નાનકડું એવું ગામ. ને એ ગામમાં એક મધ્યમ વર્ગીય કુટુંબ રહેતું. જોકે એને કુટુંબ તો ન કહેવાય કેમ કે તે ઘરમાં એક 50 વર્ષનો પુરુષ રહેતો.
એવું નહોતું કે તે એકલો જ રહેતો. તેનો પણ એક ખૂબ મોટો પરિવાર હતો. પણ એક દુર્ઘટનામાં તેની પત્ની તેના બે બાળકો અને તેના વૃદ્ધ માતા પિતા અવસાન પામ્યા. ને ત્યારથી તે સાવ એકલો થઈ ગયો.
તે ભાઈ ના ઘરની સામે જ તે જ ગામના શિવ મંદિરના પૂજારી રહેતા હતા. તે પૂજારી આ ભાઈને છેલ્લા 30 વર્ષથી જાણતા હતા.
તે પૂજારી આ ભાઈના અત્યાર સુધીના જીવન સંઘર્ષના એકમાત્ર સાક્ષી હતા.
તે પૂજારી જાણતા હતા કે, આ ભાઈના જીવનમાં એટલા બધા ઉતાર ચઢાવ આવેલા કે જો કોઈ ઢીલો પોચો માણસ હોય તો તે તો સાવ ભાંગી જ પડે.
મધ્યમ વર્ગીય સ્થિતિ, પુરા પરિવારને ખોઈ બેસવું, ધંધામાં નુકસાન, નાની મોટી બીમારી, એકલું રહેવું. ને છતાં પણ આ ભાઈ હંમેશા ખુશ જ હોય. હું તેને દરેક પરિસ્થિતિમાં હસતા જ જોઉં છું.
આ ભાઈની ખુશીનું મૂળ કારણ શું છે? તે પહેલા પૂજારીને જાણવાની ઈચ્છા થઈ. ને એક દિવસ પૂજારીએ તે ભાઈને મળવાનો નિર્ણય કરી લીધો.
ને પૂજારી તો જઈ પહોંચ્યા પહેલા ભાઈની ઘરે.
આજ સુધી પૂજારીએ તે ભાઈનું ઘર બહારથી જ જોયું હતું. આજે પહેલી વાર તે ઘરની અંદર આવ્યા. ઘરની વ્યવસ્થા જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા. ઘરમાં કોઈ સ્ત્રી ન હોવા છતાં પણ ઘર ખૂબ સુંદર અને સ્વચ્છ હતું.
પૂજારીને ઘરમાં આવતા જોઈને પેલા ભાઈએ તેને મીઠો આવકારો આપ્યો. ને ખાટલે બેસાડ્યા. થોડી ઘણી આડી અવળી વાતો કરીને પૂજારીએ છેલ્લે તે ભાઈ ને પૂછી જ લીધું કે,
" હું તમારા જીવનને છેલ્લા 30 વર્ષથી જોઉં છું. તમારી જિંદગીમાં ખૂબ ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે. ઘણા મોટા દુઃખો પણ પડ્યા છે. ને છતાં પણ તમે હંમેશા ખુશ જ કેમ હોવ છો.. તેનું કોઈ કારણ? "
પૂજારી તે ભાઈના બાપ સમાન હોવાથી તે ભાઈએ તેને પેટ છૂટી વાત કરી ને તેના આનંદનું કારણ બતાવવા લાગ્યા કે,
" તમને તો ખબર જ હશે કે એક દુર્ઘટનામાં મારો પૂરો પરિવાર મૃત્યુ પામ્યો. ને ત્યાર પછી હું સાવ ભાંગી ગયો હતો. મને પણ મરવાના ખૂબ વિચારો આવતા. એક દિવસ સાંજે ભગવાનને ફરિયાદ કરતા કરતા હું સુઈ ગયો. ને ભગવાન મારા સપનામાં આવ્યા. ખુબ સુંદર અને સોહામણું સ્વરૂપ ને હું અર્જુનની જેમ તેના પગમાં હાથ જોડીને બેઠેલો. ને તેને મારા બધા દુઃખોની ફરિયાદ કરી રહ્યો હતો. કે હું સાવ એકલો થઈ ગયો અને મારું હવે આ દુનિયામાં કોઈ રહ્યું નથી મને પણ તું તારી પાસે બોલાવી લે."
મારા આ દુઃખ ભર્યા ઘણા સવાલો સાંભળીને ભગવાન મંદ મંદ હસવા લાગ્યા.
" ત્યારે ભગવાન ફક્ત એક જ વાક્ય બોલ્યા. ને તે વાક્ય મારા મનમાં એટલું તે ઘર કરી ગયું કે તે વાક્યના સહારેથી હું મારી પૂરી જિંદગી પણ ખુશી ખુશી વિતાવી શકું છું.
પૂજારી કહે, "તો મને પણ તે વાક્ય કહી સંભળાવ ને ".
પેલા ભાઈએ પૂજારીને કહ્યું કે, " હું તમને તે વાક્ય કહીશ નહીં પણ તમને દેખાડીશ. ચાલો મારી સાથે".ને આમ કહી તે ભાઈ પૂજારીને પોતાના પૂજા ઘરમાં લઈ ગયો. ત્યાં કૃષ્ણ ભગવાનની એક ખૂબ મોટી મૂર્તિ હતી.
તે મૂર્તિ નીચે એક ખૂબ મોટા પાટિયામાં લખ્યું હતું.
" પણ હું તો તારી સાથે જ છું ને બેટા ".......