પ્રકરણ ૧૦
આલાપે સ્વસ્થ થઈને વાત શરૂ કરી, " માયા, છેલ્લા બે મહિનાથી સાવ બદલાઈ ગઈ હતી. મારાં મેસેજીસનાં જવાબો મન હોય તો આપે નહિ તો નહીં અને મ્યુઝિક કલાસ આવવું પણ છોડી દીધું હતું. હું સાવ બેબાકળો થઈ ગયો હતો, ન તો એનું એડ્રેસ જાણું કે ન કોઈ બીજો કોન્ટેક્ટ."
"અરે અરે…એડ્રેસ નહોતું લીધું? ક્યારેક આવી નાનકડી બેદરકારી કેવી ભારે પડી જાય છે, એ હવે સમજાયુ. એનું એડ્રેસ મ્યુઝિક ક્લાસમાંથી ન મળી શકયું?" જૈનિશે પૂછ્યું.
"ના, ત્યાંથી એમ એડ્રેસ મળવું મુશ્કેલ એટલે હું સતત એને મેસેજ કરતો હતો. ખાવું પીવું કંઈ ભાવતું નહોતું. મમ્મી ગુસ્સે થતી, ફોન મૂક એણે જ તારા આ હાલ કર્યા છે. હું નાના બાળકની જેમ જીદ કરતો અને મમ્મીના હાથમાંથી ફોનની ખેંચમ ખેંચ કરતો હતો. વળી, મને માયાની પણ ચિંતા ફોન કરવાનું મન થાય. કેટલીય વાર મન પર કાબૂ નહિ રહે ને હું રિંગ કરી દેતો પણ સામે છેડેથી ઉપડતો જ નહીં. હું ઘડી ઘડી ફોન કરું અને ઘરનાં લોકો જાણે તો એને માટે મોટો પ્રોબ્લેમ ઉભો થાય એટલે શાંતિ રાખતો હતો."
"તું ખરેખર, સારો છે તે બહુ કન્ટ્રોલ રાખ્યો, તે પ્રેમ કર્યો હતો રોડ સાઈડ રોમિયોગીરી નહિ એનું આ ઉદાહરણ છે." જૈનિશ એને ખભે હાથ મૂકતા બોલ્યો.
આલાપ તો જાણે દુનિયાથી પર કોઈ ઊંડાણમાં હોય એમ ફરી બોલવા માંડ્યો, "રોજ મળતી માયા હવે અઠવાડિયે એકવાર અમારી એ જૂની મળવાની જગ્યાએ મળવા તો આવતી પણ બહુ બદલાયેલી લાગતી હતી. એ હૂંફ અને એની કથ્થઈ આંખોમાં દેખાતાં પ્રેમમાં ઓછપ અનુભવાતી હતી. હું સમજતો કે, ઘરનાં કોઈ ઇસ્યુઝ હશે કેમકે, હું પૂછું તો ફિક્કું હસતાં કહેતી, એવું કંઈ નથી તું ખોટી ચિંતા કરે છે. હું ઓકે, તને ઠીક લાગે ત્યારે તું કહેજે. કહી ચૂપ થઈ જતો હતો. એક અજીબ વાત કહું તો છેલ્લે અમે ક્યારે નજીક આવ્યાં એ પણ આટલાં દિવસોમાં ભુલાઈ ગયું હતું. હું સતત એને મેસેજીસ કરતો રહેતો એનાં જવાબ આવવાની રાહ જોતો રહેતો. બસ, માયા, માયા અને માયા જ દેખાયા કરતી. ખાવું પીવું ભૂલી ગયો હતો, ક્યારે સૂવું ક્યારે જાગવું કોઈ ટાઈમ ટેબલ જ નહિ, ઘરમાં એક અક્ષરની પણ વાતચીત નહિ, મમ્મીને બહુ ચિંતા થતી હતી. એણે ઘણું પૂછ્યું પણ મારાં તરફથી કોઈ જ જવાબ નહિ મળતાં મને ડૉકટર પાસે લઈ જવું નક્કી કર્યું. યાર, હું સમજી જ નહોતો શકતો કે મને શું થઈ રહ્યું છે? પછી શરૂ થઈ મારી ટ્રીટમેન્ટ, મમ્મીએ એક મહિનો રજા લીધી. મને ઘરની બહાર એકલો જવાની છૂટ નહોતી "
"એ બહુ અઘરું, આંટીનો ડર વ્યાજબી હતો પણ તું કદાચ એમાં જ વધુ માયામય થઈ ગયો." જૈનિશે પોતાનો વિચાર કહ્યો.
