Sanskaar - 3 in Gujarati Short Stories by Amir Ali Daredia books and stories PDF | સંસ્કાર - 3

Featured Books
Categories
Share

સંસ્કાર - 3

સંસ્કાર ૩
"કેવો ગયો આજનો દિવસ?"
બાપુજીએ મને પૂછ્યું.
"બહુ જ મહેનતનું કામ છે.હુ તો થાકીને લોથ થઈ ગયો બાપુજી."
"વધારે હાડમારી નું કામ હોય તો કાલે જતો નહી.આપણે બીજું કામ શોધી લઈશું."
"ના બાપુજી.સાડી પ્રિન્ટિંગ નુ કામ છોડ્યા પછી.એક તો માંડ કામ મળ્યું છે. અને અશોક ભાઈએ કહ્યું છે કે પગાર પાણી પણ સારા મળશે.અને પગાર સારો મળતો હોય તો ગમે તેટલી મહેનતનું કામ હશે હુ કરીશ."
મેં આત્મવિશ્વાસની સાથે કહ્યુ.ત્યાં સુધી શાંતિથી અમારા બાપ દીકરા ની વાત સાંભળી રહેલા મા એ પોતાનું મૌન તોડ્યું.
"સવારે તો તું ચા પાણી પીધા વગર વયો ગયો હતો.પછી આખો દિવસ ખાવાનું કેમ કર્યું?"
માના પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે મેં આખી વાત જ ઉડાડી દેતા માને કહ્યુ.
"માં સવારે મને શાક અને રોટલી કરી આપજો.એટલે રોજ રોજ બહાર ખાવાની માથાકૂટ નહી."
બીજે દિવસે મા એ બનાવી આપેલા શાક અને રોટલી લઈને હું કામ ઉપર ગયો.ઓફિસે પહોંચતા જ ઠક્કર સાહેબે મને બોલાવ્યો.અને એક લિસ્ટ મારા હાથમાં આપતા કહ્યું.
"આમાં લખ્યું છે એ પ્રમાણે માલ કાઢ."
મેં એ પ્રમાણે બધો માલ કાઢીને ઠક્કર સાહેબની સામે મુક્યો.ઠક્કર સાહેબે એક બિલ બનાવ્યુ.અને બિલ ની પાછળ જ્યાં માલ આપવાનો હતો એ સ્ટોર નું એડ્રેસ લખ્યું.
*ભારત પ્રોવિઝન એન્ડ જનરલ સ્ટોર. રાનડે રોડ.થાણા ઈસ્ટ*
પછી મને એ બિલ આપતા કહ્યુ.
"આલે આ પાંચ રૂપિયા.અને આ એડ્રેસ ઉપર માલ પહોંચાડીને આવ."
એ બધો માલ એક પૂઠાના બોક્સમાં ભરીને પેક કર્યો.એમાં લગભગ ત્રીસ કિલો વજન હતુ.એ માથા પર ઉચકીને પાર્લા સ્ટેશને આવ્યો.ત્યાંથી ટ્રેન પકડીને દાદર ગયો.અને દાદર થી થાણા પહોંચ્યો.
માથા પર બોક્સ ઉચકીને ત્રણેક જણા ને સરનામું પૂછ્યું.ત્યારે માંડ ભારત પ્રોવિઝન એન્ડ જનરલ સ્ટોર મને મળ્યો.ત્યાં માલની ડિલિવરી આપીને. બિલની ઉપર માલ લેનારની સહી લઈને હું પાછો અમારી ઓફિસે આવ્યો.ત્યારે બપોર થઈ ગઈ હતી.ઠક્કર સાહેબે એક બીજું બિલ બનાવ્યું એ બીલ પ્રમાણે મને માલ કાઢવાનું કહ્યું.આ વખતે પહેલા કરતા માલ થોડોક ઓછો હતો આશરે વીસ.એકવીસ કિલો જેટલો.આ વખતે પણ બિલ ની પાછળ સરનામું લખ્યુ.જે ગોરેગામ વેસ્ટ ટોપીવાલા થિયેટર ની બાજુમા.
*જય ભવાની જનરલ સ્ટોર*
એમ હતુ.બીલ મારા હાથમાં આપીને ઠક્કર સાહેબે મને કહ્યુ.
"આજે તો જમવાનું લાવ્યો છે ને?"
મેં કહ્યુ.
"હા સાહેબ લાવ્યો છુ."
"તો એમ કર.પેલા જમી લે.અને પછી આ માલ ની ડીલેવરી આપી આવજે."
