘણા લોકો સાંભળવા માટે ઝઝૂમી રહ્યા છે અને આ સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. સાંભળવામાં તકલીફ પડવી અને બહેરા હોવું એ બંનેમાં અંતર છે, બહેરા લોકોને શિક્ષણ મળી રહે અને તેને ભવિષ્યમાં પણ શિક્ષણ મેળવવા તકલીફ ન પડે તે માટે ઘણી સંસ્થાઓ આગળ આવી છે. બહેરા લોકોને પણ તેના માનવ અધિકાર મળી રહે તે માટે વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ કામ કરી રહ્યું છે.
આ ઉપરાંત કાનમાં ઈયર ફોન નાંખી ખૂબ મોટા અવાજો રાખીને કલાકો સુધી સંગીત સાંભળનાર લોકોનાં બહેરાશનાં કિસ્સાઓ પણ વધી રહ્યા છે. બહેરાશના પ્રકારો અને કારણો વિશે જાગૃતતા ફેલાવવા તેમજ આ દિવસો દરમિયાન બહેરા લોકોએ મેળવેલ ઉપલબ્ધિઓને બિરદાવવા સપ્ટેમ્બર મહિનાનાં છેલ્લાં રવિવાર ધરાવતું અઠવાડિયું બહેરા લોકો માટે ઉજવવામાં આવે છે.
બહેરાશ એ કોઈ વિકલાંગતા નથી, એ સમાજને જણાવવા અને બહેરા લોકો પણ સામાન્ય લોકો જેવી જિંદગી જીવી શકે છે તે બતાવવા તેમજ આ અઠવાડિયું ઉત્સવ મનાવવા માટે છે, પરંતુ છૂટી મનાવવા માટે નથી તેથી લોકોનાં કાન સંબંધી તકલીફ રોકવા અને લોકોને જાગૃત કરવા સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું ઉજવવામાં આવે છે.
બહેરા લોકોની વાતો અને ઈશારાઓને સમજ્યા વગર એમનાં પર અકારણ ગુસ્સો કરવો કદાપિ યોગ્ય નથી. આવા લોકો પર ગુસ્સો કરવાને બદલે પોતાની જાતને એકવાર એમની જગ્યાએ મૂકી જોવું.
સાંકેતિક ભાષા દિવસની વિવિધ થીમ:-
ઈ. સ. 2019 – વીથ સાઇન લેંગવેજ, એવરીવન ઇસ ઇન્ક્લ્યુડેડ (સાંકેતિક ભાષા સાથે દરેકનો સમાવેશ).
ઈ. સ. 2020– સાઇન લેંગવેજ રાઈટ ફોર ઓલ (સર્વને સાંકેતિક ભાષા અધિકાર)
ઈ. સ. 2021– વી સાઇન ફોર હ્યુમન રાઈટ્સ (માનવ અધિકારો માટે હસ્તાક્ષર)
ઈ. સ. 2022 - સાંકેતિક ઈશારા ભાષા અમને એક કરે છે.
સૌજન્ય:- ઈન્ટરનેટના વિવિધ વેબપેજ.
સ્નેહલ જાની