"એ જે હોય એ, પણ એક દિવસ મમ્મી એક સંબંધી ગુજરી ગયાં ત્યાં ગઈ અને હું ઘરની બહાર નીકળ્યો. મારી બાઇક એક મૉલ નજીકથી પસાર થઈ કે મેં કવિતાને એક નાનકડી છોકરી સાથે કારમાંથી ઉતરતી જોઈ. હું બાઇક પાછી વાળી ત્યાં પહોંચ્યો, બાઇક પાર્ક કરી લપાતો છુપાતો એની પાછળ ગયો. એ નાની છોકરીને ગેમ ઝોનમાં મૂકીને એ બહાર ફોન કરવા આવી અને હું એની સામે આવી ઉભો. એ ચોંકી ગઈ અને સાથે હું પણ! કેમકે, એની મને ગમતી એ સુરાહીદાર ગરદન પર કોઈકના નામનું મંગળસૂત્ર દેખાયું. એણે ફોન તરત કટ કરી દીધો અને મંગળસૂત્ર છુપાવવાની નાકામ કોશિશ કરતી દુપટ્ટો સરખો કરવા લાગી. હું મહા પરાણે બોલ્યો, તું..તું..બીજે પરણી ગઈ માયા? અને આ સાંભળી એને એકદમ પરસેવો વળી ગયો અને બોલી, તું મને મળજે એકવાર, હું તને વિગતે વાત કરીશ. એટલીવારમાં તો "મમ્મી.." કરતી એ નાનકડી છોકરી બહાર આવી. અને મેં જેમ તેમ મારી જાત સંભાળી." .
"ઓહ માય ગોડ એક્ચ્યુલ ફિલ્મી સિચ્યુએશન! આવું જોઈ સાચે મગજ ભમી જાય." બોલી જૈનિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું. આલાપનાં મોબાઈલમાં રિંગ વાગી "મમ્મી" ચમકયું એટલે જૈનિશ ચૂપ થઈ ગયો.
પરમ ઘરે ગયો અને વસંતભાઈ મીનાબેન સાથે હોસ્પિટલમાં આવ્યા. કવિતાને થોડી ફ્રેશ અને સ્વસ્થ જોઈ રાહત થઈ. આજે સુમનબેન નર્સે કવિતાને વાળમાં ઓઇલ મસાજ કરી ઓળીને બાંધી આપ્યાં હતાં. મસ્ત ઊંચી પૉની લઈ ચોટલો ગૂંથી આપ્યો હતો. કવિતા પાંચ વર્ષ નાની લાગી રહી હતી. પગ પરનાં લોહીનાં ડાઘ પણ જતાં રહ્યાં હતાં. મોઢું પણ ફેસવૉશ અને ટિશ્યુથી સાફ કરી આપ્યું હતું એટલે એકદમ સરસ ચમકી રહ્યુ હતું. સુમનબેન બહુ સારી રીતે ધ્યાન રાખી રહ્યા હતાં. કવિતાને ગળે હજી પાટો હતો પણ ટાંકા ઓગળી રહ્યા હતા. સુમનબેને આ બે ને જોઈને કહ્યું, " આ તમારી દીકરી એમ ને? મને લાગ્યું આનો ફેસ આ ભાઈ સાથે ઘણો મળતો આવે છે. બાપ મુખી દીકરી નસીબદાર હોય." કવિતાએ આ સાંભળ્યું અને ઊંડે ઊંડે એક નિઃશ્વાસ સરી પડ્યો.