મેં જમી લીધું અને પછી એડ્રેસ અનુસાર એ માલ ગોરેગાંવ પહોંચાડીને આવ્યો. ત્યારે સાડા ત્રણ વાગ્યા હતા.પછી ઠક્કર સાહેબે મને અને મારી સાથે જ નવા કામ પર લાગેલા શંકર અને મોહનને ગોડાઉન ઉપર લઈ ગયા.ત્યાં તેમણે ગોડાઉન નો બધો જ સામાન અમારી પાસે પહેલા ગોડાઉનની બહાર કઢાવ્યો.પછી આખા ગોડાઉન ને સાફ કરાવીને ધોવરાવ્યું.અને પછી ફરીથી બહાર કાઢેલા માલ ને વ્યવસ્થિત મુકાવ્યો.ત્યારે રાતના નવ વાગી ગયા હતા.સતત પાંચ કલાક અમારી પાસે ઠક્કર સાહેબે લેફ્ટ રાઈટ કરાવી.
આવી રીતે પંદર દિવસ મેં દિલ દઈને કડી મહેનતથી કામ કર્યું.ફક્ત એક જ આશયથી.એવી શ્રદ્ધાથી.કે આ મહેનત ના ફળ અંતે મીઠા જ મળશે.ફળ સ્વરૂપે અશોકભાઈ ના કહેવા પ્રમાણે કે સારો એવો પગાર મળશે.
મેં આ દરમિયાન બે વાર અશોકભાઈ ને પૂછ્યું હતું.કે મને કેટલો પગાર આપશે અને બંને વખતે અશોકભાઈ એ મને આશ્વાસન આપ્યે રાખ્યું હતું કે
"ભાઈ તું ચિંતા ન કર તને સમજી વિચારીને પ્રમાણસર પગાર મળશે."
મેં જ્યારે ત્રીજીવાર અશોકભાઈ ને પૂછ્યુ.ત્યારે અશોકભાઈ એ કહ્યુ.
"અજય.આજે સાંજે આપણે ઠક્કર સાહેબને જ પૂછી લઈશું બસ?"
આજે મારો અહીં કામ કામે લાગ્યા નો પંદર મો દિવસ હતો.સાંજે કામકાજ પતી ગયા પછી હું અને અશોકભાઈ ઠક્કર સાહેબને મળ્યા.મારી સામે જ અશોકભાઈ એ મેનેજર સાહેબને પૂછ્યું
"ઠક્કર ભાઈ.તમે જ આ અજયને જણાવો કે એને કેટલો પગાર આપશો કે જેથી એને જરાક નિરાંત થાય."
અશોકભાઈ ની વાત સાંભળીને ઠક્કર સાહેબે મારી સામે જોયુ.અને કહ્યુ.
"જો ભાઈ અજય.તારી સાથે જે બે છોકરાઓ અમે રાખ્યા છે.એમને રોજના ત્રણ રુપિયા ના હિસાબે રાખ્યા છે.પણ તને ચારણીયા સાહેબની ભલામણથી રાખ્યો છે.અને પાછો તું વધારે વિશ્વાસુ.અને મહેનતુ પણ છો એટલે તને સાડા ત્રણ રૂપિયા આપીશું."
"ફક્ત સાડા ત્રણ રૂપિયા?"
મારાથી બોલાઈ જવાયુ.
"હા.કેમ ઓછા લાગે છે?"
ઠક્કર સાહેબે મને સામો સવાર કર્યો.
"ઓછા એટલે?બહુ જ ઓછા છે સાહેબ."
"તો પછી તારી ઈચ્છા.આનાથી વધારે તો અમે નહીં આપી શકીએ."
ઠક્કર સાહેબે રોકડું જ પરખાવી દીધુ.
અને હું પણ સાડા ત્રણ રૂપિયા સાંભળી ને સાવ ભાંગી પડ્યો હતો.આખો દિવસ તન તોડીને મહેનત કરવાની.અને બદલા માં ફક્ત સાડા ત્રણ રૂપિયા.આના કરતા તો સાડી પ્રિન્ટિંગમાં હું ડબલ કમાઈ લેતો હતો.અને મહેનત પણ ઘણી ઓછી.છાયડામાં બેસીને એક જ જગ્યાએ કામ કરવાનું.એટલે મેં ઠક્કર સાહેબને કહ્યુ.
"તો પછી મારો હિસાબ કરી નાખો.હું કાલથી નહીં આવુ."
"તારે ન આવવું હોય તો કાલથી ન આવતો.પણ હિસાબ તો તને પહેલી તારીખે જ મળશે.એક તારીખે સાંજે પાંચ વાગ્યા પછી આવીને તારો પગાર લઈ જજે."
"ભલે"
કહીને હું અને અશોકભાઈ ઘરે જવા નીકળ્યા.મારું હૃદય આજે બળી રહ્યું હતુ.અને એનો બળાપો મેં અશોકભાઈ પાસે ઠાલવ્યો.
"અશોકભાઈ.તમે મને પહેલા જ અણસાર આપ્યો હોત કે અહીં ફક્ત ત્રણ સાડા ત્રણ રૂપિયા જ પગાર મળે છે તો હું અહીં લાગત જ નહી.કેટલી મહેનત કરાવે છે આ લોકો.ત્રીસ ત્રીસ કિલો નું વજન ઊંચકીને.એડ્રેસ ગોતતા ગોતતા ધોમ ધખતા તડકામાં રખડવાનુ. બાર બાર કલાકની ડ્યુટી આપવાની. લોહીનું પાણી કરવાનુ.અને પગાર ફક્ત સાડા ત્રણ રૂપિયા.આનાથી ડબલ તો હું સાડી પ્રિન્ટિંગ માં કમાઈ લેતો હતો."
મારી વાત સાંભળીને અશોકભાઈ દાઢમાં બોલ્યા.
"તો એ જ કરવુ હતુ ને.છોડ્યું શું કામ?"
"આંખને લીધે.સાડી પ્રિંટીંગ ના કામમાં મને આંખમાં તકલીફ થવા લાગી હતી." મે નિરાશ સ્વરે કહ્યું.
"પણ તને સાચું કે અજય.તો મને એમ જ હતું કે પાંચ સાડા પાંચ રૂપિયા સુધી તો આપશે.એટલે જ મેં તને ત્યાં કામે લગાડ્યો હતો."
અશોકભાઈ એ હવે ખુલાસો કર્યો.
ઘરે પહોંચીને મેં બાપુજીને વાત કરી કે મેં કામ છોડી દીધું છે.તો બાપુજીએ પણ મારી વાતને સમર્થન આપ્યું કે.
"આખા દિવસની તનતોડ મહેનત પછી સાડા ત્રણ રૂપિયા બહુ જ ઓછા કહેવાય."
અને મને ધરપત બંધાવતા આગળ કહ્યું કે.
"બેટા વાંધો નહીં.આપણે બીજું કામ શોધી લઈશું."
પહેલી તારીખે હું મારા મિત્ર અશ્વિનને લઈને સાગર ડિસ્ટ્રીબ્યુટર ની ઓફિસે પગાર લેવા માટે ગયો.ઠક્કર સાહેબે તરત જ હિસાબ કરીને બાવન રૂપિયા પચાસ પૈસા મારા હાથમાં મૂક્યા.એક વાઉચર ઉપર મારી સહી લીધી.
મેં છુટ્ટા અઢી રૂપિયા શર્ટના ખિસ્સામાં રાખ્યા.અને પચાસની નોટ પેન્ટના પાછળના ખિસ્સામાં રાખી.ઓફિસ માંથી અમે બહાર નીકળ્યા.પછી અશ્વિને મને ચેતવ્યો.
"જો અજય.સાંજના ટાઈમે ટ્રેનમાં ચિક્કાર કરતી હોય છે.અને ટ્રેનમાં ખિસ્સા કાતરુ ઓનો ત્રાસ પણ ઘણો હોય છે.ગરદીમાં કોઈ ખિસ્સુ કાપી લેશે તો ઉપાધી થશે.માટે આપણે બસમાં જઈએ."
મને પણ અશ્વિન ની વાત વ્યાજબી લાગી.મારી મહેનતની કમાણી ક્યાંક ખરેખર લૂંટાઈ ગઈ તો? એ દહેશતના કારણે અમે ૨૦૩ નંબરની બસમાં ચડ્યા બસમા પણ ગરદી તો હતી જ.પણ ટ્રેન કરતાં થોડીક ઓછી.પણ અમે જ્યારે જોગેશ્વરી ઉતર્યા.અને બસ માથી ઉતરીને મેં પૈસા ચેક કરવા પેન્ટ ના ખિસ્સામાં હાથ નાખ્યો.તો મારા હોશ કોશ ઉડી ગયા.ખીસુ ખાલી થઈ ગયું હતુ.