Gumraah - 15 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 15

Featured Books
Categories
Share

ગુમરાહ - ભાગ 15



ગતાંકથી...

આખરે અડધા કલાકના અરસા માટે ઘણી જ મહેનતે બેઠો થઈ શક્યો, પણ તેનાથી ઊઠીને ઊભા થઈ શકાયું નહીં .જમીન ઉપર જ બેઠા બેઠા ઘસડાતો ઘસડાતો તે બેડ ની નજીક જઈ પહોંચ્યો. બેડ ઉપર બેસવા તે ઉભો થયો પણ તેને માલુમ પડ્યું કે હજુ મારામાં જોઈએ તેટલું બળ આવ્યું નથી.
થોડીક વાર સુધી બેડ ઉપર પોતાનું માથું ટેકવી તે પડી રહ્યો. ઘડિયાળમાં એક વાગ્યો હવે ધીમે ધીમે પૃથ્વી ઉભો થયો અને બેડ ઉપર હાથ ટેકવીને બેઠો. અત્યાર સુધીમાં કેટલો સમય પસાર થયો તેનો જ તે માત્ર હિસાબ ગણતો હતો, પણ હવે તેને બીજી વસ્તુઓનો વિચાર આવવા લાગ્યો : 'કાગળ અને ચક્કર?'

હવે આગળ...

તેણે આ વસ્તુઓને માટે આમ તેમ જોયું પણ તે વસ્તુઓ તેને જોઈ નહીં હજુ તેને પૂરતી શુધ્ધિ આવી નહોતી. એકાએ કોઈ સીડી ચડતું હોય એવો અવાજ તેના કાન ઉપર આવ્યો, જેથી તેનામાં નવી આશાને અને નવું જોર આવ્યું .અવાજ તેના રૂમ નજદીક આવતો સંભળાવવા લાગ્યો. થોડીવારમાં કોઈને બોલતા તેણે સાંભળ્યા. તેણે અવાજ ઓળખ્યો .સંદીપનો છોકરોવાદી સાદ અને લાલચરણનો ઘોઘરો અવાજ એ બંને અવાજ તેને તુરંત જ પારખી કાઢ્યા. થોડીક જ વારમાં તેના રૂમના બારણા ખખડયાં. 'પૃથ્વી ,પૃથ્વી' એવી બૂમ સંભળાઈ. બારણું ખખડતા લથડતા પગે પૃથ્વી તે તરફ ગયો ;સ્ટોપર ખોલી શક્યો અને પાછો લથડતા પગલે બેડ પર આવીને બેસી ગયો .લાલચરણ અને સંદીપ રૂમની અંદર દાખલ થયા.
આવતા વેંત લાલચરણે પૂછ્યું : " કેમ, પૃથ્વી તને શું થયું છે?"
લાલચરણે સંદીપને કોફી બનાવવા કહ્યું, અને તે તૈયાર કરવા લાગ્યો તે દરમિયાન પૃથ્વી સાથે લાલચરણ બેડ પર બેસી તેને પ્રશ્ન કરવા લાગ્યો. પણ પૃથ્વીથી બોલી શકાતું નહોતું. સંદીપ કોફી બનાવી રહ્યો. પૃથ્વીને લાલ ચરણે રકાબી માં નાખી તે પાઇ .કોફી પીવાથી પૃથ્વીને સ્ફૂર્તિ આવી. પોતાની ખરી કથા લાલચરણ ને ન કહેતા પૃથ્વી એ ટૂંકમાં પતાવ્યું : "મને મૂછાૅ આવી ગઈ હતી. પણ તમે અહીં ક્યાંથી?"

"મૂછૉ આવી હતી? પણ તારા ચહેરા પર તો-"
"તમે કેમ આવ્યા છો?"
"મેં સંદીપ સાથે એક સંદેશ મોકલ્યો હતો ,પણ સંદીપે પાછા આવીને કહ્યું કે તારા રૂમનું બારણું અંદરથી બંધ છે, અને ખૂબ ખખડાવવા છતાં ખોલતો નથી, ઉપરાંત તેણે બારણાની તડમાંથી અંદર જોયું તો તને જમીન ઉપર પડેલો જોયો. મને તેણે આ વાત કહી એટલે હું તરત જ અહીં આવ્યો."

લાલચરણના વર્તનમાં અગાઉ નહીં જોયેલો એવા પ્રકારનો સંકોચ પૃથ્વીએ જણાયો, પણ તે વિષે કાંઈ નહીં બોલતાં તે ચૂપ જ રહ્યો.

"હવે હું એકદમ ઠીક છું. ચાલો, હું બહાર આવું છું. તાજી હવા માં ફરવાથી હું પાછો જેવો હતો તેઓ બની જઈશ." પૃથ્વી એ બંનેની સામે જોઈને કહ્યું :

"કોઈ ડોક્ટર -" સંદીપ એ પ્રશ્ન કર્યો.
"હા ,મિત્ર," હસીને પૃથ્વીએ કહ્યું , "આપણે તો ડોક્ટર રામાણીને ત્યાં પણ જઈશું."
ડોક્ટરની સલાહ લેવાની વાત કરવાથી લાલચરણ ઉપર શી અસર થાય છે તે જાણવા ખાતર તેણે સંદીપને તરત જ જવાબ આપી દીધો ,પણ લાલ ચરણ તેની હંમેશની પ્રકૃતિ મુજબ સાવધ હતો. તેના ચહેરા ઉપર કંઈ પણ ફેરફાર જણાતો નહોતો.

"તમને શું દર્દ થાય છે, પૃથ્વી ભાઈ ?" સંદીપ એકદમ માયાળુ અવાજે બોલ્યો.

"નહીં, નહીં, હવે તો ઠીક છે. પણ થોડીવાર પહેલા જ્યારે તે બારણું ખખડાવ્યું ત્યારે મને કોઈ વિચિત્ર જાતની લાગણીઓ થતી હતી. ચાલો, ડોક્ટરને ત્યાં આપણે જઈએ ." પૃથ્વી કપડાં પહેરી તૈયાર થયો, ને તેઓ બહાર નીકળ્યા .પૃથ્વીએ સંદીપ તથા લાલચરણને કહ્યું : "તમારે ઓફિસે જવું હોય તો જાઓ ;હું ડોક્ટરને ત્યાં જઈ થોડીવારમાં ત્યાં આવી પહોંચું છું."

તેઓ છૂટા પડ્યા. પૃથ્વી ટેક્સીમાં બેસી ડોક્ટર રામાણીને ત્યાં ગયો. હોસ્પિટલ બંધ કરવાની તૈયારી માટે હતા, એટલામાં પૃથ્વી જઈ પહોંચવાથી તેઓ અટકી ગયા.

ચક્કર વિશેની હકીકતમાં રાખીને પૃથ્વી એ દર્દની પૂરી કહાની ડોક્ટરને કહી.
ડોક્ટર એ પૃથ્વીનું હૃદય તપાસી પૂછ્યું : "પહેલા તમને કોઈ દિવસ આવો હુમલો થયો હતો ?"

" ના, કદી પણ નહિ."

"હં, કામનું દબાણ ! હું ધારું છું કે કાંઈ ભય જેવું નથી."

"મને ઝેર આપવામાં આવ્યું હોય એવા કોઈ ચિન્હ માલુમ પડે છે, ડોક્ટર ?" પૃથ્વીએ પૂછ્યું.

"જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે કંઈ કંઈ જાતના વિચાર થાય છે. ઝેરની કાંઈ પણ નિશાની તમારા શરીરમાં નથી. હું તમને દવા આપું છું જેથી તમે તરત જ સાજા થઈ જશો .હદ ઉપરાંત કામનો બોજો અને ગરમ ઋતુ સિવાય બીજું કંઈ પણ કારણ મને આ બીમારી માટે જણાતું નથી."

"પણ એક વાત તમને જણાવવી જરૂરી છે. " પૃથ્વી પોતાનો હાથ ઊંચો કરી બોલ્યો .ડોક્ટર કાંઈ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા.
"આ હાથમાં મને કોઈ ન સમજાય તેવી વેદના થઈ છે. હું બેહોશ થઈ પડ્યો તે પહેલા અંગૂઠા અને આંગળીમાંથી એની શરૂઆત થઈ હતી."

ડોક્ટર પૃથ્વીને બારી આગળ લઈ ગયો. તેણે તે હાથ ધ્યાનથી તપાસી કહ્યું : "મને તો કંઈ પણ જણાતું નથી. તમારા મનની કલ્પના છે. પોચા લોકો હંમેશા ઘણી ઘણી જાતના મનમાં તરંગો ઉઠાવે છે."

પૃથ્વીને ડોક્ટરનો તેના અભિપ્રાય માટે આભાર માન્યો. તે પોતે ડોક્ટરનું ખોટું માનતો હતો. એમ તેણે જણાવ્યું નહિં .પૃથ્વી બહાર નીકળ્યો અને 'લોક સેવક'ની ઓફિસે વોકિંગ કરતો જવા લાગ્યો. રસ્તામાં અચાનક તેને પહેલું ચક્કર અને કવર યાદ આવ્યું. તે ઝડપથી ઘર તરફ પાછો ફર્યો. તેનો વિચાર તે બંને વસ્તુઓ સાચવીને મુકવાનો હતો .તે ઘેર આવ્યો, અને ઘણી શોધ કરી પણ કઈ વળ્યું નહિ ,તે વસ્તુઓ ત્યાં ન હતી. થોડીવાર સુધી તે વિચારમાં ઉભો રહ્યો એ ચીજોનું શું થયું હશે ?પોતાના મનની અસ્થિર સ્થિતિનો વિચાર કરતા તેને શંકા થઈ કે કદાચ વધુ કાંઈ સ્વપ્ન જેવું તો નહિ હોય?

ફરી લાગ્યું કે તેમ તો ન હતું. શું કોઈ પણ જાતની નિશાની ન રહે તે માટે લાલચરણ તો તે વસ્તુઓ ઉઠાવી નહીં ગયો હોય ને ?

આગલે જ દિવસે ચક્કર વિશે વાપરેલા લાલચરણના શબ્દો તેને યાદ આવ્યા અને તુરત તેની ખાતરી થઈ કે, એ બે વસ્તુઓ ગુમ થઈ તેનું કારણ લાલચરણ જ છે. મને આશ્વાસન આપવાનો દંભ કરતી વખતે તેણે છુપી રીતે તે વસ્તુઓ લઈ લીધી હોવી જોઈએ. આમ છતાં કોઈપણ પ્રકારના નિર્દય ઇરાદા નું આળ લાલચરણ ઉપર મૂકવું તેને
વ્યાજબી લાગ્યું નહિ .લાલચરણે જ તે વસ્તુઓ લીધી હોય તેનો પુરાવો શું?

"મારે અટકી જવું જોઈએ ,વખત છતાં સહુ કાંઈ આપો આપ જણાશે."
તેણે મનમાં નક્કી કર્યું. ફરી પાછો તે બહાર નીકળ્યો અને ઓફિસે જઈ પહોંચ્યો. લાલચરણે તેને બે ત્રણ કોલમ લખવા માટે અમુક વિષયો સૂચવ્યા. પૃથ્વી પૂછ્યું : "સંદીપ સાથે તમે મને શું સંદેશો મોકલ્યો હતો ?"

લાલ ચરણે જવાબ આપ્યો : " આ લખાણ જલ્દીથી તૈયાર કરવા માટે જ મેં તને બોલાવ્યો હતો."

પૃથ્વી તેના તરફ શકની નજરે જોઈ રહ્યો .લાલ ચરણે જણાવેલું કારણ તેને યોગ્ય લાગ્યું નહીં .તેને તો એમ જ લાગ્યું કે : મારા મકાન પર સંદીપને એટલા માટે જ મોકલ્યો હોવો જોઈએ કે ચક્કર થી હું મરી ગયો છું કે કેમ તેની તેને ખબર પડે.
"ખરેખર, લાલચરણ જબરો નાટકબાજ અને વેશધારી છે. ઠીક, બચ્ચા, આગળ ઉપર જોઈ લઈશ, એમ સ્વગત કહી પૃથ્વી પોતાને સોંપાયેલું કાર્ય કરવામાં તલ્લીન થઈ ગયો.

શું પૃથ્વીથી આ રહસ્યમય ચક્કરનો ભેદ ઉકેલી શકાશે? જાણવા માટે વાંચો આગળ નો ભાગ.......
ક્રમશઃ.....