સોનુ સૂઈ ગઈ હતી એટલે પરમે મિતેષને ઘરે બોલાવ્યો. પછી બન્ને પરમનાં રૂમમાં જઈ બેઠા. "મિતેષ, તું બોલ હવે ભાભીએ શું શું જણાવ્યું છે? જો દોસ્ત તારે મને દરેક વાતે સાથ આપવો પડશે. તું આ જણાવ પછી મારાં મગજમાં એક પ્લાન છે એ કહું." મિતેષે કહેવાનું શરૂ કર્યું, " હેમાના કહેવા મુજબ એ લોકો આઠેક મહિનાથી એકબીજા સાથે જોડાયેલા હતાં. બે-ત્રણ મહિના માયાના નામે ચેટ ચાલી. કવિતા એના શબ્દોનાં મોહમાં ખૂંપી રહી હતી. એની વખાણ કરવાની સ્ટાઈલ, વાતો કરવાની સ્ટાઈલ અને એને સતત "માયામયી" વાતોનો નશો થઈ ગયો હતો. કદાચ, એ મનમાં કોઈ અજબ ખુશી કંઈક નવી થ્રિલ જીવી રહી હતી. આટલી ઉંમરે પણ પોતાનાથી નાનાં એવા કૉલેજ ગોઈંગ સ્ટુડન્ટ ને પણ એ પાગલ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે! એ વાત એના છૂપા ઈગોને હવા આપી રહી હતી. એ જ્યારે પણ તારાં વખાણ સાંભળતી ત્યારે અંદરથી થોડો થોડો જીવ બાળ્યા કરતી અને પોતાને ઉતરતી સમજતી. હવે પેલાં છોકરાને મળવાથી એની એ ઈચ્છાએ જોર પકડ્યું, પેલો છોકરો પ્રેમનો માર્યો એ ઈચ્છાને અજાણપણે ખાતર આપતો રહ્યો અને એ ઈચ્છા વટવૃક્ષ બની ગઈ. તું તારે કામે અને સોનુ સ્કૂલ, ટ્યુશને, ડ્રોઈંગ ક્લાસમાં હોય ત્યારે વીડિયો કોલ્સ શરૂ થયા. એ છોકરા વિશે કોઈ ખબર નથી. એ છોકરો એકનો એક અને એની મમ્મી વર્કિંગ વુમન છે એટલી ખબર પડી છે." આટલું બધું એકસાથે બોલી એ શ્વાસ લેવા રોકાયો. પરમનાં ચહેરાના હાવભાવ સતત બદલાતાં રહેતાં હતાં. એ બોલ્યો, "મેં ક્યારેય પ્રેમ આપવામાં પાછી પાની નથી કરી, ક્યારેય એવું પણ જતાવ્યું નથી કે હું બહુ હેન્ડસમ છું. અરે એને ઈર્ષ્યા કે લઘુતાગ્રંથિ ન આવે એટલે ક્યારેય જણાવ્યું નહોતું કે મારી ફિલ્ડમાં કેટલીય છે જેણે મને ફસાવવા, પામવા કેટકેટલાં ખેલ કર્યા છે. સાચું કહું મિતેષ આ બધું સહન કરવું બહુ અઘરું છે..સોનુ ન હોત તો…વાત કંઈક જુદી જ હોત."
"હું સમજું છું પરમ." કહેતાં મિતેષે એના હાથ પર હાથ મૂકયો.
" એ છોકરાને હું નહિ છોડું, એને સબક તો શીખવાડીશ જ..પછી તું ફોડી લેજે મિતેષ.." કહેતા પરમ ગુસ્સામાં મુઠ્ઠીઓ વાળી જોરથી સોફા પર પછાડી. એટલે મિતેષે રોકતાં કહ્યું, " વેઇટ, વેઇટ માય બડી, વાંક બન્ને તરફનો છે. ફ્રોડની શરૂઆત આ તરફથી થઈ હતી. યાર,મને આવી માનસિકતા બહુ મૂંઝવે છે આવા કેસિસ માં પોતાનાનો વાંક ઇગ્નોર કરી દરેક વ્યક્તિ સામેની વ્યક્તિનો જ વાંક કેમ જોતી હશે? સૉરી, બટ તારી પાસે તો એટલીસ્ટ આવી અપેક્ષા નહોતી જ." "શું કહું મારું મગજ કામ નથી કરતું મિતેષ, આટલી દોડધામ કરી બધું સગે વગે કર્યું, કોઈ કાર્યવાહી ન થાય એની મગજમારીઓ કરી પણ હવે મને અંદર અંદર થતાં આ મૂંઝારાનું શું? હું આવું ચલાવી લઉં છું તો દુનિયાની નજરે નમાલો કહેવાઈશ ને! અને બીજું એ કે કવિતાને હાથ લગાવતાં મને એ છોકરો સતત યાદ આવશે. હું એની સાથેની દરેક અંગત પળે એ છોકરાને જોઈશ. તું સમજે છે ને મારી મૂંઝવણ? સમજદારીની સજા બહુ આકરી પડી રહી છે દોસ્ત. હું ફક્ત સોનુ માટે બધું ભૂલવાનો પ્રયત્ન કરું છું અને બીજી કમજોરી હાલની કવિતાની દર્દનીય સ્થિતી છે. પણ હવે એ સારી થશે પછી હું નોર્મલ રહી શકીશ કે નહિ એ એક મોટો સવાલ છે. ખેર, જોઈશું આગળ ઉપર." કહી પરમ ચૂપ થઈ ગયો.
ક્રમશ: